ધૂપ-છાઁવ - 76 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂપ-છાઁવ - 76

લગ્નનો માંડવો ઘર આંગણે બંધાઈ ચૂક્યો હતો બંને વરઘોડિયા બેમાંથી એક થવાની લગ્ન 💒ની શુભ ઘડીની રાહ જોઈ રહ્યા હતા. લક્ષ્મીના મનને આજે ઘણી રાહત હતી કે પોતાની દીકરી સુખમાં જઈ રહી છે અને તેને ગમતું પાત્ર તેને મળી રહ્યું છે. આ બાજુ ઈશાનના મમ્મી પપ્પા પણ ઘણાં બધાં વર્ષો પછી પોતાના વતનમાં આવ્યા હતા પરંતુ તેમણે અહીં પોતાનું ઘરબાર કશુંજ રાખ્યું નહોતું તેથી થોડો અફસોસ અનુભવી રહ્યા હતા કે પોતાનું ઘર હોત તો દીકરાને પોતાના ઘરેથી જ પરણાવત..અને તેમને બીજો એક વિચાર પણ આવી રહ્યો હતો કે, ઈશાન જો અહીં ઈન્ડિયામાં જ સેટલ થઈ જાય તો તેને શેમ અને તેના ગુંડા જેવા માણસોનો ડર ન રહે અને પોતાનું જીવન પણ શાંતિથી પસાર થાય તેઓ બીજે દિવસે ઈશાન આગળ આ પ્રસ્તાવ રજૂ કરવાનું વિચારી રહ્યા હતા..!!

બીજે દિવસે અપેક્ષાની મહેંદી રસમ હતી અપેક્ષાએ સ્લીવલેસ ગ્રીન કલરનું ફ્રોક પહેર્યું હતું અને ઈશાને પણ ગ્રીન કલરના કુર્તા પાયજામો પહેર્યા હતા બંનેની જોડી જાણે દેવલોકમાંથી બનીને આવી હોય તેમ ખૂબજ સુંદર લાગી રહી હતી. અપેક્ષાના હાથમાં ઈશાનના નામની સુંદર મહેંદી મૂકાઈ રહી હતી અપેક્ષાની બે ત્રણ ફ્રેન્ડ તેમજ સોસાયટીની બધી લેડિઝ તેમજ સગા સંબંધી પણ અપેક્ષાના લગ્નને વિધિવત માણવા માટે પોતાની હાજરી વિધિવત નોંધાવી રહ્યા હતા. અપેક્ષાની ફ્રેન્ડ અપેક્ષાના હાથમાં છૂપી રીતે ઈશાનનું નામ લગાવવામાં વ્યસ્ત હતી અને અપેક્ષા તેમજ ઈશાન સાથે મજાક કરી રહી હતી કે, "આ તમારી અપુના હાથની મહેંદીમાંથી તમારું નામ શોધીને બતાવશો તોજ આ અપુ તમારી થશે નહીંતર તમારે લબડતા જ રહેવું પડશે" અને પછી બધાજ ખુશીના માર્યા ખડખડાટ હસી રહ્યા હતા. લક્ષ્મીના આખાયે ઘરમાં જાણે ખુશી છવાઈ ગઈ હતી અપેક્ષા અને ઈશાન પણ એકબીજાની સામે જોઇને મરક મરક હસી રહ્યા હતા. ઈશાનને પણ અપેક્ષાની બાજુમાં બેસાડી દેવામાં આવ્યો હતો અને કોઈની ખરાબ નજર તેની ઉપર પણ ન પડે તે માટે તેની હથેળીમાં પણ મહેંદીથી શુકનના પાંચ ટપકાં લગાવવામાં આવ્યા હતા.

સમય જાણે પસાર થઈ રહ્યો નહોતો અપેક્ષા અને ઈશાન બંને હવે જાણે લગ્નના ફેરા ફરવાનો ઈંતજાર કરી રહ્યા હતા. બીજે દિવસે રાત્રે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અપેક્ષા પીંક અને લાઈટ ગ્રે કલરની ચણીયાચોળીમાં સુસજ્જ હતી અને ઈશાને પણ લાઈટ ગ્રે તેમજ લાઈટ પીંક કલરના કોમ્બિનેશનનો સલવારસૂટ પહેર્યો હતો. બંનેએ ફોટોગ્રાફર પાસે ખૂબજ સરસ કપલ્સ ફોટોગ્રાફી કરાવી. ઈશાને કદી ગરબા રમ્યા નહોતા પરંતુ અત્યારે અપેક્ષા સાથે રમ્યા વગર છૂટકો પણ નહોતો કારણકે અપેક્ષાની ફ્રેન્ડ્સ તેને ગરબા રમવા ફોર્સ કરી રહી હતી અને શીખવાડી રહી હતી. ઈશાનને પણ ઈન્ડિયાના માણસો જાણે ખૂબજ પ્રેમાળ અને લાગણીશીલ લાગી રહ્યા હતા અને તેને પણ જાણે અહીંની માયા લાગી રહી હતી. રાત્રિના દોઢ થી બે વાગ્યા સુધી બધા ગરબા રમ્યા અને ત્યારબાદ નાસ્તો પાણી કરીને બધા છૂટા પડ્યા.
બીજે દિવસે સવારે ગણેશ સ્થાપનાનું મુહુર્ત હતું એટલે ગણેશસ્થાપનની વિધિ માટે બધાએ સવારમાં વહેલા ઉઠીને તૈયાર થવાનું હતું. અક્ષત અને અર્ચનાએ તમામ વિધિમાં બેસવાનું હતું એટલે અર્ચના પણ ખૂબજ સુંદર તૈયાર થઈ હતી પોતાની બહેનને મનગમતું પાત્ર મળ્યાની ખુશી અને તેના ધામધૂમથી લગ્ન કરવાની ઈચ્છા આજે પરીપૂર્ણ થઈ હતી તેથી અક્ષતના ચહેરા ઉપર સંતોષ અને આનંદ બંને સાથે વર્તાઈ રહ્યા હતા. અર્ચના પણ પોતાના લગ્ન પછી પહેલીવાર આ રીતે ઘરના પ્રસંગમાં તૈયાર થઈને મહાલ્વા મળ્યું તેથી ખૂબજ ખુશ હતી.

ગણેશ સ્થાપન અને પછી પીઠીની વિધિ ચાલી... અપેક્ષા અને ઈશાન બંનેને સામસામે પીઠી માટે બેસાડી દેવામાં આવ્યા હતા. અપેક્ષા તરફથી જાતજાતના ફટાણાં ગવાતાં અને દરેક ગીતમાં ઈશાન ઉપર અને અપેક્ષાના સાસુ સસરાને એટલે કે વેવાઈ તેમજ વેવાણને ટોણાં મારવામાં આવતાં. ખૂબજ ખુશીથી વાતાવરણ જાણે મહેંકી ઉઠ્યું હતું દરેકનાં આનંદનો કોઈ પાર નહોતો અપેક્ષા અને ઈશાન બંને તો ખૂબજ ખુશ હતાં. પીઠની વિધિ પૂરી થઈ એટલે અપેક્ષા અને ઈશાન બંને નાહીધોઈને તૈયાર થયા અને પછી જમવાનું ચાલ્યું. ઈશાનના મમ્મી પપ્પા ઈશાન એકલો પડે તેની રાહ જ જોઈ રહ્યા હતા અને પોતાના રૂમમાં ઈશાન એકલો તેમને મળ્યો એટલે તેમણે ઈશાનને શેમના ડરને કારણે યુએસએ છોડીને તું અહીં ઈન્ડિયામાં સેટલ થઈ જાય તો સારું તેમ સમજાવ્યું અને તેની આગળ ઈન્ડિયામાં સેટલ થવાનો પ્રસ્તાવ મૂક્યો.

હવે ઈશાન શેમ અને તેના ગુંડા જેવા માણસોથી ડરીને ઈન્ડિયા સેટલ થવાનું વિચારે છે કે નહીં તે આપણે આગળના ભાગમાં જોઈશું અને હાં ઈશાન અને અપેક્ષાના લગ્ન હજુ બાકી છે તો તેમાં હાજરી આપવા આપ અચૂકથી પધારજો. આભાર 🙏. આપના અમુલ્ય પ્રતિભાવ જણાવવા વિનંતી 🙏.
વધુ આગળના ભાગમાં.....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
11/10/22