હાસ્ય લહરી - ૫૧ Ramesh Champaneri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

હાસ્ય લહરી - ૫૧

કુતરાને માણસ નહિ કહેવાય,,! 

 

                અમારા બારોટ એવું કહેતાં કે, અમારા વંશ વારસદારોમાં હાથીઓ પાળવાની ગુંજાશ હતી. પણ કોઈએ ‘ડોગી’ આઈ મીન કુતરા પાળેલા નહિ. ક્યારેય કીડી-મંકોડા પણ વેકેશન ગાળવા આવતા નહિ. માત્ર માણસ જ પાળતા. તમને જાણીને નવાઈ લાગશે કે,  ‘ઝુકેગા નહિ સાલા’ વાળી મૂળ લાઈન તો અમારા વંશજોની..! અમારા વંશજોમાં કોઈનો મણકો વચ્ચેથી તૂટેલો નહિ, અને ખભો ચઢાવેલો નહિ, એટલે આ ‘ડાયલોગ’ હવામાં ઓગળી ગયેલો. જેને  ફિલ્મ ‘પુષ્પા’ એ જીવાડ્યો..! જોવાની વાત એ છે કે, માણસ સિવાયના પ્રાણી માત્ર સાથે કઠોર સંબંધ હોવાં છતાં, આજ સુધી કોઈ પ્રાણીએ નહિ બગાડ્યું હોય, એનાથી વધારે દુખી માણસથી થયા. કૂતરાની વાત કરીએ તો, સમ ખાવા જેટલા કુતરાએ પણ અમારું બગાડ્યું નથી. કુતરાનું નામ માણસ પાડવાનું મન થાય એટલાં ડાહ્યા રહ્યા..! ક્યારેક ઘરમાં આવીને એમનું ગલુડિયું પગફેર કરી જાય એ અલગ વાત છે..! બાળક છે ને યાર..? કુતરા એટલાં ડાહ્યા કે, ઘરમાં વાઈફ સાથે ઊંચા અવાજે બોલવાનું થાય તો, ‘છે જ એવાં’ કરીને આંખ આડા કાન કરે, બાકી કુતરું વચમાં પડ્યું હોય એવું જાણમાં નથી. જો કે, આ બધો અરસ-પરસનો વુવ્હાર છે. એમ તો કુતરા લડતાં હોય તો અમે પણ તેમની વચમાં પડતાં નથી. જીવદયા ની ‘ફીલિંગ્સ’  છે ને મામૂ..! એક ભાઈને પૂછ્યું કે, ડિફણા ખાતા એક ગધેડાને હું બચાવું તો એ મારો કયો પ્રેમ કહેવાય? મને કહે, “બંધુ-પ્રેમ..!” એના કપાળમાં કાંદા ફોડું..!   

                       મારે વાત કરવી છે, ડોગ-ફાઈટીંગની..! કોઈપણ પ્રકારની પૂર્વ ચેતવણી વગર ક્યારે તૂટી પડે એ નક્કી નહિ..! ખૂણે ખૂણેથી આવી પડે. ફિલ્મોની  ફાઈટીંગ કરતાં, પણ કૂતરાની ફાઈટીંગ જોવાની એટલે મઝા આવે કે, એમાં ‘ડુપ્લીકેટ’ ફાઈટર રાખવાની જોગવાઈ નથી. ઇસ્ટમેન કલરમાં ભલે ફાઈટીંગ નહિ હોય, પણ પ્રત્યેક કુતરો લડતી વખતે ઇસ્ટમેન કલરમાં જ હોય..! એમનો જોશ અને ઝુમલો જોઇને એમ જ લાગે કે, આજે એકાદ-બેની લાશ પડી જવાની. પણ સાવ સાત્વિક ફાઈટ હોય.! અમુક તો પોતાની જગ્યા ઉપરથી જ ભસતા હોય. ભસે ખરા પણ જગ્યાથી ખસે નહિ. (ના ના ચાઈના જેવાં તો નહિ કહેવાય..! કુતરાની પણ ઈજ્જત હોય યાર..!) ભેગા થઈને બધાં. ‘પોચી-પોચી’ જ ધમકી આપે, મારફાડી નહિ કરે..!  કોઈ કુતરાએ બીજા કુતરાનું ઢીમ્મ ઢાળી દીધું હોય, એવો બનાવ છાપામાં આવ્યો..? લડે ખરા પણ અહિંસક..! ગળા ફાડીને ભસે ખરા પણ પાંચ મીનીટમાં વાતનો ભમરડો વાળી દે..! માણસ જેવી છુટ્ટા હાથની મારામારી કરતા નથી. (કુતરા પાસેથી ઘણું શીખવા જેવું છે યાર..!) માત્ર ધુમાડો જ કાઢે. ભૂલતો ના હોઉં તો એકાદ દેશમાં ‘Dog fighting’ નાં ખેલ, દર શિયાળામાં થાય છે. ને આવાં ખેલમાં સટ્ટો પણ રમાય..! આપણે ત્યાં તો જુગારના મામલે મહાભારતમાં બબાલ થયા પછી, સટ્ટાનો ગ્રાફ ઉંચો ગયો નથી. જે કોઈ જુગારી પકડાય છે, એમાં ‘દ્રૌપદી દ્રોહ’ જેવું નહિ, બહુ બહુ માત્ર મનોરંજન હોય..! હા, સત્તાના રવાડે ચઢ્યા હશે, બાકી સટ્ટાનાં રવાડે માંડ મળે..!

                       આપણે ત્યાં માત્ર માણસ જાત માટે જીમની વ્યવસ્થા છે, કુતરાઓ માટે નથી.  જો કે, છે એટલી જ તંદુરસ્તીમાં કુતરાઓ  માણસની કબજીયાત મિટાવી દેતા હોય તો, જીમના પગ લુંછણીએ પગ ઘસવાનું કામ પણ શું..? અને ધારો કે જીમમાં જાય તો વલે શું કરે..? અને જીમમાં જાય તો કંઈ બાવડાં થોડાં ફુલાવાય..? હોય તો ફૂલાવે ને..? ટાંટીયો થોડો ફુલાવાય..? છે એટલી તંદુરસ્તી જ કાફી..! આજ સુધીમાં મહોલ્લાના એક પણ કુતરાને મેં પ્રાણીઓના દવાખાનામાં જતાં જોયો નથી. બાકી, જાહેર શૌચાલયની માફક જેમ સ્ત્રી/પુરુષના શૌચાલય અલગ હોય એમ, માણસ અને પ્રાણીઓના દવાખાનાની સુવિધા પણ અલગ તો હોય જ છે. સામ્યતા એટલી જ કે, માણસના દવાખાનામાં જે કેસ લખાય એમાં બીમાર વ્યક્તિનું નામ અને ઉમર લખાય, ત્યારે પ્રાણીઓમાં પ્રાણીની જાત લખાય, ને  નામ એના માલિકનું લખાય. ધારો કે હું મારા કુતરાને  પ્રાણીઓના દવાખાનામાં લઇ ગયો, તો કેસ એવો નીકળે કે, રમેશભાઈ ચાંપાનેરી, પુંછડામાં સોજો..!

                    જે હોય તે, કુતરાઓ ભલે ભણેલા નથી, બાકી માણસના મૂડને એ ઓળખી તો કાઢે.  સામેવાળાના હાવ-ભાવ પરથી જાણી જાય કે, એ હવે કયો દાવ રમવાનો છે? એની ગંધ પણ ઓળખી જાય ને  શારીરક ભાષા પણ સમજી જાય..! ઘણાએ માણસને કુતરો કહ્યો હશે, પણ કુતરાને કોઈએ માણસ કહ્યો નથી...! ત્યારે તો એમ કહેવાનું મન થાય કે, ‘ તું..તું..તું..! તુ..તુ તારા..! તારા કરતાં કૂતરાં સારા..! ’

                    રતનજીના જ્યારે લગન બંધાવાના, તે સમયની વાત છે. એકવાર એના પણ લગન થયેલા. (એમાં ખીખીખીખી શું કરો છો..? અમુક તો હજી આજે પણ લગન વગર અલક- ચલાણી રમે છે..! ચૂંધી જ એટલી બધી કે, છોકરી મળે તો ગામ નહિ ગમે, બધું ગમે તો મા-બાપ નહિ ગમે, ક્યાં તો વેવાઈ-વેવણનાં મેચિંગમાં વાંધા આવે. માંગુ મુકવા ગયેલા રતનજીને થનાર વાઈફે એવું પૂછેલું  કે, “તમે હેન્ડસમ તો છો, પણ આ તમારું નામ સ્વીટ લાગતું નથી. તમારા કરતાં તો ‘ડોગી’ નામ સારું લાગે..! મારે પ્રેમથી તમને બોલાવવા  હોય તો, ‘રત્ના’ કે ‘રત્નું’ કહીને બોલાવવાનું..? બીજીવાત, તમે કુતરા પાળો છો..? આ સવાલમાં રતનજી ભેરવાયો. આ સાંભળીને રતનજી નું મોંઢું બાફણા અથાણું જેવું થઇ ગયું. રતનજીએ નક્કી કરેલું કે, છોકરી ફાવટવાળી છે, ચોગઠું ગોઠવ્યા વગર ઓટલો ઉતરવો નથી..! ૩૩ કરોડ દેવતાને યાદ કરીને કહ્યું કે,’ હું કુતરા એટલે નથી પાળતો કે, એક ઘરમાં બે કુતરા રહેતાં હોય તો સારું નહિ લાગે..? બીજું કે, ‘રતનજી હાઉસ’ ને બદલે ‘ડોગ-હાઉસ’ જેવું લાગે. કુતરા પાળવાનો શોખ ખરો પણ, હજી સુધી અમે માણસ જ પાળ્યા છે, કુતરો પાળ્યો નથી, પણ તમારી ઈચ્છા હોય તો એકના ભેગા બે..!  કુતરો પણ પાળીશ ને તમને પણ પાળીશ...! પેલીએ એવી ફિલોસોફી છેડી કે,  સાસરામાં એકાદ કુતરો હોય તો સારું, ધાર્મિક વાઈબ્રેશન મળે. DOG ને ઉંધો વાંચો તો GOD જ થાય ને..? ’ કુતરાના અવગુણ નહિ જોવાના, ગુણ  જોવાના. ભલે ઉઘાડા ફરતાં હોય, પણ કૂતરામાં નાગાઈ કરતા ‘કુતરાઈ’ વધારે હોય છે..! ક્યારેક તો માણસાઈ કરતાં પણ કુતરાની ‘કુતરાઈ ચઢી જાય. એની ફેંકોલોજી સાંભળીને રતનજીના પેટાળમાં એક વાતે તો ટાઢક થઇ કે, ચોગઠું લાઈન ઉપર તો આવ્યું છે. કુતરો ભલે પળાવે પણ, લગનનો ખેલ ચાલવાનો..! એના કપાળમાં કાંદા ફોડું, રતનજી આજે ચાર-ચાર કૂતરાનો માલિક છે..! કુતરા એ,સી. માં સુએ છે, ને રતનજી બહાર સુએ છે, દેશીમાં..!!

 

----------------------------------------------------------------------------------------------------------------------------------------------

 

 

 

રેટ કરો અને રિવ્યુ આપો

Balkrishna patel

Balkrishna patel 3 માસ પહેલા

Ramesh Champaneri

Ramesh Champaneri માતૃભારતી ચકાસાયેલ 4 માસ પહેલા