SALI KARVA KARTA VAANSLI VAGAADVI SAARI books and stories free download online pdf in Gujarati

હાસ્ય લહરી - ૫૫

સળી કરવા કરતા વાંસળી વગાડવી સારી..!

 

                                     સળી એટલે કાન ભંભેરણી..! નાક ભંભેરણી કરીએ તો કોઈ અસર નહિ થાય..! કોઈપણ ઉભેલાને આડો પાડવાનો અકસીર ઈલાજ એટલે સળી..!  સળી નહિ કરવાના  બંદાએ આમ તો શપથ લીધેલા, પણ આજે મારાં જ ઘરમાં ધાડ પાડવા બેઠો બોલ્લો..! સળી વિષય ઉપર જ સળી કરવા બેઠો. કોઈને સળી કરવી એ પણ એક કળા છે સાલ્લી..!  દુખની વાત એ છે કે, સળી કરનારને સળી-કલાકાર તરીકે આપણે નવાજતા નથી. એને અજ્ઞાનતા કહેવાય કે, જીલ્લસી એ તો રતનજી જાણે..! વાત માનો કે નહિ માનો એ માટે મારે કોઈની સળી કરવી નથી. પણ એક વાત તો માનવી જ પડશે કે, માણસને સળી કરવાનું ચશ્કું  વારસામાં મળેલું.  ઈતિહાસ ગવાહ છે કે, આપણા પૂર્વજો વાંદરા હતાં. ને તમને ક્સયાં ખબર નથી કે, સળી કરવામાં વાંદરૂ  આજે પણ અવ્વલ નંબરે છે. પેલી ટોપીવાળા ફેરિયાની વાત તો યાદ છે ને..?  ભર બપોરે સુતેલા ફેરિયાની કેવી સળી કરેલી..? ફેર એટલો કે, વાંદરાઓ હોંઓચીચી.. હોંઓઓચી કરતાં, અને માણસ આજે હાઆઆજી..હાઆઆજી કરે. વાંદરું ઘેલખડું થાય, ત્યારે એક વાંદરો બીજાં વાંદરાની (કે વાંદરીની) સળી કરે એ એની વાંદરાઈ કહેવાય. માણસથી એવું નહિ થાય. પણ માણસમાં આ અવગુણ ધીરે-ધીરે આવેલો ખરો. ગેંડાએ હાથી કે ઘોડાની સળી કરી હોય એવું જાણમાં નથી, પણ માણસ થઈને માણસની સળી કરતાં શીખી ગયો. વાંદર જેવી સળી કરતા ભલે નહિ આવડતી હોય, પણ આવડે એટલી સળીમાં પણ ચચરાટ આવી જતો હોય તો, અભ્યાસ આગળ કરવાની જરૂર શું..? આપણે રહ્યા સામાજિક પ્રાણી, ને વાંદર માત્ર પ્રાણી કહેવાય. બધું જ આવડી જાય તો, વાંદર અને આપણામાં છેટું શું રહે? બાકી સળી કરવા કરતાં તો વાંસળી વગાડવી સારી..!
                                શિખાઉ સાધુ પણ જાણતો હોય કે, ધરતી ઉપર આવવાના ખેલ આજના નથી. કોઈપણ પ્રકારના ખર્ચા-પાણી ને વગર વિઝાએ આ ધરતી ઉપર આવન-જાવનનાં ખેલ તો કરોડો વર્ષથી ચાલુ છે.  સાવ મફતમાં ટપકતાં હોઈએ એટલે જનમની  કોઈને કીમત નથી, બાકી, જ્યોર્જ પહેલો-બીજો-ત્રીજો-ચોથો-પાંચમોની માફક  ગણતરી રાખી હોત તો, રમેશ ચાંપાનેરી પહેલો-બીજો-ત્રીજો-ચોથો કે ૨૭૨૯૮૮ મો જનમ લીધાની નોંધ હોત. આગલા જનમની કુંડળી નીકળતી નથી એટલે, બાકી કયા ગામમાં જનમ લીધેલાના વાવડ મળે તો, એ ભૂમિમાંથી  આજે પણ આપણા ઝભલાં- ટોપી-બળોતીયા-ઘૂઘરા નીકળે..! સાલું સમજાતું નથી કે, આટઆટલા જનમ લઈને પણ ધરતી ઉપર આવીને માણસ કરે છે શું..? માત્ર સળી કરવા જ આવતો હશે? સર્વે કરે તો ખબર પડે કે, જેણે કોઈની સોયની અણી જેટલી પણ સળી કરી ના હોય એવો એક પણ નહિ નીકળી..! સળી કરવાનો ઉદ્યમ કંઈ આજનો નથી. રામાયણ અને મહાભારત કાળમાં પણ હતો. મંથરાએ કૈકૈયીને સળી કરેલી એટલે તો પ્રભુશ્રી રામને વનવાસ મળેલો. મહાભારતમાં દુર્યોધન-શકુનીએ  જથ્થાબંધ સળી કરેલી, તેમાં તો દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયેલું. આ બધું વારસાગત છે મામૂ..! બધાં જ કંઈ ભગવાન શ્રી રામની માફક જન્મીને જીવતરનો પટો પૂરો કરી જાય એવું થોડું..?  ધ્રુતરાષ્ટ્ર અને શકુનીની માફક સળી નહિ કરે ત્યાં સુધી તેમના શ્વાસ અટકે જ નહિ. જનમ રીન્યુ જ કરવાનો ને..?
                                  સળી એટલે માણસને વાંદરાના રવાડે ચઢાવવાનો કીમિયો..! વાંદરને નહિ કહેવું પડે કે, તું વાંદર થા, પણ માણસને કહેવું પડે કે તું માણસ થા. એ કહેવાની ક્રિયાને પણ સળી જ કહેવાય. સળી કરવી, એ રમતની વાત છે. સળી કરવા માટે ક્યાં કોઈ કાનૂની  પરવાનગી લેવી પડે..? સળી કર્યા પછી બધું કકડભૂસ થવા માંડે, ત્યારે બ્રહ્મકમળ ફૂટે કે, આ ધંધો નહિ કર્યો હોત તો સારું થાત..! રામાયણ-મહાભારત કે ભગવદગીતામાં માણસ બનવાના અનેક સ્વસ્તી વચનો આપ્યાં છે. પણ સળી કરવાના કોઈ 'સળી-શાસ્ત્ર' નથી, છતાં માણસ સળી કરવાનું જલ્દી શીખી ગયો.  ધરતી ઉપર આવે એટલા બધાં જ એટલે તો કાંદો કાઢીને રીટર્ન થતાં નથી. અમુક તો ઓન લાઈન પાર્સલની માફક કાંદા કાઢ્યા વગર જ રીટર્ન થાય. મિસકોલ જેવાં..! ધરતી ઉપર જનમ લેનારના બે જ મુદ્દાના કાર્યક્રમ હોય, ક્યાં તો ધરતીને  ઠેકાણે પાડવી, ક્યાં તો ભલાઈના બે-ચાર કામ કરીને  પોતે ઠેકાણે પડવાનું..! જેવી જેની મૌજ..! અમુકના વિઝા તો લોકોની સળી કરવામાં જ પુરા થઇ જાય. મુદ્દાની વાત એવી કે, જનમ લેવા માટે કોઈને સળી કરવી પડતી નથી. જનમ લેવા માટે ઊંચા દરના વ્યાજે લોન લેવી પડતી હોય તો, એને જવાબદારીનું ભાન પણ હોય કે, માણસ તરીકે જનમ લીધા પછી મારે શું કરવાનું છે? આ થાય, આ નહિ થાય, ને આ તો ક્યારેય નહિ થાય એવી ફિકર ચિંતા પણ રહે. મા-બાપની મહેરબાનીથી  મફતમાં જનમ લેવાનો, ને ખાધું પીધું રાજ કરીને ચાલ્યા જવાનું..! દેવી-દેવતા આગળ કોઈ  MOU કરીને આવ્યા હોય, તો સખણા પણ રહે. નહિ કરવાના ધંધા નહિ થાય એવો ડર પણ રહે. આ તો જન્મ્યા એટલે  ફાટેલા મગજની માફક જીવે. ભગવાનને પણ હાંસિયામાં મુકે ને જનમ આપનારને પણ વૃધ્ધાશ્રમમાં ધકેલે..!  પછી જનમભર સળી કરવાનું કારખાનું જ ચલાવતો હોય..! મા-બાપ જો જનમ આપીને અનાથાશ્રમમાં મુકવા જતા હોય તો, મા-બાપને વૃધ્ધાશ્રમમાં જવાનો વખત નહિ આવે..! સુખી થવાની કળા વિશે અનેક લેખકોના સેંકડો પુસ્તકો હોવાં છતાં, જીવનમાં સુખને અવસર આપવા માટેના વ્યાયામ કરવામાં થાક લાગે. પણ સળી કરીને સુખ મેળવવાના કીમિયા દરેક જાણે. કોઈ કોઈના ધંધામાં માથું મારતું નહિ હોવાથી, સૌને એવો ફાંકો આવી જાય કે, હું કોઈની સળી કરું, એમાં બીજાને શું લેવાદેવા? એટલે આપણે પણ શા માટે તેના દુખી થવાના યજ્ઞમાં પાણીના માટલા ઠાલવવા જોઈએ..?, આપણી સળી કરવા નહિ આવે, એટલી જ કાળજી રાખવાની. સળી નહિ કરવાની સલાહ આપવી, એ પણ એક સાત્વિક સળી જ કહેવાય..! બીજું કે, આપણાજ દુખના પોટલાં એટલાં વજનદાર હોય કે, ઉછીના દુખ લેવાની જરૂર શું..? આપણા દુઃખનું ગૌરવ ઘટી જાય એવી માથાકૂટમાં પડવાનું કામ? જેના કોઈ ડીગ્રી કે ડીપ્લોમાં કોર્ષ નથી, એવાં કોર્ષ માણસ જલ્દી શીખી જાય. દિવસમાં બેચારની સળી નહિ કરી હોય તો એને રાતનું ખાવાનું નહિ પચે એવાં પણ છે..! બધાનાં નસીબમાં આ સળી-વિદ્યા નથી. એને બેન્કના લોકરમાં સાચવવી પડતી નથી, મગજમાં જ સચવાય. પાડોશીઓ ૫ણ ઉછીની લેવા નહિ આવે કે, ‘લાવો ને પેલી તમારી ‘સળી-વિદ્યા’ જરા આપોને વાપરીને પાછી આપી દઉં..! સળી કરવાથી કોઈને સુખ મળ્યું નથી, પણ દુખી થવાનું વળતર જરૂર મળે. માર્ક ટવેન, ચાર્લી ચેપ્લીન તથા બર્નાર્ડ શો જેવા મહાપુરુષે કોઈની સળી કરી નથી, પણ તેમના ૫૨ આવી ૫ડેલી  મુશ્કેલી ઓ, યાતનાઓ અને દુઃખને કા૨ણે જ  તેઓ સફળ હાસ્યકા૨ બની શકેલા. આમ સળી કરીને દુખી થવાના ધણા ફાયદા જોયાં પછી જ સમ્રાટ રમેશ ચાંપાનેરીએ પણ આ સળી કરી..! માની લો કે વાંસળી વગાડી..! 
                                  લાસ્ટ ધ બોલ

અમારા વલસાડનો શ્રીશ્રી ભગો એક દિવસ ડો. સતીશભાઈ નાયક પાસે જઈને કહે, ‘‘જુઓને સાહેબ, કુતરાએ મને બચકું ભર્યું..!

ડોકટર કહે, બચકું ભરવા કુતરો તમારી પાસે આવેલો કે, તમે કુતરા પાસે ગયેલા?

પેલો કહે, ‘સાહેબ, મને એમ કે, ભસતા કુતરા કરડે નહિ, એટલે હું કુતરાની સળી કરવા ગયેલો..!

ડોકટર કહે, ‘તે કરડે જ ને..? કુતરાને કહેવતની થોડી ખબર હોય કે, ભસતા કુતરા નહિ કરડે..!

સર..!  એક રીક્વેસ્ટ છે, કુતરાએ ભલે ડાબા પગમાં બચકું ભર્યું પણ પાટો મને જમણા પગમાં બાંધજો.

કેમ..?

આ તમારો કમ્પાઉન્ડર દુખાડશે બહુ એટલે..!

તારા કપાળમાં કાંદા ફોડું..! 

 

 

( રમેશભાઈ ચાંપાનેરી  ' રસમંજન ' )
      

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED