College campus - 45 books and stories free download online pdf in Gujarati

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 45

" કૉલેજ કેમ્પસ "ભાગ-45
" બેટા, ડૉ.ઋત્વિક એક જગ્યાએથી વિઝિટ કરીને પાછા વળી રહ્યા હતા અને રસ્તામાં તેમને એક ટ્રકે અડફેટમાં લઈ લીધા તેમનું ત્યાં ને ત્યાં સ્થળ ઉપર જ મૃત્યુ થઈ ગયું આ સમાચારની તારી મમ્મીના નાજુક દિલોદિમાગ ઉપર ખૂબજ ગહેરી અસર પડી અને તે પાગલ થઈ ગઈ. તે દિવસથી મારી લાડકી માધુરી ખોવાઈ ગઈ છે બેટા " અને નાનીમા ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા.

પરી તેમને પંપાળતી રહી અને કહેતી રહી કે, હું છું ને નાનીમા હું તારી માધુરી જ છું ને જો હું તેના જેવી જ લાગું છું ને નાનીમા કદાચ એટલે જ ભગવાને મને તેના જેવી જ બનાવી હશે અને પરીની આંખમાં પણ આંસુ આવી ગયાં... નાનીમા, મારી માં અત્યારે કઈ હોસ્પિટલમાં છે મારે મારી માંને મળવું છે મારે તેને જોવી છે તું લઈ જઈશ મને તેની પાસે..??

નાનીમાનો અવાજ રુંધાઈ ગયો હતો તેમણે ફક્ત હકારમાં જ માથું ધુણાવ્યું....

પરીએ પોતાના હાથેથી જ નાનીમાને પાણી પીવડાવ્યું અને થોડા શાંત પાડ્યા. નાનીમા તો શાંત પડી ગયા પણ પરીના નાજુક દિલોદિમાગ ઉપર વિચારોની અને વણથંભ્યા પ્રશ્નોની જે વણઝાર ચાલી રહી હતી તે આજે શાંત થાય તેમ ન હતી..!!

અને તે બોલી, " નાનીમા તો પછી અત્યારે મારા મોમ અને ડેડ છે તે ? "
નાનીમા: હા બેટા, એ તારા રીયલ મોમ ડેડ નથી. તારી મોમ માધુરી તારા ડેડના એક્સપાયર્ડ થયા પછી પાગલ થઈ ગઈ હતી અમે તેની ખૂબ દવા કરી પરંતુ તેની તબિયતમાં કોઈ સુધારો ન થયો તે ન જ થયો. તારા ડેડી શિવાંગે અને તારી મોમ ક્રીશાએ તે વખતે માધુરીને સાજી કરવામાં મારી અને તારા નાનાજીની ખૂબ મદદ કરી હતી.
માધુરીએ પ્રેગ્નન્સીના પૂરા નવ મહિના બાદ એક નાજુક નમણી અને તેના જેવી જ રૂપાળી તેનું જ આબેહૂબ પ્રતિબિંબ એવી મારી લાડકી તને જન્મ આપ્યો અને તે કોમામાં સરી પડી. ડૉક્ટર સાહેબે તેને ભાનમાં લાવવાની ખૂબ કોશિશ કરી પરંતુ તે નાકામિયાબ રહ્યા. એક બાજુ તારો જન્મ થયો તેની ખુશી હતી અને બીજી બાજુ અમારી માધુરી કોમામાં સરી પડી તેનું અત્યંત દુઃખ હતું. શું કરવું કંઈજ સમજમાં નહોતું આવતું. અમારી સામે તારી પરવરિશનો એક મુઝવણભર્યો પ્રશ્ન ઉભો હતો. શિવાંગને અને ક્રીશાને હવે બેંગ્લોર રિટર્ન થવાનું હતું તેથી તારા નાનાજીએ તારી પરવરિશની ચિંતા કરતાં શિવાંગને પૂછ્યું કે, " પરી માટે આપણે શું વ્યવસ્થા કરીશું બેટા...?? મને સતત તેની ચિંતા રહ્યા કરે છે."
ત્યારે ક્રીશાએ કહ્યું કે, " અંકલ, તમે બંને મારા મમ્મી-પપ્પા જેવા જ છો. હું તમને આજથી મમ્મી-પપ્પા જ કહીશ અને જો તમને વાંધો ન હોય તો પરીને અમે દત્તક લેવા ઇચ્છીએ છીએ.પરીની પરવરીશ હું અને શિવાંગ કરીશું. " અને આ શબ્દો જ્યારે અમે ક્રીશાના મુખેથી સાંભળ્યા ત્યારે મારી અને તારા નાનાજીની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. ક્યારેક પારકા પણ પોતાના બની જતા હોય છે. તારું નામ "પરી" પણ શિવાંગે જ પાડ્યું છે. તું ખૂબ નસીબદાર છે બેટા કે તને ક્રીશા અને શિવાંગ જેવા માતા-પિતા મળ્યાં છે. "

અને આ વાત સાંભળતાં સાંભળતાં પરીની આંખમાંથી પણ અશ્રુધારા વહ્યે જતી હતી અને નાનીમાની સામે જોઈને તે બોલી કે, " નાનીમા ગ્રેટ છે મારા મોમ અને ડેડ જેમણે આજદિન સુધી મને અહેસાસ શુધ્ધા નથી થવા દીધો કે હું તેમનું રીયલ સંતાન નથી. તેમણે મને અને છુટકીને બંનેને હંમેશાં એકજ સરખો પ્રેમ આપ્યો છે. " અને તેણે પોતાના બંને હાથ પોતાના મોં ઉપર દાબી દીધા અને તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી અને રડતાં રડતાં બોલતી હતી કે, " ઑહ નૉ ગૉડ, હું તેમનું અહેસાન કઈરીતે ચૂકવીશ ? "

નાનીમાએ પોતાની લાડકી પરીને પોતાના ગળે વળગાડી લીધી અને શાંત પાડવાની કોશિશ કરવા લાગ્યા.
થોડી વાર માટે ચૂપકીદી છવાઈ ગઈ.
પછી નાનીમા બોલ્યા કે, " તારે મળવું છે ને માધુરીને હું લઈ જઈશ તને તેની પાસે. અત્યારે તે સીમ્સ હોસ્પિટલમાં ડૉ.અપૂર્વ પટેલની અંડર ટ્રીટમેન્ટમાં છે. હું તને ત્યાં લઈ તો જઈશ પણ મારી એક શર્ત છે ત્યાં જઈને તારે રડવાનું બિલકુલ નહીં. " પરીની આંખો રડી રડીને લાલચોળ થઈ ગઈ હતી અને ગાલ એકદમ ગુલાબી થઈ ગયા હતા તે કંઈજ બોલી ન શકી તેણે ફક્ત હકારમાં જ માથું ધુણાવ્યું અને એટલામાં પરીના મોબાઈલમાં વૉટ્સએપ કોલ આવ્યો અને તે પણ છુટકીનો એટલે પરીએ ફટાફટ મોં લુછી લીધું અને તે ફ્રેશ થઈ ગઈ.

પરીએ ફોન ઉપાડ્યો તો છુટકી તેની ઉપર ગરમ થઈ હોય તેમ લાગતું હતું કારણ કે તે ગુસ્સામાં બોલી રહી હતી કે, " દી, ક્યારે આવે છે તું હવે ઘરે ? મને તારા વગર બિલકુલ ગમતું નથી. " અને પાછળથી ક્રીશા મોટેથી બોલી રહી છે કે, " તારા વગર એને ઝઘડવાનું કોની સાથે એટલે તને બોલાવે છે અહીંયા " અને પરી આજે પોતાની મોમ ક્રીશાને જોઈને જાણે ધન્ય થઈ ગઈ હોય તેમ એકીટશે તેની સામે જ જોઈ રહે છે. જાણે ક્રીશામાં તેને સાક્ષાત દેવીમાંના દર્શન થયા હોય તેમ તે એકદમ ખુશ થઈ જાય છે અને બોલી ઉઠે છે કે, " મોમ, જય માતાજી, બોલ તું કેમ છે ? "
ક્રીશા: જય માતાજી બેટા, હું ઓકે છું, બોલ‌ તું કેમ છે ?
કવિશા (છુટકી): તમારી બંનેની આસ્થા ચેનલ પૂરી થઈ હોય તો હું આગળ કંઈ વાત કરી શકું છું.
અને છુટકીનો નાહકનો ગુસ્સો જોઈને માં-બેટી, ક્રીશા અને પરી બંને હસી પડે છે.

છુટકીનો વિડિયો કોલ ચાલતો હોય છે અને વચ્ચે વચ્ચે આકાશ પરીને ફોન કરી રહ્યો છે પરી આકાશનો ફોન કાપી રહી છે એટલે તે ગુસ્સે થઈ રહ્યો છે. હવે આકાશ પરીની આગળ શું બળાપો કાઢે છે તે આપણે આગળના ભાગમાં જોઈશું....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
14/10/22


બીજા રસપ્રદ વિકલ્પો