ઋણાનુબંધ - ભાગ-8 M. Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ અને મિત્રતા - ભાગ 2

    (પ્રથમ ભાગ માં જોયું કે રાહુલ એ નીરજા ને પ્રેમ કરે છે....અને...

  • સ્વપ્ન્સમ - ભાગ 2

    ગત. અંકથી શરુ......અનુએ આંખો ખોલી એ નામ હજી સુધી એના કાનમાં...

  • Dear Love - 3

    એક દિવસ મારા હોસ્ટેલના રૂમ પાસેથી એક છોકરી પસાર થઈ. તે એટલી...

  • લવ યુ યાર - ભાગ 74

    રહસ્યમય રીતે એક ગાડી મિતાંશની લગોલગ આવીને ઉભી રહી અને તે ગાડ...

  • સોલમેટસ - 7

    અદિતિના મૃત્યુનો આજે તેરમો દિવસ હતો. પરિવારજનો વિધિ પતાવી અન...

શ્રેણી
શેયર કરો

ઋણાનુબંધ - ભાગ-8

ઋણાનુબંધ ભાગ ૮



જે નંબર પરથી મને મેસેજ આવ્યો હતો એ નંબર પર મેં કોલબેક કર્યો પણ એ ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. મને લાગ્યું કે એ નંબરનો ઉપયોગ કદાચ મને મેસેજ મોકલવા માટે જ કરવામાં આવ્યો હશે.

એ ભલે કંઇ પણ હોય બાકી ઓડિયો ક્લિપમાં જે વાતચીત હતી એ મોટો પુરાવો સાબિત થાય તેમ હતી. મને યાદ આવ્યું, એ દિવસે ઓફિસની લેન્ડલાઇન પર જે નનામો ફોન આવ્યો હતો એ આના અનુસંધાનમાં જ હતો. મેં બે ત્રણ વખત એ ક્લિપ ધ્યાનથી સાંભળી. હવે એક એક પગલું ખૂબ સમજી વિચારીને ભરવાનુ હતું. સૌ પ્રથમ તો આ ક્લિપની સત્યતા ચકાસવાની હતી. આ બધાનો સંબંધ પ્રિયા સાથે પણ હશે કે કેમ? એ લોકોને પ્રિયા મળી ગઈ હશે કે નહીં? કંઇ ખબર નહોતી પણ એક જવાબદાર પત્રકાર તરીકે આ બધી તપાસ કરી લેવાની નૈતિક રીતે મારી જવાબદારી હતી. એટલું બધું ખોટું થઈ રહ્યું હોય ત્યારે હું હાથ પર હાથ ધરીને બેસી શકું નહીં. સમાજના દુશ્મનોને ઉઘાડા પાડવાની મારી ફરજ છે. ઉતાવળ કરવામાં માલ નહોતો. બધુ ચોકસાઈ પુર્વક થાય તે જરૂરી હતું.

સૌથી પહેલા મેં આકાશને વસ્તુસ્થિતિથી વાકેફ કરીને વિશ્વાસમાં લીધો. આ બધાની અસર મારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પડી રહી હતી અને આગળ પણ પડવાની જ હતી. મારી IVF ટ્રીટમેન્ટની પહેલી સાયકલનુ રીઝલ્ટ નેગેટિવ આવ્યું હતું. બીજી સાયકલ શરૂ થવામાં હતી. મેં આકાશ સાથે મળીને IVF ટ્રીટમેન્ટની બીજી સાયકલ થોડો સમય પાછળ ઠેલવાનું નક્કી કર્યું. આકાશનો મને સંપૂર્ણ સહયોગ હતો.

એ ઓડિયો ક્લિપ હકીકતે એક ફોન રેકોર્ડીંગ હતું. એ રેકોર્ડિંગમાં બે જણા ફોન પર વાતચીત કરી રહ્યા હતા. એક અવાજ તો ગાયત્રી દેવી ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલકનો હતો. સામે છેડે કોણ હતુ તેની ખબર નહોતી, પણ એમની વાતો પરથી એટલું તો ચોક્કસ કહી શકાય કે એ બંને વચ્ચે પહેલાં પણ ઘણી વાર વાતચીત થઈ ચૂકી હતી.

મેં વિરાટને પણ બધી હકિકત કહી સંભળાવી. આ કેસ એટલો મોટો હતો કે મારી અને વિરાટની પહોંચ ટુંકી પડે એટલે અમે એડિટર ગોખલેને પણ વિશ્વાસમાં લીધા. જો કે એક એડિટર તરીકે એ અમને સીધી મદદ કરે તો બધી જવાબદારી એના ઉપર આવી જાય જો કંઈ ઉંધુ પડે તો મેનેજમેન્ટને જવાબ એમણે આપવો પડે, એટલે એ એક જવાબદાર નાગરિક તરીકે ઓફ્ફ ધ રેકોર્ડ અમારી મદદ કરવા તૈયાર થયા.

અમારા ત્રણેય વચ્ચે શું શું કરવું પડશે અને એ કેવી રીતે કરવું એની વિગતવાર ચર્ચા થઈ. આ કેસમાં મોટા મોટા નામ બહાર આવવાની પુરી શક્યતા હતી. એટલા માટે ફૂંકી ફૂંકીને એક એક પગલું માંડવાનું હતું. પહેલું સ્ટેપ તો આ આખા પ્રકરણની રજેરજ માહિતી ભેગી કરી લેવાનું નક્કી કર્યું. એના ભાગ રૂપે પહેલા એની સ્કૂલ્સમાં ગર્લસ્ હોસ્ટેલમાં ક્યાં ક્યાંથી છોકરાં છોકરીઓ આવે છે એની તપાસ કરી. પછી એ લોકોનું બેકગ્રાઉન્ડ ચેક કર્યુ. એમાંથી અમુક ચોક્કસ બાળકોનો ડેટા અલગ તારવીને એમનાં માં બાપ કે વડીલોને મળ્યા. અહીં અમને એક પેટર્ન જાણવા મળી: અમે અલગ તારવેલા મોટા ભાગના બાળકોનાં ઘરમાં મુખ્ય વ્યક્તિનું અલગ અલગ સંદિગ્ધ રીતે મૃત્યુ થયું હતું.

બીજી પેટર્ન એવી હતી કે હોસ્ટેલમાં રહેતા બધાં જ બાળકો નાના નાના ગામડામાંથી આવ્યા હતા. બધા જ ગરીબ હતાં.

ત્રીજી મહત્વની અને ધ્યાન ખેંચનારી પેટર્ન હતી કે બધા બાળકો, ખાસ કરીને છોકરીઓ રૂપાળી હતી. કોઈને પણ કશી ખોડ ખાપણ નહોતી.

મધ્યમ ઉંમરની એટલે કે કિશોરાવસ્થામાં પ્રવેશી ચૂકેલી છોકરીઓને દિવસમાં ત્રણ વાર પૌષ્ટિક ભોજન આપવામાં આવતું. તેઓ હેલ્ધી રહે એનું ખાસ ધ્યાન રાખવામાં આવતું.

અમે જેટલાં માં બાપ કે વડીલોને મળ્યા એ લોકો માટે બાળકોને શિક્ષણ મળે એના કરતા પણ બે ટંકનુ ખાવાનું મળી રહેશે એ વાત વધારે મહત્વની હતી. સંસ્થા દ્વારા આ જ વાતનો ગેરફાયદો ઉઠાવવામાં આવી રહ્યો હતો.

અમારી તપાસ જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ આપણા ઊજળા કહેવાતા સમાજનો કદરૂપો અને વિકૃત ચહેરો સામે આવતો ગયો. બોલિવૂડના કેટલાંક મનોવિકૃત પ્રોડ્યુસરો, ડિરેક્ટરો તથા કલાકારોને ત્યાં કિશોર વયનાં છોકરાઓ મોકલવામાં આવતા હતા. ત્યાં એ છોકરાઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવતું હતું. બદલામાં એ કહેવાતા ‘સ્ટાર' લોકો વારે તહેવારે રાજવંશ ઈંડસ્ટ્રીઝના ફંકશનોમાં હાજરી પુરાવતાં, એમના પ્રસંગોમાં નાચતા... એથી ભોળી પબ્લિકને હેમંત રાજવંશ પ્રત્યે અહોભાવ જાગતો. લોકો ઉપર એ એક અલગ પ્રકારનો પ્રભાવ પાડી શકતા. જ્યારે છોકરીઓનો ઉપયોગ પોલિટિશ્યનો તથા મોટા સરકારી બાબુઓને આપવામાં આવતી લાંચ તરીકે થતો હતો.

