સાસુ તારાં સંભારણા..!
સાસુ કોઈને સ્વપ્નામાં આવતી હોય એવું ઓછું બને. વાઈફ સ્એજેવી વાઈફ સ્વપ્નામાં નહિ આવે તો સાસુ ક્યાંથી આવવાની..? મને તો પૂછતાં જ નહિ, ખુદ હું જ મારા સ્વપ્નમાં આવતો નથી તો સાસુ તો દૂરની વાત. માટે દુખતી નસ દબાવતા નહિ..! આ તો છાપાંવાળાએ લખ્યું કે, આપનું આવતું અઠવાડિયું ‘સ્વાદિષ્ટ’ છે, એટલે હિમત ‘ડીપોઝીટ’ કરી, ને ચોઘડિયા જોયા વગર સાસુ વિષે લખી રહ્યો છું. ઘણાં હરખપદુડા સાસુને જોયા વગર તેની દીકરી સાથે લગન કરીને લીલાલહેર કરે જ છે ને..? તો માતાજી મારી પણ રક્ષા કરશે..! સાસુ એ શબ્દ છે કે વાક્ય, એની ખબર નથી, પણ સાસુ એ તીર્થ છે. જેમની પાસે સાસુનો સ્ટોક છે, એમણે તો ચારધામ પૈકી ત્રણ ધામની જ યાત્રા કરવાની, એટલે ચારધામની યાત્રા ફીનીશ્ડ..! જે લોકો ગુસ્સો કરવાની પ્રેક્ટીસ માટે સાસુનો ઉપયોગ કરે છે, એ ઠીક નથી. સાસુ જેટલી શબ્દકોશમાંસારી છે, એટલી જ જાહેર જીવનમાં પણ છે. રખે કોઈ એવું માને કે, હું મારી સ્વર્ગસ્થ સાસુને શ્રધ્ધાંજલિ આપી રહ્યો છું. સાચું પૂછો તો, મારી સાસુના જેટલી ભલી સાસુ મેં ક્યાંય જોઈ જ નથી. વર્ષમાં બે જ દિવસ મારા ઘરે આવે, પણ છ-છ મહિના રહી જાય..! મારી વાત જગતની ‘હોલસેલ’ સાસુઓની છે. જેમ વિવિધ રત્નોથી જગત ભરેલું છે, એમ આ જગત પણ સાસુઓથી ભરેલું છે. દરેક ગામમાંથી એકાદ નેતા નીકળે, એમ દરેક ઘરમાંથી એકાદ સાસુ નીકળે. એક પણ ઘર એવું ના હોય કે, જ્યાં સાસુનો સ્ટોક ના હોય. કોઈના ઘર માં કદાચ નહિ હોય તો પણ, ‘લોંગ-ઓફ’ ઉપર તો કોઈને કોઈ સાસુ તો ઉભેલી જ હોય..! ભલે સાસુનો પ્રકાર અલગ અલગ હોય..! સાસુના પણ પ્રકાર હોય દાદૂ..! જમાઈની સાસુ રેશમી મલમલ જેવી હોય, તો વાઈફની સાસુ કોઈકના ઘરમાં ખાદીના કંતાન જેવી પણ હોય..! શરૂઆતના એ પણ મલમલ જેવી જ હોય, પણ ઉમરના વર્તારામાં શેર ડાઉન થવા માંડે..!
છતાં લોકો હજી સંસ્કારી છે. છોકરા-છોકરીની જ કુંડળી બતાવે છે, સાસુ-વહુની કુંડળી પણ બતાવતા નથી, ને સાસુનો ઈન્ટરવ્યુ પણ લેતા નથી. પણ લગન પછી જ બધો ક્યાસ કાઢવાની પ્રણાલિકા છે..! કંપનીવાળાએ તો હમણાં સ્કીમ બહાર પાડી કે એક વસ્તુ લો તો એક વસ્તુ ફ્રી..! બાકી આ સ્કીમ તો આદિકાળથી ચાલતી આવે. અથવા કહો કે, એની શોધ જ લગનના મામલામાંથી થયેલી. પરણાવો એટલે સાસુ-સસરા ફ્રી, સાળો ફ્રી, સાળી ફ્રી આવું ઘણું બધું ફ્રી...! જેના જેવાં નસીબ..! આજની સાસુ તો ગુણીયલ, સાસુ-વહુ મેચિંગમાં નીલે તો ખબર પણ નહિ પડે કે, બે માં સાસુ કોણ અને વહુ કોણ..? બાકી અસ્સલના લોકગીતોમાં તો સાસુ જલ્લાદ હોય એમ, વહુને પિયરની દિશામાં ઓશીકું મુકીને સુવા પણ નહિ દેતી. એવું માનીતી કે પિયરની દિશામાં ઓશીકું મુકીને સુવાડીએ તો એને પછી પિયરના જ સ્વપ્ના આવે..! આ તો હમણાં-હમણાં ભારતના રસ્તા સુધર્યા એમ સાસુ-વહુના નખરામાં સુધારો આવ્યો. બાકી સાસુ-વહુ એટલે કાતરના બે પાંખીયા જેવાં. અવળી દિશામાં જ ગતિ કરે. ડાહ્યો માણસ વચ્ચે પડવા ગયો તો આખો ને આખો વેતરાય જાય..! એકબીજાને જોઇને નાકના ટોચકાં જ એવી ફરી જાય કે, મોઢાંના નકશા જ બદલાય જાય. ભારત પાસે ભલે નેતાઓ કરતાં વૈજ્ઞાનિકોનો સ્ટોક ઓછો હોય, પણ એકપણ વૈજ્ઞાનીકે સાસુ-વહુના ઝઘડાનું રહસ્ય શોધવા કે તેનું નિદાન લાવવાનો પરસેવો પાડ્યો હોય એવું લાગતું નથી. યાર, પોતાના ઘરને બળતા મુકીને કોણ બીજાના ઘરને હોલવવા જાય, એવું પણ બને ને..? એમના ઘરમાં પણ એકાદ ‘મહાત્મી’ તો હોય જ ને..? વૈજ્ઞાનિક થયા એટલે એટલું તો જાણતા જ હોય કે, બ્રહ્માંડમાં માથું મરાય, પણ મહાત્મીઓમાં માથું નહિ મરાય..! સીધા ચાલતા શ્વાનને ‘હઅઅઅડ’ કરવા જઈએ તો, ઉછળીને દાળનાં તપેલામાં પડે, એના કરતાં ‘શબાસન’માં રહેવું ઉત્તમ.! દાળ બગડે તો ઈલાજ થાય, પણ સાસુ બગડી તો લોક-લાજ પણ જાય..! સાલું સમજાતું નથી કે, સમાજમાં સાસુઓ માટે આટલી ઘૃણા કેમ..? અમુક તો સાસુને જુએ ત્યાંથી સુર્પણખા મળી હોય એમ, સાસુ-ચાલીસા કર્યા વગર જંપે નહિ..! આવું બધું સાંભળીને અમુક તો હાડકે પીઠી ચઢાવતા પણ થથરે..! મનમા ને મનમાં જ મુક્કાબાજી કર્યા કરે. સાસુની હાલત વિરોધપક્ષના નેતા જેવી થઇ ગઈ છે દાદૂ..! ચોનીયા પાંધીને પણ સારી કહેવડાવે એવી આજની સાસુની હાલત છે..!
ખરાખરીના ખેલ તો, ઘોઘુને ઘોડે ચઢાવીને ઠેકાણે પાડવા નીકળે ત્યારે થાય. બંને વેવણ-વેવણ કેવી મીઠી મીઠી ઠોકતા હોય..! ‘વેવણ તમારે સહેજ પણ તમારી દીકરીની ચિંતા નહિ કરવાની. તમારી દીકરી એ મારી દીકરી બરાબર.! મારો ઘોઘુ એટલો ડાહ્યો છે કે, પાડોશવાળીને દુખ પડે તો પણ એને ધ્રુસકું આવી જાય.” પછી, લગનના જેવાં છ-સાત મહિના સમાપ્ત થાય, એટલે ફોડચી ડસવા માંડે. ભારતમાં ચીના ઘુસી ગયા હોય એમ, સાસુ દીકરીના છોતરાં નીકળવા માંડે. ગંઢેલે બચકું ભર્યું હોય એમ, બંનેના ગાલના ફુગ્ગા તો એવાં ફૂલવા માંડે કે, એકબાજુ પાકિસ્તાન ને બીજી બાજુ તાલીબાન..! બહાર બતાવે રામાયણના પૂંઠા, ને અંદર હોય મહાભારતનું પુસ્તક..! ‘સાંસ ભી કભી ચૂડેલ થી કે વહુ ભી કભી વંઠેલ થી’ જેવો સિનેરિયો શરુ થઇ જાય..! વહુ-દીકરાની રાશિ તો મળેલી જ હોય, પણ સાસુ-વહુની કુંડળીમાં કાળ ચોઘડિયાં આંટા મારવા માંડે. એમાં કોણ મંથરા ને કોણ કૈકયી શોધવામાં પછી તો જિંદગી જ પૂરી થઇ જાય, પણ ભેદ નહિ ઉકેલે..! વહુ સાસરામાં આવવાને બદલે, જાણે સિંહણના પાંજરામાં આવી હોય એમ, ૩૨ લક્ષણા વહુને ૩૨ રોગ લાગુ પડવા માંડે. જીમમાં ગયા વગર વજન ઉતરતું દેખાય..! એક ઝાટકે જે લોકો સાસુને ‘રીજેકટ’ કરે છે, એમને ખબર નથી કે, સાસુને વસાવતા પહેલાં, સસરાએ કેટલાં ગરણા ગાળીને મિલકત વસાવેલી હશે..? વાઈફ ગમે એટલી ‘હની’ લાગતી હોય, પણ એ જ હની પાછળથી સાસુ થાય. પોતાના આંસુ બંધ થઇ જાય, ને આવનારીના આંસુ પાડવા માંડે. ભઈઈઇઇ આ તો બધું ‘સાંસ ભી કભી બહુ થી’ ની રીસાઈકલ જેવું છે..! પણ, એના કપાળમાં કાંદા ફોડું, મધ દરિયે પહોંચ્યા પછી, તોફાન આવે તો મુસાફર બીજું કરી પણ શું શકે, એના જેવું છે..!
લાસ્ટ ધ બોલ
એક જમાઈએ સસરાને ફરિયાદ કરી કે, ‘તમે તો એમ કહેતા હતા કે, તમારી દીકરી ગરીબડી ગાય જેવી છે..! પણ એ તો હવે મારા માટે ‘ગાયનેક’ પ્રોબ્લેમ કરે છે..!
એટલે, હું સમજ્યો નહિ, જમાઈરાજ..!
તમારી ગરીબડી ગાય હવે શીંગડા મારતી થઇ ગઈ છે, સસરાજી ..!
ઓહહહ..! આવી નાની નાની વાતમાં ફરિયાદ નહિ કરાય જમાઈરાજ..! તમારી પાસે તો માત્ર કટપીસ છે, હું તો એનો આખો તાકો લઈને ફરું છું..!
------------------------------------------------------------------------------------------------------------------------
( રમેશભાઈ ચાંપાનેરી ' રસમંજન ' )