ચોરોનો ખજાનો - 1 Kamejaliya Dipak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચોરોનો ખજાનો - 1

ઈ.સ. 1946. જ્યારે આપણો દેશ આઝાદ થવાની કગાર પર હતો. ચારેય દિશાઓમાં સ્વાતંત્ર્ય સેનાની ઓના ગુણગાન ગવાતાં હતા. અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢવાની મુહિમ ઉપડી હતી ત્યારે...

અંગ્રેજોને લાગ્યું કે હવે તેમના હાથમાંથી આ દેશ જઈ રહ્યો છે એટલે એમણે બને એટલું ધન એકઠું કરવાનો વિચાર કર્યો. રાજસ્થાનના બધા રાજાઓને આઝાદીના બદલામાં સોના ચાંદી અને હીરા માણેક જેવી અમૂલ્ય ભેટ સોગાત આપવા માટે મજબૂર કર્યા. રાજાઓને લાગ્યું કે જો આ લોકો અહી થી જતા હોય તો તેમને એવું બધું આપવામાં કઈ વાંધો નથી. ત્યારે રાજસ્થાનના રણની આજુબાજુના અમુક બહારવટિયાઓ માથું ઉચકવા લાગ્યા. તેઓ ઇચ્છતા હતા કે આ ખજાનો અમારા દેશની અમાનત છે. અમારા દેશનું કોઈપણ પ્રકારનું નાણું કે સોના ચાંદી પર અંગ્રેજોનો કોઈ હક નથી. એટલે પરદેશી અંગ્રેજોને એક ફૂટી કોડી પણ લઈ જવા નહીં દઈએ.

રાજાઓ જ્યારે રાજી ખુશીથી અંગ્રેજોને સોના ચાંદીની સોગાત આપવા જઈ રહ્યા હતા ત્યારે..

બહારવટિયાઓ ના એક દળે રાજાઓના એ ભંડારને લૂંટી લીધો અને તેઓ આ લૂંટ પછી રાજસ્થાનના રણમાં ભાગી છૂટયા. રાજાઓ અને અંગ્રેજોએ સાથે મળીને તે ખજાનાની અને લૂંટારાઓની ખૂબ શોધ કરી પરંતુ તેમને હાથ કંઈ જ ન આવ્યું. લુંટારાઓ ખજાના સાથે જાણે ક્યાંક રણમાં ગાયબ થઈ ગયા. તેઓ ક્યાં ગયા, તેમનું શું થયું એ હજી સુધી કોઈને કઈ જ ખબર નથી પડી.


******


ઈ.સ. 2016.
રાજસ્થાનના રણની આજુબાજુ આવેલું એક ગામ માધવપુર.

એક જૂની પણ મજબૂત હવેલી હતી. એક યુવાન લાગતો વ્યક્તિ અત્યારે હવેલીના બહારના મેદાનમાં વર્કઆઉટ કરી રહ્યો હતો. તેનો ચહેરો દેખાતો નહોતો પરંતુ શરીર એકદમ મજબૂત લાગતું હતું. ઉંમર કદાચ 24-25 વર્ષ હશે. કસરત કર્યા પછી આખા શરીર પર પરસેવાની બુંદો ફૂટી નીકળી છે. તેના સ્નાયુઓ કસરત કર્યા પછી વધારે મજબૂત દેખાઈ રહ્યા છે.

અચાનક તેણે ચહેરો ઉપર તરફ કર્યો. ડેની હેરિંગ નામનો તે યુવાન ઘણા સમયથી તે હવેલી માં રહેતો હતો. આમતો તે શહેરમાં એક ફાઈવ સ્ટાર હોટલમાં મેનેજર ની પોસ્ટ ઉપર હતો. તે એક સિંગલ યુવાન હતો. એકલો જ આ હવેલીમાં ભાડૂત તરીકે રહેતો હતો.

હવેલીના માલિક તેને જણાવ્યા મુજબ વિદેશમાં રહેતા હતા. પોતાનું વર્કઆઉટ પતાવ્યા પછી તે હવેલીની અંદર જ સાઇડમાં આવેલા બગીચામાં ફૂલોને પાણી આપવા લાગ્યો. હવેલીના દરવાજાની બહાર કોઈ તેને ચોરીછૂપીથી જોઈ રહ્યું હતું. એવું ન્હોતું કે આજે જ પરંતુ ઘણા સમયથી તે વ્યક્તિ ડેની ઉપર નજર રાખીને બેઠું હતું. ડેની એક જ નહિ પરંતુ ડેની પહેલા પણ જે લોકો અહી રહેતા એની ઉપર નજર રાખીને કોઈ બેઠું હતું. તેણે અત્યારે પોતાનું મોઢું છુપાવવા માટે એક માસ્ક પહેરેલું હતું.

તૈયાર થઈને ડેની જ્યારે પોતાની જોબ પર જવા માટે બાઈક લઈને ચાલતો થયો તો પેલો માસ્ક ધારી વ્યક્તિ થોડીવાર માટે દીવાલની પાછળ સંતાઈ ગયો. જ્યારે લાગ્યું કે હવે તેને જોવા વાળું કોઈ નથી એટલે તે બહાર આવીને દરવાજો કૂદીને હવેલીના પરિસરમાં દાખલ થયો. અંદર આવ્યા પછી ચોરીછૂપીથી તે આખા પરિસરમાં કંઇક શોધવા લાગ્યો. તે જાણતો નહોતો કે તેને જે વસ્તુ જોઈએ છે તે હવેલીની અંદર છે કે બહાર..!

સાંજના સમયે ડેની પોતાના રૂમમાં બેઠો બેઠો કંઇક વિચારી રહ્યો હતો. તેના રૂમમાં દરેક વસ્તુ એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હતી. રૂમમાં આછી લાઈટ ચાલુ હતી અને બાકી આથમી રહેલા સૂરજનું અજવાળું ખુલ્લી બારીમાંથી અંદર આવી રહ્યું હતું.

ડેનીની સામેની દીવાલ પર એક કુદરતી દૃષ્યનો ફોટો લગાવેલો હતો. તે ફોટાની અંદર એક સાવ નાનકડો બટન જેવો કેમેરો હતો, જેનું વિડિયો રેકોર્ડિંગ કોઈ અલગ જગ્યાએ થઈ રહ્યું હતું. આવા કેમેરા સાથેના કુદરતી દૃશ્ય વાળા ફોટા હવેલીના દરેક રૂમમાં અને દરેક જગ્યાએ લગાવેલા હતા. એટલે કે ડેની ઉપર ખાલી બહાર થી જ નહિ પરંતુ અંદરથી પણ કોઈ ચોરી છૂપીથી નજર રાખી રહ્યું હતું. તે નહોતો જાણતો કે કોઈ તેની ઉપર નજર રાખીને બેઠું છે ભલે તે કેમેરા મારફતે હોય કે પછી કોઈ માસ્ક ધારી વ્યક્તિ હોય. એ બધી વસ્તુ થી અજાણ ડેની પોતાની રોજબરોજની જીંદગી જીવી રહ્યો હતો.

એકદિવસ સાંજના સમયે શહેરથી ડેની જ્યારે ઘરે પાછો આવ્યો ત્યારે પોતાની સાથે બાઈક પર એક કવર કરેલું કોઈ ગિફ્ટ લઈ આવ્યો હતો. તેણે હવેલીની અંદર રૂમમાં આવ્યા પછી તે ગિફ્ટ ખોલ્યું. અંદરથી એક સુંદર ભગવાન શ્રીકૃષ્ણ નો ફોટો હતો. તે ફોટો લગાવવા માટે તે એક હથોડી અને એક મોટી ખીલી લઈને વળગી પડ્યો. એક જગ્યા નક્કી કરીને તેણે ખીલી ઉપર હથોડીનો જોરથી ઘા કર્યો. એ ઘા તો સામાન્ય હતો પણ મોટી ખીલી હોવા છતાં તે આખી ખીલી એક જ ઝાટકે દીવાલમાં ઘૂસી ગઈ. ડેની ને લાગ્યું કદાચ દીવાલની તે જગ્યા સાવ પોલી હતી. તેણે ખીલી કાઢીને બાજુમાં મારવાનો પ્રયાસ કર્યો. આ વખતે કંઇક અજીબ j થઈ ગયું. ખીલી સહિત આખી હથોડી દીવાલમાં ઘૂસી ગઈ. દીવાલની એક - દોઢ ફૂટ જેટલી જગ્યા સાવ પોલી હતી. ડેની તે જગ્યા ખોળીને જોવા લાગ્યો.

દીવાલની એ પોલી જગ્યા માંથી એક પ્લાસ્ટિકની કોથળીમાં એક ડાયરી અને બીજી અમુક રમકડાં જેવી વસ્તુઓ મળી આવી. ડેની ને એકદમ અજીબ લાગ્યું. તે ડાયરી ખોલીને જોવા લાગ્યો. અચાનક જ ડાયરીના વચ્ચેના ભાગમાંથી કંઇક નીચે પડ્યું. ડેનીએ નીચે નમીને તે કાગળ ઉપાડ્યો. ખોલીને જોયું તો કંઇક નકશા જેવું લાગતું હતું. કંઈ સમજાઈ ન્હોતું રહ્યું પણ તેણે જ્યારે પેલી ડાયરી ખોલીને વાંચી તો તેની આંખો ખુશી અને આશ્ચર્ય થી ફાટી રહી.

શું હતું એ ડાયરી માં?
પેલા ચોર ખજાનો લૂંટીને ક્યાં ગાયબ થઈ ગયા?
પેલું માસ્ક ધારી કોણ હતું?
કેમેરામાં ડેની પર કોણ નજર રાખીને બેઠું હતું?

આવા અનેક સવાલોના જવાબ માટે વાંચતા રહો
'ચોરો નો ખજાનો'

ક્રમશઃ

Dr. Dipak Kamejaliya