તપાસ કરતાં અમને આવી ઘણી આંચકાદાયક માહિતી મળી. અમુક છોકરીઓ તો કેટલાક ભ્રષ્ટ અધિકારીઓને હંમેશ માટે આપી દેવામાં આવી હતી, જેને તેઓ પોતાના ફાર્મ હાઉસમાં કે ઘરથી દૂર બીજા ઘરમાં હવસ સંતોષવાના સાધન તરીકે રાખતાં. છેવટે એ લોકોનું મન ભરાઈ જાય પછી એમને દેહવિક્રયના કામમાં ધકેલી દેવામાં આવતી.

આ લોકોનું નેટવર્ક ખૂબ મોટું અને અટપટું હતું. ખાલી ગુજરાત, મહારાષ્ટ્ર જ નહી પરંતુ આખા દેશમાં એ લલોકોનું રેકેટ ફેલાયેલું હતું.

સરકાર દ્વારા મહિલા તથા બાળ વિકાસ મંત્રાલય અંતર્ગતના કાયદા હેઠળ બાળકો તથા યુવતીઓનું યૌન શોષણ અને માનવ તસ્કરી વિરૂદ્ધ દેશના દરેક જિલ્લામાં સ્પેશિયલ કક્ષ બનાવવામાં આવ્યા છે. પણ સૌથી મોટો આઘાત તો અમને ત્યારે લાગ્યો કે જ્યારે અમે બધી માહિતી અને જરૂરી દસ્તાવેજો મેળવીને એનો સંપર્ક સાધ્યો. પૂરતા પુરાવા હોવા છતાં એ લોકો અમારી ફરીયાદ નોંધવા તૈયાર નહોતા. ખૂબ ચક્કર લગાવ્યા પણ કશું વળ્યુ નહીં. સોલિડ પહોંચ હતી હેમંત રાજવંશની તથા એની ગેંગની. અમારા સુત્રો પાસેથી અમને જાણવા મળ્યું કે છેક મંત્રાલયમાંથી કોઈ ફરીયાદ નહીં નોંધવાનો મૌખિક ઓર્ડર આપવામાં આવ્યો હતો. એ માણસે આ ફરીયાદ અટકાવવા માટે પણ પેલા નિર્દોષ બાળક-બાળકીઓ નો ઉપયોગ નહીં કર્યો હોય એની શું ખાતરી? એ વિચાર માત્રથી મારા રૂંવાડાં ઉભા થઈ ગયા. મારૂ હૃદય દ્રવી ઉઠ્યું. એ માણસ કોઈ પણ હદ સુધી જઇ શકે તેમ છે.

પ્રિયાના પપ્પાના અકસ્માત અને પ્રિયાનાં પોતાના ગાયબ થવાના બનાવોમાં પોલીસે કરેલા ઢાંકપિછોડા પરથી પોલીસતંત્રમાં રાજવંશની પહોંચનો અંદાજ અમને આવી ગયો હતો એટલે પોલીસ પાસે જવાનો કોઇ મતલબ નહોતો.

બધી ખબર હોવા છતાં, પુરાવા નજર સામે હોવા છતાં અમે કંઈ કરી શકતા નહોતા. બધા દરવાજા બંધ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું હતું. હતાશ કરી દેનારી પરિસ્થિતિ હતી. મારું ફ્રસ્ટ્રેશન એટલી હદે વધી ગયું હતું કે એની અસર અમારા બેડરૂમ સુધી પહોંચી હતી. હું ફક્ત શરીરથી આકાશ સાથે રહેતી મારું મન હંમેશા આ કેસમાં ખોવાયેલું રહેતું. જો કે આકાશ ક્યારેય કશું કહેતો નહીં. પણ મને એની આંખોમાં એક છૂપી ફરીયાદ વંચાતી. મને એની લાગણી દુભાવવા બદલ ગિલ્ટ ફીલ થતું.

થાકી હારીને છેવટે મેં સોશિયલ મીડિયાનો સહારો લેવાનું નક્કી કર્યું. હવે એવું કંઈક કરવું હતું કે આ કૌભાંડની ખબર સોશિયલ મીડિયા થકી આખા દેશમાં પ્રસરી જાય. એક વાર જન આક્રોશ ઉભો થાય તો સરકાર પર દબાણ આવે. એક વખત જનતાનુ દબાણ ઉભું થશે તો જ સરકારી યંત્રણા આ સમાજનાં સફેદ કોલર ગુનેગારો વિરુદ્ધ પગલાં ભરશે. હું હવે આર યા પાર કરવાનાં મૂડમાં હતી.

અત્યાર સુધીમાં ભેગી કરેલી માહિતી, હોસ્ટેલમાં ચાલતુ સ્કેન્ડલ, આની ફરીયાદ સરકાર સુધી પહોંચાડવા માટે અમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસો, સરકારી અધિકારીઓનુ વલણ, પેલી ઓડિયો ક્લિપ એ બધું સમાવિષ્ટ કરીને મેં એક વ્યવસ્થિત વિડિયો બનાવ્યો અને એ વિડિયો મે યુટ્યુબ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ તથા ટ્વિટર જેવા બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક સાથે પોસ્ટ કરી દીધો.

ભાવનાના મોજાંમાં તણાઈને મેં પગલું ભરી તો લીધુ પણ હવે અંદરથી મને ખૂબ ડર લાગી રહ્યો હતો.

મારી ગણતરી પ્રમાણેનો જનતાનો પ્રતિસાદ મળે તો જંગ જીતી જઇશ પણ જો જનતાની યોગ્ય પ્રતિક્રિયા ન આવી તો મારું આવી બનવાનું નક્કી હતું. મારી નોકરી, વર્ષોની મહેનતથી ઉભી કરેલી મારી પ્રતિષ્ઠા બધુ જ ગુમાવી બેસવાનો વારો આવે તેવી શક્યતા હતી. અરે મારું જીવન પણ ખતરામાં હતું. એ રાત્રે હું ઉંઘી ન શકી.

સવારે પાંચ સાડા પાંચ વાગ્યાથી મારો ફોન રણકવાનો શરૂ થઈ ગયો. મારો પોસ્ટ કરેલો વિડિયો જબરજસ્ત વાયરલ થઈ ગયો હતો. લોકો આક્રોષિત હતા. માનવાધિકાર સંગઠનો, મહિલા તથા બાળકોના ઉત્કર્ષ કાજે કાર્યરત NGO પણ મદદે દોડી આવ્યા. મેઈનસ્ટ્રીમ મિડિયાએ પણ દખલ લેવી પડી. સરકાર દબાણમાં આવી એટલે મોટા મોટા નેતાઓએ પીડિતોને સંપૂર્ણ ન્યાય મળશે એવી ધરપત આપી. તપાસ સમિતિઓ નિમવામાં આવી. ટૂંકમાં મામલાએ ખરેખરી તૂલ પકડી હતી.

હેમંત રાજવંશને સજા થવાની બધાને સ્વાભાવિક અપેક્ષા હતી.

તાત્કાલિક રાજવંશ કેમ્પ તરફથી ડેમેજ કંટ્રોલ શરૂ કરવામાં આવ્યું. એમણે પત્રકાર પરિષદ યોજીને દાવો કર્યો કે આ મને બદનામ કરવાનું મારા ધંધાકીય હરીફોનું ષડયંત્ર છે. એણે સામી ચેલેન્જ આપી કે જો આમા મારી કે મારી કંપનીની સંડોવણી સાબિત થાય તો મને ફાંસી પર લટકાવી દેવો. અગર આરોપ ખોટા પુરવાર થશે તો હું પત્રકાર અવની ભાટિયા પર માનહાનિનો દાવો ઠોકીશ. પછી તો આખુ સિનેમા જગત પણ હેમંત રાજવંશના જુના ‘ઉપકારો'નો બદલો ચૂકવવા રાજવંશની તરફેણમાં ઉતરી આવ્યું. મોટા મોટા મિડિયા હાઉસને સાધી લેવામાં આવ્યા. સમાચારોમાંથી હેમંત રાજવંશનુ નામ કાઢી નાખવામાં આવ્યું.

કેટલાયે સરકારી અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. હવાલદારોથી લઈને ઈન્સ્પેકટર લેવલ સુધીનાં ઘણા પોલીસોની નોકરીઓ ગઈ.

હોસ્ટેલના સંચાલક, ઉપસંચાલક, વ્યવસ્થાપક,વોર્ડન વગેરેની અટક કરવામાં આવી. ખરેખર તો હેમંત રાજવંશની જાણ બહાર કે એની સહમતિ વગર આટલું મોટુ કૌભાંડ કરવું શક્ય જ નહોતું. પણ હોસ્ટેલ સંચાલકોના માથા પર ઠીકરાં ફોડીને પોતે આબાદ છટકી ગયો.

થોડા દિવસો પછી હેમંત રાજવંશે વળી એક પત્રકાર પરિષદ બોલાવીને પોતાની સંસ્થાઓમાં જે અનૈતિક ધંધા ચાલતા હતા એને પોતે જ બંધ કરવ્યા અને પોતે જ બધા ગુનેગારોને પકડવ્યા એવું બયાન આપીને પોતે જ જશ ખાટવાની કોશિષ કરી. પછી તો ઘણા સમય સુધી બાળકો અને મહિલાઓના ઉત્થાન અર્થે કાર્યો કરતી સંસ્થાઓને મોટા મોટા ડોનેશન આપ્યા એમના ચિફ ગેસ્ટ બનીને મહિલા સન્માનના ભાષણો કર્યા. એવી રીતે પોતાની પ્રતિષ્ઠા પાછી મેળવવાનો પ્રયત્ન આદર્યો.

પૈસા હોય તો આપણા દેશમાં શું શું થઈ શકે છે એ સગી આંખે જોયા પછી મને સિસ્ટમ પરથી ભરોસો ઊઠી ગયો. આશ્વાસન લેવા પૂરતી કોઇ એક વાત હોય તો એ હતી કે આવડા મોટા રેકેટનો મારા હાથેથી પર્દાફાશ થયો અને પેલા નિર્દોષ કિશોર કિશોરીઓ નરકમાંથી છૂટ્યા. હવે બીજી વખત આવું કૌભાંડ કરવાની કમસેકમ રાજવંશની હિંમત તો નહોતી. અસલી ગુનેગારને સજા ન મળી એનો રંજ મને રહી ગયો.

પ્રિયાનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો ન હતો અને પત્તો લાગવાની શક્યતા પણ દેખાતી નહોતી.

આ બધી વાતમાં અઢી ત્રણ મહિના નીકળી ગયા. પ્રિયાનુ પ્રકરણ પણ પાછળ છૂટી ગયું હતું. જીવનમાં અમૂક વસ્તુઓ આપણાં કંટ્રોલમાં નથી હોતી એ મેં સ્વીકારી લીધું હતું. મારે મારું જીવન ભરપુર રીતે જીવવું હતું. હું આકાશ અને અમારુ બાળક... મારે એક મારી પોતાની નાનકડી દુનિયા વસાવવી હતી.

અમે IVF ટ્રીટમેન્ટ ફરીથી શરૂ કરી. મારી નોકરી, મારો સંસાર બધુ બરાબર પાટે ચડી ગયું. જોકે ટ્રીટમેન્ટ ઘણી તકલીફ દાયક હતી પણ એના ફળ સ્વરૂપે મારા ખોળામાં બાળક આવવાનું હતું એટલે એ તકલીફ મને નડતી નહોતી.

