(ભાગ-13 માં આપણે જોયું કે રૂપલીનું નવું નામ મેં “રૂપાલી” રાખ્યું, અને હવે તેને આપણે રૂપાલી નામથી જ ઓળખીશું, જુઓ આગળ )
રૂપાલી અને હું શોપીંગ કરવા માટે નીકળ્યા હતા, એસ.જી.હાઈવે પરના જાણીતા ઈસ્કોન મોલમાં અમે પહોંચ્યા. ગાડી પાર્ક કરીને હું રૂપાલીને લઈને મોલમાં ગઈ. રૂપાલી તો ચારેબાજુ આશ્ચર્યચકિત બનીને બસ જોયા જ કરતી હતી. એને તો જાણે કોઈ સ્વપ્ન જોતી હોય એમ લાગતું હતું. મેં કહ્યું શું થયું ? રૂપાલી એ બોલી બહેન આ તો જાણે હું મારા સપનાના નગરમાં આવી ગઈ હોઉં એમ મને લાગે છે. મને તો અહાહાહા શું જગ્યા છે અને આ તો બધું મે તો કદી વિચાર્યું પણ ન હતું એનાથી પણ વધુ છે. મેં કહ્યું રૂપાલી બસ તું તારે મજા કરને, આગળ તારે હવે આવી જ જીંદગી જીવવાની છે. મેં કહ્યું ચાલ હવે તારા માટે સરસ સરસ કપડા લઈએ. રૂપાલીએ તો ગામડાના કપડા પહેર્યા હોવાથી આજુબાજુ જતા આવતા લોકો તેની સામે થોડા આશ્ચર્યથી જોયા કરતા હતા, પણ એ બધઆની રૂપાલીને તો જાણે કંઈ જ પડી ન હતી. એ તો બસ બધી શોપ જોવામાં તલ્લીન હતી. પછી એક સારી શોપની અંદર હું એને લઈને ગઈ અને ત્યાં જે કપડા હતા તેમાંથી રૂપાલીને શોભે એવા કપડાં સીલેક્ટ કર્યા. હાલ તો રૂપાલીને આ બધામાં કંઈજ સમજ પડે એમ ન હતુ તેથી આ બધુ કામ મારે જ કરવાનું હતું. પછી રૂપાલીને લઈને હું ચેન્જ રૂમમા ગઈ અને કપડાં પહેરી જોવા કહ્યું, એ શરમાતી હતી પણ મેં કહ્યું જો રૂપાલી હવે તું શહેરમાં રહેવાની છે તો તારે શહેરમા પહેરે એવા કપડા પહેરવાની પ્રેક્ટીસ તો પાડવી જ પડશે ને. તારા ગામડાના કપડા અહીં શહેરમાં નહી ચાલે, તું બધા કપડા એક પછી એક પહેરી જો તને જે ગમે તે આપણે લઈશું, બીજી શોપ્સ પણ અહીં છે જ તો ત્યાં પણ એમ હોય તો જઈશું. મેં મોસ્ટલી લેગીંસ, કુર્તી, જીન્સ, ટોપ લીધા હતા. લગભગ બધા કપડા રૂપાલીને માપસર આવી ગયા. એમાંથી એક જોડ મેં રૂપાલીને પહેરી રખાવી અને બાકીના પેક કરાવ્યા. ત્યાર પછી અમે તેના માટે ચપ્પલ, શેમ્પ, કાજલ, પાવડર, અન્ડર ગાર્મેન્ટસ વગેરે પરચૂરણ ખરીદી કરી.
રૂપાલીના સ્કૂલના પેપર્સ હું સાથે લઈને આવી હતી તેથી અમે ત્યાંથી ડાયરેક્ટ એફીડેવીટ કરાવવા માટે નોટરીના ત્યાં ગયા અને યોગ્ય કાર્યવાહી પૂરી કરી.
જમવાનો પણ સમય થયો હતો અને ભૂખ પણ ખૂબ લાગી હતી તેથી નજીકની રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા, રૂપાલીના મોં પરની ખુશી અને ચમક જોઈ હું પણ મનોમન ખુશ થતી હતી. રેસ્ટોરન્ટમાં મસાલા ઢોંસાનો ઓર્ડર આપ્યો. રૂપાલીએ આવું બધું ખાધુ ન હોવાથી તેને જમવામાં તકલીફ પડતી હતી તેથી તેને મેં શીખવાડ્યુ એટલે એને ફાવી ગયું.
રૂપાલીનું માઈન્ડ પાવરફુલ હતું, એને કોઈ પણ વસ્તુ એક વાર શીખવાડો યાદ રહી જતી હતી તેથી જ તો મને તેનામા રસ જાગ્યો હતો.
જમીને હવે અગત્યનું કામ હતું તે તો એ કે રૂપાલીને લઈને હું મારા બ્યુટીશીયનના ત્યાં ગઈ. મેં પહેલેથી જ એપોઈન્ટમેન્ટ લીધી હોવાથી રાહ જોવાની રહેતી ન હતી. લગભગ 5 કલાકનો સમય રૂપાલીના મેક ઓવર માં લાગવાનો હતો. મેં મારી બ્યુટીશીયનને કહ્યું લો આ મારી રૂપાલી હવે તમારે એને સંપૂર્ણપણે બદલી નાખવાની છે.
બ્યુટીશીયને કહ્યું વીણા મેડમ તમે જોજો 5 કલાક પછી તમે ઓળખી પણ નહી શકો એવી બનાવી રૂપાલીને. રૂપાલીની આંખોમાં પ્રશ્ન હતો. મેં ક્હ્યું જો રૂપાલી તારો વાળ, ચહેરો બધુ સુંદર જ છે પણ એ વધું સુંદર દેખાય માટે આ બહેન તને જે પણ કહે તેમાં સાથ સહકાર આપજે, હું અહીં જ છું. રૂપાલી બોલી સારુ બહેન. એનો મારા પરનો વિશ્વાસ મજબૂત હતો.
રૂપાલીની ટ્રીટમેન્ટ ચાલુ થઈ એ દરમ્યાન મારા અમુક પર્સનલ ફોન વગેરે કામ હતા તે પૂરા કર્યા. આશરે 5 કલાક પછી મારી બ્યુટીશીયને કહ્યું વીણાબહેન આંખો બંધ કરો જુઓ હું કોને લાવું છું તમારી પાસે?
મેં આંખો બંધ કરી દીધી. થોડીવાર પછી મને આંખ ખોલવા કહેવામાં આવ્યુ અને હું શું જોઉં છુ અહાહા સુંદરતાની મૂર્તિ સમી રૂપાલી મારી આગળ ઊભી હતી. હેર કટ, આઈ બ્રો, ફેસીયલ વગેરે અને છૂટા વાળમાં તો તે પરી જેવી લાગતી હતી. થોડી વાર તો હું તેને જોતી જ રહી, મારી બ્યુટીશીયને મને હલાવી કહ્યું શું થયું વીણા બહેન ? એટલે હું ઝબકી ગઈ , તેણે કહ્યું બોલો કેવી લાગે છે આ તમારી રૂપાલી?
મેં કહ્યું અપ્સરા સમાન. રૂપાલી તો મરકતી હતી. મેં કહ્યું અલી તું તો એકદમ પરી જેવી લાગે છે ને કંઈ, મારે હવે તને સાચવવી પડશે એ હસી પડી.
બ્યુટીશીયનને પેમેન્ટ કરી અમે ઘરે આવ્યા. હવે અઠવાડીયું રૂપાલીને શહેર બતાવી ને પછી તેનું ભણવાનું શરૂ કરવાનું હતુ.
(શું થશે આગળ રૂપાલીની સુંદરતાથી કોઈ પ્રશ્ન તો ઊભો નહી થાય ને ? રૂપાલી આગળ અભ્યાસમા પારંગત થશે ને ?) જુઓ આગળ ભાગ - 15