Featured Books
  • પ્રેમ અને મિત્રતા - ભાગ 2

    (પ્રથમ ભાગ માં જોયું કે રાહુલ એ નીરજા ને પ્રેમ કરે છે....અને...

  • સ્વપ્ન્સમ - ભાગ 2

    ગત. અંકથી શરુ......અનુએ આંખો ખોલી એ નામ હજી સુધી એના કાનમાં...

  • Dear Love - 3

    એક દિવસ મારા હોસ્ટેલના રૂમ પાસેથી એક છોકરી પસાર થઈ. તે એટલી...

  • લવ યુ યાર - ભાગ 74

    રહસ્યમય રીતે એક ગાડી મિતાંશની લગોલગ આવીને ઉભી રહી અને તે ગાડ...

  • સોલમેટસ - 7

    અદિતિના મૃત્યુનો આજે તેરમો દિવસ હતો. પરિવારજનો વિધિ પતાવી અન...

શ્રેણી
શેયર કરો

ઋણાનુબંધ - ભાગ-10 - અંતિમ ભાગ

ઋણાનુબંધ ભાગ -૧૦

અંતિમ ભાગ:

.


હોસ્પિટલના બેડ પર બેઠેલી પ્રિયા એની આપવીતી કહી રહી હતી. હું અને આકાશ સાંભળી રહ્યાં.

“મારી બચતના બધા પૈસા હોસ્પિટલમાં ભર્યા એમાથી ફક્ત બે દિવસનું હોસ્પિટલનું બીલ ચૂકવી શકાયું. પપ્પા બે મહિના હોસ્પિટલમાં રહ્યા. બધો ખર્ચ મિ. રાજવંશે જ ચુકવ્યો. ખૂબ મદદ કરી એમણે.

પપ્પાને સારૂ ન થયું હોસ્પિટલમાંજ દમ તોડ્યો.

મિ. રાજવંશે કરેલી આર્થિક મદદને લીધે હું એના અહેસાન નીચે દબાઈ ગઈ. હું હવે નોકરી છોડી શકું તેમ નહોતી. મેં મમ્મીને પણ પુના બોલાવી લીધી.”

“થોડા દિવસો પછી ફરીથી એમણે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. એના અહેસાનના ભાર નીચે આ વખતે એને ના પાડવી મુશ્કેલ હતી. એણે મમ્મી સાથે વાત કરી. મમ્મી એના જમાના પ્રમાણે જીવતી અને વિચારતી. એને તો આ લગ્નમાં કંઈ ખોટું લાગતુ નહોતું ઉલટું એને તો મિ. રાજવંશ પોતાની ગરીબ દીકરીનો ઉદ્ધાર કરનાર ફરીસ્તા દેખાતા હતાં. જોકે એક ગરીબ માં તરીકે એની ભાવના ખોટી પણ નહોતી.

“એટલો મોટો માણસ તને અપનાવવાનું વિચારે છે, ફક્ત ઉંમરનું બહાનુ કાઢીને પ્રસ્તાવ ઠુકરાવી દેવાનું મને યોગ્ય નથી લાગતું. મણસ તરીકે પણ સારા છે. જોને... કેટલું કર્યુ એણે આપણાં માટે! તારૂ ભાગ્ય ખૂલી જશે બેટા” માંનાં એ શબ્દો આજે પણ યાદ છે મને'

મતલબ એના પપ્પાના એક્સિડન્ટ પાછળ ખુદ રાજવંશ જવાબદાર હતો એની જાણ પ્રિયાને નહોતી નહીતર.... હું મનમાં વિચારી રહી.

મારા લગ્ન થયા અને ખરેખર મારૂ ભાગ્ય પલટાયું. એક સામાન્ય રિસેપ્શનિસ્ટ છોકરી રાતોરાત આવડા મોટા સામ્રાજ્યની માલીકણ બની ગઈ હતી. લગ્ન પછી હું મુંબઈનાં ઘરે આવી. આવડો મોટો બંગલો મેં ફિલ્મોમાં પણ ક્યારેય જોયો નહોતો. માલીકણ તરીકેનો ઠસ્સો, રીતભાત, પહેરવેશ, બોલચાલ વગેરે બધામાં તાલમેલ બેસાડવામાં મને મહિનાઓ લાગી ગયા. માણસો ઓકે મેડમ, જી મેડમ કરતા મારી આજુબાજુ ફરતાં. ઘરમાં મોટા મોટા બિઝનેસમેન, અધિકારીઓ અને પોલિટિશિયનોનો આવરો જાવરો ચાલુ જ રહેતો.

