હીરાની વીંટી DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હીરાની વીંટી

//હીરાની વીંટી//
 
 
            નયના બહુ ખુબસુરત હતી. ઘઉંવર્ણી, મોટી મોટી ભૂરી આંખો, પાતળૂ અણીદાર નાખ, લાલ ગુલાબી હોઠ. જેના મુખ પરથી જ્યારે હાસ્યનો છલકાવ થતો કે સમયે તેના ગાલ જાણે નાની નાની ઘંટડીના રણકારની જેમ રૂમઝૂમ કરતાં દેખાતા હતાં.
       રાહુલ અને નયના બંને શહેરની વચ્ચોવચ નદીકિનારે નજીકમાં આવેલ સોસાયટીમાં રહેતા હતાં. જે સાસાયટીમાં તેઓ રહ્યાં હતાં કે મધ્યમવર્ગીય હતી. આજુબાજુનો વિસ્તાર સ્લમવસ્તી ધરાવતો હતો. મોટા શહેરની અનેકોનેક જાહોજલાલી વચ્ચે રાહુલ તેના માતા-પિતા, નાની બહેન સાથે રહેતો હતો જ્યારે નયનાનું રહેઠાણ પણ નજીકમાં જ હતું.
       રાહુલના પિતા સવારથી સાંજ દરમિયાન રીક્ષા ચલાવતાં હતાં. ઘરની પરિસ્થિતિને પરિણામે માતા ઘરે બેઠા સીલાઇકામ કરતી હતી. નયનાના પિતા પાણીપુરીનો તેમનો વ્યવસાય હતો એટલે બપોરના ચાર થી રાત્રીના નવ દસ સુધી તેપાણીપુરીની રેકડી ચલાવતાં સવારના સમયમાં પણ છુટક કામકાજ મળે તો કરતાં. નયનાની માતા આજુબાજુના ઘરોમાં કામકાજ માટે જતી હતી.
            નયના ઘરે સવારે પૂરી બનાવતી, ખટમીઠી ચટણી તૈયાર કરતી, દહીં જમાવતી, ડુંગળી, ટામેટાં, આદું, ચણા, બટેટા વગેરે તૈયાર કરી પિતાને માટે તૈયાર કરી રાખતી હતી.
       પાણીપૂરીનો વ્યવસાય એવો હતો કે નયનાના પિતાને સારી કમાણી થતી હતી. પરંતુ સારી કમાણી થયેલ વકરો ક્યારેક ઘર સુધી આવતો ન હતો. નયનાના પિતાને દારૂનું ખરાબ વ્યસન હતું પરિણામે ધંધો કરી આવેલ રૂપિયા દારૂની બદી પાછળ જતા રહેતાં હતાં. પરિણામે પરિસ્થિતિ એવી આવતી કે નયનાના પિતા મોડે સુધી ઘરે ન આવે, તેમને શોધવા નીકળવાનું થાય તો તે ક્યાંક દારૂના નશામાં આળોટતા પડ્યા હોય, તેમને પોતાની જાતનું કંઇ ભાન ન હોય. ક્યારેક કાદવ-પાણીના નાળામાં પણ પડેલા હોય.
            આવી ખરાબ અત્યંત દયાજનકમાં મોટી થયેલી નયનાની ખુબસુરતી પર તેમની પરિસ્થિતિ દેખાઇ આવતી હતી. રાહુલ આ બધુ ભૂલી નયનાને એકીટસે જોતો રહેતો.
       નયનાની ખુબસુરતીના પરિણામે તેની પાછળ પાગલ યુવાનોની કોઇ કમી ન હતી. કેટલાય યુવાનો અને પ્રૌઢો પણ તેની આગળ પાછળ મંડરાયા ફરતાં હતાં, આ બધામાં રાહુલ જેઓ કોઇ બીજો ફૂટડો જુવાન ન હતો.
            રાહુલ દેખાવમાં નયના કરતાં ઓછો ન હતો. બહુ ભોળો અને ખુલ્લા દીલનો છોકરો હતો. ગરીબીમાં ઉછરેલ, જરુર પ્રમાણે બધુ પ્રાપ્ત નહોતું થયું આમ છતાં એક શસકત યુવાન હતો. કેટકેટલીય યુવતીઓ તેની આસપાસ તેના વિસ્તારની ચકકર મારતી રહેતી હતી, પરંતુ કોઇ છોકરી તેને ખુશ કરી શકેલ ન હતી, તેનું મુખ્ય કારણ પણ નયના જ હતું, કારણ તેના હ્રદયમાં  ફક્ત ને ફક્ત નયનાનું  જ સ્થાન હતું.
            નયનાના હ્યદયમાં હીરાની વીંટીનું સ્થાન હતું. તેને બાળપણથી જ હીરાની વીંટી પહેરવાનો તેના મનમાં અભરખો હતો. જેને કારણે ચોવીસ કલાક સુતા-ઉઠતા તેને હીરાની વીંટી પહેરવાની ઇચ્છા આકાંક્ષા રચ્યા કરતી હતી. તેના મનમાં વરસોથી જાગેલ ઇચ્છાને પરિપૂર્ણ કરવા તેણીએ જીવનના તમામ બંધનોને ઠુકરાવ્યા હતા. પ્રેમની રીત પણ તે ભૂલી ગઇ હતી.
       તેમના વિસ્તારમાં નાના બગીચા જેવી જગ્યાએ એક બાંકડા પર કે બેઠી હતી. કાળા રંગનું સ્કટ અને ઉપર સફેદ-ગુલાબી રંગનું ડીઝાઇન વાળુ ટોપ પહેરેલ હતું. તેના પહેરેલ કપડાંનો રંગ ક્યાંક ઉડી ગયો હતો ક્યાંક સિલાઇ પણ ઉકલી ગઇ હતી. આવા ડ્રેસમાં તેણી બાંકડા પર પગ પર પગ ચઢાવીને એક રાજકુમારીની જેમ બેઠી હતી. આવતા જતા બધા તેની તરફ સીધી કે આડકતરી રીતે પણ તેને અને તેના રૂપને નીરખી રહેલ હતાં.
            કેટલાંક છેલબટાઉ યુવાનો તેને ઓળખતા બોલતા તો તેણી બિંદાસ કહેતી, ‘‘જે મારા માટે હિરાની વીંટી લાવશે તેની સાથે લગ્ન કરીશ.”
       નયનાની આ પ્રકારની ઢંગધડા વગરની શરત સાંભળીને બધાની આશાઓ પર પાણી ફરી ગયું હતું. રાહુલે પણ નયનાની વાત સાંભળી હતી પરંતુ તેને આવી વાત પર બીલકુલ ભરોસો નહોતો.
       શાંતાકાકી આ તમાશો જોઇ હાથના લહેકા ભર્યા ઇશારા સાથે બોલ્યા, ‘‘ઘરમા ખાવાનું ભાખરી-શાક, ઉતરેલા કપડાં પહેરવાના, મા ઘેરઘેર કામ કરે, બાપ ફેરી કરી દારૂ ઢીંચીને છાટકો બને અને આ રાજકુમારી બેનને હીરાની વીંટી પહેરવી છે.” આમ બોલી તેઓ આગળ નીકળી ગયા.
       જ્યાં એકપ્રકારની ગમગીની છવાઈ હતી ત્યાં સળવળાટ થયો, બની શકત કે નયનાએ લીધેલ તેનું વચન તુટી જતું, ત્યાંજ રાહુલના મુખમાંથી ઉદ્દગાર નીકળ્યા,‘‘હું પહેરાવીશ તને હીરાની વીંટી, ‘‘આ વેણ સાંભળી બધાની નજર આશ્ચર્ય સાથે તેની તરફ ગઈ બધા જોતા રહી ગયા.
       રાહુલ, જેના ઘરમાં પણ ‘‘એક સાંધે ત્યાં તેર તુટે” જેવી પરિસ્થિતિ હતી. બીમારીથી પીડાઇ રહેલ પિતાના ઇલાજ પુરતા પૈસા ન હોવાને પરિણામે સારવાર નહોતી થઇ શકતી. મકાનની છતના પુરા ઠેકાણા ન હતાં, નાની બહેન લગ્ન વગરની ઘરમાં હતી. કે રાહુલે નયનાને હીરાની વીંટી પહેરાવવાનું વચન આપ્યું હતું. વચન આપ્યું હતું તે પણ નયના, તે સમયની રાહ જોશે કે કેમ તે પણ એક સવાલ હતો.
            ખરેખર જોવામાં આવે તો રાહુલ માટે હીરાની વીંટી ખરીદ કરવી તે આકાશમાંથી તારા લઇ આવવા જેવી વાત હતી. હજી  રાહુલ અભ્યાસ કરી રહેલ હતો. શાળામાં શિક્ષકો પણ તેને માન-સન્માન આપતા હતા અભ્યાસના બાબતે બધા તેને જરૂરી મદદ કરતાં હતાં.
       રાહુલના મગજમાં ભણીગણીને કાંઇક બનવાની ખેવના હતી. રાહુલની માતાના પણ બહુ બધા અરમાન હતા કે રાહુલ ભણીગણીને તેની જીંદગી સારી બનાવે, જેને કારણે તેની માતા મહેનત કરી રાહુલને અભ્યાસ કરાવી રહેલ હતી.
       રાહુલની માતા ૪૦-૪૫ ની ઉંમરની હતી પરંતુ તેનો દેખાવ  જોતાં ઉંમર ૫૦-૫૫ જણાતી હતી. તેને લાગતું હતું કે જેનો દીકરો બીજાથી કંઇક અલગ છે. એક દિવસ એવો હશે તે ભણીગણીને મોટો વ્યક્તિ બનશે અને તેની સારી ગરીબી દૂર થશે, તેથી જ્યારે તેને ખબર પડી કે રાહુલે નયનાને હિરાની વીંટી પહેરાવવાનું વચન આપેલ છે ત્યારે તેના દિલને દુ:ખ થયું હતું. તેની આંખોમાં થોડીઘણી ચમક હતી કે ચમક પણ નજર આવતી ન હતી.
            રાહુલમાં તેનો જીવ હતો. અત્યાર સુધી મનમાં રાહુલ તેને માટે એક મોટી આશાની મિશાલ હતો કે રાહુલ મોટો થશે કંઇક બનશે અને તેની પર પથરાયેલા દુ:ખોના વાદળ ગાયબ થઇ જશે. તે પણ શાંતિથી જીવન જીવશે, હસીખુશીથી, માથું ઉંચું રાખી ફરશે. આજે તેનું સ્વપ્ન પણ ચકનાચૂર થઇ ગયું હતું.
       હવે કરે તો પણ શું કરે ? રાહુલ હવે જો કહેવામાં આવે તો કંટકથી ભરેલ વાડ પર ડગ માંડી રહ્યો હતો. જ્યાંથી આગળ વધતાં જતાં ફકત અંધારા સિવાય બીજું કંઇ નહોતું.
       રાહુલની માતાએ તેને સમજાવવાના ઘણા બધા પ્રયત્નો કર્યા અને કહ્યું, ‘‘અત્યારના સમયમાં તારે આ બધી વાતોમાં પડવાનો સમય નથી. આ બધી બાબતોમાં તું હજી નાનો છે. અત્યારે તારું કામ ફક્ત અભ્યાસ કરવાનું છે તું તારું ધ્યાન તે તરફ રાખ,જ્યારે સમય આવશે ત્યારે તે પણ થશે.”
       ‘‘મારે રૂપિયા જોઇએ મા.”
       ‘‘પૈસા કાંઇ ઝાડ પર ઉગતા નથી. આપણે પહેલેથી ઉપરથી નીચે સુધી દેવાના ડુંગર નીચે દટાયેલા છે.”
       ‘‘મા, તું આ બધી વાતોમાં નહીં સમજી શકું.”
       ‘‘મારે સમજવું પણ નથી. મારી પાસે બીજા બહુ બધા કામ છે. તું હમણાં..” માતાની વાત પુરી થાય તે પહેલાં રાહુલ તેની મરજી મુજબનો થઇ ગયો હતો. હવે કે તેની માતાથી દૂર થતો જઇ રહ્યો હતો. નયના અને તેના માટેની હીરાની વીંટી પોતાના વચ્ચે એક દીવાલ બની ગઇ  હતી જે રોજ બરોજ વધતી જતી હતી. તેના માથા પર એક જ ધુન સવાર થઇ ગઇ હતી કે બહુ બધા પૈસા કમાવવાના છે અને તેના થકી હીરાની વીંટી લાવી શકે.       
            રાહુલે નયનાને આપેલ વચનની લ્હાયમાં બજારમાં નીકળ્યો હોય ત્યારે સોના-ચાંદીની દુકાનો આગળ ઉભા ઉભા તાકી તાકીને જોતો રહેતો હતો. તેની આવી વર્તણુક જોઇ દુકાનના ચોકીદારે તેને એકદિવસ ઉભો રાખી ધમકાવેલ પણ હતો. નયનનાને મેળવવાની લાલસામાં કે તેની આર્થિક પરિસ્થિતિ ભૂલી ગયો હતો.
            રાહુલને એ પણ સમજ નહોતું આવેલ કે તે નયનાને પ્રેમ કરે છે અને નયના હીરાની વીંટીને પ્યાર કરતી હતી. તેને જો બસ તેની ઇચ્છાઓનો પવઁ માણવાનો હતો, તે પ્રેમને બદલે તેની ઇચ્છાઓ પુરી કરાવવાની તેની ખ્વાહિશ હતી.
       રાહુલ તેનું ભણવાનું છોડી શહેરથી બહુ દુર ચાલ્યો ગયો હતો. જતાં પહેલાં નયનાની પાસે આવેલ હતો. હાથમાં મકાઇનો સેકેલો દોડો ખાતી, એક દિવાલ પાસે પથ્થર પર પગ હલાવતી બેઠી હતી. નયનાને તે એકીટસે જોતો રહ્યો.
       નયનાથી છુટો પડતા રાહુલની આંખો જેને કહી રહી હતી, ‘કયાંક, તું જાણી શકતી, મારા અંતરને વાંચી અને જોઇ શકતી કે મારા અંતરમાં બસ તું અને તું જ છે તારા સિવાય આ રાહુલના જીવનમાં કોઇને સ્થાન નથી.
       ‘મેં વચન આપેલ છે તને, હું પરત આવીશ અને તને આપેલ વચન ચોક્કસ નીભાવીશ. પરત આવીશ ત્યારે મારી સાથે તને આપેલ વચન નિભાવીશ. પરત આવીશ ત્યારે તારે માટે હીરાની વીંટી ચોક્કસ હશે, તારે મારી રાહ જોવી પડશે નયના.ક્યાં બીજે દીલ ન આપી બેસતી. હું જલ્દી પરત આવીશ બસ તારે મારી રાહ જોવાની છે.
       રાહુલ પોતાના પરિવારને કે જેમણે તેના પર મોટો મદાર બાંધી તેને ભણાવ્યો હતો કે બધા પરિવારના સપનાને દોડીને નયનાની હીરાની વીંટીની       ખ્વાહિશ પુરી કરવાના જુગારમાં ચાલી નીકળ્યો હતો.તેની મા તેને સમજાવતી રહી, પરિવારની જવાબદારી સમજાવતી રહી પરંતુ રાહુલ એક નો બે ન થયો. રાહુલ બધાને છોડીને નયનાની ખ્વાહિશ પુરી કરવાના સ્વપ્નામાં ઘરથી દૂર જતો રહ્યો હતો.
       બીજા મોટા શહેરમાં આવી રાહુલ રોજના બાર-પંદર કલાક કામ કરતો રહ્યો. બધા પ્રકારના કાર્ય કોઇપણ પ્રકારની નાનમ વગર તે કરતો રહ્યો. ત્યાં જેને પ્રજ્ઞેશ મળ્યો, જે તેને ખેતરના કામ માટે તેના ગામમાં લઇ ગયો. રાહુલના હાથોમાં કામ કરીને લાલ ચકામાં પડી ગયાં હતાં. તેના તનનો ગૌરવણ શ્યામઘટા ધારણ કરી ચૂક્યો હતો, પરંતુ જેમ જેમ તેના હાથમાં રૂપિયા આવતાં ગયા તેમ તેની હિંમત વધતી ગઈ.
            અંધારી રાત્રીમાં તે વિચારોમાં ગરકાવ થઇ જતો, ઉંઘતા જાગતા જેની સામે ફક્ત નયનાનો ચહેરો સામે આવી જતો હતો તે નયનાને જોવા તડપી રહ્યો હતો.
       સમયનું ચક્ર જેના કાળ મુજબ ફરતું રહ્યું, દિવસ, મહીના પસાર થતા હતાં. હીરાની વીંટી ની શરત લોકો ભૂલી ગયા, પણ રાહુલ નહોતો ભૂલ્યો. બહુ મુશ્કેલથી, અને મહેનતથી પૈસા ભેગા કરી તેણે વખત આવ્યો અને હીરાની વીંટી ખરીદી પણ કરી લીધી.
       આ બધા વચ્ચે કેટલીયવાર રૂપિયા કાઢવાની જરૂરિયાત ઉભી થઇ. માતાની માંદગી, બહેનના લગ્ન નક્કી કરવાના હતા, ધીમે ધીમે રૂપિયાની અછત હતી દૂર થતી ગઇ. બન્યું એવું કે પોતે પણ કામ કરીને માંદગીના બિછાને પડ્યો, ઘરની છતમાંથી પાણી ટપકવાનું શરૂ થતાં, તેના રીપેરીંગ માટે પણ જેણે નયના માટેની હીરાની વીંટીના રૂપિયાની એમ ને એમ રાખેલ હતાં, આજે તે રૂપિયા થી નયના માટે તેને કરેલ શરત મુજબ હીરાની વીંટી લઇને તેને ઘરે જવા માટે નીકળ્યો હતો આજે એવો દિવસ તેના માટે આવી ગયો હતો જેના પગ જમીન પર ટકી નહોતા શકતા.  
            રાહુલ શહેરથી આવી સૌથી પહેલાં તેની માતાને ગળે વળગી માતાને જાણે કાંઇક કહી રહ્યો હતો, ‘મા, તારો રાહુલ આજે જીતી ગયો, હવે નયનાને આપણા ઘરની વહુ બનાવવામાં કોઇ રોકી નહીં શકે, કારણ તારો રાહુલ નયનાની શરત પુરી કરીને આવ્યો છે.’
       રાહુલની માતાએ તેનું ધ્યાન બેધ્યાન કરતાં કહે, ‘‘બેટા તું સારો છે ને ? ક્યાં જતો રહ્યો હતો આટલાં દિવસો સુધી? શું તને તારા બીમાર માતા-પિતા અને બહેનની યાદ પણ નહોતી આવતી ?” કહેતાં તેણી રૂદન કરવા લાગી.
       ‘‘મા, હવે તું આ રડવાનું દુ:ખ કરવાનું બધું બંધ કર. હવે હું આવી ગયો છું. આપણી નયનાને આપણા ઘરની વહુ બનાવવાનો સમય આવી ગયો છે. હવે તારે પણ કોઇ કામ કરવું નહીં પડે.”
       ‘‘હા બેટા, હવે કામ પણ શું છે..તારા માતા-પિતા હવે ઉંમરલાયક થઇ ગયા છે. યુવાન બહેન ઘરમાં બેઠી છે. તું જે નયના માટે હીરાની વીંટી લાવ્યો છું ને, તેને બીજો કોઇ પહેલાં હીરાની વીંટી પહેરાવીને લઇ ગયો છે.”
            ‘‘મા, જુઠું ના બોલો. મારી નયના કોઇ ન લઇ જઇ શકે.”
       ‘‘લઇ ગયો છે બેટા. તારી નયના હીરાની વીંટી જોડે પ્રેમ હતો, તારી સાથે નહીં, જે બીજા કોઇએ પહેરાવી તેને લઇ ગયો. તારે રૂપાળી છોકરી જોઇતી હતી, ગુણવાન નહીં અને તેને હીરાની વીંટીની જરૂર હતી, હીરા જેવો છોકરો નહીં.
       ‘‘તેને હીરાની વીંટી તો મળી ગઇ, પરંતું હીરાની વીંટી આપવાવાળો દારૂડીયો છે. તું તેના જેવી છોકરી માટે માતા-પિતા,ઘર,બહેન બધાને છોડીને જતો રહ્યો.”
       ‘‘બસ મા, હવે બસ કર,” રાહુલ રડતાં રડતાં રૂમમાંથી બહાર નીકળી ગયો.
            રાહુલને લાગ્યું કે જે ભીડભાડથી ભરપૂર રોડ પર ચાલી રહ્યો હતો. ગાડીઓનો અવાજ જેના આગળ પાછળ પસાર થવાનો આવી રહ્યો હતાં. જેને કંઇ દેખાઇ નહોતું રહ્યું, ન તો કે કાંઇ સાંભળી રહ્યો હતો. એકાએક કોઇનો ધકકો વાગતાં રોડ પર પડી ગયો. અડધો ફુટપાથ પર અને અડધો રોડ પર હતો. હા, પ્રેમના પાગલપણામાં કેટલું બધું કે ગુમાવી ચુક્યો હતો, તેનો ભરપૂર પસ્તાવો કરતો રાહુલ ઉભો થયો હતો.
       જેનું નયનાનું સ્વપ્ન તુટતાં પોતે પોતાની રીતે સીધા રસ્તે ચાલવાનું શરૂ કરેલ હતું, અને પોતાની બહેન માટે હીરાની વીંટી નહીં પરંતુ હીરા જેવા છોકરાની શોધમાં નીકળી પડ્યો હતો..
 
Dipakchitnis. (dchitnis3@gmail.com) (DMC)