ખૂની ખેલ - 10 Nisha Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખૂની ખેલ - 10

પ્રકરણ ૧૦

બપોર થતાંમાં તો બધાં મહેમાનો જતાં રહ્યાં હતાં. પાડોશીઓ જરૂરી કામકાજ પૂછી પોતપોતાને ઘેર ચાલ્યાં ગયાં હતાં. આ મકાનમાં તે જન્મી તે પહેલાંથી તેઓ રહેતાં હતાં. આથી આખી સોસાયટી તેમને સારી રીતે ઓળખતી. છેલ્લાં થોડા દિવસોથી એટલાં માણસો ઘરમાં હતાં ને એટલી અવરજવર હતી તેથી ઘરનાં બારણાં ખૂલેલાં જ રાખવાં પડતાં હતાં. તે દિવસે તો બધાં જતાં રહ્યાં એટલે કાકી ઘરનાં બારણાં બંધ કરી તેમની સાથે આવીને બેઠાં. મમ્મી કાકી સાથે બહુ ક્લોઝ હતાં. બંને દેરાણી જેઠાણી નહીં બેસ્ટ ફ્રેંડ્સ હતાં, એમ કહીએ તો ચાલે. આટલાં દિવસથી આટલાં બધાંની હાજરીને લીધે એકાંતમાં વાત કરવાનો મોકો મળતો નહોતો. ‘જોબ અને કોલેજ પતાવીને સાંજે પાછાં આવશે’ કરીને કાકા અને એમની છોકરીઓ પણ જતાં રહેલાં. તેનાં પપ્પા, કાકાઓ, ફોઈ બધાં જ એકબીજાની બહુ ક્લોઝ હતાં. કોઈ વાતે મનદુઃખ નહોતું. બધાં વારતહેવાર બધાં ભેગાં મળીને આનંદથી સાથે જ ઉજવતાં. અને સુખદુઃખનાં પ્રસંગે ભેગાં જ રહેતાં.


કાકી એ દિવસ વિશે કશું પૂછશે તો શું જવાબ આપશે તે વિચારે તેનું હ્રદય ધક ધક કરવાં લાગ્યું. પણ કાકી કાંઈ પૂછે તે પહેલાં તો ડોરબેલ રણકી ઊઠી. પોલીસ હશે? એ વિચારે તેનું જોરથી ધડકતું હ્રદય ઘડીક માટે જાણે એકદમ બંધ થઈ ગયું! મન બારણું ખોલવાં દોડ્યું પણ શરીર તો ત્યાં જ મૂર્તિ બની સ્થિર થઈ ગયું. કાકી બારણું ખોલવાં ગયાં ને તો ‘પોલીસ હશે’ની બીકથી તે બેહોશ થઈ ગઈ. પોલીસ તો નહોતી. અચલ યોગી ઈશ્વરચંદને લઈને આવ્યો હતો. ડોરબેલનો અવાજ સાંભળી મયંક પણ તેનાં રૂમમાંથી નીચે આવી ગયો. તેને બેભાન જોઈ ગભરાઈ ગયો. પાણી નાંખી તેને ઉઠાડવાં જતો જ હતો કે યોગી ઈશ્વરચંદે તેને રોકી લીધો. તે જે રોજ ઘરમાં ધૂપ કરતાં તેની રાખ સાથે લાવ્યાં હતાં તે તેમણે ‘ઓમ નમઃ શિવાય’ બોલતાં બોલતાં તેની પર નાંખી. મમ્મી, મયંક અને કાકી તો શું થઈ રહ્યું છે, આ કોણ છે, શું કરી રહ્યું છે તે ના સમજાતાં અવાક બની જોતાં રહી ગયાં!


સાથે એ એક તાંબાનાં લોટામાં મંત્રોચ્ચાર કરી સિધ્ધ કરેલ પાણી પણ લાવ્યાં હતાં. તે તેમણે ઘરમાં બધે છાંટ્યું. એ બધાંનાં આશ્ચર્યની વચ્ચે તેના બેહોશ શરીરમાંથી કાંઈ ધુમાડાં જેવું નીકળતું હોય તેમ લાગ્યું. તેનાં ગળાંમાંથી વિચિત્ર અવાજો નીકળ્યાં. યોગી ઈશ્વરચંદ તેની બાજુમાં બેસી ૐકારનો જપ કરવાં લાગ્યાં. થોડીવારે જપ બંધ કરી તેમણે તેનાં પર ફરી લોટામાંથી પાણી છાંટ્યું. અને પછી એક તરફ શાંત બેસી ગયાં. રૂમમાં નિરવ શાંતિ છવાઈ ગઈ. આંખોમાં પ્રશ્નો ભરી બધાં સ્થિર બેસી રહ્યાં. થોડી મીનીટો પછી તે સળવળીને બેઠી થઈ. ચારેબાજુ જોતી ‘શું થઈ રહ્યું છે’ તેનો તાગ લેવાં માંડી. છેવટે યોગી ઈશ્વરચંદે જ નિરવ શાંતિનો ભંગ કરતાં ત્યાં હાજર સૌને બધી વાત વિગતે કરતાં કહ્યું કે હવે તે મુક્ત છે. કોઈ પણ ખરાબ તત્ત્વોની અસર તેનાં પર રહી નથી. સમગ્ર ઘરને પણ તેમણે પવિત્ર મંત્રોચ્ચાર, પાણી અને ભભૂતીથી આરક્ષિત કર્યું છે. હવે તેઓ સર્વે સુરક્ષિત છે.


તે પછી યોગી ઈશ્વરચંદે તેની અને અચલની સાથે અચલનાં ઘરે જઈ અચલનાં ઘરને અને અચલને બંનેને સુરક્ષિત કર્યાં. હવે તેમણે રીચલ અને જીએમનાં ઘરે જવાનું હતું. અચલે જીએમનું ઘર તો જોયેલું હતું. પરંતુ તે કોઈને રીચલ વિશે કાંઈ જ ખબર નહોતી. અને વળી તેણે જોબ તો ક્યારનીયે છોડી દીધેલી હતી, તેથી હવે તેનાં હાલનાં ઘર વિશે કેવીરીતે જાણવું તે પ્રશ્ન અનુત્તર હતો.


જીએમનાં ઘરે જઈ કેવીરીતે શું વાત કરવી, કેટલું કહેવું, કેટલું ના કહેવું વિગેરે વાત કરતાં કરતાં તેમણે જીએમનાં ઘરનો ડોરબેલ માર્યોં. અંદરથી કાંઈક અવાજો આવી રહ્યાં હતાં પણ કોઈએ બારણું ખોલ્યું નહીં. તેમણે ડોરબેલ ફરીને ફરી વગાડ્યાં કર્યોં. પણ, બારણું બંધ જ રહ્યું! અંદરનાં અવાજો પણ હવે બંધ થઈ ગયેલાં! હવે તેમની ધીરજ ખૂટી ગઈ. તેમણે જોર જોરથી હાથ પછાડી બારણાં ખખડાવવાં માંડ્યાં. જીએમનું અપાર્ટમેન્ટ એક મલ્ટીસ્ટોરીડ લક્ઝુરીયસ બિલ્ડીંગમાં હતું. ‘આજુબાજુવાળાં આ અવાજો સાંભળી જોવાં બહાર નીકળશે તો?’ તેવી તેને મનમાં બીક લાગવાં માંડી. ત્યાં તો હાંફતાં હાંફતાં દોડી આવી જીએમનાં મોટા સને બારણું ખોલ્યું. તેના ચહેરાં પર, શરીર પર કોઈ સાથે તાજી જ ઝપાઝપી, મારામારી થઈ હોય તેવાં સ્પષ્ટ નિશાન હતાં.


બારણું ખૂલતાં જ યોગી ઈશ્વરચંદે તેને હડસેલો મારી ખસેડ્યો અને અચલ સાથે અંદર દોડી ગયાં. તે બંનેની પાછળ તે પણ લગભગ દોડી. બધવાઈ ગયેલો જીએમનો સન બારણાં આગળ જ ખોડાઈ ગયો અને બારણું ધીરેધીરે કરતું જાતે બંધ થઈ ગયું. અંદરનાં બેડરૂમમાંથી થોડાં અવાજ આવતાં હોય તેવું લાગવાંથી એ ત્રણે સીધાં જ દોડ્યાં હતાં. અંદર જીએમ તેમની પત્ની પર તેમની લોહી નીતરતી લાલ આંખો અને બહાર નીકળેલાં દાંત સાથે ત્રાટકી રહ્યાં હતાં. અને તેમનો નાનો સન એમને છોડાવવાં પ્રયત્ન કરતો હતો. મોટો સન પણ એ પ્રયાસ કરતાં કરતાં જ બારણું ખોલવાં આવ્યો હશે તે સમજી શકાય તેમ હતું! ત્યાં પહોંચતાંની સાથે જ ક્ષણની યે રાહ જોયાં વિના યોગી ઈશ્વરચંદે જીએમની પત્ની પર સાથે લાવેલ ભભૂકી (ધૂપની રાખ) અને પેલાં લોટાનું પાણી છાંટતાં છાંટતાં મોટેથી ૐ ના રટણ કરવાં માંડ્યું. જીએમનાં વાઈફ જીએમની પકડમાંથી છૂટી એક તરફ જમીન પર નીચે પડ્યાં. હવે યોગી ઈશ્વરચંદે જીએમ પર પણ મંત્રોચ્ચાર સાથે પાણી નાંખ્યું.


જીએમે ક્રોધમાં આવી ચીચીયારી પાડી. અને એ આખાં જ અગ્નિ સમાન પ્રજ્વલિત થઈ ગયાં હોય તેવું લાગ્યું. બીકનો માર્યોં તેમનો નાનો સન એક તરફ નીચે જમીન પર બેસી પડ્યો. હવે આ બધી ધમાલથી સભાન થઈ ગયેલો મોટો સન પણ રૂમમાં દોડતો આવી કશું જોયાં વિચાર્યાં વિના જ જીએમને જોરથી ધક્કો મારી ભીંત તરફ ધકેલ્યાં અને પછી તેમનું ગળું દબાવવાં માંડ્યું. પણ જીએમનાં આખાં શરીરમાંથી નીકળતી અગનથી દાઝી ગયો અને જીએમને તેમના સને એક ઝાટકાં સાથે છોડી દીધા અને તે પણ નીચે બેસી પડ્યો. દરમિયાન નીચે પડેલ જીએમનાં વાઈફનું આખું શરીર કાળું પડી ગયું અને તે બેભાન થઈ ગયાં.