ચોરોનો ખજાનો - 16 Kamejaliya Dipak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

ચોરોનો ખજાનો - 16

ત્રીજા ટુકડાની શોધ

ઘણીવાર લોકોની જિંદગીમાં ડર અને ખુશી બંને એકસાથે આવતા હોય છે. સિરત અને તેના સાથીઓ સાથે પણ કંઇક એવું જ બનેલું. સાવ વિચિત્ર અને અજાણી દુનિયાનો એક ભાગ કે જ્યાં ગયા પછી તેમના પાંચ સાથીઓને તેઓ ખોઈ બેઠા. બાકીના બચેલા સાથીઓ પણ જાણે મોતના મુખમાંથી માંડ પાછા આવ્યા હતા. તેમણે આ ડરને ત્યાં મેહસૂસ કર્યો હતો. તેઓ જાણતા નહોતા કે જે દુનિયાના નાનકડા ભાગથી જ તે લોકો એટલા ગભરાઈ ગયેલા, તો હજી તો તેમને એ દુનિયામાં પણ જવાનું હતું. આ ડરની સાથે આવેલી ખુશી એ હતી કે તેમને નકશાનો બીજો ટુકડો મળી ગયો હતો.

જ્યારે તેઓ ગુફામાંથી પાછા બહાર આવી રહ્યા હતા ત્યારે ડેનીના હાથમાં ભલે નકશાનો બીજો ટુકડો હતો પણ તેની ખુશીને બદલે ડેનીના દિમાગમાં હજી પણ આ જગ્યાના જ વિચાર આવી રહ્યા હતા. બહાર જોયેલી પેલી રંગબેરંગી ચકલી અંદર ક્યાંય દેખાઈ નહોતી. તે કઈ જગ્યાએ ગાયબ થઈ ગઈ હતી એ કંઈ સમજાતું નહોતું. જ્યારે તેઓ ગુફામાંથી બહાર નીકળ્યા તો ગુફાના મુખ પાસે બીજા ઘણાબધા ઝરણાઓ બની ગયેલા હતા જેમાંથી ઓછા પ્રમાણમાં પાણી આવી રહ્યું હતું અને નીચેના નાનકડા તળાવ જેવા ખાડામાં પડી રહ્યું હતું. ડેની એ વાત તરત જ સમજી ગયો કે આ ઝરણાઓ હમણાં તેણે પેલો પત્થર ઉપાડ્યો હતો તેના કારણે પેલું જાદુઈ તળાવ થોડા સમય માટે અસ્થિર થઈ ગયું હતું તેનું પાણી છલકાઈને બહાર બીજા અનેક ઝરણાં રૂપે વહી રહ્યું હતું.

ગાડી પાસે આવ્યા પછી ડેનીના દિમાગમાં એ વાત પણ આવી ગઈ હતી કે અહી નક્કી કોઈ તેમનો પીછો કરતું આવ્યું હતું અને એના કારણે જ ત્યાં વધારાની ગાડીના ટાયરના નિશાન બનેલા હતા. તે લોકો આવ્યા ત્યારે તેમના આવ્યા હોય તેના જ નિશાન પડ્યા હતા પણ ત્યાં એક ગાડી ત્યાંથી પાછી ગઈ હોય તેવા ટાયરના નિશાન પણ બનેલા હતા. ડેની એમ તો ચાલક હતો એટલે તે ખૂબ સારી રીતે સમજી ગયેલો કે તેમની પાછળ અહી કોઈ તો આવેલું હતું જ.

તેઓ બને એટલી જલ્દી ધોલપૂર પહોંચવા માગતા હતા. આમેય સૂરજ આથમવા ની તૈયારી હતી. અમુક લોકો થાકથી અને ભૂખથી કંટાળ્યા હતા, તો અમુક ડરથી થાક્યા હતા. તેમ છતાં રસ્તામાં જ ડેનીએ નકશાનો ટુકડો કાઢીને ત્રીજા ટુકડાંનું લોકેશન ક્યાં છે તે જોઈ લીધું. ક્યાંક જો ત્રીજો ટુકડો પણ અહી જ ક્યાંક નજીકમાં હોય તો ફરી વાર ધક્કો નહિ. પણ નકશાના ત્રીજા ટુકડાનું લોકેશન તો તેમને પોતાના ઘરની એટલે કે માધવપુરની નજીક જ ક્યાંક બતાવતું હતું. અમુક લોકોને આ સફરમાં આનંદ મળી રહ્યો હતો તો અમુકને આગળની સફરનો ડર લાગી રહ્યો હતો. તેમ છતાં તેઓમાંથી કોઈપણ આ સફરને અધૂરી છોડવા નહોતા માંગતા.


********

*સાંજનો સમય..
*સગરો ની બસ્તી..
*જેસલમેર થી લગભગ પચાસ કિલોમીટર રાજસ્થાનના રણ ની તરફ..

કોઈ ધિરેનભાઈ સગરિયા નામનો માણસ પોતાના ઘરની ઓસરીની ધારે લમણે હાથ મૂકીને બેઠો બેઠો કંઇક વિચાર કરી રહ્યો હતો. ઉંમરે લગભગ પચાસેક વર્ષ નો લાગતો હતો. સફેદ કલરના રાજસ્થાની કપડાં પહેરેલાં હતાં. આ કપડાં રાજસ્થાની લોકો જનરલી કોઈકનું મરણ થાય ત્યારે પહેરતા હોય છે. તેના ઉપરથી લાગતું હતું કે તે ઘરે કોઈકનું મરણ થયું હતું. તેમની પાસે રમી રહેલો અંદાજિત ત્રણેક વર્ષનો બાળક એકવાર તેની તરફ નજર નાખી અને થોડીવાર ઉદાસ થઈ વળી પાછો રમવા લાગ્યો. તે કદાચ તેમના દિકરાનો દિકરો હતો. તેને એ વાત સમજાઈ ન્હોતી રહી કે કાયમ તેની સાથે હસી મજાક કરતા તેના દાદા આજે કેમ ઉદાસ થઈને બેઠા હતા..!

ઘરની સામે મોટા ચોગાનમાં લાકડાના થાંભલા ઊભા કરીને સફેદ કાપડના ગાળા વડે મંડપ ઊભા કરેલા હતા. મંડપ નીચે તેમની જાતિના બીજા ઘણા લોકો બેઠા હતા. એકબાજુ કાળા કપડાં પહેરીને અમુક સ્ત્રીઓ પણ બેઠી હતી. તેઓ જ્યારે બીજા કોઈ મહેમાન અહી કાણ કરવા આવતા ત્યારે તેમની સાથે સાથે પોતાના હાથ છાતી પર વારંવાર જોરથી મારીને છાજિયાં લેતી હતી.

બીજા અમુક પંદર વીસ વરસના છોકરાઓ આવનાર બધા મહેમાનોને ચા-પાણી પાવા માટે કોઈ કીટલી તો કોઈ પાણીનો ઘડો લઈને આમથી તેમ દોડી રહ્યા હતા. અમુક લોકો વળી બીજા વધારે મહેમાન આવશે તેવું અનુમાન લગાવીને બીજા ગાળાઓ લગાવી રહ્યા હતા. અમુક લોકો વળી એકબીજા સાથે વાતોએ વળગ્યા હતા.

થોડી વાર થઈ ત્યાં વળી થોડાક આદમીઓનું એક ઝુંડ રડતું કકળતું બહારના દરવાજેથી અંદર દાખલ થયું. દરવાજો ખુલ્લો હતો. દરવાજા પાસે જ એક ખુરશી પર ફૂલોનો હાર ચડાવેલો એક દાદાનો ફોટો મુકેલો હતો. તેની બાજુમાં એક છોકરો એક હાથમાં સળગતી અગરબત્તી અને એક હાથમાં પાણીનો લોટો લઈને બધાને ધૂપ આપીને પાણીના કોગળા કરાવતો હતો. જેવું પેલું આદમીઓનું ઝુંડ અંદર દાખલ થયું કે તરત જ પેલો છોકરો પોતાના કામે લાગી ગયો. જે દાદાનું મૃત્યુ થયું હતું આજે તેમનું બેસણું હતું. બેસણામાં આવતા મહેમાનોની અવરજવર વધારે દેખાઈ રહી હતી.

ત્યાં જ પેલા દરવાજાની બહાર ફૂલ સ્પીડમાં એક ગાડી આવીને ઊભી રહી. તેની પાછળ પાછળ એટલી જ સ્પીડમાં બીજી પાંચ ગાડીઓ આવીને ઊભી રહી. પહેલી ગાડીમાંથી સિરત અને તેની સાથે બેઠેલી ત્રણ માંથી એક સ્ત્રી નીચે ઉતરી. સિરતે બહારના વાતાવરણને જોઇને બાકીના સાથીઓને તે ઘરથી દૂર ગાડીઓમાં બેસીને રાહ જોવા માટે કહ્યું. સિરત પોતાની સાથે ડેની, દીવાન અને સુમંત ને લઈને પેલા મરણ વાળા ઘરે અંદર દાખલ થઈ. બધાની સાથે સાથે તેણે પણ અંદર આવીને ધૂપ લઈને પાણીના કોગળા કર્યા અને રામચરણ થઈ ગયેલા દાદાના ફોટાને પ્રણામ કર્યા. ફોટામાં દાદાની ઉંમર લગભગ એંસી પંચાસી ની આસપાસ દેખાતી હતી. તેમ છતાં ફોટામાં હજી પણ તેમની આંખોમાં રહેલું તેજ તેમણે જોયેલી જિંદગીના અનુભવો વર્ણવી રહ્યું હતું.

સિરત પોતાના સાથીઓને લઈને પેલા મંડપની નીચે બેઠેલા ટોળામાં જઈને બેઠી. ત્યાં બેઠા બેઠા બધા જોડે વાત કર્યા પછી તેમને ખ્યાલ આવ્યો કે તેમને જે દાદાની સાથે વાત કરીને નકશાના ત્રીજા ટુકડા વિશે ચર્ચા કરવાની હતી કદાચ તે દાદા જ મૃત્યુ પામ્યા હતા. તેમને નકશાના ત્રીજા ભાગની મળવાની સંભાવના ખૂબ નહિવત્ લાગી રહી હતી. તેમ છતાં ડેનીની સલાહ મુજબ તેમણે એકવાર તે દાદાના દિકરા જોડે એટલે કે ધિરેનભાઇ જોડે વાત કરીને બધું જાણવું જોઈએ. શું ખબર, કદાચ દાદા જતા પહેલા તેમને નકશાના ટુકડા વિશે કંઈ જણાવીને ગયા હોય..! પણ આવી વાત કરવા માટે ન તો આ યોગ્ય સમય હતો અને ન તો ધિરેનભાઈને એવી કોઈ વાત કરવાનું મૂડ હતું. ધીરેનભાઈ અત્યારે દુઃખી હતા એટલે તેમણે તેમને સાંત્વના આપવી જોઈએ. જો તેઓ આવા સમયે ધીરેનભાઇ સાથે આ બાબતે કોઈ વાત કરશે તો કદાચ તેઓ તેમની મદદ કરવાને બદલે ગુસ્સે પણ થઈ જાય તે વાત તેઓ જાણતા હતા. એટલે આ વાત કરવા માટે તેઓ બીજા કોઈ દિવસે આવશે એવું નક્કી કરીને તેઓ જવા માટે ઊભા થયા.

તેઓ જ્યારે જઈ રહ્યા હતા ત્યારે ખબર નહિ કેમ કરતા પણ જે ધીરેનભાઈ ઘણા સમયથી લમણે હાથ મૂકીને ગમગીન અવસ્થામાં બેઠા હતા તેઓ અચાનક જ જાણે ભાનમાં આવ્યા હોય તેમ ઉપર નજર કરી. સિરત અને તેના સાથીઓને જતા જોઈ પોતાની પાસે બોલાવ્યા. સિરત અને ડેની પાછા વળીને તેમની પાસે ગયા. સિરતને લાગ્યું કદાચ તેઓ તેમને ઓળખી ગયા હતા અને કોઈ લિંક આપવા માગતા હશે એટલા માટે બોલાવ્યા હશે. એટલે તેઓ ઝડપથી ધિરેનભાઈ પાસે આવ્યા.

धीरेनभाई: देखिए, मेरे बाबा उम्र में भले ही बुजुर्ग रहे हो लेकिन मैं यहां आए हुए किसीभी इंसान को बिना खाना खिलाएं वापिस नही भेजना चाहता। तो आप लोग प्लीज खाना खा कर जाइए। अगर बिना खाना खाए आप यहां से गए तो मेरे बाबा की आत्मा को शांति न मिलेगी। प्लीज।

સિરત વિચારવા લાગી કે તેઓ તો બહાર વીસ પચીસ લોકો છે અને બધા અહી જમવા બેસે એ સારું ન લાગે એટલે તે જમવા માટે ના પાડવાની જ હતી પરંતુ તેના પહેલા જ ડેનીએ જમવા માટેની એ વિનંતી સ્વીકારી લીધી અને પોતાની સાથે આવેલા સુમંત અને દીવાનને જમવા માટે પોતાની સાથે બોલાવી લીધા. સિરત તેની આ હરકતથી નાખુશ હતી પણ તેને વિશ્વાસ હતો કે ડેનીના આવા વર્તાવ પાછળ જરૂર કોઈ મહત્વનું કારણ હશે. એટલે તે કોઈ પણ પ્રકારની આનાકાની વિના જ ડેનીની પાછળ જમવા માટે ચાલતી થઈ ગઈ.

ખરેખર તો ડેનીએ એવું પ્લાનિંગ કરેલું કે જો કોઈપણ રીતે થોડો સમય અહી રોકાય શકે તો કદાચ નકશાના ત્રીજા ભાગ વિશે કોઈ જાણકારી મળી શકે. એટલે તેને તો દોડવું હતું ને ઢાળ મળ્યો એના જેવું થયું. તે જમવાના બહાને અહી કદાચ બે કલાક વધારે રોકાઈ શકશે. જમવાનું ધિરેનભાઈના ઘરે ઓસરીમાં ચાલુ જ હતું. એટલે તેઓ તે બાજુ આગળ વધ્યા.

ઘરના એક ખૂણામાં ભગવાનનું મંદિર રાખેલું હતું. બાકીની દીવાલ એકદમ ખાલી હતી. એવી રીતે જ એક ઓસરીએ કુલ ચાર રૂમ હતા. અમુક લોકો ઓસરીમાં તો અમુક લોકો એક બે રૂમમાં જમવા મટે બેઠેલા હતા. રૂમના બારણાની બાજુમાં એક બે કુદરતી દ્રશ્યોના મોટા મોટા પેઇન્ટિંગ લગાવેલા હતા. એક પેઇન્ટિંગ એક જહાંજનું હતું જેમાં અમુક જહાંજીઓ કોઈ રાક્ષસ જેવા જીવથી બચવા માટે આમથી તેમ ભાગી રહ્યા હતા એવું લાગી રહ્યું હતું. બીજી પેઇન્ટિંગમાં સુંદર પહાડો, વરસતો વરસાદ, એક નદી અને દૂર નદીના પાણીમાં ભાંગી પડેલું કોઈ જહાંજ ડૂબી રહ્યું હતું અને અમુક ડૂબતા તો અમુક તરીને નદીના કિનારે આવી રહેલા લોકો હતા.

ડેની આખા ઘરને એકદમ નીરખીને જોઈ રહ્યો હતો. વિચારતો હતો કે કાશ ક્યાંક કોઈ સબૂત મળી જાય કે નકશાનો ત્રીજો ટુકડો ક્યાં છે તો તેમની આગળની સફર ચાલુ થઈ શકે. તેમ છતાં તેને હજી સુધી એવો કોઈ સુરાગ મળ્યો નહોતો.

કોઈ જોઈ ના જાય એ રીતે ડેની એક રૂમ ખોલીને અંદર દાખલ થયો. સિરતે તેને તેમ ના કરવા કહ્યું પણ ડેની જાણે તેની વાત સાંભળી જ ન હોય તેમ તેને ઇગ્નોર કરીને તે રૂમમાં ગયો. રૂમ બહારથી બંધ કરેલો હતો એટલે અંદર તેને કોઈ રોકટોક કરે તેવું હતું નહિ. તે રૂમને ખોલીને અંદર આરામથી રૂમની તલાશી લેવા લાગ્યો. પણ અહી તેને કોઈ જ વસ્તુ ન મળી. રૂમની દીવાલ પર એક પતિપતનીનો સાથેનો ફોટો લગાવેલો હતો. કદાચ આ રૂમ ધીરેનભાઈના દિકરાનો બેડરૂમ હતો. ડેનીને લાગ્યું કે આ રૂમમાંથી તેને કંઈ જ નહિ મળે એટલે તરત જ તે બધાની નજર બચાવતો બહાર નીકળી આવ્યો.

બહાર ઓસરીમાં એક બાજુએ સિરત, દીવાન અને સુમંત બેઠેલી પંગતમાં જમવા માટે બેસી ગયા. કોઈ જોઈ ના જાય એ રીતે ડેની પણ આવીને સુમંતની બાજુમાં બેસી ગયો. ડેની જ્યાં બેઠો હતો બરાબર તેની પાછળ જ બીજા એક રૂમનો દરવાજો હતો. તે બહાર કે અંદરથી બંધ નહોતો પણ ખાલી બારણા ટેકાવેલા હતા જેને સહેજ ધક્કો દેવા થી જ તે ખુલી જાય એમ હતો. જ્યારે સિરત અને દીવાન સુધી જમવા માટે થાળીઓ આપી દેવામાં આવી ત્યારે ડેનીએ સિરતને સહેજ ઈશારો કર્યો. સિરત તેનો ઈશારો સમજી ગઈ એટલે તેણે પોતાની થાળી સહેજ ઊંચી કરીને પડતી મૂકી. હવે બધાનું ધ્યાન સિરત તરફ ગયું એટલે તરત જ ડેની પોતાની પાછળ આવેલા રૂમના બારણાને સહેજ ધક્કો દઈને રૂમની અંદર ચાલ્યો ગયો.

શું તેમને નકશાનો ત્રીજો ટુકડો મળશે?
પેલા ચોર ખજાનો લઈને ક્યાં ગાયબ થઈ ગયા હતા?
પેલો માસ્કધારી કોણ હતો?
પેલા બીજ શેના હતા?

આવા પ્રશ્નો ના જવાબ માટે વાંચતા રહો..
ચોરનો ખજાનો..

Dr Dipak Kamejaliya
'શિલ્પી'