VAN FUTELA FATAKDA NA SURSURIYA books and stories free download online pdf in Gujarati

હાસ્ય લહરી - ૪૧

વણફૂટેલા ફટાકડાના સુરસુરિયા..!

 

                                        જોતજોતામાં થનગનતી દિવાળી આવી ગઈ. ફરીથી આકાશ આતશબાજીથી રંગીન થશે. ઘર ઘર રંગોળી ને દીવડાઓ ઝગશે. દિવાળી એટલે પ્રકાશનું પર્વ. દિવાળી એટલે અંતરના ઉઘાડ, ઉમળકાઓનું આદાન ને પ્રદાન, હૈયાની હેલી અને વિચારોનું વૃંદાવન,..! પ્રદેશ પ્રદેશના રીતરિવાજ મુજબ દિવાળીની ઉજવણી થાય. એમાં દિવાળી એટલે પેલું વર્ષો જુનું લહેરિયું. લહેરિયું શબ્દ પડતાં જ બચપણ યાદ આવી જાય. બાળકોનું ટોળું થાળીમાં દીવા પ્રગટાવીને, આંગણે ઉભાં હોય, અને કુમળા મોંઢે ‘લહેરિયું’ લલકારે એની તોકોઈ મઝા જ ઔર..! દિવાળીને આવકારવા, વધાવવા, મનાવવા શુકનનો થાળ લઈને ઊભાં હોય એવું લાગે. ફાગણમાં ફાગ અને દિવાળીમાં શુકન એટલે એમનો બાળ અધિકાર. લહેરિયું એ આજની પેઢી માટે કદાચ નવો શબ્દ હશે. પણ એના શબ્દોની ગૂંજ હજી આજે પણ હૈયાને ભીંજવેલા રાખે. આવાં લહેરિયાની ઝાલાકથી જ આજના આજના વાર્તાલાપની શરૂઆત કરીએ...!

         લહેરિયું લહેરિયું દિવાળીનું લહરીયું,

         ઘરમાં છે પણ બોલતા નથી, ફટાકડા છે પણ ફોડતા નથી

         દીવેલ છે પણ પૂરતા નથી, ઘરમાં વસેલા મારા મહોર

         આજ દિવાળી કાલ દિવાળી

         દિવાળીનું લહેરિયું......

         લહેરિયું લહેરિયું...દિવાળીનું લહેરિયું...(૨)

   

                       અહાહાહા..મઝા આવી ગઈ ને શ્રોતાજનો..? રંગોળીથી સુશોભિત કરેલા આંગણામાં દીવા ની જ્યોત પ્રગટાવીને ઉભેલા બાળકોને જોવા, એ પણ બ્રહ્મા-વિષ્ણુ-મહેશના દર્શન કરવા જેટલો લ્હાવો છે. આદરભાવથી એમને દિવાળીની બક્ષીસ આપીએ, એના દીવામાં તેલ પુરીએ, તો એના બદલામાં એ રાજીપો આપે.. આ દિવાળીમાં આપનો એકપણ ફટાકડો સુરસુરિયો નહિ થાય, એવી આપ સૌને ભદ્રભાવના પાઠવું છું. ભગવાનની પણ કેવી વ્યવસ્થા છે? દિવાળી પહેલાં નવરાત્રી આપે, નવરાત્રીમાં શક્તિની આરાધાના કરાવીને જોમ અને જુસ્સો આપે. શક્તિનો સંચાર થાય એટલે  અનિષ્ટોનો નાશ કરવા રાવણને નિમિત બનાવી તેનું દહન કરવા દશેરો આપે. અને દહન થાય એટલે દશેરાના ફાફડા-જલેબી ખવડાવે. પછી શરદ પૂનમની ઉજવણીમાં ઘારીનું મિષ્ટાન, અને છેલ્લે આતશબાજીથી હળવા કરી આખી સંવતને બદલે. એક વાત છે, ઘરની સાફ સફાઈ વગર આંગણામાં દિવાળી આવતી નથી. મનની સફાઈ સાથે ઘરમાં ખૂણે-ખૂણે સાફસફાઈ તો જ દિવાળીનું પ્રાગટ્ય થાય. કોઈએ સરસ કહ્યું છે કે,