IVF ની બીજી સાયકલ સફળ રહી. મને દિવસો રહ્યા. મારી ખુશીનો પાર નહોતો. આકાશ તો મારા કરતાં કયાંય વધુ ખુશ હતો. એ તો પહેલા દિવસથી જ મારું ધ્યાન રાખવા માંડ્યો હતો. મને પાપડ ભાંગવા જેટલી પણ તસ્દી લેવા ન દે. મારા સાસુ સસરા પણ ગામડેથી આવી ગયા. બધાં ખૂબ ખુશ હતા. કેટલાય વર્ષો ની પ્રતિક્ષા પુરી થવાની હતી.

મારી લાઈફમાં બધુ વ્યવસ્થિત ચાલી રહ્યું હતું ત્યારે ત્રીજા મહિને મને રક્તસ્ત્રાવ શરૂ થયો. મને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી. પણ જે થવાનું હતું એ થઈ ચૂક્યું હતું. મિસ કેરેજ થઇ ગયું હતું. કારણ પુછ્યું તો ડોકટરે કહ્યુ કે ‘અમુક પ્રશ્નોના ઉત્તર કેવળ ભગવાન પાસે હોય છે.’ હવે હું ખરેખર થાકી ગઈ હતી. મને લાગતું હતું વિધાતા સુખ નામનો શબ્દ મારા નસીબમાં લખવાનું ભૂલી ગયા છે. સફળતા હંમેશા મારાથી વેંત છેટી રહી જાય છે. મારા સાસુ સસરા દ્રઢપણે મારી સાથે રહ્યા, એમણે મને ઘણો સપોર્ટ કર્યો. મને ધીરજ બંધાવી. આકાશે તો મને નાના બાળકની જેમ સાચવી. ખૂબ પ્રેમ વરસાવ્યો મારા પર. એક એ જ તો છે કે જેને લીધે મને જીવન જીવવા જેવું લાગે છે. ધીરે ધીરે મારી તબિયત સુધારા પર આવી. થોડી હવા ફેર થાય અને તે બહાને મારુ મન શાંત થાય એટલા માટે આકાશે મને લઇને થોડા દિવસ ડૈલહાઉઝી જવાનો પ્લાન બનાવ્યો હતો. આવતી કાલે બપોરની ફ્લાઈટ હતી. હું તૈયારીઓ કરી રહી હતી ત્યાં મારો ફોન વાગ્યો,

નંબર અજાણ્યો હતો.

મે ફોન ઉપાડ્યો “હલ્લો”

“હું પ્રિયા બોલુ છું.... મને મળવા આવી શકીશ..?”

એનો અવાજ સાંભળીને મને ગળે ડૂમો બાઝી ગયો. “હાં આવું....“ બે માંડ શબ્દો નીકળ્યા.

હજુ કંઇ લેણાદેવી બાકી હતી. ઋણાનુબંધ હતું.

આખરે એક રહસ્ય પણ ખુલવાનું હતું.

એના પોતાના મોઢે એની આપવીતી સાંભળવા મળવાની હતી.

..

ક્રમશઃ

**

શું હેમંત રાજવંશને ક્યારેય સજા મળી શકશે?

શું અવની ફરી ક્યારેક માતા બની શકશે?

પ્રિયા ક્યાં હતી આટલા દિવસ?

પ્રિયાએ અવનીને શું કામ મળવા બોલાવી?

આ બધા સવાલોના જવાબ મેળવવા માટે વાંચો નવલકથાનો આગામી ભાગ.

**

.

મિત્રો કથા એના અંત તરફ વધી રહી છે. દિવાળીની રજાઓમાં વાચકોને વધારેમાં વધારે પ્રકરણો વાંચવા મળે એ માટે મેં બનતો પ્રયત્ન કર્યો છે. માતૃભારતીના એડિટરો આવતા આઠ દિવસ દિવાળીની રજામાં રહેશે તેથી કથાનો આગળનો ભાગ થોડો વિલંબથી વાંચવા મળશે તો દરગુજર કરશો