MAN N MAN TERA MAHEMAN books and stories free download online pdf in Gujarati

હાસ્ય લહરી - ૫૬

માન ન માન તેરા મહેમાન..!

                          જ્યારથી બહેનોમાં લેંઘાને બદલે પ્લાઝોનો ક્રેઝ આવ્યો ત્યારથી, બાપાઓની દશા બેસી ગઈ. એમના  લેંઘા પ્લાઝા થઇ ગયાં..! બરમૂડા ઉપર આવી જવાનું કારણ પણ એ જ...! પુરુષ કરતાં પુરુષના પરીધાનનું ચીર-હરણ થવા માંડ્યું છે દાદૂ..! પ્રાણીઓને હું અગમ બુદ્ધીશાળી એટલે કહું કે, તેઓ વસ્ત્રો ધારણ જ નહિ કરે. જેથી ચીર હરણ થવાનો પ્રશ્ન જ નહિ આવે. આપણા આદિ+ આદિ+આદિ પૂર્વજો પણ ક્યાં વસ્ત્રો પહેરતાં હતાં..? હાલની સદી ભલે ડીજીટલ સદી કહેવાતી હોય,  પણ એ ડીઝાઈન સદી પણ બની. દિવસે-દિવસે દરેક ક્ષેત્રની ડીઝાઈન બદલાતી ચાલી. તારિકાઓ તો સિલાઈ વગરનું કપડું ખભે નાંખે તો એ પણ ડીઝાઈન..! હમણાં મારા ઉપર એક આમંત્રણ પત્રિકા આવી. મથાળે ગણપતિબાપાનું ચિત્ર હતું, એટલું સારું છે. ગણપતિબાપાને બદલે કોઈ ‘સુપર સ્ટાર’ નો ફોટો નહિ હતો. દિને દિને નવમ નવમની માફક લોકોના ચહકડા એટલાં વધતાં ચાલ્યા કે, પત્રિકાના લખાણમાં પણ નાવીન્ય..! સમજવા માટે ગાઈડ રાખવો પડે. વાંચીએ ત્યારે ખબર પડે કે, આ તે કોઈ આમંત્રણ પત્રિકા છે કે, બારમાં ધોરણનું પ્રશ્નપત્ર..? ઢગાને એટલી તો ખબર હોવી જોઈએ કે, પ્રસંગમાં આવનારને જમણની તારીખ સ્થળ અને સમય સાથે જ સ્નાન-સૂતકના સંબંધ હોય..! અમુક તો એવી પત્રિકા છપાવે કે, વરઘોડામાં વર કરતાં ઘોડો રૂપાળો લાગે એમ, વ્યવહારના ચાંદલા કરતા કંકોત્રી મોંઘીદાટ છપાવે. આપણો જીઈવ બળી જાય યાર..! એમ થાય કે, આ લોકો પત્રિકાનો મોંઘોદાટ ખર્ચ કઈ જાહોજલાલી વધારવા કરતા હશે? ફોન ઉપર જ આમંત્રણ આપી દેતા હોય,  ને કંકોત્રીના ખર્ચ જેટલાં રોકડા રૂપિયા દઈ જતાં હોય તો નહિ ચાલે..? બંદાના ચાંદલા તો છૂટે..! 

                              દરેક માણસને પોતીકો હોંશલો હોય..! એમાં આપણાથી વઘાર નહિ થાય. માણસે-માણસે ફેરફાર તો રહેવાના. જેટલો આનંદ આમંત્રણ પત્રિકાથી આવે, એટલો ઉઘરાણી ના બીલમાં નહિ આવે. લેણદાર કે ઉઘરાણીના બીલ આવે ત્યારે, હવા વગરના ફુગ્ગા જેવો ચહેરો થઇ જાય. નાક ઉપરના મસાને કોઈએ મચેડી નાંખ્યો હોય, એમ કંકોણા જેવો ચહેરો થઇ જાય. એક દિવસ મને એક સમારંભનું પ્રમુખ સ્થાન સંભાળવાનું આમંત્રણ મળ્યું. હતું મેન્ટલ હોસ્પીટલના સમારંભનું, પણ ગાંડાને ડાહ્યાનું આમંત્રણ મળ્યું હોય એટલો હરખ થયો. કોઈની ગણતરીમાં આવે એ મહત્વનું છે. બાકી ઘરમાં તો કેજરીવાલના ઝાડું કરતાં પણ ખરાબ હાલત..! કોઈપણ સમારંભ યોજવામાં આવે ત્યારે આયોજકોનું એક લોજીક હોય. સ્ટેજનું સંખ્યા બળ જાળવવા સમારંભ પ્રમુખ-ઉદઘાટક- મુખ્ય મહેમાન કે અતિથી વિશેષ જેવા હોદ્દાઓ ખાસ અનામત રાખે. સ્ટેજ ભરાઉદાર લાગવું જોઈએ, એવો આશય ખરો..! એટલે એ બધાને બદલે મારા જેવાં એક તગડાને જ પ્રમુખ સ્થાન આપેલું.  જ્યારથી હાસ્ય લેખક અને હાસ્ય કલાકાર તરીકે, નામચીન થયો છું, (આ ‘નામચીન’ શબ્દ મારો નથી, જુનિયર લલ્લુ એનાઉન્સરનો છે..!) જીંદગીમાં પહેલીવાર મને સમારંભના પ્રમુખ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. વાઈફને કંસાર બનાવવા સુચન કર્યું તો, કંસારને બદલે વઘારેલો ભાત બનાવ્યો. વાઈફ ભલે આપણી હોય, આપણી જલન પણ એને ચોંટે..! ક્યારેક તો એમ થાય કે, એ ભલે મંગળસૂત્ર પહેરતી, ગળામાં આપણે લીંબુ મરચું પહેરવા કેવું ખરું..! મને કહે, ‘અમેરિકાના નાસાએ પ્રમુખ સ્થાન માટે બોલાવ્યા હોય એમ, કંસાર ખાવાના ચહકડા નહિ કરો, માત્ર મેન્ટલ હોસ્પિટલવાળાએ જ પ્રમુખસ્થાન આપ્યું છે..!  મને તો લાગે, નકરી કોઈ ભૂલ થઈ લાગે છે...! નહીતર ગાંડાના સમારંભમાં ગાંડાને કોણ પ્રમુખ સ્થાન આપે..? ફોન કરીને પૂછો તો ખરાં કે એ બહાને હોસ્પીટલમાં દાખલ થવા તો નથી બોલાવ્યા ને..? એના કપાળમાં કાંદા ફોડું, એક ઝાટકે મારી હવા કાઢી નાંખી..!

                                        ચોખ્ખી ચટ વાત કરું તો, આ નિવૃત થવાની બલા કોણે દાખલ કરી હશે..? ઘરે રહીને યાર, રાજાભોજ જેવો માણસ પણ ગંગુ તેલી બની જાય. ઘોઘો થઈને ફરતો હતો ને, નિવૃત થયા પછી એવો ઘોધુ થઇ ગયો કે, મારાં મોજ-શોખ ને ભોગ ઉપર લશ્કરી ટોલનાકા લાગી ગયાં છે. કપડામાં મંકોડા ભરાય ગયાં હોય એમ, બારીના સળિયા પકડીને ખંજવાળ-ખંજવાળ કરવાનું, ને રાત પડે એની રાહ જોવાની. એક ને એક ચહેરા જોઇને ઓંચી જવાય યાર..! આવાં નિમંત્રણ આવે ત્યારે જ હરખના ટેશિયાં ફૂટે..! ડેમેજવાળા ઘૂંટણીયા પણ ઇમેજવાળા થઇ જાય. લોહીની ભરતી આવી હોય એમ, વિચારોના ભ્રમણમાં પણ તેજી આવી જાય. જ્યારથી નિમંત્રણ આવ્યું છે ત્યારથી, વાઈફ આડે હાથ લેવાનું ચૂકતી નથી. ‘ગોળાબારી’ ચાલુ જ હોય. મને  કહે, “ અત્યાર સુધી તો પીલ્લેલા મરઘાની માફક  ઠુંઠવાયા કરતા હતાં. આમંત્રણ આવ્યું એટલે કેવાં બકરી ઇદના બકરા જેવાં તગડાં થઇ ગયાં.?”  એવી-એવી સંભળાવે કે, કાનમાં ગુમડાં જ ઉગવાના બાકી રહે. રતનજી જાણે ઘરમાં ઘોંધીને આ લોકો ડોહાનો શું વઘાર કરવાના હશે..! યાર ઘરનો ઉંબરો જ ઓળંગવા નહિ દે..! આ તો કોઈને ગલગલીયાં કરાવ્યા હોય એટલે ઓળખે, બાકી મારા કરતાં દાઉદ ઈબ્રાહીમ કે વિજય માલ્યાને વધારે ઓળખે..! હાસ્ય લેખક અને હાસ્ય કલાકાર રહ્યા એટલે, ડોક્ટર પણ દર્દીઓને દવા સાથે ડીપ્રેશીયાને પ્રિસ્ક્રીપ્શન લખી આપે કે, દિવસમાં ત્રણવાર આ ગોળીઓ લઈને, રમેશ ચાંપાનેરીના અડધોએક કલાક હાસ્યના ઠઠારા સાંભળજો. અઠવાડિયામાં ડીપ્રેશનમાંથી ઇમ્પ્રેશનમાં આવી જવાશે..!

                         કસ્સમથી કહું કે, વાઈફની પરવાહ કર્યા વગર, સ્લીપર ઉપર ભાડેનો શૂટ ચઢાવીને બતાવેલાં સમય કરતાં બે કલાક વહેલો સમારંભના સ્થળે પહોંચી ગયો. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે ફેસિયલ કરાવવા નહિ જવાનું, એવું વડીલો કહી ગયેલા.  ‘અગ્નિવીર’ ની માફક વાઈફે ઉહાપોહ તો બહુ કર્યો, પણ આપ જાણો છો ને કે, મર્દકો દર્દ નહિ હોતા..! વાઈફે ત્રાડ પણ નાંખી કે કાળા શરીર ઉપર કાળો શૂટ કાગડા જેવો લાગે છો, ને  તમારું ડોઝણું તો શ્રી લંકાના ટાપુની માફક ડોકાં કાઢે છે.  એને શું ખબર કે, ડોઝણું જ તો સમારંભના પ્રમુખની શોભા છે..! સ્થળ ઉપર ગયો ત્યારે, હોલ ઉપર માણસ કરતા કુતરાઓ વહેલાં આવી ગયેલાં. શૂટમાં જોઇને કુતરાઓ ભસ્યા પણ ખરા. મને ખબર કે ભસતાં કુતરા કરડે નહિ, એટલે શાંતિથી ઉભો હતો. ત્યાં લઘર વઘર કપડામાં એક ભાઈએ આવીને મારી બોચી ઉપર જોરદાર થાપટ લગાવી. મને કહે, પ્રમુખ સ્થાને બોલાવીને તમારા જેવાં કારભારી જ મોડાં આવે તો કેમ ચાલે..? હોલની ચાવી લાવ્યા..?’ મેં કહ્યું, ‘હું કારભારી નથી, હું તો આજના સમારંભનો પ્રમુખ છું..!’ ત્યાં બીજી થાપટ પડી..! પછી તો કોર્ટના રિમાન્ડ લેવા માટે પોલીસ કેદીઓને ઝાડવા નીચે બેસાડી રાખે એમ, પેલા દુષ્ટે મને ઝાડવા નીચે બેસવા કહ્યું. હમણાં કોઈ આવે તો નક્કી કરીએ કે સમારંભના પ્રમુખ કોણ છે..! મડદું બાળીને આવતાં હોય એમ બે-ચાર જણા આવ્યા, પણ કોઈએ મારા ઉપર નજર શુદ્ધાં નહિ કરી.. એક જણ પાસે આવીને કહે,’ આપની પાસે માચીસ છે, દીપ પ્રાગટ્ય કરવા અમે માચીસ ભૂલી ગયા છે...!’ બે ઘડી તો મને એમ જ લાગ્યું કે, હું અહીં દીપ પ્રગટાવવા આવ્યો છું કે, સળગાવવા..?

                              ધીરે ધીરે બધાં પેલાં ભાઈનો આદર-સત્કાર કરવા લાગ્યા. મેં સામેથી મારી ઓળખ આપી કે, આજના સમારંભના પ્રમુખ તરીકે આપે મને આમંત્રણ આપ્યું છે, મને કહે તમારું નામ? મેં કહ્યું, રમેશ ચાંપાનેરી..! મને કહે, સોરી અમારા સમારંભના પ્રમુખનું નામ તો રમેશ માવાણી છે, જે અમારી જ હોસ્પિટલના જુના પેશન્ટ હતા, જેમના પ્રમુખ સ્થાને અમે આજનો આ સમારંભ રાખ્યો છે..! પછી તો બોચીમાં પડેલી થાપટ યાદ આવી ગઈ..! નક્કી, આમંત્રણ રવાના કરવામાં આ લોકોએ હોસ્પીટલના દર્દીઓને જ ધંધે લગાવ્યા હશે, એટલે રસેશ માવાણીને બદલે રમેશ ચાંપાનેરી લખી નાખ્યું હોવું જોઈએ. મારો ભાડેનો શૂટ પણ માથે પડ્યો, ને ટેન્શન વધ્યું તે અલગ..! વાઈફને શું જોઇને મોઢું બતાવીશ..?

==============================================================================

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED