// દુર્ભાગ્ય //
બાળકનો જન્મ થાય ત્યારે તે સૌ પ્રથમ તેને જન્મ આપનાર માતા-પિતાને ધીમે ધીમે ઓળખતું થયું હોય છે. જેમ જેમ બાળક મોટું થાય તેમ તેમ બીજા અનેક સંબંધો સાથે બંધાતું જતું હોય છે. આ નવા બંધાતા સંબંધો માં બાળકના પ્રાથમિક કે હાયર સેકન્ડરી એજ્યુકેશન દરમિયાનના તેના મિત્રો સાથેના સંબંધો એવા વણાયેલા હોય છે કે તે માઠા હોય કે સારા પરંતુ આવા સંબંધો તેને કાયમને માટે તેના મગજમાં ઘર કરી ગયેલ હોય છે. આવા સંબંધોમાં જયારે શાળાના એજયુકેશન બાબતના સંબંધો હોય અને તેમાં પણ ભણવાની બાબતના સંબંધોની હરિફાઇ માનવીના મગજમાંથી કોઇ કાળે દૂર થઇ શકતી નથી. સૌરાષ્ટ્રના કચ્છ જીલ્લાના મુખ્ય મથક એવા ભૂજ શહેરમાં વસતા માતા-પિતાના સંતાન એવા બે માંથી એક પ્રણવ ચોપડાએ ફોન કરવા માટે ડાયલ કરતાં પહેલાં બે વાર ચબરખીમાં લખેલો ફોન નંબરપુરેપુરો કાળજીપૂર્વક વાંચી લીધો, ત્રણ વાર એ નંબરના માલિકનું નામ જોઇ લીધું, ચાર નહીં પણ ચાલીસ વાર દાંત કચકચાવી લીધા પછી મનોમન બબડી લીધું, ‘નરેશ જહાંગીરદાર ! હવે તો તારે મને મળવા આવવું જ…! હાયર એજ્યુકેશન કે કોલેજના સમયમાં તેં મને મારાથી નીચો દેખાડવામાં કોઇ કસર બાકી નહોતી રાખી.પણ હવે હું તને નીચો પાડી બતાવીશ. બંને ખબર પડશે કે હવે મારી પાસે બંગલો, કાર, કમાણી, સામાજિક પ્રતિષ્ઠા…! You Name it ! ય સિદ્ધિનાં દરેકે દરેક કે કોઇ પણ ક્ષેત્રનું તું નામ ઉચ્ચાર અને તને હું સાબિત કરી આપીશ કે હું તારાથી કેટલો આગળ છું ! માત્ર તારા એકલાથી જ શા માટે ? તારા તમામ ચમચાઓ કરતાં પણ આગળ ! તને બરાબર યાદ છે હશે ને ? તું જ્યારે પણ મારી હાંસી ઉડાવતો હતો કે તું મારાથી વધુ બુદ્ધિમાન, વધુ સફળ અને વધુ ચબરાક છે તેવું સાબિત કરતો હતો, ત્યારે આપણી સાથે ભણતા બીજા મિત્રો મારી ઉપર કેવું હસતા હતા ! યાદ છે ને ? ચમચાઓ હતા સા… એ બધા ! પણ હવે સમય મારો છે. અત્યારે ભગવાને મને સારો સમય દેખાડ્યો છે. હવે હું તને દેખાડી આપીશ કે તમે જેને બબૂચક સમજતા હતા એ હું એટલે કે પ્રણવ ચોપડા ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે અને તું ક્યાં સબડી રહ્યો છે ?!’
મનરૂપી ખરલમાં વર્ષોથી સંઘરી રાખેલું આ પ્રકારનું ઝેર ઘોળી લીધા પછી પ્રણવે ફોન નંબર ડાયલ કર્યો. ચરોતરના અતિ વીકસીત દૂધની નગરી આણંદનોનંબર હતો. માંડ-માંડ નંબર કોઇક જૂના મિત્રે પ્રણવને મેળવી આપ્યો હતો. નરેશનો જ હોય તો સારું, નહીંતર ‘રોંગ નંબર’ પણ નીકળી શકે છે. પ્રણવના મનમાં આવા અનેક પ્રકારના વિચારોની ખીચડી ખદબદતી હતી અને સામેના છેડે રિંગ વાગી રહી હતી.
અચાનક રિંગ વાગતી અટકી ગઇ. કોઇએ ફોન ઉઠાવ્યો હતો. કોઇક ફાલતુ અવાજમાં પૂછી રહ્યું હતું, ‘એલાવ! કોનું કામ છે ? ’પ્રણવ અવાજ સાંભળીરાજી-રાજી થઇ ગયો. આ નરેશનો જ અવાજ ! બકરીના જેવો પાતળો. ‘હેલ્લો’ ને બદલે ‘એલાવ’ બોલવાની ગામડિયા સ્ટાઇલ પણ એની જ ! આ માણસ ક્યારેય નહીં સુધરે. ખુશ થઇ ઊઠેલા પ્રણવે ખાસ પ્રયત્ન કરીને ગળાની ગુફામાંથી વાઘના જેવો ઘુરકાટ બહાર કાઢ્યો, ‘Is it Naresh Jahagiradr ? I want to talk to him.
‘બોલો! હું નરેશ બોલું છું.’ સામેથી બકરીનું ‘બેં…એં…એં…’ સંભળાયું. પોતાની જાતને વાઘ જેવા સમજતાં પ્રણવને જો જાણે મોજ પડી ગઇ, ‘અલ્યા નરેશીયા, મારો અવાજ તો તને શેનો ઓળખાય ? પણ મને તો કદાચ ઓળખી શકીશ. હું પ્રણવ ચોપડા.’સામેના છેડે બે-ચાર ક્ષણો માટે મૌન છવાઇ ગયું. પ્રણવને તો લાગ્યું કે સાલો ડરી ગયો. પછી નરેશનો દબાયેલો સાધારણ સ્વર સંભળાયો, ‘તને કેવી રીતે ભૂલી શકાય ? આપણે ત્રણ વર્ષ કોલેજમાં અને હાયર સેકન્ડરીએજ્યુકેશન દરમિયાન પણ સાથે હતા ને ! બોલ, ભાઇ, તું ક્યાં છો ? શું કરે છે ?’
પ્રણવ તો ઊછળી પડ્યો. ‘મારો બેટ્ટો પહેલા રાઉન્ડમાં જ ચીત થઇ ગયો.’ એણે વિચાર્યું, ‘મારા દમદાર અવાજ અને વાત કરવાની શૈલીમાં છુપાયેલો આત્મવિશ્વાસ પારખી ગયો લાગે છે ! હજુ રૂબરૂમાં તો મળવા દે ! પછી એને ખબર પાડું છું. ચૂન ચૂન કે બતાઉંગા મેરી દૌલત ઔર ગીન-ગીન કે બદલા લૂંગા, દોસ્ત…!’
નરેશે સ્વગતોક્તિ બંધ કરી અને બોલવાનું શરૂ કર્યું, ‘શું ચાલે છે, પ્રણવ? આણંદમાં શું કરે છે તું ?’ પડેલા અવાજમાં નરેશ માહિતી આપતો રહ્યો, ‘ઠીક છે બધું. નાનકડી ફેક્ટરી લઇને બેઠો છું. પરણ્યો, બે દીકરીઓનો બાપ બન્યો, આ કાળઝાળ મોંઘવારીમાં ને મંદીમાં બીજું તો શું કમાવાનું હોય, ભાઇ? બે ટંકના રોટલો-દાળ રળી લઉં છું. તું ક્યાં છો?’
‘હું ?!’ નરેશ મોબાઇલ ઉપર વાત કરતો હતો તો પણ અક્કડ થઇ ગયો, ‘હું ભરૂચમાં જ છું. પણ શું કરું છું એ તને નહીં કહું. એ જાણવા માટે તો તારે અને ભાભીએ રૂબરૂમાં અહીં આવવું પડશે. નહીં… કોઇપણ પ્રકારની આનાકાની નહીં ચાલે ! ચારે આવવું જ પડશે એટલે આવવું જ પડશે. તારી પાસે બસભાડા જેટલા પૈસા ન હોય તો બોલી નાખ ! ડ્રાઇવર સાથે તને ઇનોવા કાર મોકલી આપું ?’ વાતચીત પૂરી કરીને પ્રણવે ફોન મૂક્યો. આજે પહેલીવાર એના કાળજામાં ટાઢક પ્રસરી ગઇ. કડવો ભૂતકાળ તાજો થઇ આવ્યો. ‘એ લુચ્ચાએ હેરાન કરવામાં કશું બાકી નથી રાખ્યું. હવે મારો સમય છે !’ છેલ્લાં આઠ વર્ષનું સંઘરેલું ઝનૂન ધાર કાઢેલી બરછીની જેવું તીક્ષ્ણ થવા માંડ્યું.
કોલેજમાં હતા ત્યારે નરેશનો જમાનો હતો. મોટાભાગના તોફાની છોકરાઓ એના મિત્રો હતા. કલાસમાં બેસીને ભણવાને બદલે એ ટોળકી આખો દિવસ કેન્ટીનમાં બેસીને કોઇની મશ્કરી કરવામાં જ સમય પસાર કરી નાખતી હતી. પ્રણવ એમના માટે એમનો માનીતો શિકાર હતો.
પ્રણવ આખું વર્ષ તનતોડ મહેનત કરતો, પણ જ્યારે પરીક્ષાનું પરિણામ જાહેર થાય ત્યારે એનો ક્રમાંક બીજો જ હોય ! પ્રથમ ક્રમાંક નરેશનો જ નીકળે ! અને આ અવસરની ઉજવણી નરેશ પણ એની આગવી શૈલીમાં કરે. પ્રણવનો હાથ પકડીને એને કેન્ટીનમાં ખેંચી જાય, ‘આવ, બે નંબરી, આવ ! (ટેસ્ટમાં તેને સંભળાવતો) તને પાર્ટી આપું…’ પ્રણવની હાલત બગડી જાય. કેન્ટીનમાં તોફાની ટોળકી એની ઉપર હસવા માટે હાજર જ હોય.‘બિ…ચા…રો પ્રણવ ! કરે કે પણ શું કરે ! આખું વરસ લાઇબ્રેરીમાં પડ્યો રહ્યો ! એ પોતેય તૂટી ગયો ને ચોપડીઓની સિલાઇ પણ તૂટી ગઇ. તોયે પહેલો નંબર ન તે ન જ મળ્યો હોય. નરેશ, તું તો રખડી ખાતો’તો ! તારો પહેલો નંબર કેવી રીતે આવ્યો ?’ કોઇક ટીખળી જાણી જોઇને પૂછી લેતો.
જવાબમાં નરેશનો હાથ મૂછ ઉપર ચાલ્યો જતો, ‘પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવવા માટે વાંચન કરવા સિવાયના પણ બીજા ઉપાયો હોય છે. અને એ ઉપાયો એટલા બધા અઘરા નથી હોતા, મિત્રો ! આખું વરસ લાઇબ્રેરીમાં મજૂરી કરવા જેટલા અઘરા તો નહીં જ…’
થોડોક દોષ કિસ્મતનો પણ હશે. નહીંતર બધી વાતમાં આવું કેમ થાય ? ક્રિકેટની મેચમાં પ્રણવ ખૂબ સારો બેટ્સમેન હોવા છતાં પહેલા દડે ‘બોલ્ડ’ થઇ જાય અને નવમા ક્રમે રમવા ઊતરેલો નરેશ આંખો બંધ કરીને ધોકાવાળી કરે અને પચાસ-સાઠ રન ઝૂડી નાખે.
‘મેન ઓફ ધી મેચ’નો ખિતાબ જીતી જાય. છોકરીઓ એની પાછળ ઘેલી બનીને ફર્યા કરે. ચૂંટણીમાં પ્રણવ ‘કલાસ રિપ્રેઝન્ટેટિવ’ પણ ન બની શકે અને નરેશ જી.એસ. તરીકે ચૂંટાઇ આવે ! અને ઉપરથી દરેક પરાજય વખતે એનો આ ટોણો તો સાંભળવાનો જ કે ‘ચૂંટણીમાં જીતવા માટે સારા ઉમેદવાર હોવું જરૂરી નથી, દોસ્ત! જીતવા માટે બીજા ઘણા રસ્તાઓ હોય છે.’
‘આજે આટલાં વરસ પછી ભગવાને મારી સામે જોયું.’ પ્રણવ વિચારી રહ્યો, ‘આજે મારી પાસે બધું છે. ચાર ફેક્ટરીઓ, છ કરોડનો બંગલો, બે મર્સિડિઝ કાર, બે ટાટા સફારી, બે ઇનોવા, તગડું બેન્ક બેલેન્સ. એની બે દીકરીઓની સામે ઇશ્વરે મને બબ્બે દીકરાઓ આપ્યા છે. અને આ બધાં સુખો કરતાં પણ ચડી જાય તેવી પત્ની મને મળી છે. સાંભળ્યું છે કે નરેશ તો ખાસ કશું કમાતો નથી. એની બૈરી પણ સાધારણ દેખાવની છે.
એ જ્યારે મારી જ્હાનવીને જોશે ત્યારે એને થશે કે હું આજે ક્યાં ઊભો છું અને એ પોતે ક્યાં છે ! મારી જ્હાનવી બે બાળકોની મા બન્યા પછીયે હમણાં એક સૌંદર્ય સ્પર્ધામાં ‘મિસિસ ગુજરાત‘ નો તાજ જીતી ગઇ છે એ જાણીને તો સાલ્લો સળગીને રાખ થઇ જવાનો ! બસ, હવે ક્યાં વાર છે ? આ શનિવારે તો એ આવવાનો જ છે ને ! એની ફાટેલી બાયડી ને તૂટેલી છોકરીઓ સાથે એ આવશે અને મારો ફૂલેલો-ફાલેલો સંસાર જોઇને સમજી જશે કે જિંદગીની રેસમાં આખરી વિજેતા કોણ જાહેર થયેલ છે. આવ, નરેશ, હું તારી કાગડોળે રાહ જોઉં છું.’
નરેશ આવ્યો તો એ એકલો જ આવ્યો અને પ્રણવના ઝળાંહળાં ઐશ્વર્યની સામે મૌનભરી હાર સ્વીકારીને ચાલ્યો ગયો. છ કરોડ રૂપિયાના ભવ્ય બંગલામાં પદમણી જેવી જ્હાનવીના હાથનું ભોજન જમીને ફિક્કું હસીને વિદાય થઇ ગયો. પોતાના જવલંત વિજયથી સંતુષ્ટ બની ઊઠેલા પ્રણવનો બાકીનો દિવસ નશામાં પસાર થઇ ગયો. રાત ક્યારે પડી એનીયે ખબર ન રહી.
રાત્રે શયનખંડમાં એ જ્હાનવીને આલિંગનમાં લેવા ગયો, ત્યારે પત્ની એકાએક રડી પડી. ‘શું થયું ?’ના જવાબમાં જ્હાનવીએ પોતાના અંધારા ભૂતકાળની છબી રજૂ કરી દીધી, ‘મેં તમારાથી એક વાત છુપાવી છે. હું જ્યારે કોલેજમાં હતી ત્યારે વેકેશનમાં મામાના ઘરે નડીઆદ ગઇ હતી. ત્યાં એક દિલફેંક રોમિયોની જાળમાં ફસાઇને હું સર્વસ્વ ગુમાવી બેઠી’તી. એ તો લગ્ન કરવા તૈયાર હતો, પણ પછીથી મને ખબર પડી કે એને તો કોલેજમાં અનેક છોકરીઓ સાથે લફરાં હતાં.
મેં બે વરસ એમ ને એમ જ આઘાતમાં કાઢી નાખ્યાં. પછી સાવ સીધાસાદા એવા તમને પસંદ કરીને હું પરણી ગઇ. આજે મારું પાપ કબૂલ કરું છું. હું તમને કહી ન શકી કે તમે મારા જીવનના બીજા નંબરના પુરુષ છો. અને બીજો પુરુષ એ બીજો કોઇ નહીં પણ તમારો આપણે ત્યાં આવેલ મિત્ર નરેશ…! મને માફ કરશો ને પ્લીઝ ?’ અચાનક પ્રણવને લાગ્યું કે પોતાની બધી સમૃદ્ધિ ઝાંખી પડી ગઇ છે, કોઇક અદ્રશ્ય અવાજ એને સંભળાઇ રહ્યો, ‘હા! હા! હા ! તું બે નંબરી હતો અને બે નંબરી જ રહેવાનો ! એક નંબરી બનવા માટેના બીજા અનેક ઉપાયો હોય છે, દોસ્ત!’