The pride of poverty books and stories free download online pdf in Gujarati

ગરીબીનું ગૌરવ

//ગરીબીનું ગૌરવ//

કરોડો રૂપિયાની જમીન અને સાડા ત્રણ કરોડનું બાંધકામ. પાંત્રીસ વર્ષની ઉર્વશી બંગલાની બાલકનીમાં ઊભી ઊભી વિચારી રહી હતી : ‘આ બાલ્કની જ આશરે દસ-બાર લાખ રૂપિયામાં બની હશે.’ એને પોતાનાં પિતાનું મકાન યાદ આવી ગયું.

શિક્ષક પિતાએ બાર હજારમાં ખરીદ્યું હતું. તેર બાય આઠનો એક રૂમ અને ઉંદરના દર જેવડું રસોડું. રૂમ પણ પાછો ઓલ-ઇન-વન જેવો. સવારના પહોરમાં પિતાજીનો પ્રાર્થનાખંડ. બપોરના સમયે ઊર્જા અને એનાં નાના ભાઇ માટેનો સ્ટડીરૂમ. સાંજે પિતાજી એમાં જ બેસીને વિદ્યાર્થીઓને ટ્યૂશન ભણાવે. રાત્રે બેડરૂમ.

અત્યારે તો આ બંગલાનો નાનામાં નાનો બાથરૂમ પણ પપ્પાના પૂરા ઘર કરતાં મોટો છે.’ ઉર્વશીના રૂપાળા ચહેરા ઉપર થોડો ગર્વ અને ઝાઝેરો સંતોષ ઊભરી આવ્યા. પછી એણે કાંડા ઉપર પહેરેલી છવ્વીસ લાખ રૂપિયાની હીરાજડિત રિસ્ટવોચ તરફ જોયું, ‘હવે મલય આવવો જોઇએ.

સાડા સાત વાગ્યા છે. સાડા આઠ વાગ્યે હોટલ તાજમાં ડિનર માટેનું ટેબલ બુક કરાવેલું છે. આજે મેરેજ એનિવર્સરી ખરી ને ! આજે પહેલી વાર બીજા કોઇને ઇન્વાઇટ કર્યા નથી. બસ, માત્ર બે જ જણાં. હું અને મારો અર્થ.’

મલયનું નામ યાદ કરતાં જ ઉર્વશી લજવાઇ ગઇ, ‘જબરો રોમેન્ટિક પુરુષ છે અર્થ ! જો કે અત્યારના મલય પાસે રોમાન્સ માટેનો સમય જ નથી, બાકી યુવાનીમાં એની તોલે કોઇ ન આવે. પ્રેમિકાનું દિલ જીતવા માટે એની પાસે કેટલા બધા રસ્તાઓ હતા!’

આમ જુઓ તો મલય અને ઉર્વશી છેક નાનાં હતા ત્યારથી સાથે જ રમીને મોટા થયા હતા. મલયના પપ્પાની આર્થિક હાલત પણ ઉર્વશી ના પપ્પાની હાલત જેવી જ હતી. એમનું તો પોતાની માલિકીનું મકાન પણ ન હતું. ભાડાંની ખોલીમાં રહેતાં હતા.

પડોશી હોવાના નાતે એક વાર તેઓ ર્વશીના પપ્પાને વિનંતી કરવા માટે આવ્યા હતા, ‘દયાશંકર, સાહેબ, મારો દીકરો આમ તો ચબરાક છે, પણ ભણવામાં ઘ્યાન નથી આપતો. શાળામાં પણ આખો દિવસ ધીંગામસ્તી કરે છે. તમે જો રોજ એકાદ કલાક એને ભણાવો તો એની જિંદગી સુધરી જાય.’

એમાં મને શો વાંધો હોય ? રોજ મારા ઘરે છથી આઠ વાગ્યા સુધીમાં પંદરેક વિદ્યાર્થીઓ ટ્યૂશન માટે આવે છે. તમારો મલય એમાં બેસવા માંડે એનાથી વધુ રૂડું શું ?’

પણ મારી પાસે તમારી ટ્યૂશન ફીના પૈસા નથી એટલે હું અચકાઉ છું.’ મલયના પપ્પા મનુભાઇનો મૂંઝાયેલો ચહેરો જોઇને દયાશંકર માસ્તર ખડખડાટ હસી પડ્યા. મનુભાઇ પૂછી બેઠા, ‘કેમ હસ્યા, માસ્તર ?’

