હાસ્ય લહરી - ૫૪ Ramesh Champaneri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

હાસ્ય લહરી - ૫૪

મેરી ભેંસકો ડંડા કયું મારા..!

                                     ઘરના ગાર્ડનમાં ભેંસ ભરાય જાય, તો તેનો ફોટો પાડીને મુખ્યમંત્રીને ફરિયાદ નહિ થાય, બુચકારીને જાતે જ કાઢવી પડે..! દૂધ બીજાં ખાય ને, બાગ આપણો ઉજાળવા આવે એ સહન તો નહિ થાય, પણ જીવદયા જેવું તો રાખવું પડે ને..! મારી ગર્લફ્રેન્ડ ગાર્ડનમાં ઘૂસી આવી હોય એમ, મારે ત્યાં ધાંધલ-ધમાલ થઇ ગઈ..! બધાના નાકના ટેરવા કપાળે ચોંટી ગયા..! અંગ્રેજી મીડિયમમાં ભણતો રામલો-રોમન પણ 'બફેલો કેઈમ..બફેલો કેઈમ' એમ  ‘હોમ-નાદ’ કાઢીને બબડવા બેઠો. ફાધરનું બ્લડ-પ્રેસર વધી ગયું, ને દાદીને ગભરાટ છૂટી ગયો કે, યમરાજ તો નહિ આવ્યા હોય..? મેં ચોખવટ કરી કે, આ પાડો નથી, ભેંસ છે..!  હોલસેલ મેમ્બરોએ 'હોઓહાઆઆ' કરી મૂકી. વાઈફની વાત તો પૂછતાં જ નહિ, ભેંસને બદલે એની શોક્ય આવી હોય એમ, વેલણ લઈને દૌડી..! બે ભેંસ સામસામી થઇ જાય પછી તો પૂછવાનું જ શું..? હેલ્લો હાઉ આર યુ થોડું કરે? વાઈફને જોઇને ભેંસ ભડકી તો ખરી, પણ પછી સમજી ગઈ, આને તો બે જ પગ છે, મારે તો ચાર છે..! નાનકો ભેંસની સાઈઝનો દાંડો ઉપાડીને દૌડ્યો..! કઅચ્ચ્ચ્ચ..કઅચચચ કરીને બુચકારે ત્યાં સુધીમાં તો બેચાર ઝાડવાનું ભેંસ લંચ પણ કરી ગઈ..! આજુબાજુવાળા એવાં ખડ્ડૂસ કે ભેંસનો જમણવાર જોયા કરે, પણ હરામ્મ્મ બરાબર જો કોઈ  ‘હઅઅઅડ’ શુદ્ધાં કરતું હોય તો..! આપણાથી એવું પણ નહિ કહેવાય કે, ગાર્ડનમાં ભરાયેલું ભેંસડુને જોયું છતાં ભગાડ્યું કેમ નહિ..? કદાચ એવું પણ કહી નાખે કે, અમે કંઈ કુતરા-બિલાડાં ને ભેંસડા ભગાડવા થોડાં અહીં રહીએ છીએ..? કોઈ કહે કે, 'મેરી ભેંસકો ડંડા કયું  મારા' તો જવાબદારી લેવાના છો..?  તારી ભળી થાય તારી, હમણાં ભેંસની જગ્યાએ ઐશ્વર્યારાય આવી હોત તો, ઢેબરાં-ઢોકળા ને ખાખરા લઈને દોડી વળી હોત, ને ‘સેલ્ફી’ લેવા પડાપડી કરી હોત તે અલગ. આપણે ત્યાં ગાર્ડનમાં ભરાયેલી ભેંસ સાથે સેલ્ફી લેવાનો ક્રેઝ હજુ ખીલ્યો નથી..! પણ પાડોશીનો મને પાક્કો અનુભવ તો થયો કે, પાડોશી-પાડોશીમાં પણ ફેર હોય..! કેટલાંક લોકો પાડોશી માટે મરી ફીટે, તો તો કેટલાંક પાડોશી આપણે મરી જતાં હોય તો પણ, ઘરમાંથી નહિ ફીટે. કેટલાંક તો સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવા ને પ્રસાદ ખાવા પૂરતાં જ ખપમાં આવે. આમ તો દરવાજા આગળ મસ મોટું બોર્ડ મારેલું કે, ‘રજા સિવાય કોઈએ દાખલ થવું નહિ’ પણ ભેંસ થોડી ભણેલી હોય કે, વાંચે..? ભેંસને તો ગાર્ડન અને જેલ બધું જ સરખું. જેલના દરવાજા ખુલ્લા હોય, તો જેલમાં પણ ઘુસી જાય..! પાડ માનો કે, ખાલી રીક્ષા જોઇને ભેંસ બેસી જતી નથી..! 

                                     મારો જનમ આમ તો ગાંધીજી ગયા પછી જગ્યા થઇ એટલે થયેલો. એટલે જીવદયાનો હું થોડો આગ્રહી ખરો..! મારું ચાલતું હોય તો આખો ગાર્ડન ભેંસ માટે ભંડારામાં આપી દઉં. પણ જેનું ઘરમાં નહિ ચાલે એનું ગાર્ડનમાં ચાલે?  એક તો મારું વજન કપડાં-લતાનાં સરસામાન સાથે,  ટોટલી ૪૮ કિલો..! ત્યારે ૫૧ કિલો તો ભેંસ અઠવાડિયે  દૂધ આપતી હોય.!  ભેંસ જેવાં મહાકાય પ્રાણી સાથે, બરોબરી કરવામાં મારો મેળ પડે..? દંડો લઈને નીકળું તો  સુદામો  મહિષાસુરને મારવા નીકળ્યો હોય એવું લાગે. એટલું અનુમાન કર્યું કે, આજકાલ ભેસ પણ શેઢા-ખેતર-તળાવ-ખાબોચિયા છોડીને બાગ-બગીચામાં ‘ઈન્ટરેસ્ટ’ રાખવા લાગી.! આપણે તો યુવાનીમાં જ 'બાગ-સપ્તાહની ઉજવણી કરી હોય. ભેંસને તો આવાં કાર્યક્રમ હોય નહિ. મહિષાસુર રાક્ષસ મહેમાન બનીને ઘરે આવ્યો હોય એવું લાગે, એટલે ગભરાટ તો છૂટે. વિચારોના હુમલા પણ વધી જાય. વાઈ-ફાઈની માફક ગમે એ ખૂણામાં બેસો તો પણ પકડાય. વિચારોમાં ભેંસ એવી ઘુસી ગઈ કે, એકાદ વખત તો વાઈફને પણ ભૂલથી ભેંસ કહેવાય ગઈ, એમાં બીજાં ભડકા થયાં.  વિચારો આવવા એ  જીવતા માણસ માટે સારી નિશાની કહેવાય. માણસને ખાત્રી થાય કે, મારા શ્વાસે  છૂટાછેડા લીધાં નથી. એમાં અમારો રતનજી એટલે વિચારોનો મહા વંટોળ..! ગેંડો-હિપોપોટેમસ-હાથી વગેરે તો એને જોઇને પણ ભડકે, પણ ભેંસ-પાડા ને આખલા વગેરેને જુએ ત્યારે એનું મગજ ભડકે..! રાતે સહેજ ‘ઠોકી’ પડાયું તો લવારે પણ ચઢે કે, ભેંસ જેવાં શીંગડા તો ભગવાને માણસને આપવા જોઈતાં હતાં.  જુઠું બોલે, પાપાચાર કરે કે અણછાજતું વર્તન કરે તો, સવારે ઉઠે ત્યારે માથે શિંગડું ફૂટવું  જોઈએ. માણસના માથે શિંગડું  જોઇને, પ્રાણીઓને પણ થાય કે, પ્રાણીમાં આપણે એકલાં નથી. માણસ પણ સામાજિક પ્રાણી છે..! માણસોની વસ્તી ગણતરીની માફક, શીંગડા ગણતરીનો કાર્યક્રમ પણ રખાય. જાણી તો શકાય કે, માણસોમાં પાપાચારનો આંક કેટલો ઉંચો કે નીચો ગયો છે..? મને કહે, રમેશીયા..! આ  ‘કીડી-મંકોડાને ટીપું-ટીપું શરીર આપ્યું. ને હાથી, ગેંડો, હિપોપોટેમસ, ભેંસ, પાડામાં ભગવાને કેટલું મટેરિયલ વાપરી નાંખ્યું? થોડુક બચાવ્યું હોત તો, ‘છોટા-છોટા’  કેટલાંક  પ્રાણીઓ તો થાત..! માણસને ઊભાં વાંહડા જેવાં બનાવ્યા, ને ચાલે આડા, પશુઓને આડા બનાવ્યા ને ચાલે સીધાં..! માણસને કહેવું પડે કે, માણસ થા, પાડાને ક્યારેય કહેવું પડ્યું કે પાડો થા..! સીધાં પોતાને ઘર જ જાય, ત્યારે માણસનો ભરોસો નહિ, ઘરે જાઉં છું કહીને દીવ દમણમાંથી પણ નીકળે..! ત્યારે ભેંસ એટલી સ્વાભિમાની કે, ચાર કલાક પાણીમાં બેઠી હોય તો પણ, ઘરે આવીને જ પાણી પીએ..! માણસને તો નશીલો મિત્ર મળ્યો તો, રસ્તે પણ ફુલિયા ઠોકતો આવે, ને દીવ-દમણથી નીકળે તે અલગ..!  લોક સાહિત્યમાં એક વાત લખી છે,

        ચલત ગ્રામ મહિષા વૃષભ, ચરતે અશુભ બખાની

              બૈઠે ચલતે જા દિન મિલે,  તા દિન કરો પયાનિ

                  “બહારગામ જવા નીકળો, ને રસ્તામાં ચાલતી ભેંસ કે સાંઢ રસ્તામાં જોવા મળે તો મુસાફરે અપશુકન માનીને પાછા વળી જવાનું. પણ ચાલતી, ચરતી કે બેઠેલી ભેંસ કે આખલાને જુએ તો તેની જમણી તરફથી પ્રયાણ કરવાથી સારા શુકન અને કામ ફતેહ થાય છે..!” પેટા પ્રશ્ન એ થાય કે, ધારોકે ‘ભેંસ આખલાને સામો માણસ મળ્યો તો એમણે શું કરવાનું..? દૂધ આપતી ભેંસ તો શુકનિયાળ જ હોય..! છતાં ભગવાને એકેય ભેંસને ધોળી કે દેખાવડી બનાવી નથી, એ રહસ્ય હજી સમજાતું નથી..!   

                                     લાસ્ટ ધ બોલ

         શ્રીશ્રી ભગાની ભેંસ મોબાઈલ ગળી ગઈ. ધારો કે, મોબાઈલ પેટમાં હોય કે, બહાર હોય, કોઈનો ફોન આવે ને  રીંગ વાગે તો..? પેટમાં રીંગ વાગે બીજું શું,,? ને વાઈબ્રેશન ઉપર હોય તો ગલગલીયાં પણ થાય..! જેવી જેવી ભેંસ ને જેવો જેવો મોબાઈલ..! રીંગ વાગતા ભેંસ એવી ભાંભરવા લાગે કે, આજુબાજુ વાળા પણ ત્રાસી જાય. બુદ્ધિના બાલજેવો ચમ્નીયો કહે, ‘ ભગા, આવું થાય ને, ત્યારે ભેંસને કવરેજ વિસ્તારની બહાર બાંધી આવવાની. ટાવર પકડાય તો ભાંભરે ને..?

એના કપાળમાં કાંદા ફોડું..!

-------------------------------------------------------------------------------------------------------         

 

 

 

રેટ કરો અને રિવ્યુ આપો

Balkrishna patel

Balkrishna patel 3 માસ પહેલા

Minaxi Makvana

Minaxi Makvana 3 માસ પહેલા