ધીમે ધીમે નવી રહેણીકરણી કોઠે પડી ગઈ પણ હેમંતને હું મનથી સ્વીકારી ના શકી. ઉંમરનો ફરક હોય કે બીજુ કંઈ મારા દિલમાં એના માટે પ્રેમની લાગણી ઉત્પન્ન નહોતી થતી. બે ત્રણ વર્ષ ઠીકઠાક પસાર થયા. દરમિયાન હું ખુદને સમજાવતી રહી. એટલા સમયમાં માનવ સ્વભાવની એક વિચિત્ર ખાસિયત મને સમજાઇ ગઈ. પૃથ્વી પરના પ્રાણીઓમાં ફક્ત માણસ જાત જ એવી છે કે જે ગમે તેવી વિપરીત પરિસ્થિતિ કે વાતાવરણને બહુ જલ્દી અપનાવી લે છે. ગરમ પ્રદેશનું જનાવર ઠંડા પ્રદેશમાં જીવી શકતુ નથી. ખારા પાણીની માછલી મીઠા જળમાં તરફડીને મરી જાય, પણ માણસ તો ગમે તેવી વિપરીત પરિસ્થિતિને વશ થઈને જીવી જવાનો સ્વભાવ ધરાવે છે.

મારા લગ્નના ત્રીજા વર્ષે મારી મમ્મીને કેન્સર ડિટેક્ટ થયુ. હેમંતે પુનામાં જ સારા ડોક્ટર પાસે એમની ટ્રીટમેન્ટ શરૂ કરાવી. માંની ટ્રીટમેન્ટ શરૂ થયાના બીજે મહીને હેમંતે મારી ઓળખાણ એના એક બિઝનેસમેન મિત્ર સાથે કરાવીને મને કહ્યું: ‘હી ઇઝ ઇમ્પ્રેસ્ડ વિથ યુ. આઇ વોન્ટ યુ ટુ સ્પેન્ડ સમ ગુડ ટાઈમ વિથ હિમ. ખૂબ મોટી ડીલ થવાની છે, મેક શ્યોર ધેટ યુ ડોન્ટ સ્પોઈલ ઈટ ફોર મી.’ મેં વિરોધ કર્યો, એણે મારા પર કરેલા ઉપકારોનું લીસ્ટ કાઢ્યું, માંની કેન્સરની સારવાર બંધ કરાવી દેવાની ધમકી આપી.

એમની શ્રીમંતાઈ, વૈભવ, પ્રતિષ્ઠા પાછળનો અસલી ચહેરો સામે આવવા લાગ્યો હતો. મારી હાલત સોનાના પાંજરે પુરાયેલા પંખી જેવી હતી. મને સમજાઇ ચુક્યુ હતું કે હેમંત રાજવંશ માટે હું કોઈને લાંચ રુશ્વતમાં આપી શકાતી એક ખૂબસુરત વસ્તુથી વિશેષ કશું નહોતી. મારો એ લોકો સાથે “સમય પસાર કરવો” એ એમના માટે એક વ્યહવાર હતો. પછી તો આવા ઘણા વ્યહવારો થયાં. હું મન મારીને જીવતી રહી.

કાલાંતરે મમ્મી પણ ગુજરી ગઈ. ખરેખર તો હવે મારે કોઈથી ડરવાની જરૂર નહોતી પણ જેમ પાંજરે પુરાયેલા પક્ષીની ઊડવાની ક્ષમતા જતી રહે છે અને પાંજરુ એને કોઠે પડી જાય છે, એમ મારામાં પણ હવે સામે થવાની હિંમત રહી નહોતી.

‘એવામાં એક દિવસ અચાનક નિખિલ મારા જીવનમાં આવ્યો. અને મને પ્રેમનો, સહજીવનનો સાચો અર્થ સમજાયો. મારા સૂના જીવનમાં પ્રેમનો રંગ ઉમેરાયો. એ અમારો સિક્યોરિટી કમ હાઉસ મેનેજર હતો. આખા ઘરની જવાબદારી એના પર હતી. નિખિલ ઉંમરમાં મારી જેવડો જ હતો. ધીમે ધીમે અમારી વચ્ચે દોસ્તી થઈ. લાગણીનો તંતુ બંધાયો. એના સહવાસમાં હું ખુશ રહેવા લાગી. એ પણ મને ખૂબ પ્રેમ કરતો. અમે બંનેએ ભાગીને એવી કોઈ જગ્યા પર નવી જીંદગી શરૂ કરવાનું નક્કી કર્યું. કે જ્યાં રાજવંશનો પડછાયો પણ ના પડે'

અમે સ્તબ્ધ થઈને ધ્યાન પૂર્વક પ્રિયાની જીવન કહાણી સાંભળી રહ્યાં હતાં. પ્રિયાની આપવીતી કરૂણ હતી. મારી જેવી સામાન્ય જીવન જીવનારી વ્યક્તિ માટે તો એકદમ આઘાતજનક, અકલ્પનીય હતી. અસ્ખલિત બોલી રહેલી પ્રિયા થોડી વાર માટે રોકાઈ, એણે ઉંડો શ્વાસ લીધો. ફક્ત આ છોકરીને લીધે જ મને મારી માં મળી હતી. જે સ્ત્રીને હું જીંદગીભર નફરત કરતી રહી એનો માં તરીકે સ્વીકારવા પાછળ પ્રિયાનો હાથ હતો. બીજા લોકોને ભલે ગમે તે લાગે પણ મારા માટે એનુ મહત્વ અનન્ય હતું, જેને હું શબ્દોમાં વર્ણવી શકુ એમ નહોતી. જીંદગીભર એનું ઋણ ચૂકવી શકું તેમ નહોતી.

પ્રિયા પોતાની વાત કન્ટિન્યુ કરવા જઈ રહી હતી કે ત્યાં બાળકી જાગીને રડવા લાગી. “એને ભૂખ લાગી હશે, હું આવું જરા ચક્કર મારીને” કહીને આકાશ બહાર નિકળ્યો. પ્રિયાએ એને લઈને છાતીએ લગાવી. બાળકીએ એની નાનકડી મુઠ્ઠીમાં પ્રિયાની આંગળી પકડી રાખી હતી. કેટલાં વિશ્વાસથી તે એની માંના ખોળામાં સૂતી હતી! સાચે જ દુનિયામાં સૌથી સુરક્ષિત જગા જો કોઈ હોય તો માંનો ખોળો છે. પ્રિયા પ્રેમથી બાળકીના માથે હાથ ફેરવી રહી હતી. કેટલું ખૂબસૂરત હતું એ દ્રશ્ય!

પ્રિયાએ એને સુવડાવી, આકાશ પણ ચક્કર મારીને આવી ગયો હતો. પ્રિયાએ એની વાત આગળ વધારી: “એ સમયે મને મારી પ્રેગનન્સીની ખબર પડી. બાળક નિખિલનુ જ હતું. અમારે બંનેને એ બાળક જોઇતુ હતું. અમારા ત્રણેની એક નાનકડી દુનિયા વસાવવાનું અમે સપનું જોવા લાગ્યા. પણ એ સપનું સાકાર કરવું એટલું આસાન નહોતું. શું થશે? કેમ થશે? ક્યાં રહેશું ઘણા પ્રશ્નો હતાં.

યોગાનુયોગ એ સમયે તું મને કોફી શોપમાં મળી ગઈ. તને મળીને મને ખૂબ સારૂ લાગતું હતું. હું હળવું ફીલ કરવા લાગી. તારી સાથે વાતો કરવામાં ગપ્પા લડાવવામાં હું દુનિયાના બધા દુખ ભૂલી જતી. દિવસભરનું ટેન્શન ભૂલી જતી.

એજ સમયમાં મને ગાયત્રી દેવી ચેરીટેબલ ટ્રસ્ટમાં ચાલતા અનૈતિક કામોની ખબર પડી. હું તો એમાં કશું કરી શકુ તેમ નહોતી પણ એક પત્રકાર હોવાથી તું ચોક્કસ કંઈક કરી શકીશ એની મને ખાત્રી હતી એટલે એ દિવસે તને બધુ કહેવાનું નક્કી કર્યું. પણ તું એ દિવસે આવી જ નહી.”

“આોહ.. હાં... કદાચ મારી મમ્મી વિશે જાણવા માટે ભાવનગર ગઈ એ દિવસ હશે તે...પણ બીજે દિવસે ત્યાંથી જ મેં તને ફોન કર્યો હતો. તારો ફોન લાગ્યો નહીં. મુંબઈ આવીને પણ મેં બહુ દિવસ તારી રાહ જોઈ અસંખ્ય ફોન કર્યા પણ તારો સંપર્ક જ થયો નહીં.” મેં કહ્યું.

‘તે દિવસે રાત્રે જ હેમંતને ખબર પડી ગઈ કે એના અનૈતિક કામો વિષે હું બધું જાણું છું. એણે મારો ફોન છીનવી લીધો. ખૂબ ધમકાવીને એક રૂમમાં મને પુરી દીધી. પાંચ દિવસ હું એ રૂમમાં રહી. છેવટે નિખિલની મદદથી બહાર નીકળી. નિખિલે ચૂપચાપ ટ્રેનમાં બેસાડીને કલકત્તા એની માસીના ઘરે પહોચાડી દીધી.’

‘નિખિલ પર હજુ સુધી કોઇને શંકા આવી નહોતી. આગળ પણ શંકા ન આવે એટલે એ રેગ્યુલર નોકરી પર જતો. એના લીધે એને રાજવંશ હાઉસમાં શું થઈ રહ્યું છે એની જાણકારી રહેતી. એ દિવસે તુ આવી હતી, મને શોધતી હતી. તે આપેલું કાર્ડ નિખિલને મળ્યું હતું.

કૌભાંડની ખબર તારા સુધી પહોંચાડવી અંત્યત જરૂરી હતી. બાળકો પર અત્યાચાર થઈ રહ્યો હતો. એમના જીવન સાથે ખિલવાડ થઇ રહ્યો હતો. બીજા કોઈ પર ભરોસો થઇ શકે તેમ નહતો એટલે નિખિલે પોતે તને મળવા બોલાવી. તે મારા વિશે, અમારા સંબંધ વિશે, અમારા આવનાર બાળક વિશે અને હેમંત રાજવંશના કૌભાંડ વિશે તને બધું વિસ્તાર પુર્વક કહેવાનો હતો. તને બધું કહીને તરત જ એ મારી પાસે આવી જવાનો હતો. પણ એની પહેલા જ હેમંતને ભનક લાગી ગઈ અને એણે નિખિલની હત્યા કરાવી દીધી.’

પ્રિયાની આંખ ભરાઈ આવી. પાણીમાં ઝીલાતા ચંદ્રના પ્રતિબિંબની જેમ કમરાની લાઇટનું પ્રતિબિંબ પ્રિયાની ભીની કથ્થઈ આંખોમાં ઝળકી રહ્યું.

“મારો પહેલો પ્રેમ હતો એ..” બોલતાં પ્રિયાનું ડુસકું નીકળી ગયું.

પ્રિયાના ગળામાં ભૂરી નસ ઉપસી આવી. ગાલ લાલ થઈ ગયાં, નાકનુ ટોચકું ગુલાબી થઇ ગયું, એની નીતરતી આંખોમાં રતાશ છવાઈ ગઈ.

મેં લાશ જોઈ હતી નિખિલની. એ દ્રશ્ય મારી આંખ સામે તરવરી ઉઠ્યું. અત્યારે પણ મારા રૂંવાડાં ઉભા થઈ ગયા. હું પણ આંસુ રોકી ન શકી. આકાશે ઉભા થઈને અમને સાંત્વના આપી. એની આંખો પણ ભીની થઈ ગઈ. મેં ઉભી થઇને પ્રિયાને પાણી આપ્યું.

સ્વસ્થ થઈને ફરી પ્રિયાએ વાત શરૂ કરી. ‘હું નિખિલને ખૂબ જ પ્રેમ કરતી હતી. એ દિવસે મારો પણ જીવ નીકળી જ ગયો હોત પણ આ બાળક માટે હું જીવી ગઈ. મેં નક્કી કરી લીધું કે હેમંત રાજવંશને પાઠ ભણાવ્યા વગર હું મરીશ નહીં. રાજવંશના માણસો મને દિવસ રાત શોધતા હતા. મારા દ્વારા એ તારા સુધી પહોંચી જાત. તારા જીવ પર ખતરો થાત એ વિચારીને મેં તારો સંપર્ક કરવાની કોશિશ ન કરી. પેલી ઓડિયો ક્લિપ મેં બારોબાર તારા સુધી પહોંચાડી. મેં જોયું કે રાજવંશની પોલ ખોલવાનો તે મરણિયો પ્રયાસ કર્યો હતો. પણ છેવટે ગમેતેમ કરીને એ છટકી ગયો.’ પ્રિયાએ ઉંડો નિસાસો નાખ્યો.

“જવા દે પ્રિયા, છોડ બધું... જો ભગવાને કેટલી પ્યારી દિકરી આપી છે તને. જે થઈ ગયું એને પાછળ મૂકીને નવી શરૂઆત કર. હવે તારી દિકરીનો વિચાર કર, એને મોટી કર અને એનુ ભવિષ્ય સંવાર.” મેં પ્રિયાને આશ્વાસન આપતાં કહ્યું.

“હું ફક્ત મારી દિકરીનો વિચાર કરીશ તો બીજી અનેક દિકરીઓનું ભવિષ્ય રોળાઈ જશે, કેટલીયનું જીવન બરબાદ થઈ જશે.” એકીટશે દિવાલ તરફ જોતા પ્રિયા બોલી.

“મતલબ?” મેં પુછ્યું.

‘કંઈ નહીં' એ બોલી: મેં તને કહ્યુ હતુંને કે મારે કંઇક જોઇએ છે તારા પાસેથી...’

મેં ડોક હલાવીને હા કહ્યુ. પ્રિયા મારી જિંદગી માંગી લે તો પણ હું આપવા તૈયાર હતી.

પ્રિયાએ એની દિકરી મારા ખોળામાં મૂકી અને બોલી ‘તુ આને મોટી કરીશ? તું આને જે આપી શકીશ એ હું કદી નહીં આપી શકું. અવની જો તું આનું વાલીપણું સ્વીકાર કરીશ તો નિશ્ચિંત થઇને મારુ ધ્યેય સાધી શકીશ.’

મને જે કુદરત પણ નહોતી આપી શકી એ પ્રિયા આપી રહી હતી. બાળકીને ગોદમાં લેતાં જ મારી આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યાં. મારી મમતા ઉફાને ચઢી. પણ ફક્ત મારા સ્વાર્થ ખાતર એ નાનકડાં જીવને એની માંથી અલગ થોડી કરાય? ખૂબ ચર્ચા થઈ પણ પ્રિયાનો નિશ્ચય પાકો હતો. મે આકાશ તરફ જોયું, મારે કોઈ નિર્ણય આકાશની મરજી વિરૂધ્ધ નહોતો લેવો. આકાશે પણ હકાર ભણ્યો.

પ્રિયાએ અમને કાયદેસર બાળકીનું વાલીપણું સોંપ્યું. અમે મારા સાસુ સસરાને વાત કરી એમણે પણ ખુશીથી સંમતિ આપી. એ લોકો પણ મુંબઈ આવી ગયા. અમે બાળકીનુ નામ “અવ્યા” રાખવાનું નક્કી કર્યું. અવ્યાનો અર્થ ‘સૂર્યનું પહેલું કિરણ.'

બધું પેપર વર્ક પુરૂ થયા બાદ અમે અવ્યાને લેવા ગયા. પ્રિયાએ જગતનું સૌથી મોટુ સુખ મારે હવાલે કર્યું હતું. જતાં વખતે પ્રિયાએ મારી સામે એક શરત રાખી ‘તું અવ્યાને કદી મારા વિશે કશું જણાવીશ નહીં' પણ મને એની આ શરત માન્ય નહોતી. અમે અવ્યાને લીધી. અશ્રુ ભીની આંખે અમે જુદા પડ્યા.

ઘરે અવ્યાનું જોરદાર સ્વાગત થયું. એ આખી રાત હું ઉંઘી શકી નહીં. મારી આખી દુનિયા એ નાનકડાં જીવની આજુબાજુ ફરતી હતી.

ઘરના બધા એની આળપંપાળ કરતા, બધાને એની હસવાની, રડવાની, સુવાની ઉઠવાની બધી વાતોની નવાઇ લાગતી. અવ્યાએ અમારી જીંદગી ખુશીથી ભરી દીધી.

હું અવ્યાને સુવડાવી રહી હતી ત્યારે વિરાટનો ફોન આવ્યો. “જલ્દી ટીવી પર ન્યુઝ ચાલુ કર અવની” એ ઉતાવળે બોલ્યો.

મેં ટીવી ચાલુ કર્યું. ન્યુઝ ચેનલ પર હેડલાઈન ચાલી રહી હતી “બંદૂકની ગોળી મારીને એમની જ પત્નીએ કરી દેશના અગ્રણી ઉદ્યોગપતિ હેમંત રાજવંશની હત્યા...”

“હત્યા કરીને સામેથી પાલીસના શરણે આવી પ્રિયા રાજવંશ”

“હેમંત રાજવંશ દ્વારા ચલાવવામાં આવતા મોટા રેકેટનો પર્દાફાશ.... પત્નીએ પોલીસને સોંપ્યા પુરાવા..”

“સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામની આડમાં ચાલતુ હતુ સેરોગસી કૌભાંડ.. થોડા સમય પહેલા જ સિને જગતના નામી સિતારાએ સેરોગસીથી મેળવેલા બાળક સાથે જોડાઇ શકે છે તાર... “

“છોકરીઓને વિદેશ મોકલી તેમની સાથે કરવામાં આવતો હતો ગેરવ્યહવાર..”

ટીવી પરના સમાચારની સાથે મારા કાન પર પ્રિયાના તે શબ્દોનાં પડઘા પડી રહ્યા હતા. “હું ફક્ત મારી દિકરીનો વિચાર કરીશ તો બીજી અનેક દિકરીઓનું ભવિષ્ય રોળાઈ જશે, કેટલીયનું જીવન બરબાદ થઈ જશે.” એના શબ્દોનો અર્થ મને હવે સમજાઈ રહ્યો હતો. અમુક વ્યક્તિ બહુ ઓછા સમય માટે આપણી જીંદગીમાં આવે પણ જતાં જતાં એનું પોતાનું અસ્તિત્વ આપણી પાસે છોડતી જાય, બસ આવી જ કંઇક હતી પ્રિયા.

હું મારી ગોદમાં રહેલી અવ્યા તરફ જોઇને બોલી: “અવ્યા, મારી માંની જેમ તારી માંએ પણ કોઈ ભૂલ નથી કરી, એ બંને અન્યાય સામે લડી. આપણી બંનેની માંની જીંદગી એક જ વળાંક પર આવીને ઉભી હતી. મારી માંએ પોતાના પર થયેલા અન્યાયમાં ખુદને ખતમ કરી, તારી માંએ બીજા પરનો અન્યાય ખતમ કરવા ખુદની જીંદગી હોમી દીધી. મારી દિકરી, આ છે આપણો ઋણાનુબંધ”

.

સમાપ્ત.

**

મારા પ્રિય વાચક મિત્રો, મારી આ નવલકથા વાંચીને આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો. આપના પ્રતિભાવોથી મને પ્રેરણા મળે છે.

**

ખૂશખબર!

મિત્રો, હું બહું જલ્દી જ તમારા માટે માતૃભારતીનાં પ્લેટફોર્મ પર લઈને આવી રહ્યો છું વહેલી સવારની ઝાંકળ જેવા તાજા પ્રેમની એક મીઠી પ્રણયગાથા. એક નવલકથા.

વાચક મિત્રો, ટૂક સમયમાં મારી નવી ધારાવાહિક નવલકથા શરૂ થશે. મને આશા છે કે તમે મારી નવી નવલકથાને પણ પ્રેમથી વધાવી લેશો.