હસું નહીં તો બીજું શું કરું ? ભાઇ, તમે આટલા વર્ષોથી મારી સામે રહો છો. તમને એટલીયે ખબર નથી કે હું કોઇ પણ વિદ્યાર્થી પાસેથી વિદ્યાદાનનો એક પણ પૈસો લેતો નથી. ઠીક છે, આમ મોઢું ફાડીને મારી સામે જોયા કરવાની જરૂર નથી. મલયને આજથી જ મારે ત્યાં મોકલવાનું શરૂ કરી દો ! વાર્ષિક પરીક્ષા આડે માંડ અઢી મહિના જ રહ્યા છે.’

અને એ અઢી મહિના જેટલાબહુ જ ટુંકા સમયમાં એક આદર્શ શિક્ષકે પોતાનાં તોફાની વિદ્યાર્થીને મહત્વ જ્ઞાન અર્પી દીધું, જેનો ચમત્કારિક ફેરફાર એની માર્કશીટમાં દેખાયો. પંચાવન ટકાની સરેરાશ ધરાવતો મલય જિંદગીમાં પ્રથમવાર પંચ્યાસી ટકા લઇ આવ્યો.

એ સાંજે મલય શેરીમાં રમતો હતો, ત્યારે શાક લેવા માટે નીકળેલી ઉર્વશીને જોઇને એણે ઇશારો કર્યો. વળાંક પાસેના એકાંતમાં પહેલીવાર પંદર વર્ષના મલયે ચૌદ વર્ષની ઉર્વશી ને એક નાનકડી ભેટ આપી, ‘લે ! આ તારા માટે છે.’

‘શું છે?’ ઉર્વશીએ કાગળનું પેકેટ હાથમાં લેતાં પૂછ્યું.

હાથરૂમાલ છે.’

પપ્પાને આપવા માટેની ટ્યૂશન ફી છે ?’ ઉર્વશીની આંખોમાં મસ્તીનું તોફાન ઊમટ્યું.

‘એટલા બધા પૈસા તું ક્યાંથી લાવું ? આ તો લાંચ છે. આવતા વર્ષે પણ મફતમાં ટ્યૂશન લેવા માટે પપ્પાને રાજી કરવા માટે એમની દીકરીને અપાતી લાંચ.’ ‘લાંચમાં માત્ર આટલું જ ? એક સાદો, સસ્તો હાથરૂમાલ ?’

જો ખોવાઇ જશે તો રૂમાલ હશે… અને જો સચવાઇ રહેશે તો એને વહાલ સમજજે !’ આટલું બોલીને મલય ત્યાંથી સડસડાટ ચાલ્યો ગયો હતો. ઉર્વશીક્યાંય સુધી તેના હાથમાં રહેલ વહાલના પડીકાને મુઠ્ઠીમાં પકડીને ઊભી રહી હતી. એની મુગ્ધ આંખોમાં શરમની ખુશીથી અંજાઇ ગઇ હતી.

આજે આ બની ગયેલ ઘટનાને બે દાયકા ઉપરાંતનો સમય થઇ ગયો. હજુ સુધી ઉર્વશીએ એ રૂમાલ સાચવી રાખ્યો છે અને આંખોની એ ખુશી પણ.

એ પછીનાં વર્ષે અર્થે પૂરા બાર મહિના ભણવામાં ઘ્યાન આપ્યું. એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં નેવું ટકા માર્ક્સ લઇ આવ્યો. ફરી એકવાર બંને જણાં એકાંતમાં મળ્યા. મલ્યો ઉર્વશી ને એક સસ્તી પેન ભેટમાં આપી.

ઉર્વશી હસી, ‘આ પણ લાંચ છે કે શું ? આવતાં વર્ષના ટ્યૂશન માટે.’ ‘ના.’ મલય પણ હસ્યો, ‘મને ખબર છે કે મનુકાકા એસ.એસ.સી. સુધીના જ ટ્યૂશન રાખે છે.’

‘તો આ પેન શા માટે?’

જો એ લખવા માટે વપરાશે તો પેન છે એમ માનજે… અને જો કાયમ માટે સચવાશે તો સમજી લેજે કે એ પેન નહીં પણ પ્રેમ છે.’ અને અર્થ સડસડાટ ચાલ્યો ગયો હતો, આ વખતે સહેજ વધુ સમજણી થયેલી તેની પ્રેમિકાનાં ગાલ ઉપર લજ્જાનો લાલઘૂમ સિંદુરિયો રંગ છાંટીને. આજે પણ ઉર્વશી પાસે પેલી પેન છે અને પેલો રંગ પણ.

