કનેક્શન-રૂહ સે રૂહ તક - 28 Sujal B. Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કનેક્શન-રૂહ સે રૂહ તક - 28

૨૮.કનેક્શન-રૂહ સે રૂહ તક


બપોરનાં સાડા ત્રણ વાગ્યે અનોખી અમદાવાદનાં એરપોર્ટ પર હતી. એ આમ તો કાલે મુંબઈ જવાં માંગતી હતી. પણ, મુના બાપુએ અચાનક કરેલી આવી હરકતથી એણે આજે જ મુંબઈ જવાનું નક્કી કરી લીધું હતું. તાત્કાલિકમાં ટિકિટ બુક કરીને, એ અત્યારે પોતાની ફ્લાઈટનાં અનાઉસમેન્ટની રાહ જોઈ રહી હતી. ત્યાં જ એની ફ્લાઈટનું અનાઉસમેન્ટ થયું. એ તરત પોતાની બેગ લઈને ઉભી થઈ. થોડીવારમાં પ્લેને મુંબઈ તરફ ઉડાન ભરી લીધી.
બરાબર ચારને ચાલીસ મિનિટે પ્લેન મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું. અનોખી પોતાનાં સામાન સાથે એરપોર્ટની બહાર આવી. એને કોઈ લેવાં તો આવવાનું ન હતું. એટલે એ બહાર આવીને ઓટો રિક્ષા શોધવાં લાગી. મુંબઈમાં બધું કામ મહેનતથી કરવું પડતું. અહીં વ્યક્તિનાં ઈરાદા જેટલાં મજબૂત રહેતાં. એની મંઝીલ એને એટલી જલ્દી મળી શકતી. અહીં કોઈને કંઈ થાળીમાં પરોસેલુ નાં મળતું. પછી એ જમવાનું હોય કે સક્સેસ! અહીં વ્યક્તિએ બધું જાતે કમાવવું પડતું.
અનોખી પોતાનાં સામાન સાથે મુંબઈની સડક ઉપર ઉભી હતી. અહીંની તો સડકો જ કહી રહી હતી, કે અહીંનું જીવન કેટલું ઝડપી છે, અને લોકોને પોતાનાં નિર્ધારિત સ્થળ સુધી પહોંચવાની કેટલી ઉતાવળ છે? અનોખી મુંબઈ છોડીને ગઈ, એ પછી એણે આજે ફરી મુંબઈમાં પગ મૂક્યો હતો. મુંબઈ અનોખીની જન્મભૂમિ! માણસ ગમે તે કરે જન્મભૂમિથી સંબંધ તો નાં જ તોડી શકે. અઠવાડિયા, મહિના કે વર્ષો પછી પણ પોતાની જન્મભૂમિ પાસે આવવું જ પડે. એમ જ અનોખી પણ આજે કેટલાંય વર્ષો પછી ફરી પોતાની જન્મભૂમિ પર ઉભી હતી.
અનોખીને ઓટો રિક્ષા મળે, એ પહેલાં જ એક કાર એની સામે આવીને ઉભી રહી. એમાંથી એક છોકરો ઉતર્યો, અને અનોખી કંઈ સમજી શકે, એ પહેલાં જ એને જબરદસ્તી કારમાં બેસાડીને લઈ ગયો. મુંબઈની પબ્લિક આ નજારો જોતી રહી. પણ, કોઈએ કંઈ કર્યું નહીં. થોડીવાર પછી એ કાર એક વિરાન ઘર સામે ઉભી રહી. જેને જોઈને એવું લાગતું ન હતું, કે એ ઘરમાં કોઈ રહેતું હશે.
કારને ઘરની સામે રોકીને ડ્રાઈવર સીટ પર બેસેલો છોકરો એની તરફનો દરવાજો ખોલીને નીચે ઉતર્યો, અને પાછળની તરફ રહેલાં દરવાજાની વિન્ડો પર ટકોરા દીધાં. પાછળ બેસેલા છોકરાએ તરત જ વિન્ડોનો કાચ નીચે કર્યો, એટલે બહાર ઉભેલા છોકરાએ કહ્યું, "હેય, છોકરીને લઈને અંદર આવ."
પાછળ બેસેલા છોકરાએ તરત જ બહાર ઉભેલા છોકરાંની આજ્ઞાનું પાલન કરતાં દરવાજો ખોલ્યો, અને અનોખીને લઈને નીચે ઉતર્યો. ત્રણેય ઘરનાં દરવાજા તરફ આગળ વધી ગયાં. ઘણાં સમયથી ખાલી પડેલાં ઘરનો દરવાજો પણ જર્જરિત હાલતમાં હતો. એને હળવેથી ખોલીને ત્રણેય અંદર આવ્યાં. કોણ જાણે કેમ? અનોખી આ બંને છોકરાઓથી છૂટવાની કોશિશ કરી રહી ન હતી. એમાંના એક છોકરાએ ઘરની અંદર આવીને અનોખીને ઘરની વચ્ચોવચ પડેલી ખુરશીમાં બેસવા ઈશારો કર્યો. અનોખી ચુપચાપ એ ખુરશી પર બેસી ગઈ.
એ ઘરનું નિરિક્ષણ કરતી ખુરશી પર બેઠી હતી. પેલાં બંને છોકરાંઓ એની બંને બાજુમાં ઉભાં હતાં. ત્યાં જ એક ત્રીજો વ્યક્તિ ઘરની અંદરની તરફથી અનોખી સામે આવ્યો. જેનો અનોખી માત્ર પડછાયો જ જોઈ શકી. જે ધીમે-ધીમે આગળ વધી રહ્યો હતો, અને અચાનક જ અનોખીની નજર સામે એ ચહેરો સ્પષ્ટ થઈ ગયો.
"શિવરાજસિંહ જાડેજા! શું હુકમ છે, તમારી બહેન માટે?" અનોખીએ અચાનક ખુરશી પરથી ઉભાં થઈને પૂછ્યું. એનાં ચહેરાં પર કોઈ જાતનો ડર ન હતો.
હાં, આ બધો પ્લાન શિવનો જ હતો. જેને એ અપર્ણાને કહ્યાં વગર જ જતો રહ્યો હતો. આમ તો અનોખી કાલે મુંબઈ આવવાની છે, અપર્ણાએ પણ શિવને એવું જ કહ્યું હતું. છતાંય 'ચેતતા સદાય સુખી' કહેવતને અનુલક્ષીને શિવે પોતાની ઓફિસના બે કર્મચારીઓને અપર્ણાની ઘરેથી નિકળતાની સાથે જ મુંબઈ એરપોર્ટ પર મોકલી દીધાં હતાં.
અનોખી અને શિવ એકબીજાને પહેલેથી જ ઓળખતાં હતાં. એમને જોડી રાખતો સેતુ અનોખીનાં મામા હતાં. શિવ એમને સારો છોકરો લાગતો. એટલે એમણે જ અનોખીને શિવ સાથે વાત કરવા, અને પોતાને કોઈપણ પ્રોબ્લેમ હોય તો શિવને જ જણાવવા કહ્યું હતું. જેનાં લીધે બંનેની અવારનવાર ફોન પર વાત થતી. અનોખી સાથે સારો સંબંધ બનાવી રાખવાનો શિવનો એક જ ઈરાદો હતો. અનોખી મુના બાપુનાં કામને પસંદ નાં કરતી, અને એ એનાં પપ્પા સાથે નોર્મલ લાઇફ જીવવા માંગતી હતી. બ‌સ આ કારણોસર જ શિવે અનોખી સાથે સારો સંબંધ બનાવી રાખ્યો હતો. જેને શિવ કેવી રીતે ઉપયોગી બનાવશે? એ તો બ‌સ એ જ જાણતો હતો. પણ, હાલ શિવ અનોખીને આ રીતે અહીં લાવ્યો. એની પાછળનો હેતુ બીજો જ હતો.
એ તરત જ અનોખીની સામે આવીને ઉભો રહી ગયો. એણે તરત જ સ્મિત સાથે અનોખીને પોતાનાં ગળે લગાવી લીધી. આટલાં વર્ષોમાં બંને આજે પહેલીવાર એકબીજાને રૂબરૂમાં જોઈ રહ્યાં હતાં. બાકી તો વિડિયો કોલ પર જ બંનેએ એકબીજાને જોયાં હતાં. અનોખી માટે શિવ એનો મોટો ભાઈ છે. શિવે અનોખીનાં માથે હાથ મૂકીને પ્રેમથી કહ્યું, "તને જોઈને બહું ખુશી થઈ. પણ, તને આ રીતે અહીં લાવવાં માટે સોરી!" એણે પોતાનાં કાન પકડી લીધાં.
"ઇટ્સ ઓકે, ભાઈ!" અનોખીએ શિવનાં બંને હાથ પોતાનાં હાથમાં લઈને ક્હ્યું, "તમે કોઈ કારણ વગર આવું નાં કરી શકો. તો હવે કહો, તમે મને આ રીતે અહીં શાં માટે લાવ્યાં?"
"અમદાવાદનાં કમિશનર જગદીશ શાહ અને એનાં પરિવારને તું ઓળખે છે ને?" શિવે તરત જ પૂછ્યું. એનાં સવાલથી અનોખીનાં ચહેરાનાં હાવભાવ બદલી ગયાં. એ જોઈને શિવે આગળ કહ્યું, "તે મને વર્ષો પહેલાં એક કામ સોંપ્યું હતું. તારે તારાં પપ્પા સાથે નોર્મલ લાઇફ જીવવી છે, ખરું ને?" શિવે પૂછ્યું, તો અનોખીએ તરત જ પોતાની ડોક હકારમા હલાવી દીધી, "તો હવે એ કામ હું પૂરી ઈમાનદારીથી કરવાં માગું છું. તું બસ મને એટલું જણાવી દે, કે તું શાહ પરિવારનાં છોકરાં નિખિલ શાહને પસંદ કરે છે કે નહીં?"
"હાં." અનોખીએ એકાક્ષરી જવાબ આપ્યો.
"તો હવે તું તારાં પપ્પાને એટલું જ કહેજે, જેટલું હું તને જણાવું." કહીને શિવે અનોખીને આખો પ્લાન સમજાવ્યો.
"ઓકે, ભાઈ! હું તમે કહ્યું એમ જ કરીશ." કહીને અનોખીએ શિવને અંગૂઠો બતાવ્યો.
શિવ તરત જ અનોખી સાથે ઘરની બહાર આવ્યો. એણે અનોખી માટે પહેલાં જ ઓટો રિક્ષા મંગાવી લીધી હતી. શિવે અનોખીને ઓટોમાં બેસાડી, અને એનાં ઘરે મોકલી દીધી. શિવ એનાં બંને કર્મચારીઓ સાથે ઓફિસે જવા નીકળી ગયો. શિવ મુંબઈ માટે જાગા બાપુ માફિયાનો દિકરો જ નહીં, પણ મુંબઈનો બિઝનેસ ટાયકૂન પણ હતો. એટલે શિવ આવાં કોઈ પણ કામ બાપુનાં આદમીઓ પાસે નાં કરાવતો. એ પોતાનાં આવાં કામો એની ખુદની ઓફિસના કર્મચારીઓ પાસે જ કરાવી લેતો.
શિવનો પોતાની કંપનીમાં એક અલગ જ રૂઆબ હતો. માન્યું, શિવ અને અપર્ણા વચ્ચે હંમેશા વાતો કરતાં લડાઈ વધું થતી. પણ, આવું માત્ર એ બંને વચ્ચે જ થતું. આમ પણ જ્યાં ખાસ કનેક્શન હોય, ત્યાં વાતો, લડાઈ, ગુસ્સો, નારાજગી એ બધું પણ ખાસ જ હોય. આ કનેક્શન તો રૂહથી રૂહનુ હતું. તો એટલું ખાસ તો હોવાનું જ! બાકી તો શિવ બધાં સાથે સરખી રીતે જ વાત કરતો. કોઈ સાથે લડાઈ નહીં, કોઈ સામે ગુસ્સો નહીં. એની કંપનીનાં બધાં કર્મચારીઓ શિવને માન આપતાં. શિવની દરેક વાત માનતાં. એટલે જ તો ઓફિસની સાથે એ લોકો શિવનો આવાં કામોમાં પણ વગર કોઈ સવાલે સાથ આપતાં.

(ક્રમશઃ)

_સુજલ પટેલ "સલિલ"