હાસ્ય લહરી - ૪૦ Ramesh Champaneri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

હાસ્ય લહરી - ૪૦

સાફસફાઈ દિવાળીનું મંગલા-ચરણ છે..!                

                                       દિવાળી આવે એટલે, પહેલો હુમલો ‘સાફસફાઈ’ નો આવે. મનના ખૂણા જેવાં હોય તેવાં ચલાવી લેવાના, પણ ઘરના ખૂણામાંથી કચરા-પોતા તો કરવાના. ખુણાઓ પણ ટાંપીને જ બેઠાં હોય કે, ક્યારે દિવાળી આવે અને અમારી દેહશુદ્ધિ થાય. આસુરી શક્તિનું જે થવાનું હોય તે થાય, પણ ઝાપટઝૂપટનો વેધ દશેરાથી ભરાવા માંડે. દિવાળી એટલે સાફસૂફી, ડિવાઈ એટલે રંગોળી, દિવાળી એટલે આતશબાજી  દિવાળી એટલે અંતરનો ઉઘાડ, દિવાળી એટલે પ્રકાશનું પર્વ, ઉમળકાઓનું આદાન-પ્રદાન, હૈયાની હેલી અને વિચારોનું વૃંદાવન,..! વાર્તા પૂરી..! એક જ મુદ્દાનો મુખ્ય કાર્યક્રમ આસુરી વિચારધારા ભલે ઘરના મેમ્બર બનીને જીવતી, પણ દિવાળી આવે એટલે ઘર ચોખ્ખું ચણક જોઈએ. લગન વખતનો કહેવાતો કોડીલો વરરાજો પણ ઝાડુધારક બની જાય. ચમરબંધીને પણ ચોપડાવી નાંખે કે, ‘ઘરના કામમાં તો બાદશાહ પણ ગુલામ, પકડો ઝાડું ને ફેફરીવાલની જેમ ખૂણે-ખૂણે ફરી વળો..!’ આ સાંભળીને ફૂલેલા ફુગ્ગા જેવાં ૨૧૦ રતલના માણહની હવા નીકળી જાય યાર..! એક તો આપની કાયા એટલે હિપોપોટેમસના ફરજંદને ઘરમાં વસાવેલા હોય તેવી. કણ-કણમાં મણ-મણના દુખાવા નીકળવા માંડે. ફેંક દોષ  ભલે લાગે, પણ એક વાત તો કહેવી જે છે કે, દિવાળી તો અમારા જમાનાની કહેવાતી. એક પણ લવિંગીયાની તાકાત નહિ કે, સુરસુરિયું થાય.. કોઠીઓ પણ દરિયાવ ભાવથી પેટ ખોલીને ફૂવ્વારો છોડતી. કોથળામાંથી બિલાડું નીકળે એવું નહિ થતું. આજે તો ફટાકડા પણ એવાં સ્વચ્છંદી કે, ફૂટવા કરતાં ધુમાડા વધારે કાઢે. ૧૯૫૦ પહેલાં જન્મી પડેલાને યાદ હશે કે, એ વખતે બાળકોની ટોળકી હાથમાં દીવાઓનો થાળ લઈને દરેકના આંગણે પાન-મસાલા વગર ‘લહેરિયું’ ગાતાં જતી. ચાર-પાંચ બારકસો ભેગા થઈને હાથમાં થાળી ને થાળીમાં દીવડાં પ્રગટાવી, ઘર-ઘર ‘લહેરિયું’ ગાતાં. લહેરિયાનો અવાજ સાંભળીને રંગોળીવાળી ઓટલીમાંથી દિવાળી પ્રગટ થતી હોય એવું લાગતું. કોઈને યાદ આવે છે એ લહેરિયું..?

         લહેરિયું લહેરિયું દિવાળીનું લહરીયું,

         ઘરમાં છે પણ બોલતા નથી, ફટાકડા છે પણ ફોડતા નથી

         દીવેલ છે પણ પૂરતા નથી, ઘરમાં વસેલા મારા મહોર

         આજ દિવાળી કાલ દિવાળી

         દિવાળીનું લહેરિયું......

         લહેરિયું લહેરિયું...દિવાળીનું લહેરિયું...(૨)

                        દિવાળી હોય કે હોળી, હિંદુધર્મમાં બંને ભક્તિના તહેવાર. બંનેમાં અસુરોના નિકંદનનો મહિમા ને ઉજવણીની ભાત. ફેર એટલો કે, હોળીને સળગાવવી પડે, ને  દિવાળીમાં દીવા પ્રગટાવવા પડે. હોળીમાં મોર ભલે એકલો ઊકળાટ કરતો હોય, પણ દિવાળીમાં મોર અને ઢેલ બંને ભેગા મળીને થનગનાટ કરે. ઘર તીર્થસ્થળ બની જાય. પરિવારનો મેળો ઝામતો. દશ દિવસ પહેલાંથી સફ્સફાઈનો વેધ ભરાવા માંડતો. જાણે સાફસફાઈ એ દિવાળી નું મંગલા-ચરણ હોય એમ, ઘેરઘેર સાફસૂફીની ધમાધમી ચાલતી. ઘર-ઘરમાં સફેદી નો ચળકાટ આવી જતો. સમય કરતાં વહેલો સવારમાં ગરમા ગરમ નાસ્તો તૈયાર થઇ જાય. જમાડવાની સ્ટાઈલ અને રસોઈ  બદલાય જાય. ગુસ્સો હાંસિયામાં ચાલી જાય. મીઠાં મીઠાં વાયરાઓ એવાં છૂટવા માંડે કે, ધાકમાં રાખનારા ધણીને ‘ડાયાબીટીશ’ થઇ જવાનો ડર લાગવા માંડે. એક્ચ્યુલી  જો કે આવું થાય તો નહિ, પણ આ તો એક અનુમાન.!  આવું બને ત્યારે મૂંઝારો એ વાતનો છૂટે કે, નક્કી આવનાર તોફાન પહેલાના આ વાવડ લાગે છે..! આપણું ચિત્ત ફુદરડી ફરવા માંડે કે, કડવાશ છોડીને કારેલું મધ જેવો મધુરો સ્વાદ આપતું કેમનું થયું? શંકા તો જાય જ ને યાર..? ધીરે રહીને પેપર ફૂટે કે, દિવાળીમાં કામવાળી બહારગામ જવાની છે, એનો આ ચળકાટ છે. ખાતરી થઇ જાય કે, આવતીકાળથી વાસણ-પાણી કરવાનો હવાલો મારી પાસે આવવાનો છે. એમાં તમે શેના દાંતિયા કાઢો છો..? બધાનું જ આવું છે દાદૂ..! ફેર એટલો કે અમે બોલીએ ને તમે બોલતા નથી. છેલ્લા છ દિવસથી વાસણો આજવાળીને હાથમાં છાલાં પાડું છું બોસ..! એનું જ નામ દિવાળી..! પૂછો રતનજીને..!

                          એક ચોખવટ કરી લઉં કે, લગન વખતે કઢાવેલી  કુંડળીમાં વાઈફ કરતાં તમારા ગુણ ભલે ગીરનાર જેટલાં ઊંચા હોય, એનો ફાંકો  રાખતાં જ અહીં. લગન પછી એ બધાં કકડભૂસ થઈને ‘ડાઉન’ થઇ જાય. કંઈ કેટલાં તો ઊંચા ગુણ હોવા છતાં બાવા બની ગયાના દાખલા પણ હશે.  બને ત્યાં સુધી ગુસ્સાને HOLD ઉપર જ રાખવાનો. રસોડાના પ્રવાસ ઉપર પાબંધી મૂકી દેવાની. સહન્નાહી થાય તો ઓટલે બેસીને ઓડકાર ખાય ને પેટ ભરી લેવાનું. છતાં માણસનાં નાતે ક્યારેક ગુસ્સો આવી પણ જાય તો, ધીમા પડવાનું ને, પોચો-પોચો જ ગુસ્સો કરવાનો. જેમ કે, “ ઉગતા સુરજની લાલીમાં જેવા ગાલ ઉપર તમે બાવળના ઉઝરડા શું કામ પાડો છો પ્રિયે..? સપરમાં દિવસે સાપ કાઢોતો છોકરાઓ સાપોલિયાં જોઇને ડરી જશે. લાવ તારા અંબોલડે ચમેલીના ફૂલનું વાવેતર કરી દઉં કહે તો ગુલાબની પાંખડીથી તારા ચહેરાનો શેરડો ઢાંકી ગુલાબજળનું પિયત કરી દઉં..!’ આવું સોજ્જું-સોજ્જું બોલવાનું યાર..! આવું બધું મારે તમને શીખવવું પડે ?

                                હિમત રાખવાની કે, દિવાળીના સપરમાં દિવસે વળતા હુમલા કોઈ કાળે થવાના નથી. તમે તો એની બાજીનો ‘જેક’ છો..! હા, તમારી સામે છણકા નહિ કરે, પણ રસોડામાં જઈને કરશે. એ તમારા નામ વાળા વાસણો વાંચી-વાંચીને એ વાસણો ઉપર તમારો જુસ્સો ઠાલવશે. એટલાં માટે કે, એમને પણ હળવા તો થવાનું હોય ને..? ધણીને તો અફાળાય નહિ, એટલે તમારા નામવાળા વાસણો ભોંય ઉપર અફાળશે. જેથી એના મનને શાંતિ થાય કે, ધણીને અફાળી લીધાં..! એના કપાળમાં કાંદા ફોડું શું આ લોકોની બુદ્ધિ છે..?

                               બને ત્યાં સુધી દિવાળીના સમયગાળામાં છાપામાં આવતું રાશી-ભવિષ્ય ઓછું વાંચવાનું. મારાં રાશી ભવિષ્યમાં ચોખ્ખું લખેલું કે, ‘આ સપ્તાહમાં તમારા ઉપર તમારી પત્નીના ચાર હાથ રહેવાના છે. તમને ઉચ્ચ શિખરની પ્રાપ્તિ થવાના યોગ છે.  આવું વાંચીને મને હરખની હેડકી આવવા માંડી. એવો હરખ ઘેલો થઇ ગયો કે, ૭૦ વર્ષની વાઈફને પણ ‘જાનૂં’ કહીને સંબોધી નાંખી..!  પણ જેમ સુરજ નીકળતાની સાથે સ્વપ્ના કકડભૂસ થઇ જાય એમ. બધું એક જ પળમાં રસાતાળ થઇ ગયું. વાઈફને વાત કરી તો કહે, ‘સ્વપ્નું તો સાચું જ હતું. પણ બહુ ખુશ થવા જેવું નથી. આવતીકાલથી તમારે સાફસૂફી માટે  ‘ઉચ્ચ-શિખરે’ એટલે કે માળીએ જ ચઢવાનું છે..! ત્યારે ખબર પડી કે, લગન વખતે લોકોએ ભલે વરને રાજા કહ્યો હોય, પણ લગન કર્યા પછી, માળિયા સાફ કર્યા વિના ઘરમાં દિવાળી આવતી નથી, એ લગન કર્યા પછી સમજાયું..! ‘એના કપાળમાં કાંદા ફોડું..!

                                      લાસ્ટ ધ બોલ

            કરમની પણ કેવી કઠણાય છે કે, માળિયા સાફ કરવાનાં આટ-આટલાં માહિર હોવા છતાં, કોઈ ધન-કુબરે મને તેમની તિજોરી સાફ કરવા બોલાવ્યો નથી. આ જગતમાં અનુભવની કોઈને વેલ્યુ જ નથી મામૂ..!

એના કપાળના કાંદા ફોડું...!   

 --------------------------------------------------------------------------------------------------------------------

 

 

 

રેટ કરો અને રિવ્યુ આપો

pranav patel

pranav patel 4 માસ પહેલા

Balkrishna patel

Balkrishna patel 4 માસ પહેલા

Ramesh Champaneri

Ramesh Champaneri માતૃભારતી ચકાસાયેલ 4 માસ પહેલા

Parmargn Parmargn

Parmargn Parmargn 4 માસ પહેલા

Vandana Parmar

Vandana Parmar 5 માસ પહેલા