હાસ્ય લહરી - ૫૩ Ramesh Champaneri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

હાસ્ય લહરી - ૫૩

ટાઢું ખાવાનો પણ એક ‘ટેસ્ટ’ છે..!       

                               ટાઢું..એટલે, મંદ, ઢીલા સ્વભાવનો..ટાઢો ! શાંતિનો સ્વામી, નહિ ક્રોધની ગરમી કાઢે કે નહિ કામમાં પૈડા લગાવે, ક્યારેય ઉશ્કેરાય નહિ તેવો..! સમજો ને કે મારા જેવો..! શ્રાવણનાં બધાં તહેવારો ટેસ્ટી, પણ શીતળા-સાતમ આવે ને પેટમાં પંચર થવા માંડે..! આખું વર્ષ તો ટાઢું ખાતાં જ હોય, પણ ટાઢી શીળી  એટલે ટાઢું ખાવાનો સ્પેશ્ય દિવસ, એ દિવસે જડબેસલાક ચુલાબંધી..!  આગલે દિવસનું રાંધેલું ને સજ્જડ ટાઢું પડેલું જ ખાવાનું ને ટાઢા પાણીએ તહેવાર કાઢવાની..! એટલે તો ટાઢીશીળીના દિવસે કોઈ વરઘોડો કાઢતું નથી. હરખભેર વહુ લેવા જવાનું ને વદ્ધું ખાયને આવવાનું, એ કોને ગમે..? પણ, ગમાડવું પડે, શીતળા માતા એ આપણી લોકમાતા છે..! ટાઢાં ભોજન જોઇને ભવાડા નહિ કરાય..! 
                                         માણસનું બીજું નામ એટલે મોજીલો. એને દરેક વાતે ટેસ્ટ અને બેસ્ટ જોઈએ. . ઘરમાં ભલે જેવું બનાવ્યું હોય તેવું, ચૂપચાપ ખાયને ઉઠી જાય, પણ લગનની દાળમાં વાંધો કાઢે. રસોઇઆને પણ  બોલાવીને ખખડાવે..!  પોતાનામાં મીઠું ઓછું છે કે દાળમાં, એની પોતાને જ ખબર ના હોય. મોજીલો તો ત્યાં સુધી કે, દેવો જાગતા હોય ત્યારે જલશા કરવાના. ધૂમધડાકા કરીને  ઢોલ વગાડવાના, ને દેવ પોઢી ગયા પછી શ્રાવણના ઉપવાસ કરવાના આવે ત્યારે, પોલીસ રિમાન્ડ લેતો હોય એમ, બાફેલા સફરજન જેવું મોઢું કરે.  ખાધ ખાયને પેટ ફુલાવવામાં પાવરધો, પણ આતમના ઉજાસ માટે ઉપવાસ કરવાના આવે ત્યારે ટાઢિયો ભરાય..! ને પૈણવાની વાત આવે તો ગુલમહોરની માફક ખીલી ઉઠે..! પણ ટાઢું ખાવાનું આવે તો બાવળિયો બની જાય ..! અમુક તો એવાં નશેડી કે, દારુવાળો દુકાન ક્યારે ખોલે એની રાહ જોતાં હોય એમ, દેવ જાગે એની લાઈન લગાવીને જ ઊભાં હોય..!  ક્યારે દેવ ઉઠે ને હાડકે પીઠી લાગે, એની આરાધના જ કરતા હોય..!  પરણી જાય એટલે થોડાંક જ દિવસમાં હવામાનમાં પલટો આવવા માંડે. માન્ચેસ્ટર કરતાં મંદિર રૂપાળું લાગે. ધીરે ધીરે લગનવાળી ઝંખના શિવભક્તિમાં ફેરવાય જાય. વરરાજા  દાઢી વધારીને બાવો બનવા માંડે. પછી મંદિર શોધીને ‘ઓમ નમ શિવાય’ ની ધૂને ચઢી, મંજીરા ઠોકવા માંડે..! એમાં ખીખીખીખી નહિ કરવાનું બકા..! સંસારનો છેડો મંદિરે જ મળે..! શિવની આરાધના કરી હોય તો સંસારને શુકન મળે. આખું વર્ષ તહેવારો આપીને ઋષિમુનીઓએ શું વ્યવસ્થા કરી છે..?  ટાઢીશીળીમાં ટાઢું ખવડાવવાની એ વિધિ નથી, વિધાન છે. ટાઢું અને વાસી ખાવાના પણ દિવસ આવે તો, જીવતરથી હારી નહિ જવાનું, એવો એમાં સંદેશ છે..! એટલે તો એ દિવસે બનાવાતા વદ્ધુંમાં તમામ કઠોળને સામેલ કરી તેનો સ્વાદ પરખાવ્યો..! દાઢી વધારીને કોરોકટ બાવો બને એના કરતાં, ધર્મના માર્ગે વળી, સાચો સાધુ બને તો, સંકટ મોચન ભગવાન પણ સહાય કરે..!
