એક અંધારી રાત્રે - 2 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અંધારી રાત્રે - 2

2.

એ સાચે જ એક સ્ત્રી હતી. યુવાન સ્ત્રી. એકદમ ડીમ લાઇટમાં પણ હું જોઈ શક્યો કે તે એકદમ ગોરી, શ્વેત ત્વચા અને લાંબા કાળા વાળ ધરાવતી સુંદર યુવતી હતી. યુવાન હોવા ઉપરાંત કદાચ ખાસ્સી ઘાટીલી સ્ત્રી લાગતી હતી. જો કે અત્યંત આછાં અજવાળાંમાં તેનો ચહેરો સ્પષ્ટ જોઈ શકાતો ન હતો.

હું ચડી ગયેલા દરવાજાને ધક્કો મારી ઓચિંતો અંદર આવવા જતાં તેની સાથે અથડાયો એટલે તે થોડી પાછળ ખસી ગઈ. શું અદ્ભુત યૌવનસભર સ્ત્રી હતી! કોઈ મ્યુઝિયમમાં મુકેલી આરસની પૂતળી જોઈ લો!

હું તેની સામે જોઉં છું તેનો તેને ખ્યાલ આવ્યો. તેણે મારી સામે નહીં પણ મારી પીઠ પાછળથી થઈ મેઈન ડોર તરફ જોયું ને દૃષ્ટિ ત્યાં ઠેરવી. જાણે રીમોટનું બટન દબાયું હોય તેમ ડોર જોરથી અથડાઈને, ફરી એના મિજાગરાઓના એ કર્કશ ચીં.. અવાજ કરતું બંધ થઈ ગયું હતું. આ વખતે લાદી સાથે ઘસાયાના અવાજ વગર.

એકાએક એમ કેમ થયું? કદાચ બહારથી આવેલાં પવનનાં ઝાપટાંથી બંધ થયું હશે?

એ મેઇન ડોર ફરી બહારથી આવતા પવનમાં પછડાવા જતું હતું પણ જાણે બહારથી કોઈએ આગળીઓ ચડાવ્યો હોય તેમ થોડું અંદર બહાર ઝૂલતું હતું.

હું મેઈન ડોર પાસેના પોર્ચમાં હતો. બહારથી વરસાદી વાદળોમાંથી ચળાઈને આવતું રહ્યુંસહ્યું અજવાળું પણ જતું રહ્યું. પોર્ચની ઝાંખી લાઈટ ડોર બંધ થતાં દેખાતી બંધ થઈ ગઈ. હવે હું મને જ જોઈ શકતો ન હતો ત્યાં એ સ્ત્રીને તો ક્યાંથી જોઈ શકું? હું, કદાચ અમે એ ઘોર અંધકારમાં ઊભાં હતાં.

મેં ફરીથી નજર એ યુવતી તરફ ઠેરવી. એ ત્યાં જ થોડે દૂર ઊભેલી. ઉપરથી વેન્ટિલેટરમાંથી બહારથી આવતાં આછાં ભૂરાં કિરણો તેની આંખો પર પડતાં તે અપાર્થિવ રીતે ચમકતી હતી. આખરે મને તે મારી સામે જોતી હોય તેમ લાગ્યું.

મેં કહ્યું "સોરી, તમને આવી ભયંકર વરસાદી રાતે ડિસ્ટર્બ કર્યાં. વાત એમ છે કે રસ્તે ખૂબ પાણી ભરાઈ ગયાં છે અને મારું બાઈક અટકી ગયું છે. હું બાઈક તમારા બંગલાનાં કમ્પાઉન્ડમાં આજની રાત મૂકી જાઉં તો વાંધો નથી ને? હું તો આવ્યો હતો તેમ ચાલ્યો જઈશ."

"જરુર. જે મારી પાસે આવે તેને હું જવા દેતી નથી. તમે આવી તો ગયા, જઈ કેવી રીતે શકશો?" તેણે કહ્યું. બંધ બંગલામાં તેનો અવાજ જાણે પડઘા પાડી રહ્યો.

મને એનો જવાબ વિચિત્ર લાગ્યો. "મતલબ? તમારી પાસે આવે તેને જવા દેતાં નથી અને હું આવી ગયો તો કેવી રીતે જઈશ એટલે?" મેં પૂછ્યું.

તેણે મારી સામે આંખો ઠેરવી. કદાચ ખૂબ ઓછા પ્રકાશમાં, તેની આંખો ફાટી પડી હોય તેવી મોટી અને સ્થિર લાગતી હતી. કોઈક રીતે, કદાચ મેઈનડોરનાં વેન્ટિલેટરમાંથી પ્રકાશ એકલો તેની આંખ પર પડતો હતો અને એ મોટી, ખુલ્લી ફાટ આંખો મારી સામે અપલક ચમકી રહી હતી. મારાં શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું.

"આવ્યા છો તો ખાલી હાથે તો નહીં જવા દઉં. મતલબ, આંગણે આવેલા કોઈને પણ હું મદદ કરી છૂટવા માગું છું. પણ કોઈ આવે તો ને? અહીં આમેય કોઈ આવતું જતું નથી. તમે આવી તોફાની રાત્રે અહીં આવ્યા. ભલે આવ્યા. વેલકમ. બાઈક કમ્પાઉન્ડમાં સલામત રહેશે." તેણે કહ્યું. કહ્યું એટલે કે મારી નજીકથી મારા કાનમાં તેનો અવાજ આવ્યો. અંધારું સંપૂર્ણ હતું અને હવે તો કાઈં જ દેખાતું ન હતું. બારણું પણ હવે સજ્જડ બંધ થઈ ગયું હતું. પેલી બહારની ડીમ લાઈટ પણ એકાએક કેવી રીતે બંધ થઈ ગઈ ?

કદાચ બારણું થોડું બહાર તરફ ખૂલ્યું કે કદાચ ઉપર વેન્ટિલેટર જેવી જગ્યાએથી પ્રકાશ આવ્યો અને પૉર્ચ નજીકના રૂમમાં છત પર લટકાતાં ઝુમ્મર પરથી પરાવર્તિત થઈ તે સ્ત્રીના મુખ પર પડ્યો હશે. અંધકારમાં તેની ખાલી આંખો ચળકી રહી. શું ચમકતી આંખો હતી! લગભગ નીલી કીકીઓ હતી.

"સો મેની થેંક્સ. તો હું હવે જાઉં. બાઇક કાલે લઈ જઈશ." કહેતો હું બારણાં તરફ ગયો.

"તમે નહીં જઈ શકો." તેણે કહ્યું.

"સોરી? હું સમજ્યો નહીં." મેં કહ્યું.

"અહીં કોઈ આવતું નથી ને આવી ગયું તો જવાની તો વાત જ ન કરશો." તેનો ફક્ત અવાજ જ સંભળાયો.

મારા શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું.

"શું.. ઉં..?" મારાથી પુછાઇ ગયું. ગળાંમાંથી માંડ અવાજ નીકળ્યો.

"આવ્યા જ છો તો આવા જોરદાર વરસાદમાં, આટલી મોડી રાતે જવાની વાત ક્યાં કરી?" તે બોલી. તેનો અવાજ એમ તો વીસ બાવીસ વર્ષની યુવતી બોલે તેવો મધુરો પણ ઊંડેથી આવતો હોય તેવો હતો. મોટા, કદાચ ખાલી બંગલામાં તેનો અવાજ પડઘાતો પણ હતો.

"ના રે ના. તમને આટલી તો તકલીફ આપી. મને વાંધો નહીં આવે. હું ગમે તેમ કરી જતો રહીશ." કહેતાં હું ફરી ડોર તરફ ફર્યો.

"બારણું જ નહીં ખૂલે." તેણે કહ્યું.

તે થોડી મારી નજીક સરકી. હું પાછો ફરી તેની વધુ નજીક ગયો અને મેં પૂછ્યું "કેમ નહીં ખૂલે? મને સમજાયું નહીં."

એક ક્ષણ તે રોકાઈ અને કહ્યું, "બારણું ચડી ગયું છે. માંડ ખૂલે તો બંધ ન થાય અને એકવાર બંધ થયું તો જલ્દી ખુલશે નહીં. ઉપરથી બહાર સારો એવો વરસાદ અને તોફાની રાત છે. આમેય આવા ભારે વરસાદમાં તમે ઘેર પહોંચી શકશો નહીં. તો અહીં જ રહી જાઓ."

મને અજુગતું લાગ્યું. એકલી યુવાન સ્ત્રી. આટલી વાર થઈ, ઘરમાંથી ન કોઈ બીજું બહાર આવ્યું, ન કોઈએ કોણ આવ્યું છે એમ પૂછ્યું.

મેં જોયું કે હું પાણીથી નીતરતો હતો અને નજીકમાં મારા પગ પાસે મારા રેઇનકોટ અને વસ્ત્રો પરથી નીતરતું નાનું ખાબોચિયું ભરાઈ ગયું હતું.

એ મારી ખૂબ નજીક ઊભેલી. એ લગભગ મારા જેટલી જ ઊંચાઈની હતી. મારી એક બાજુએ તે ઊભેલી. એની એકલી આંખો દેખાતી હતી તે પરથી મને લાગ્યું કે તે ખસી નહીં.

"તમે ખૂબ પલળી ગયા છો. આઈ વીલ એડવાઈઝ કે તમે એક વાર કપડાં બદલી લો." તેણે કહ્યું. તે કદાચ ઊંધી ફરી મારી એકદમ નજીકથી પસાર થઈ. તેનો અત્યંત સુંવાળો હાથ મારી સાથે ઘસાયો. હાથ એકદમ ઠંડો હતો. જાણે બરફમાંથી કાઢ્યો હોય.

મારા રેઇનકોટ પરથી પડતી પાણીની ધાર એ યુવતી તરફ ગઈ. તે આગળ વધી પણ નીચે તેનાં ભીનાં પગલાં પડ્યાં નહીં.

મેં મારો રેઈનકોટ કાઢ્યો અને નીચે મુકું તે પહેલાં તેણે એ રેઈનકોટ મારા હાથમાંથી લઈ લીધો. મેં શર્ટનાં ઉપરનાં ખિસ્સામાં એક પ્લાસ્ટીકનાં પાઉચ માં રાખેલ મારો મોબાઈલ કાઢ્યો એ સાથે તેણે એ પણ લઈ લીધો. મોબાઈલનું પાઉચ પલળી ગયું હતું.

તેનો હાથ પડતાં મોબાઈલની લાઈટ એ પેસેજમાં પ્રસરી રહી.

મારો નીતરતો રેઈનકોટ પોતાની પીઠે રાખી તે અંદર તરફ ગઈ. નજીકમાં કોઈ ગોખલા જેવી જગ્યાએ તેણે મોબાઈલ મૂક્યો.

મોબાઈલની રહીસહી લાઈટ બંધ થઈ જાય તે પહેલાં મેં તેની તરફ જેટલું દેખાય તેટલું જોવા નજર કરી. તે ઊંચી, ખૂબ ગોરી, પાતળી હતી. એક તો તેની ઊંચાઈ સારી એવી હતી, ઉપરથી જતાં જતાં મોબાઈલની લાઇટમાં એનો પડછાયો સામેની ભીંત પર ખૂબ મોટો દેખાયો. મને ભાસ થયો કે એની કાયા પણ વધુ ઊંચી થઈ.

એણે મોબાઈલ ગોખલામાં મૂકતા પહેલાં તેની ઉપર આંગળીઓ ફેરવી. થોડું વધુ સમય અજવાળું ચાલ્યું. એ ઝડપથી અંદર તરફ જતી દેખાઈ. તેના ખભા પર નીતરતા રેઈનકોટ નીચેથી તેના એ લાંબા અને છુટા વાળ દેખાતા હતા. હું ઊભો રહી શર્ટ બદલવા જતો હતો ત્યાં મને વિચાર આવ્યો કે આ ઘોર અંધારાંમાં હમણાં સુધી હું મને કે તેને જોઈ શકતો ન હતો તે હવે એની આખી પૃષ્ઠ આકૃતિ કેવી રીતે દેખાઈ?

એક શોર્ટ્સ અને એક ટીશર્ટ થોડે દૂરથી મારી તરફ ફેંકાયાં. ટીશર્ટનો રંગ હું સામાન્ય રીતે પહેરતો તેવો બ્લ્યુ હતો. ટુવાલ? ઠીક. એ અંદર હશે અને સખત અંધારું છે એટલે દેખાય એમ નથી. મેં ત્યાં ટુવાલ હતો જ નહીં અને સંપૂર્ણ અંધારું હતું એટલે કાઈં જ વિંટ્યા વગર હાથ ફંફોસી પેન્ટ બદલી શોર્ટ્સ પહેરી.

"અંદર ડાબી બાજુ જાઓ. મારો ડ્રોઈંગ રૂમ એ બાજુ છે. ત્યાં તમારી સામેની ભીંત પર એક સોફા છે તેની ઉપર બેસો." અંદર થોડે ઊંચેથી અવાજ આવ્યો. એક ક્ષણ વિચાર્યું, તે ચામાચીડિયાંની જેમ છત પર ઊડતી હશે? ના. તે કદાચ દાદરો ચડતી હશે.

મેં સ્પર્શથી જ અંધારામાં જલ્દીથી કપડાં બદલી લીધાં.

મેં મારૂં પેન્ટ મૂકવા જે તરફ ગોખલો દેખાયેલો તે તરફ હાથ કર્યો. મારો હાથ મોબાઈલને અડ્યો. એ સાથે તેની લાઈટ ઓચિંતી પોતાની મેળે ઝબકી ઊઠી.

મેં જોયું, તે તો તે ઉપર ગઈ ન લાગી. તે તો મારી લગોલગ ઊભેલી.

મારાં શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું.

ક્રમશ: