હાસ્ય લહરી - ૬૩ Ramesh Champaneri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હાસ્ય લહરી - ૬૩

ઢોલીડા ઢોલ હવે ઝાઝો વગાડ મા..!
 
                               વિફરેલી વાઘણ જેવી તો નહિ કહેવાય, પણ વિફરેલી વાઈફની માફક, ટાઈઢ જોર તો પકડવા માંડી જ છે. સ્વેટમાંથી  પણ સળી કરે..! ગાદલું પણ એવું બરફ થઇ જાય કે,  ઉપર સુવાને બદલે, ગાદલા નીચે લપાવાનું મન થાય. ઘૂંટણીયુમાં તો આતંકવાદી ભરાય બેઠો હોય એમ ટણક મારે..!  છતાં, મક્કમ મનનો માનવી ડગુથી મગુ નહિ થાય, એનું નામ ચૂંટણીનો ઉમેદવાર..! ઢોલીનો ઢોલ વાગતાં,ઘરડી પણ લગનમાંઘૂંટણીએ નાચવા માંડે, એમ ચૂંટણી જાહેર થાય એટલે,  ‘દિલ દે ચૂકે સનમ‘ ની માફક ઉમેદવારોનો રાફડો ફાટે..! પછી તો, ચૂંટણીનો મારગ છે શૂરાનો નહિ કાયરનું કામ જોને..! ચૂંટણી લડવી એટલે મોતના કુવામાં મોટર સાઈકલ ચલાવવા જેટલું સહેલું નથી.. ચૂંટણી હોય કે ચગડોળ, બંને સરખા. ચગડોળ ઊંચું પણ જાય, ને નીચું પણ આવે. એમ ચૂંટણીમાં ચઢતી પણ આવે ને પડતી પણ આવે. ચઢે તે પડે ને પડે તે ચઢે. ફેર એટલો જ કે, ચગડોળ નીચું  આવે ત્યારે ગુદગુદી થાય, ને ઉમેદવાને  ઉપર ચઢે ત્યારે ગુદગુદી નહિ થાય, શ્વાસ અધ્ધર થઇ જાય..!  એ તો સારું છે કે, ભગવાને નેતાનોની પાચન શક્તિ મજબુત રાખી છે, ઘાત, આઘાત ને પ્રત્યાઘાતને તો શીરાની માફક પચાવી  જાય..!          
                     આ તો એક અનુમાન કે,  મતદાર યાદીના બધાં જ મતદારો ચૂંટણી લડતા નીકળે તો થાય શું..? શાસન ટેન્શનમાંઆવી જાય.!  શાસનથી કંઈ દુ:શાસન થોડું થવાય..? આ ચૂંટણી પણ એક માયાજાળ છે દોસ્ત..!  ને એમાં ઉમેદવાર મહા માયાજાળ હોય..! ઘરડુંને પણ ઘૂંટણ ભંગાવાની ઉપડે, ત્યારે ચૂંટણીમાં એકાદ ગલોટિયું ખાવા ઉમેદવારી કરી નાંખે. અમારા ચમનીયાની જ વાત કરું તો, એના કપાળમાં કાંદા ફોડું, એનો ઈતિહાસ એટલે ભારે  બિહામણો..! ત્રણ-ત્રણ વખતચૂંટણી હારેલો ને ત્રણેય વખત ડીપોઝીટ પણ ડૂલ થયેલી. ચોથી ચોક પૂરશે એવાં અંધવિશ્વાસથી એણે ચોથી વખતના પણ ચૂંટણીની પીઠી ચઢાવી. પણ સમાજને નેતાની કદર હોવી જોઈએ. કે, લોકસેવા કરવામાં, ઘસાય-ઘસાયને બિચારાં કેવાં રૂપિયાની પાવલી જેવાં થઇ જાય, છતાં અમુક તો આદર કરવાને બદલે, ચાદર ઓઢાડતાં હોય એમ કાળા વાવટા કાઢે. સામો મળ્યો તો દીપડો ભેટ્યો હોય એમ, ડોળા ફાડીને જુએ. ત નેતાએ કહેવું પડે કે, ડોળા નહિ કાઢ દોસ્ત, ‘યદા યદા હી ધર્મસ્ય’ ની માફક ‘યદા યદા હી ચૂંટણીસ્ય’ પ્રમાણે અમારે તમને મળવા તો આવવું જ પડે. જંગલના રાજા સિંહ જેવું નથી, કે વગર ચૂંટણીએ અમને રાજા બનાવી દે.અમારે તો ચૂંટાવું જ પડે. આ તો લગનના રીવાજ જેવું છે ભાઈ..! લગન આવે ત્યારે જ હાડકે પીઠી ચઢાવવી પડે, એમ ચૂંટણી આવે ત્યારે જ લોકોની દાઢીમાં હાથ નાંખવા પડે. ભલે તમે મારા અન્નદાતા નથી, પણ મતદાતા નથી, પણ મતદાતા અન્નદાતાથી પણ મહાન છે..!  લગનમાં જેમ ફરજીયાત પીઠી ચઢાવવી પડે, ને ઢોલ નગારા વગાડવા પડે, એમ ચૂંટણી આવે, એટલે અમારે પણ ઢંઢેરાના ઢોલ તો વગાડવા પડે. મારી તો બહુ ઈચ્છા હતી કે, આ વખતના ઢંઢેરામાં દરેકને પોતપોતાનું ‘પ્રાઈવેટ’ સ્મશાન આપવું. એકવાર મને ચૂંટીને મોકલો, આવતા ઢંઢેરામાં એની પણ જોગવાઈ કરાવીશ. ભલે એનું ઉદ્ઘાટન મારે જાતે કરવું પડે..!  (તારા કપાળમાં કાંદા ફોડું..! ) ગામનો વિકાસ આપણે જ સૌએ કરવાનો છે. ચાઈનાથી જીનપીંગ કાકાના માણસો આવવાના નથી. મારી ડીપોઝીટ ડૂલ થયેલી, એ દિવસ હું હજી ભૂલ્યો નથી. માટે ફરીથી એ તકલીફ આપતા નહિ. આ તો એકબીજા વચ્ચેનો  ઉછીનો વ્યવહાર છે. આજે તમે જે બોલશો, તે હું સાંભળીશ. ને ચૂંટાયા બાદ અમે જે બોલીશું તે તમારે સાંભળવાનું છે. બોલો ભારત માતાકી જય..! 
                                એક ખાસ વાત કહી દઉં, ચૂંટણી આવે ત્યારે અમારે આવાં ‘વિનય સપ્તાહ’ તો ઉજવવા પડે. એ અમારી સ્ટાઈલ છે. તમને ખબર તો હશે જ કે, એકવાર એક બકરી એના બચ્ચા સાથે જંગલમાંથી પસાર થઇ રહી હતી. ત્યાં સામેથી આવતાં સિંહને જોઇને બકરીનું બચ્ચું ધ્રુજી ઉઠ્યું. બચ્ચાએ એની મા ને કહ્યું, ‘ મમ્મી..!  માન કે ના માન, આજે આપણા રામ રમી જવાના..! બકરી કહે, ‘ડોન્ટ ગભરાઈશ માય ચાઈલ્ડ..!’ (પ્રાણીઓ અંગ્રેજી બોલે એમાં, ‘ખીખીખીખી’ નહિ કરવાનું, એ પણ એક વિકાસ છે..!) સિંહ આપણને કંઈ નહિ કરે. અને થયું પણ એવું જ કે, સિંહે બકરીને ‘ગુડ મોર્નિંગ’ કર્યું. ને પૂછ્યું, ‘ હાઉ આર યુ મેમ..? બાલબચ્ચા સાથે મઝામાં તો છે ને..? કંઈ તકલીફ હોય તો કહેજો બેન..!‘ આ સાંભળીને બકરીનું બચ્ચું તો ગેલમાં આવી ગયું..!  સિંહના પગ તળેથી બે-ત્રણ ગુલાંટીયા પણ ખાય આવ્યું. પછી સિંહમામાનો કાન ખેંચતા બોલ્યું, “ કેમ છો મામા, મામી મઝામાં તો છે ને..? સિંહમામા, તમે તો કેટલાં વિવેકી ને વેજીટેરીયન થઇ ગયાં..! ત્યાં બકરી બોલી, ‘ બેટા..! હરખા નહિ, જંગલમાં ચૂંટણી ડીકલેર થઇ ગઈ લાગે છે..! બાકી કારેલા એની કડવાશ નહિ મૂકે..!
                                     આ ચૂંટણીનું કામ એવું છે કે, કાણીયો જંગ જીતે તો ઈલાહાબાદી, ને હાર્યો તો બરબાદી..! રીજેક્ટ થયેલો માલ પાછો માથે પડે એમ, બરફના પાણીથી દાઝી ગયો હોય એવાં ફૂંફાડા મારવા માંડે. ‘હમ હાર ચૂકે સનમ’ નો પારો પચાવવો સહેલો થોડો છે ..? બે જણની દયા ખાસ ખાવી, એક હારેલા ઉમેદવારની ને બીજી લીલા તોરણે ઘરભેગા થયેલાં જાનૈયા અને વરરાજાની..! લગન પહેલાં મંગેતર સાથે લોંગ ડ્રાઈવની મુસાફરી કરી હોય, પિઝા, બર્ગર, આઈસ્ક્રીમના ચટાકા કરાવ્યા હોય, ને ફાઈવ સ્ટાર જેવી હોટલના જલશા કરાવી પૈસાનો ધુમાડો કર્યો હોય, ને પૈણવા જાય ત્યારે માંડવેથી જાન પાછી કાઢે તો કેવી વલે થાય? એવી જ વલે હારેલા ઉમેદવારની થાય બોસ..! માથે શીંગડા ફૂટી નીકળ્યા હોય એટલી વેદના થાય..! ચૂંટણીની આગલી રાત સુધી, લોકોને જાતજાતના ફરસાણ-નાસ્તા ને જમણના ફાંકા મરાવ્યા હોય, ને ઘોઘો જંગ જીત્યા વગર રીટર્ન થાય, તો એને જોઇને ફેમીલીયું જ નહિ, મહોલ્લાના કુતરાઓ પણ છણકો કરે.  કેવી કેવી તલવારબાજી કરીને પાર્ટી પાસેથી ટીકીટ લાવ્યો હોય, મત માટે કંઈ કેટલાનાં ઓટલાં ઘસી નાંખ્યા હોય, અને હથેળીનો ચાંદ હથેળીમાં જ ડૂબી જાય, તો પૂનમ ઉપર અમાસે આક્રમણ કર્યું હોય એટલું દુખ થાય..!  ડીપોઝીટની રકમ જેટલાં પણ મત નહિ મળે, ત્યારે તો ચૂંટણીનો ચ બોલવાની પણ હિમત નહિ  રહે મામૂ..!  પરિણામ પહેલાં ખીલેલાં ગુલાબ જેવું મોંઢું, કબજિયાતના દર્દી જેવું થઇ જાય..!  કંઈ કેટલી લક્ઝરી ગુમાવ્યા પછી માંડ એક છકડો હાથમાં આવેલો, એ પણ છટકી ગયો એનો રંજ થાય. કબાટની ચાવી ચાવતા-ચાવતા એવું વિચારે કે, શું ખરેખર મારું  ઝેર સુકાય ગયું હશે..? ત્યારેજ ભાન થાય કે, મૌસમ પ્રમાણે ખેસ બદલવાનું હવે મતદારને પણ આવડી ગયું છે.! 
                                યે ચૂંટણી ભી ક્યા ચીજ હૈ ગાલીબ 
                                વો ધોકા દિયે જાતા હૈ, ઔર હમ મૌકા દિયે જાતે હૈ....!


                                           લાસ્ટ ધ બોલ

                                   લોકશાહી છે   

                                              જેને ચોકડી મારી 

                                               એ નેતા બને 

________________________________________________________________________________

 

 

 

( રમેશભાઈ ચાંપાનેરી  ' રસમંજન ' )
      
    

 

Reply

Reply all
 or 
Forward
Send