                               ક્યાં ટકવું, ક્યા અટકવું, ક્યાં લટકવું ને ક્યાં છટકવુંના પદાર્થ પાઠ શીખવે એનું નામ પવિત્ર શ્રાવણ માસ.! જો કે, આમ કહેવાથી બાકીના માસ અપવિત્ર નથી. શ્રાવણ ભલે પવિત્ર કહેવાતો હોય પણ, લગ્નગ્રંથીથી જોડાવા માટે આ મહિનો જોઈએ એટલો વપરાયો નથી. પછી અટકેલો વર ઘોડો કાઢે એ એની મજબૂરી હશે..! તારણ કાઢો તો, શ્રાવણ કરતાં બીજા મહિનાઓમાં જ ઢોલ વધારે પીટાયા હોય..! જે તહેવારોને  આખાં વર્ષમાં માન/સન્માન નહિ મળ્યું હોય, તેનું ચોગઠું શ્રાવણમાં ગોઠવાય..! બાર મહિનામાં શ્રાવણ મહિનો જ એક એવો મહિનો કે, શિવમંદિરોમાં જોરદાર ઘંટનાદ થાય, ભગવાન ભોળાનાથ બીલીપત્ર અને કમળથી ઢંકાય જાય...! મેળાઓ ભરાય, ઉત્સવો  થાય, કીર્તન થાય, ભજનની સપ્તાહ મળે, ઢોલ-મંજીરા કીરતાલનાં નાદથી, માહોલ પવિત્ર બની જાય. આખો શ્રાવણ તહેવારોથી ઢંકાય જાય..! કફોડી હાલત તેની થાય કે, જેને  એક કલાકનો પણ ઉપવાસ કરવાનો આવે તો  ફફડવા માંડે..! ૬-૪૫ થાય એટલે તો ડોળા ફરવા માંડે..! ગળામાંથી ગાયન ફૂટવા માંડે કે, “દિલ જલતા હૈ તો જલને દો, આંસુ ન બહા ફરિયાદ ના કર..!’  વગર પીધે જ ટાઢો થઇ જાય ..!  દમણને નકશામાં જોયું જ ના હોય, એને કોઈ ફરક નહિ પડે, જે ખાધે ને ખાસ કરીને પીધે મોજીલા હોય, એને ‘ આયા સાવન ઝૂમકે’  આકરો લાગે..! દમણના વિઝા એક મહિના માટે ‘રીજેક્ટ’ થયા હોય એટલો આઘાત પહોંચે..! બાકી ૧૧-૧૧ મહિના સુધી જેણે દમણના આંટા-ફેરા જ ખાધા હોય, એની હાલત શ્રાવણમાં રાવણ જેવી થઇ જાય..! પવિત્ર શ્રાવણ માસને આમ તો ફળાહાર માસ કહીએ તો પણ ચાલે. કેટલાંક તો અનાજ કરતા ફ્રુટના ઝાડવા જેવા ચાવી જાય.  ભગાએ ગયા વરસે શ્રાવણમાં એટલો ફળાહાર કરેલો કે, ઘરનું આખું બજેટ ખોરવી નાંખેલું, ને વજન કાંટા બહાર ગયેલું તે અલગ..! દરેક તહેવારની પુરાણકથા-પૂજા અને પ્રભુત્વ જે હોય તે, પણ બલીરાજાની કથા મુજબ, દેવપોઢી એકાદશી પછી, ભગવાન શિવજી પાતાળમાંથી પૃથ્વીલોક ઉપર આવે, એવી શ્રદ્ધા છે. મારું કામ કોઈને ધાર્મિક ચોપડાં ખોલાવીને ભગવા પહેરાવવાનું નથી. માત્ર હસતા રાખીને કિલકિલાટ કરાવવાનું છે..! પણ, જેને  ખાધ વ્હાલી હોય એનો ગમતો તહેવાર એટલે રાંધણ-છઠ..! રસોડાથી આઘો ખસે જ નહિ. અને અણગમતો તહેવાર એટલે શીતળા સાતમ..! રતનજીને તો ટાઢું ખાવાની વાત આવે ને, પેટમાં ચૂંક આવે. [પેટમાં જ ચૂંક આવે ને યાર..?  બગલમાં થોડી આવવાની..?]  ડ્રીન્કસ અને આઈસ્ક્રીમ સિવાય કોઈ વસ્તુ ઠંડી નહિ ફાવે. બરફ પણ ગરમ માંગે એવો..! શીતળા સાતમ આવે ને, એને ભૂખડી અમાસ જેવી લાગે..! વાઈફ ગરમ થાય તો પણ એને વસંત ખીલી હોય એવું લાગે.! એના કપાળમાં કાંદા ફોડું..!
                                    લાસ્ટ ધ બોલ

 આપણે તો સંકલ્પ કર્યો છે કે, શ્રાવણમાં સવારે પાંચ વાગ્યે ઉઠીને રોજ પાંચ મિનીટ મહા મૃત્યુંજય મંત્રની ૧૦૮ માળા કરવી.

 મહા મૃત્યુંજયની ૧૦૮ માળા તે વળી પાંચ મીનીટમાં થતી હશે..?

 કેમ નહિ થાય..? એકવાર આખો મંત્ર બોલી જવાનો. પછી ઉપરમુજબ.....ઉપરમુજબ....ઉપરમુજબ કરીને મણકા ફેરવ્યા કરવાના..!  આને કહેવાય શોર્ટકટ...!

તારા કપાળમાં કાંદા ફોડું...!

 

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------

રેટ કરો અને રિવ્યુ આપો

Balkrishna patel

Balkrishna patel 3 માસ પહેલા

Amrut surti

Amrut surti 4 માસ પહેલા

Ramesh Champaneri

Ramesh Champaneri માતૃભારતી ચકાસાયેલ 4 માસ પહેલા