હાસ્ય લહરી - ૫૦ Ramesh Champaneri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હાસ્ય લહરી - ૫૦

 

દરેક વ્યક્તિ પોતાના ગણપતિની જ જય બોલાવે છે..!

બાપા..! આખ્ખર એ દિવસ આવી ગયો. ધડામ ધૂમ લાડ કરીને એને ડુબાડી દેવાની તો અમને આદત છે. એવાં જ દિવસને અમે આનંદ ચૌદશ કહીએ. છોરું કછોરું થાય પણ દેવ કૃપાધિન થવા માટે દેવાદાર થતાં અચકાતા નથી એ અમારો વિશ્વાસ છે બાપા..! ફરી ડી.જે. નાં ધૂમધડાકા શરુ થશે. (ડી.જે. એટલે (દેરાણી-જેઠાણી) નહિ બાપા..! યુવાનોનું સાંસ્કૃતિક ડીવાઈસ..!) આપની આરાધના-પૂજા કરવાનો, અને પ્રેમથી ડુબાડવાનો વળી એક લ્હાવો મળશે. આપ તો દેવાધિદેવ છો બાપા..! બધું જ જાણો છો કે, આપને ઘરે લાવતા કે, ઘર માંથી બહાર કાઢતાં, અમારૂ હૈયું હાથ નથી રહેતું, એટલે તો અમારે ‘લૈલા હો લૈલા’ જેવાં ગાયન ઉપર પણ ‘ડેન્સ’ કરીને હળવા થવું પડે. શું કરીએ..? ભજનો અમને ફાવતા નથી અને ગાયનો અમને રોકતા નથી..! ડી.જે વાગે ને શ્વાસમાં 'ધમ્મ..ધમ્મ' થવા માંડે. આવું થાય ત્યારે આપે બહુ ચિંતન કે મનોમંથન નહિ કરવાનું .! અમારું બ્લડ પ્રેશર લેવલમાં લાવવા આવું કરવું પડે. ક્યારેક અમારું પેચીદું મનોરંજન ચલાવી લેવાનું..! દેવો અમને ન્યાલ કરવામાં પાછળ પડતાં હોય પણ નેતાઓને વ્હાલ કરવામાં. ક્યારેક તત્કાળ રાહટબપાન મળતી હોય. એ તો અમે સંસ્કારી છે કે, દેવની જગ્યાએ રાજ સત્તાની પૂજા કરતા નથી. આપની આરતી કરતાં ક્યારેક અમારાં ઓરતા પણ ઊંચા હોય..! આપની સેવામાં એવાં લીન થઈ જઈએ કે, અમે ઉજાગરાને બદલે ક્યારેક જાગરણ પણ કરીએ. બોલો ગણપતિ ગજાનંદ મહારાજકી જય..! જય તો બોલો યાઆઆર..?
આમ તો બાપાની ખોટ અમને સાલતી નથી. ઘર-ઘરના રેશન કાર્ડમાંથી બાપા નીકળે. એ બધાં ખાટલાવાળા બાપા કહેવાય, ને આપ રહ્યા પાટલાવાળા ને ઓટલાવાળા બાપા..! ખાટલાવાળા સાથે તો અમારે રોજના સંબંધ.! આપ તો વર્ષમાં એકવાર આવો, એટલે અમારા અતિથી દેવો ભવ: કહેવાય..! એટલે તો પાટલાવાળા બાપાની સેવા-ચાકરી કરવામાં ઘણીવાર મહેણું પણ સાંભળવા મળે કે, 'પાટલાવાળા બાપા કરતાં ઘરના ખાટલાવાળા બાપાની આટલી દરકાર રાખતાં હોય તો..? ' સાંભળીને બેસી રહીએ બાપા..! છોરું કછોરું થતાં નથી. વડીલ વાંકા થાય તો ભલે થાય, અમે રાંકા બનીને મૌન સહન કરી લઈએ .અમારી વેદના કોને કહેવા જઈએ..? આપ રહ્યા સંસ્કૃતભાષી એટલે અમારી આંટીઘૂંટી સમજાવીએ પણ કેમ..? આપની સાથે મન મુકીને વાત કરવા માટે સંસ્કૃત ભાષા શીખવાનો પ ણ સંકલ્પ કરેલો. ટ્રાય મારી જોયેલી. તો એમાં બબાલ થઇ..! શ્રીશ્રી ભગાને સંસ્કૃત શીખવવા એક ‘નોન ગુજરાતી’ શિક્ષકને ટ્યુશન આપવા ફાળો કરીને ભાડે રાખ્યો, તો એ શિક્ષક માથે પડ્યો. શિક્ષકે એક દિવસ ભગાને એટલું જ કહ્યું કે, ‘તમસો મા જ્યોતિર્ગમય’ નું ગુજરાતી કરો..! ભગાએ ગુજરાતી કરતાં એટલું જ કહ્યું કે, ‘મા તમે સુઈ જાઓ, હું જ્યોતિના ઘરે જઈ આવું છું’ ત્યારથી શિક્ષક પણ ઘૂમ અને સંસ્કૃત પણ..! દુખ એ વાતનું થયું કે, અમારા પૈસે શિક્ષક અમારું ગુજરાતી શીખી ગયો, પણ સંસ્કૃત અમારા ભેજામાં નહિ ઉગ્યું ..!
એક વાત છે ગણપતિબાપા..! અમારા ઓટલે આપને બેસાડ્યા પછી, કોઈ મોટી મિલકત વસાવી હોય એટલાં અમે હરખપદુડા તો થઇ જઈએ. એવાં શ્રદ્ધાળુ થઇ જઈએ કે, ઉંદરને પણ માનભેર મામા કહીએ. કહો ને કે, તમારી આગળ શેતાન પણ શ્રદ્ધાળુ બની જાય..! ગાળો તો કોઈ બોલતું જ નથી, પણ બોલતાં હોય તે પણ ‘શ્રી ગણેશાય નમ:' ના સ્વસ્તિ વચનનું આદાન-પ્રદાન કરતા થઇ જાય. માતાને પણ માતેશ્રી ને પિતાને પિતાશ્રી કહેતાં થઇ જઈએ. આપના આગમન સાથે એવો પવિત્ર પવન ભરાવા માંડે કે, વાણી-વર્તન અને વ્યવહારમાં ફરક પડવા માંડે. ધાર્મિક ધરતીકંપ જેવું લાગે. પોતાના ગણપતિ સિવાય, બીજાના ગણપતિની જય પણ નહિ બોલાવીએ. સામે વાળાનો ગણપતિ ગમે એટલો મોંઘો કે જાજરમાન હોય, તો પણ એની અદેખાય શુદ્ધા નહિ આવે, એટલાં નિર્મોહી બની જઈએ. પોતાના ગણપતિ છોડીને બીજા કોઈ ગણપતિની આરતી કરવા પણ નહિ જાય. પોતાનાથી ઊંચા ગજાના ગણપતિ જોઇને, નહિ એ જીવ બાળે કે, નહિ પોતાની ભક્તિમાં ભાંગફોડ કે બાંધછોડ કરે. માનસિકતા જ એવી જડબેસલાખ બનાવી દે કે, પોતાના ગણપતિ જેવાં હોય તેવાં, સીદીના છોકરાં સીદીને વ્હાલાં..! પોતાના જ ગણપતિ સજીવ અને બાકીના નિર્જીવ હોય તેમ, બીજાના ગણપતિના ઉંદરની પણ જય નહિ બોલાવે..! બાકી બધાં જ ગણપતી સરખા હોય એ તો અમે પણ જાણીએ. બહુ બહુ તો બંને ગણપતી વચ્ચે ભાવફેર કે બ્રાંડ-ફેર હોય એટલું જ..! દુકાનદારને ત્યાં ભલે બધાં ગણપતિ ભાઈબંધ જેવાં હોય, પણ વેચાયા પછી બાજુવાળાના ગણપતિ કોઈ બીજા ગ્રહમાંથી ઉતરી આવેલા હોય એવો જ ભાવ પ્રગટે.! અમુક જગ્યાએ તો, હારેલા નેતા જેવી આભડછેટ હોય..! તેમનો પ્રસાદ લેવામાં પણ ડૂમો આવી જાય..! તેમના પ્રસાદમાંથી પણ ફોરાં કાઢે..! જે હોય તે, સલમાનખાન- શાહરૂખખાન કે આમિરખાન જેવી આજની પેઢી, પવિત્ર રહીને, પોતાના ગણપતિનું પૂજન-અર્ચન કરે એ કંઈ ઓછું નથી..! પોતાના તો પોતાના, ગણપતિની જય તો બોલાવે છે ને..? ગણપતિદાદા ખુદ જ્યારે મૂર્તિ બનાવનાર ગરીબ કારીગર અને મજુરો ભૂખા નહિ રહે, એ માટે વેચાવા તૈયાર થયા હોય ત્યારે, લોકોની માનસિકતા નહિ જોવાની..! ભાવ અને ભક્તિમાં ડોકિયું કરવાનું..! શું કહો છો રતનજી..!
વિસર્જન વખતે એક ભાઈ રેંકડીમાં ૧૦-૧૫ ગણપતિ લઈને પોતાના ગણપતિની જય બોલાવી જતા હતાં. મેં પૂછ્યું, ‘આ વખતે આટલા બધાં ગણપતિને તમે પાટલે બેસાડેલા..? મને કહે, ‘ પાટલે નહિ, વેચવા માટે ઓટલે બેસાડેલા..! વેચાયા એટલાનું બીજા વિસર્જન કરે છે, ને નહિ વેચાયા તેનું હું વિસર્જન કરવા નીકળ્યો છું..!’ તારી ભલીથાય તારી..!

મઝાની વાત તો એ છે કે, અમુક લોકો તો ૩૬૫ દિવસના ગણપતિ માંડ્યા હોય એમ, પોતાની દુકાનના નામ જ ગણપતિબાપા સાથે જોડી દીધેલાં. જેમ કે, ગણેશ લોન્ડ્રી, ગજાનંદ આઈસ્ક્રીમ, ગણેશ બીડી, ગણેશ પાન હાઉસ કે ગણેશ કરીયાણા હાઉસ વગેરે વગેરે..! એમને ત્યાં બારેય માસ ગણેશદાદાની બરકત હોય..! પણ ગણપતિ ઉત્સવમાટે ફાળો લેવા કોઈ જાય તો સૂંઢને બદલે માથું હલાવે..! એમ કહે કે, ‘ધંધામાં મંદી જ એટલી ચાલે છે કે, તમને ખાલી હાથે મોકલતા મને શરમ આવે છે બોલ્લો..! એમ થાય કે, ફાળો આપવા કરતાં, તમારા માંડવે આવીને હું જ ગણપતિની જેમ બેસી જાઉં..! ચમનીયો એટલો ચાલુ તે કહે, “ કાકા, છેલ્લા દિવસે તમને દુબાડી દેવાનું પાપ લાગે એટલે, બાકી ચાલે તો ખરું..!’

લાસ્ટ ધ બોલ

આ દુનિયા એટલી મતલબી છે કે, માત્ર પાનવાળો જ પૂછે છે કે, "સાહેબ ચૂનો કેટલો લગાવું.?”

-----------------------------------------------------------------------------------------------------------------------