                            ફૂટવા હોય તો ભલે ફૂટે ને ભલે થાય સુરસુરિયા

                            અંતરના ઉઘાડ ઉઘડે ને ખાવામાં મીઠાઈ મેવા

                            દિલ બને દરિયાવ સૌના મોજીલો થાય રસમંજન   

                            બાર સાંધે કે તેર તૂટે પણ ઝામે સૌના એ મેળા

                                    હોળી અને દિવાળી એટલે બંને ભક્તિના તહેવાર. પણ હોળીને સળગાવવી પડે, ને  દિવાળીમાં દીવા પ્રગટાવવા પડે. બંને એકબીજાના પૂરક. હોળી વગર દિવાળી નહિ ઝામે, ને દિવાળી વિના રંગોળી નહિ ઝામે. હોળીમાં મોર ભલે કકળાટ કરતો હોય, પણ દિવાળી આવે એટલે મોર અને ઢેલ સહિયારો થનગનાટ કરવા માંડે. હાસ્યની હેલી ઉભરાવા માંડે. હોળી ભલે વસંતઋતુના વધામણાનો તહેવાર હોય, પણ દિવાળી એટલે એક્મેકમાં  સ્નેહના દીવડા પ્રગટાવવાની રાત. સૌના હૈયે પ્રવેશ કરવાનો દિવસ. વાણી વર્તન અને વ્યવહાર માં એવો નિખાર આવી જાય કે, હોળી દિવાળીની ભેદરેખા જ ભૂંસાય જાય. ઢોલીડાના ઢોલ સાથે ગવાતા ફાગણના ફાગ અને ધુળેટીના રંગમાં માનવી જેમ ઝૂમવા લાગે એમ, દિવાળી આવે એટલે ઘર પણ તીર્થનું સ્થળ બની જાય. પ્રત્યેક ઘરમાં પરિવારનો મેળો ભરાવા માંડે. હોળી રંગકામ સંભાળે તો, દિવાળી સૌમાં સ્નેહપાન કરાવે..! ઘર ઘર ત્રિરંગાની માફક ઘર ઘર ઉમળકા ઉભરાવા માંડે.

                                દિવાળીની આ જ તો મઝા છે રમેશ

                                સાફસફાઈની લ્હાયમાં કમ્મર લચી પડે.

                             દિવાળીના દશ દિવસ પહેલાં જ મારી વાઈફના સ્વભાવમાં જાણે ઝાડું ફરી વળ્યું હોય એમ, આદર્શ સન્નારી બની ગઈ. મારા જેવાં અનાથને એ નાથ કહેવા લાગી. તમે માનશો નહિ, સવારમાં સમય કરતાં વહેલો ગરમા ગરમ નાસ્તો આવવા લાગ્યો. જમાડવાની સ્ટાઈલ અને રસોઈ બંને બદલાય ગયા. ગુસ્સાને બદલે ઘેબર ખવડાવતી હોય એવો સભલો ફેરવાય ગયો. મીઠી-મીઠી એવી વાતો કરવા લાગી કે, મને પણ ડર લાગવા માંડ્યો કે, ક્યાંક એની મીઠાશને કારણે ‘ડાયાબીટીશ’ તો નહિ વળગે ને..+ અચાનક આવેલો ફેરફાર જોઇને હું મૂંઝાય ગયો કે, નક્કી આ કોઈ આવનાર તોફાન પહેલાની શાંતિ તો નહિ હોય..? યાર...! કારેલું કડવાશ છોડીને મીઠાં મધ જેવો સ્વાદ આપતું થઇ જાય તો શંકા તો જાય  જ ને..?  પછી ખબર પડી કે મારું અનુમાન ખોટું નથી. દિવાળીમાં રજામાં કામવાળી બહારગામ જવાની છે, ને તેનો હવાલો મારી પાસે આવવાનો આ અણસાર છે..! લગને ભલે પચાસનો આંકડો ખેંચી નાંખ્યો હોય, પણ  સહન શક્તિની એટલી સિલ્લક નહિ કે, હું એના આદેશનો અનાદર કરું. એના કપાળમાં કાંદા ફોડું છેલ્લાં છ દિવસથી વાસણો અજવાળીને અભરાઈ ઉપર ગોઠવું છું...! એમાં તમે શેના ખીખીખીખી કરો છો..? બધાનું જ આવું હોય, ફેર એટલો કે, હું બોલું છું ને તમે બોલતા નથી. દોસ્તો..! લગન વખતે કઢાવેલી કુંડળીમાં તમારા ગુણ વાઈફ કરતાં ભલે ઊંચા  હોય, પણ લગન પછી એ બધાં જ ગુણો ગુણીયલ આગળ ‘ડાઉન’ થઇ જાય. એની ઝપટમાં એવાં આવી જાવ કે, ઊંચા  ગુણનું પાંચિયું પણ નહિ આવે. બંદાને બધી જ ખબર કે, આવું થાય ત્યારે સહનશીલતાથી કામ લેવાનું. મામલો તોફાને ચઢે તો સંસ્કારની બચત નહિ કરવાની, ખર્ચી નાંખવાના. યાદ રાખવાનું કે, જે મળેલી છે એ પણ માંડ મળેલી છે, અને હવે કોઈ બંદાને આપવાનું નથી. માટે ગુસ્સો તો કરવો જ નહિ, નહિ સહન થાય તો, ઓટલે બેસીને  ઓડકાર ખાયા કરવાના.  અમારો સંસાર એટલે જ કંસાર જેવો છે, એનું એક રહસ્ય આ પણ છે. યાદ રાખવાનું કે, ઘરના માતાજી બગડ્યા તો, બીજા કોઈ માતાજી ત્રિશુળ લઇને નહિ આવે. માટે ડુંગરાવાળીને બદલે ઉંબરાવાળીની જ આરાધના કરવી સારી. આર્ય નારી હોવાથી ભલે વળતો હુમલો નહિ કરે, પણ રસોડામાં જઈને તમારા નામવાળા વાસણો વાંચી-વાંચીને અફાળવા માંડશે. એકવાર મેં એને પૂછેલું કે, હું ગુસ્સે થાઉં ત્યારે તું રસોડામાં જઈને વાસણો કેમ અફાળે છે..? મને કહે, ‘ તો શું હું તમને અફાળું..? શું મારે તમારો ગુસ્સો સહન જ કર્યા કરવાનો કે, પછી હળવા થવા ઉપાય પણ શોધવાનો..? પતિની સામે બોલીએ તો પાપ લાગે,  એટલે રસોડામાં જઈને તમારા નામવાળા જેટલાં વાસણો હોય, એ વાંચી-વાંચીને અફાળ્યા કરું.  મારા મનને શાંતિ થાય કે, મેં તમને અફાળી લીધાં..! એના કપાળમાં કાંદા ફોડું શું આ લોકોની બુદ્ધિ છે..?