મલય કારકિર્દીની બાબતમાં બહુ ચતુર સાબિત થયો. સારા માર્કસ આવ્યા હોવા છતાં કોલેજમાં એણે ‘એ’ ગ્રૂપ લીધું. પછી એન્જિનિયિંરગમાં પ્રવેશ મેળવ્યો અને એક હોશિયાર સિવિલ એન્જિનિયર બનીને બહાર પડ્યો.

ધંધાની મેરેથોન રેસમાં જોડાયા પછી મલયના જીવનનો એક જ મકસદ રહ્યો : મલય ઉપાર્જનનો. દસ વર્ષમાં તો એણે ધમાકો બોલાવી દીધો. જૂનાં શહેરનો નવો વિકાસ એના હાથે થવા માંડ્યો. લાખો રૂપિયાની કિંમતના ફ્લેટ્સ, કરોડોની કમિંતના બંગલાઓ અને અબજો રૂપિયાની જમીનો એના નામે થવા લાગી.

કામિયાબી જ્યારે કોઇના કદમ ચુમે છે ત્યારે સૌથી પહેલો ભોગ એ વ્યક્તિની અંગત જિંદગીનો લેતી હોય છે. મલય પણ એના વ્યવસાયમાં ખોવાઇ ગયો. ઉર્વશી માટે સગવડ, સુવિધા અને ભૌતિક સુખોના કારણો વધતા ગયા, પણ એનો પતિ વધુ ને વધુ દૂર થતો ગયો.

મલય, હવે બહુ થયું. આપણને જોઇતું હતું એના કરતાં હજારગણું ઐશ્વર્ય મળી ગયું, હવે થોડુંક કામ ઓછું કરી નાખો. શહેરના બીજા બિલ્ડરોને પણ થોડી ઘણી કમાણી કરવા દો !’ એક દિવસ મોડી રાતે ઘરે આવેલા પતિને શાંતિપૂર્વક સમજાવવાની ઉર્વશીએ કોશિશ કરી.

‘નો ! નેવર ! ઉરુ, તું તો જાણે છે કે મેં કેટલી કારમી ગરીબી જોયેલી છે. પૈસો શું ચીજ છે એ માત્ર ગરીબ માણસ જ કહી શકે છે. મારી પાસે ભણવાના પૈસા ન હતા. બે જોડી ફાટેલા કપડાં ઉપર હું આખું વર્ષ ખેંચી કાઢતો હતો.

મને ક્યારેય ક્રિકેટ રમવા માટેનું બેટ નથી મળ્યું, પગમાં પહેરવા માટેના બૂટ નથી મળ્યા, એન્જિનિયર બન્યો ત્યાં સુધી કાંડા ઘડિયાળનો વૈભવ મેં નથી માણ્યો. સવારે ચા સાથે નાસ્તો પણ હોય છે એ વાત મેં મિત્રો દ્વારા સાંભળી હતી.

એક-એક રૂપિયા માટે હું જિંદગીના પચીસ વર્ષ સુધી ઝૂરતો રહ્યો છું. હવે પછીના પચીસ વર્ષ મારે રૂપિયાને મારી તિજોરીમાં બંધ કરી દઇને એવો જ ઝુરાપો આપવો છે જે મેં અનુભવ્યો છે. મારી અડધી જિંદગીની ગરીબીના ગાલ ઉપર મારે બાકીના વર્ષોમાં સમૃદ્ધિનો સણસણતો તમાચો મારવો છે. આ મારી માનસિકતા છે, ઊરુ ! તને એ નહીં સમજાય.’

‘કેમ ન સમજાય ? ગરીબ તું એકલો થોડો હતો ? ગરીબ અમે પણ હતા. પણ મારા પપ્પાને ગરીબીનું ગૌરવ હતું, શરમ ન હતી. એમણે ધાર્યું હોત તો ટ્યૂશનમાંથી પૈસા રળીને અમને સુખ આપી શક્યા હોત. પણ એમને સ્વૈચ્છિક ગરીબી પસંદ હતી.

એક વાત કહું, અર્થ ? ગરીબ મા-બાપના ઘરમાં જન્મેલા સંતાનો બે અલગ-અલગ માનસિકતા સાથે મોટા થાય છે. કેટલાંકને લક્ષ્મી સિવાય બીજું કશું જ દેખાતું નથી અને કેટલાંકને મબલખ ધન કમાવામાં ક્યારેય રસ પડતો નથી.

એક જ ચાલીમાં રહેતાં બે દરિદ્ર પરિવારોમાં જન્મેલાં આપણે બંને આ સામસામેના બે અંતિમ છેડાઓ પર બેઠેલાં પ્રતિનિધિઓ છીએ. માટે જ હું તને વિનંતી કરું છું કે – હવે પૈસા પાછળની આ આંધળી દોટ છોડી દે થોડોક સમય મારા માટે પણ કાઢ!’

આ છેલ્લું વાક્ય ઘણી બધી રીતે અર્થસભર હતું. દસ વર્ષનાં લગ્નજીવન દરમિયાન ઉર્વશી નામની વેલી ઉપર સંતાન નામની એક કળી પણ ખીલી ન હતી. ગાયનેકોલોજીસ્ટનું કહેવું હતું, ‘તમારામાં કશી જ ખામી નથી. તમારા પતિનો રિપોર્ટ બહુ ખરાબ છે.’

વધુ પૂછપરછ કરી ત્યારે ડોક્ટરે ફોડ પાડ્યો હતો, ‘પુરુષના ખરાબ રિપોર્ટ માટે અનેક પરિબળો જવાબદાર હોઇ શકે છે. પણ તમારા પતિના કિસ્સામાં એમની વધારે પડતી વ્યસ્તતા અને ધંધાનું માનસિક દબાણ જ જવાબદાર છે એવું હું ખાતરીપૂર્વક કહી શકું છું.’

જે સૂચના ડોક્ટરે આપી હતી એ જ વાત વિનંતીના સ્વરૂપે ઉર્વશી કહી રહી હતી, ‘થોડોક સમય મારા માટે પણ કાઢ!’

આજે પાંત્રીસમા વર્ષે પણ ઉર્વશી ની કાયા નછોરવી હતી. ક્યારેક એ એકાંતમાં બેસીને દાયકાઓ પહેલાં ભેટમાં અપાયેલો હાથરૂમાલ અને પેન કબાટના ખાનામાંથી બહાર કાઢીને પંપાળી લેતી અને જૂના પ્રેમની લાશ ઉપર અફસોસના બે અશ્રુબિંદુ ખેરવી લેતી.

આખરે આજે એ દિવસ આવ્યો હતો જેની ઉર્વશીને પ્રતીક્ષા હતી. અર્થ પણ એની ઇચ્છા આગળ શરણે થયો હતો. લગ્નની વર્ષગાંઠ નિમિત્તે બે જણાં એકલાં ‘હોટલ તાજ’ માં ડિનર ઉપર જવાના હતા. ઉર્વશી તો સમીસાંજથી બાલ્કનીમાં ઊભી રહી ગઇ હતી. સાત વાગ્યા, સાડા સાત, પછી આઠ અને પછી નવ.

દૂરથી ગાડીના આવવાનો ઘ્વનિ સંભળાયો. ઉર્વશી ની છાતી આનંદથી છલકાઇ ઊઠી. નવી નક્કોર ગાડી હતી. બંગલાની અંદર એને પાર્ક કર્યા પછી ગાડીમાંથી ડ્રાઇવર બહાર આવ્યો. ઉર્વશી તો ક્યારનીયે દોડીને નીચે ઊતરી આવી હતી.

સાહેબ ક્યાં ?’ એણે પૂછ્યું. જવાબમાં ડ્રાઇવરે ચાવી ધરી દીધી, ‘બે’ન, સાહેબ આજે બિલ્ડર એસોસિયેશનના પ્રેસિડેન્ટ બન્યા છે. મોડી રાત સુધી સાહેબ પાર્ટીમાં હશે. તમે જમી લેજો. અને હા, સાહેબે આ ગાડી મોકલાવી છે. પેટીપેક સ્કોડા કાર છે. તમને ગિફ્ટ આપવા માટે…’ ડ્રાઇવર ગોખાવેલું બોલીને ચાલતો થયો.

ઉર્વશી રડી પડી. અનાયાસ એના મનમાંથી વાક્યો જન્મ્યા, ‘આ મોંઘી કાર ભેટ ન હોઇ શકે, મલય ! ભેટ તો સાવ સસ્તી હોવી જોઇએ. સસ્તી છતાં મૂલ્યવાન. કિંમતી હોય એ તો લાંચ હોય છે. આ ચાર પૈડાં ઉપર દોડતો વૈભવ જો વપરાશે તો વાહન હશે અને જો ટકરાશે તો કાટમાળ!’

DIPAKCHITNIS (dchitnis3@gmail.com) (DMC)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED