હાસ્ય લહરી - ૩૬ Ramesh Champaneri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

હાસ્ય લહરી - ૩૬

 

સ્ટેશન એ ટેન્શનનું મારણ છે..!


ચમનિયાની વાત કરવાની સ્ટાઈલ જ અનોખી..! માયાજાળ એવી બિછાવે કે, પલળી જવાય. એની વાણીમાં જે ફસાયો, એ મરે નહિ, પણ માંદો તો જરૂર પડે..! નેતાની વાણીમાં પ્રજા જેમ પ્રજા થઇ જાય, એમ એની ચંચી પણ અનેકવાર ભીંજાયેલી. ખાબોચિયું સેવે છે બોલો..! કોને કહેવું..? મંગળફેરાના નિયમ જ એવાં કે, એકવાર ફર્યા એટલે ફર્યા, એમાં રીવર્સ ગીયર તો આવે નહિ. એટલે તો ચંચી રંગીન બરફગોળાની માફક જિંદગી જીવે છે. એક સોજ્જી કહેવત છે કે, '' જીભને જીવતી રાખવાની. કાગડા પણ ભોંઠા પડે. આંખ કાઢી નહિ જાય.! " ચમનિયાનો જનમ પારસી હોસ્પિટલમાં થયેલો. એટલે વાઈબ્રેશન એવાં ચોંટેલા કે, માણસ કરતાં એ જેઠીમધનું મૂળિયું વધારે લાગે. હાથ મિલાવીએ, તો હાથ પર કીડી ચઢે એટલો મીઠ્ઠો.! વાતે ચઢ્યો તો કલાકમાં ડાયાબીટીક કરી નાંખે.! કોઈને ત્યાં રાતનો ઉજાગરો કરવો હોય તો ચમનીયાને ભાડે લઇ જાય. વાતમાં ને વાતમાં રાત ક્યા ફોડી નાંખે, એની ખબર જ નહિ પડવા દે. રાતકો બચ્ચા સોતા નહિ, તબ મા કહેતી હૈ, સો જા બેટા, વરના ચમનિયા અંકલ આયેગા..!
વાતકા તડાકા મારેગા તો સોને નહિ દેગા..! એના કપાળમાં કાંદો ફોડું, હિન્દી સાલું હજી આગળ વધ્યું નથી બોલ્લો..! શું કરીએ..?
પણ.. ચમનીયો વચનનો પાક્કો બહુ..! કન્યા વિદાય વખતે એના સસરાએ એટલું જ કહેલું કે, 'જમાઈ રાજ..! મારી દીકરી ભાજી જેવી છે, એને મૂરઝાવા ના દેતાં.' તમે માનશો નહિ, આજે પણ સવારે ઉઠીને વાઈફના મોંઢા ઉપર પાણીની છાલક મારે છે. ..! એવો વાતોડિયો કે, અંધારામાં પણ એકવાર તો આંજી નાંખે. આપણને નવાઈ લાગે કે, રાજકારણની પૂરી લાયકાત ધરાવતો માણસ ગામમાં ઢગલાનો ઢ થઈને પડી કેમ રહ્યો..? રેલ્વે સ્ટેશનને એક કલાક આપ્યો, એમાં તો વગર પેસેન્જરે પ્લેટફોર્મ ભરેલું-ભરેલું કરી નાંખે એનું નામ ચમનીયો. પરબ ઉપર ભલે પલવડા ફૂટબોલ રમતાં હોય, વાત તો વોટર-કુલર ચાલતું હોય તેવી જ કરે. રેલ્વે વાળો મોટો ડોનર હોય તેમ જ ઠોકે. સમય જ્યારે પસાર થવાને બદલે ખોટકાય પડે ત્યારે, ક્યાં તો મંદિરના ઓટલા બેલી હોય, ચાર રસ્તા બેલી હોય. લાઈબ્રેરી બેલી હોય કે, ગામમાં આવેલું રેલ્વે સ્ટેશન બેલી હોય. રેલવેનો કાયમી વારસદાર હોય એમ, ચમનીયો રોજ સાંજે સ્ટેશન ઉપર જઈને આંટો મારવાને બદલે, સુવિધાઓ ચેક કરી આવે. બરડો પલાળતી ગરમીમાં સ્ટેશન ઉપર કારણ વગર કલાક કાઢવો એ કંઈ મદારીના ખેલ છે..? પંક્ચરવાળી બાઈકને તડકો ખવડાવવા ઢસડતા હોય એવું લાગે. માથાથી પગ સુધી રેલા ઉતરે તો ઉતરે, પણ, સ્આટેશન ઉપર દેહને આંટો મારવા લઇ જવાનું પાક્કું..! પોર્ટર તો સામાન ઉપાડે. માણસના દુઃખડા થોડા ઉપાડે....? ત્યારે આપણને ફિલ થાય કે, કરોડ રૂપિયા દાનમાં આપનાર દાનેશ્વરી મહાન નથી, પણ કૂકરમા બટાકા બફાવા મૂક્યા હોય એવા તાપમાને, સ્ટેશન ઉપર એક કલાક કાઢનાર સૌથી મહાન છે.! જો એ સ્વાર્થ વગરનું હોય તો.! બાકી માશૂકાને લેવા-જોવાં કે મૂકવા માટે જ જેના મોરલા થનગનાટ કરતાં હોય, એને મહાન ના કહેવાય..! માશૂકાને મળવાની તો વાત જ ન્યારી. મળવાની તાલાવેલીમાં બધું રસાતાળ થઇ જાય. છોડાફાડ નારો પણ બરફ ઠંડા-ઠંડા ફૂલ-ફૂલ જેવો લાગે. આવા લોકો કલાક તો શું, કલાકો સુધી પ્લેટફોર્મ ઘસે તો પણ ઘસરકો નહિ આવે...! ટ્રેન જો ભૂલેચૂકે મોડી પડી તો, સ્ટેશન માસ્તરને ખખડાવી આવે કે, '' ગાડી ,રાઈટ ટાઈમ ના આવતી હોય તો આ ખોટાં ખોટાં ટાઈમ ટેબલ શું કામ ચોંટાડી રાખ્યાં છે.? એને કોણ કહેવા જાય કે, ટ્રેન મોડી પડે એટલે તો વેઇટિંગ રૂમ પણ બાંધ્યા છે ખડ્ડૂસ..! સાલું ઉપજતું નથી એટલે, બાકી ઉનાળામાં કારણ વગર કલાક કાઢીને સ્ટેશન વાપરનારને તો ' નવરેશ ' નો એવોર્ડ આપવો જોઈએ. શું કહો છો દાદૂ..?
લોકો કારણ વગર કુટાવાના ધંધા શું કામ કરતાં હશે..? સ્ટેશન તે કંઈ મંદિરની માળા જપવાનું સ્થળ છે કે, ત્યાં રામનામના જાપ કરવા આસન જમાવાય..? ચારે કોર ' વડા પાઉં....વડા પાઉં ' સંભળાતા હોય ત્યાં, માળા તો ઠીક મોંમા પાણી જ છૂટે ..! પણ, આટલાં બધાં સફર કરનારામા કોઈ આપણો હમસફર નહિ નીકળે કે, લે આને વડા-પાઉં ની ઓફર કરીએ..! ટ્રેજડી તો ત્યાં આવે કે, કોઈ વડા-પાઉં ખાતું હોય એની બાજુમાં પણ ના બેસાય..! આપણે જાણે જેલમાંથી છૂટીને હમણાં જ આવ્યાં હોય, એમ ધારી ધારીને જોશે. તારા કપાળમાં કાંદો ફોડું.! દુઃખ તો ત્યારે થાય કે, આપણો ટાઈમ પાસ કરવાં આપણા પૈસાથી આપણે પેપર લીધું હોય, એ પેપર માંગીને બાજુવાળો કે બાજુવાળી કહે, " જરાક તમારું પેપર આપશો ભાઈ....? બાબાને એમાં પોટ્ટી કરાવવી છે.! " તારી ભલી થાય તારી ચમનિયા..! ______________________________________________________________________

 

રેટ કરો અને રિવ્યુ આપો

Balkrishna patel

Balkrishna patel 4 માસ પહેલા

Ramesh Champaneri

Ramesh Champaneri માતૃભારતી ચકાસાયેલ 5 માસ પહેલા