                               પેટ છૂટી વાત કરું તો, સંસારની બાબતમાં હું કોઈને સલાહ આપતો નથી. ને મારી તમને સલાહ છે કે, કોઈને સલાહ આપવી પણ નહિ.  કોઈ ગમે એટલી સલાહ આપે તો તેની સલાહ માનવી પણ નહિ. આ તો તમે અંગત રહ્યા એટલે તમને સલાહ આપું છું કે, ધનતેરસ થી ભાઈબીજ સુધીના દિવસોમાં વાઈફને ખાસ સાચવી લેવાની. આટલા  દિવસો પુરા કસોટીકાળના દિવસો હોય છે. સરકારી આગાહી માનીને મારી આ વાતને  સહેજ પણ નજર અંદાજ કરવી નહિ. ગઈ કાલે જ છાપામાં મારું રાશી ભવિષ્ય વાંચેલું. એમાં લખેલું કે, આ સપ્તાહમાં તમારા ઉપર પત્નીના ચાર હાથ રહેવાના છે. અને ઉચ્ચ શિખર પ્રાપ્ત કરવાના યોગ છે. તમે માનશો નહિ, ભાગવત સપ્તાહ બેસાડી હોય ને પુનિત ફળની પ્રાપ્તિ થવાની હોય એટલો હું આ વાંચીને  હરખઘેલો થઇ ગયેલો.  હરખમાં ને હરખમાં ૭૦ વર્ષની વાઈફને પણ વ્હાલથી ‘જાનૂં’ કહીને  સંબોધાય ગયેલું. પણ જેમ સવાર પડે ને સ્વપ્નું કકડભૂસ થઇ જાય, એમ, જ્યારે વાઈફે કહ્યું કે, બહુ ખુશ નહિ થાવ, અઠવાડિયા સુધી તમારે શિખરની પ્રાપ્તિ જ કરવાની છે. પેલું ઝાડું પકડો ને કાલથી માળીએ ચઢીને સાફસફાઈ કરવાનું ચાલુ કરો. ત્યારે મને ખબર પડી કે, રાશિવાળાઓ  માળિયાને પણ ઉચ્ચ શિખર કહે છે. બાવા બનના હૈ તો, દાઢી તો રખના પડેગા, એમ બેગમ બોલ્યા  હૈ, તો માળિયા તો સાફ કરના પડેગા..! પેલાં કહે છે ને કે, ઘરના કામમાં બાદશાહ ગુલામ..!  એક તો અમારું માળિયું એટલે ઉંદરના પાંજરા જેવું. એક જ ગિયરમાં ઉંદરડુ ‘રાઉન્ડ’ પતાવી દે એવું. એમાં મારું વજન એટલે પરિવારના કુલ વજનનો સરવાળો. ને કાયા હિપોપોટેમસના ફરજંદ જેવી. એ હાલતમાં માળિયું સાફ કરવું, એટલે સર્કસના ખેલ કરવા જેટલું અઘરું. ઉપર ચઢવું હોય તો, બધાં સ્પેર પાર્ટ્સ છુટા પાડીને જ ધકેલવો પડે. એના કપાળમાં કાંદા ફોડું, લગન વખતે ભલે વરને  રાજા કહેતા હોય, પણ લગન કર્યા પછી, માળિયું સાફ કરવા વગર મારા ઘરમાં દિવાળી આવી નથી. બંદાએ માળિયા જ સાફ કર્યા છે. બાકી, સસરાની તિજોરી સાફ કરવાના યોગ આવ્યા નથી. ગઈ કાલે જ ‘વ્હોટશેપ’ ઉપર સાળાની એક નિમંત્રણ પત્રિકા આવેલી કે. “ સુજ્ઞ મહાશયશ્રી રમેશચંદ્રજી..! લગન પછી આ લોકો મારા નામ સાથે ‘ચંદ્ર’નું પુંછડું લગાવે. મેં એનું કારણ જાણ્યું તો કહે કે, દરેક જમાઈમાં અમાસ-પૂનમ-ચોથ-ચૌદશ-નોમને ઉભી કરવાની કળા હોવાથી, જમાઈના નામ સાથે ‘ચંદ્ર’ લગાવે..! મારો સાળો મને લખે, ‘ રમેશચંદ્રજી...! સ્વચ્છતા હોય ત્યાં જ પ્રભુતા હોય છે. એને ધ્યાનમાં રાખીને આવતાં રવિવારે અમારા નિવાસસ્થાને સાફ્સફાઈનો મહાયજ્ઞ રાખવામાં આવ્યો છે. આ પાવક  પ્રસંગે પરિવાર અને ઝાડું સાથે ઉપસ્થિત રહેવા, અને પુણ્યનો લાભ લેવા  આપ સૌને ભાવ અને ભીના પોતા જેવું આમંત્રણ છે. તો આવીને ‘સેવા પરમો ધર્મ’ નો સ્વીકાર કરી અમારું આંગણું પાવન કરશો એવી આશા રાખું છું. આ જાણીને વાઈફ ભીના પોતા જેવી નહિ થઇ જાય એટલાં માટે, વાઈફને આ મેસેજ જણાવ્યા વગર પરભારે મેં જવાબ આપી દીધો કે, ‘તમારા ઘરે લગન કરીને મેં અઢળક પુણ્યનો લાભ લઇ લીધો છે. માટે આવું પુણ્ય કમાવા બીજા કોઈ લાંબી ઊંચાઈવાળાને આ લાભ આપશોજી..!

--------------------------------------------------------------------------------------------------------------------

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED