એક અંધારી રાત્રે - 5 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈશ્વરીય શક્તિ - ભાગ 3

    ઈશ્વરીય શક્તિ ભાગ 3   જય માતાજી મહાનુભાવો. વડીલો મિત્રો સ્ને...

  • શિવ શક્તિ

    શિવ શક્તિ શિવ શક્તિ. શિવ વગર શક્તિ અધૂરી છે અને શક્તિ વગર શિ...

  • ભાગવત રહસ્ય - 75

    ભાગવત રહસ્ય-૭૫   માયા એવી છે કે-સુખ-સંપત્તિમાં ભક્તિ કરવા દે...

  • એક ષડયંત્ર.... - ભાગ 94

    (કનિકા જજને ફોન કરી ત્યાં બોલાવે છે. જજ પણ ત્યાં આવી અને રેક...

  • હમસફર - 28

    અમન : રાહુલ અંહીયા થી ચાલ્યો જા હું ગુસ્સામાં આવીને કંઈ ખરાબ...

શ્રેણી
શેયર કરો

એક અંધારી રાત્રે - 5

5.

હું કોફી બનાવવા લાગ્યો અને તે ડ્રોઈંગ રૂમમાં ગઈ. મારા વિચારોએ એકાંતમાં જોર પકડ્યું. ચારે બાજુ સંપૂર્ણ અંધકાર. એક મીણબત્તી, સામે ગેસ, દીવાલ પર મારો જ મીણબત્તીનાં અજવાળાંમાં મોટો, ધ્રૂજતો પડછાયો અને એકદમ ભેંકાર શાંતિ સાથે વચ્ચે વચ્ચે ઓચિંતો બહાર ક્યાંક વરસાદના પાણીનો ટપકવાનો માણસનાં પગલાં જેવો અવાજ.

હું એકદમ થરથર ધ્રુજવા લાગ્યો. શું તે ચુડેલ હતી? શું તે આ તોફાની, અંધારી રાત્રે આ ભૂતિયા બંગલામાં ફરતી મનુષ્યનાં લોહીની તરસી કોઈ આત્મા હતી?

હું કિચનમાં હતો. મેં પાછળ ડોર પર એક દટ્ટાવાળું દેશી કેલેન્ડર જોયું. આજે અમાસની તિથિ હતી. અમાસના તો ભૂત પ્રેત, ચુડેલ, ડાકીની ને એવું બધું પૂરી તાકાતથી તેની શક્તિઓ અજમાવતું હોય છે એવુંએવું મેં ઘણી વાર વાંચેલું. મારાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં. બહાર વરસાદ તો ધીમો પડેલો પણ વચ્ચેવચ્ચે વીજળી ચમકી મોટો ગડગડાટ કર્યે જતી હતી. વાતાવરણ ચોક્કસ ભયપ્રદ હતું.

હવે કોણ જાણે કેમ, મારામાં હિંમતનો સંચાર થયો. સ્વસ્થતાપૂર્વક મેં કોફી બનાવી. નજીકમાં જ એક ટ્રે પડેલી દેખાઈ તેમાં સામે દેખાતા બે મગમાં કોફી રેડી, ટ્રે માં રાખી હું ટ્રે સાથે રૂમ તરફ ગયો. ડર તો હજી પણ લાગતો હતો. મારા હાથમાં ટ્રે ધ્રુજવાનો અવાજ આવતો હતો.

ઘડીમાં કોઈ પ્રેમાળ સ્ત્રી જેવું વર્તન અને ઘડીમાં - ના. મેં યાદ કર્યું. એનાં વર્તનમાં એવું ભય પમાડે તેવું ન હતું પણ તેના બોલવામાં કેટલુંક એવું આવી જતું હતું જાણે તે કોઈ પ્રેત યોનિની વ્યક્તિ હોય. તેના દેખાવમાં - આમ તો તે કોઈની પણ નજર ચોંટીને વશ થઈ જાય તેવી અદ્ભુત સુંદર યુવતી હતી પણ તેનાં પગલાં ન પડવાં, અંધકારમાં મને ન દેખાય તે તેને દેખાવું, તેની પીઠ ઢાંકવી વગેરે બાબતો જાણે મારા ડરનાં બળતામાં ઘી ઉમેરતી હતી.

કિચનથી પેસેજ સુધી મને ટાઇલ્સ પર આવતા અતિ આછા પ્રકાશને લીધે ખ્યાલ આવ્યો કે કઈ તરફ જવાનું છે. રૂમનું દ્વાર કેટલે છે એ ખ્યાલ આવ્યો પણ રૂમ ક્યાં શરૂ થયો એ દેખાતું નહોતું.

હું તેને બોલાવવા જતો હતો ત્યાં એ અત્યંત ઠંડી આંગળીઓ ટ્રે પકડેલી મારી આંગળીઓને અડી.

"લ્યો. હું મારો મગ લઈ લઉં. તમે તમારો. આ બાજુ. જમણે વળો." તેનો સાવ સામેથી આવવો જોઈતો અવાજ સહેજ દૂરથી આવ્યો. મેં મારો મગ પકડી લીધો. તે કેમ દેખાઈ નહીં! ફરી મને ડર લાગ્યો પણ હું એણે કહ્યા મુજબ વળ્યો. રૂમમાં પાછું એ આછું ભૂરું રાત્રિનું વાદળોમાંથી ચળાઈને આવતું અજવાળું હતું. મને એ ડ્રોઈંગરૂમમાં એક એન્ટીક પીસ જેવો સોફા દેખાયો. હું સોફા પાસે જતાં જ એક ખૂણે ધબ કરતો બેસી જ ગયો. તે થોડે દૂર બેઠેલી. અમારી વચ્ચે ખાલી ટ્રે પડેલી.

મેં મગમાંથી કોફીની ચુસ્કી લેવા માંડી. વરાળ નીકળી ઉપર વલયો બનાવતી હતી.

તે હજી મગ હાથમાં પકડી બેઠી હતી.

મેં સિપ લેવા શરૂ કર્યા.

કોફી પીવા સાથે મારો ડર ઓછો થતો લાગ્યો. મેં હિંમત કરી. તેની સાથે વાત કરવાની ઈચ્છા તો ખૂબ થતી હતી.

મેં કહ્યું " આ તો તમારે ઘેર મેં બનાવી. પીઓ. ઈચ્છું બરાબર બની હશે."

તેણે ખાલી સ્મિત આપ્યું.

"તમારા આવડા મોટા બંગલામાં તમે એકલાં જ કેમ છો? ઘેર કોઈ નથી?" મેં પૂછ્યું .

"રહેવું પડ્યું એવું છે. હવે ફાવી ગયું છે." તેણે કહ્યું .

"તે એક વાત પૂછું? આમ એકલાં કેટલા વખતથી રહો છો?" મેં પૂછ્યું.

તે ખડખડાટ હસી. વળી રૂમમાં પડઘા ગાજી રહ્યા.

"હવે તો હું પણ ભૂલી ગઈ છું કે હું ક્યારથી એકલી રહું છું. અહીં કોઈ આવતું નથી. તમે આવ્યા. મને ઘણા વખતે કોઈ મળ્યું."

ફરી મને એક ધ્રાસ્કો પડ્યો.

"એકલાં આવી રાતે ડર ન લાગે?" એ જો માણસ હોય તો જાણવા મેં પૂછ્યું.

"એકલી છું એટલે શું? કોઈ મને ખાઈ થોડું જવાનું છે! ખાય તે પહેલાં હું જ તેને ખાઈ, કુચો બગીચામાં ફેંકી દઉં એવી છું. પણ તમારે શું કામ છે હું એકલી છું તેનું?" તેણે કહ્યું અને કોફી પીવા લાગી. મેં કોફી બને તેટલી જલ્દી પૂરી કરી લીધી.

તે ટ્રેને બીજી બાજુ મૂકી મારી નજીક આવી. બેય બાજુ ફેલાયેલા કાળા ભમ્મ વાળ વચ્ચે એકદમ શ્વેત ગોરું મુખ અને મોટી નીલી આંખો દરવાજાની તિરાડમાંથી આવતા પ્રકાશમાં મારી સામે ઘાયલ કરતું સ્મિત આપી રહ્યાં. અંધારી રાતનું એકાંત, યુવાન પુરુષ, યુવાન સ્ત્રી અને એનું મન હરી લે તેવું સ્મિત. આમ તો એનાથી મને રોમેન્ટિક મૂડ આવવો જોઈએ પણ અત્યારે તો મને તે પણ ડરાવણું લાગ્યું.

આ સ્ત્રી હોય તો હું તેના પ્રેમમાં આ પડ્યો. સ્ત્રી જ છે. આ હસી. એની એક સરખી અને ચમકતી સફેદ દંતપંક્તિઓ પણ ચમકી ઉઠી.

"તમારું નામ?" મેં પૂછ્યું

"મને તમે ગમે તે નામે બોલાવી શકો છો. વ્હોટ ઈઝ ધેર ઈન એ નેઇમ? શેક્સપિયર કહી ગયા છે. બરાબર મિ. …?"

તેણે મારું નામ લઈ મને બોલાવ્યો. એને મારું નામ ક્યાંથી ખબર?

"ગમે તે નામે બોલાવું? તો તો- હું માય ફેર લેડી કહી બોલાવું. ખૂબ ફેર સ્કિન છે તમારી એટલે." મેં કોઈની નહીં ને વેમ્પાયર કે ભૂત સાથે ફ્લર્ટ કર્યું.

"જરૂર. ફેર લેડી. લ્યો, તમને ગમતું હોય તો યોર ફેર લેડી."

તેનું ઘાયલ કરતું સ્મિત આ વખતે મને ગમ્યું.

"તમે.. અં.. સ્ત્રી જ છો ને કે.. અં.. અર.. કોઈ ડ્રેક્યુલા .." નહોતું બોલવું પણ મારાથી બોલાઈ ગયું.

"તમને શું લાગે છે?" તેણે પૂછ્યું .

"આમ તો મારી ઉપર તમે ઉપકાર કર્યો છે, તમે આટલાં સુંદર અને માયાળુ છો પણ ક્યારેક ડર લાગે છે કે કદાચ.." શબ્દો મારા ગળામાં અટકી ગયા.

"ઠીક. તો તમે માનો એમ. હું ડ્રેક્યુલા કે વેમ્પાયર કે જે કહો તે છું અને તમે માનો છો, કહો છો તેમ આ એકાંત જગ્યાએ, બંધ ઘરમાં, ઘોર અંધારી મેઘલી રાતે એકલા મારી સામે છો. તો તો અંજામ પણ કલ્પી લીધો હશે. ખરું ને?" કહેતી તે ઊભી થઈ.

મેં મગ ઊંચકી મૂકવાનું કર્યું.. નજીકમાં ટીપોય દેખાઈ નહીં તો મારી બાજુમાં મૂકી દીધો.

મારા ધબકારા વધી ગયા. હું જાણે ફાટી પડયો. મારા શ્વાસ અટકી ગયા. તે ઊભી થઈ મારી તરફ આવી. હું બેઠો હતો, તે ઊભી થઈ મારી તરફ આવવા લાગી. એ ચાલતી ન હતી, કદાચ હવામાં તરતી હતી. ઓહ, કેટલી ઊંચી? ને વધુ ઊંચી? ને છતને આંબે એવડી ઊંચી!

તેની આકૃતિ મારી સાવ નજીક આવી અને મેં મુઠ્ઠીઓ વાળી મારી આંખો બંધ કરી દીધી.

ક્રમશ: