સામેથી રાધી પોતાના તરફ જ આવી રહી હતી. કનાની ધડકન આજે તેજ થતી જતી હતી. કાયમ સાથે રમતી, મળતી રાધીને ઘણા દિવસો પછી જોઈને આજે આવું કેમ થઈ રહ્યું હતું?તે કનાને સમજાયું નહીં. તે રાધી સામે જોઈને ઉભો રહી ગયો. રાધીએ તેની નજીક આવી ધીમેથી પૂછ્યું,"કેમ સે કાઠીયાવાડી?આપડી ગર્ય તો મોજમાં સે ને?"
રાધીના આવા શાંતિથી પૂછાયેલા પ્રશ્નથી કનો વિચારમાં ખોવાઈ ગયો. તેની સામે પેલી બોલકણી, ઉચાસણી,દોડતી ચાલે ચાલતી, ખીજકણી, મસ્તીખોર, અલ્લડ રાધીનું ચિત્ર આવી ગયું. કનો વિચારવા લાગ્યો,"જૂની રાધી જાણે ડેમના પાણીમાં ડૂબી ગઈ હોય અને જળદેવતાએ બીજી રાધી આપી હોય તેવું કેમ લાગે છે!"
આવા વિચારોમાં ખોવાયેલ કનાને જગાડતા રાધીએ ધીમેથી કહ્યું, "ક્યાં ખોવાઈ ગયો કાઠીયાવાડી?"
અચાનક વર્તમાનમાં આવી કૃત્રિમ સ્મિત આપી કનાએ કહ્યું, " અમયે ક્યાં ખોવાવી? અમારે તમારી જેમ ઘરે રયુ થોડું પોહાય ઈમ સે? અમે તો હેય...ને આખો દાડો ડોબા સારતાને મોજ કરતાં'તા!"
રાધી કનાની આંખો સામે જોઈ રહી. તેણે કનાની આંખોમાં કનાએ દીધેલ જવાબ ખોટો છે, તે જોઈ લીધું. અચાનક રાધીએ અણધાર્યો પ્રશ્ન કર્યો,
"તની મારી વગર ગોઠતું'તું?"
રાધીના પ્રશ્નોનનો જવાબ શું આપવો તે કનો નક્કી ન કરી શક્યો. તે ઘડીક કશું બોલ્યો નહીં. પછી વિચારીને કહ્યું, "હા, ગોઠતું'તું ને! તું ભલે નોતી મારી હારે,બધા ગોવાળિયા તો હતા. આ ગર્યના ઝાડવા હતા. ગીતડા ગાતા ઓલ્યા પંખીડા હતા. ખળખળ વેતી હીરણ નદી હતી. ગાવડીયું, ભેહુને પાડરું હતાં. ઠેર ઠેર જેની માથે પગવાળીને થાકોડો ખાવી સી ઈ કાળમીંઢ પથરા હતાં. ભડકીને ભાગતા પહુડા હતા. આઘેથી સંભળાતી હાવજોની ડણકું હતી.પશે મને હૂ વાંધો હોય? આખો દાડો ડોબા સારીને થાકીને રાતે ખાટલામાં પડ્યા ભેગો હુય જાતો."
વરસાદ પડવાથી ચારે બાજુ વાતાવરણમાં ભીનાશ હતી. સુકુ ઘાસ પણ પલળી ગયું હતું. એટલે માલઢોર ચરવામાં રાગે નહોતા પડતા. પૂંછડા ઊંચા લઈ દોડાદોડી કરતી ભેંસોને ગોવાળિયાએ શાંત પાડી. ભૂખી ભેંસો જાળા ફંફોસી ઘાસ ચરી રહી હતી. ઉનાળામાં પાતળા પ્રવાહને આછરા પાણીએ વહેતી હિરણનદી આજે વરસાદના પાણીએ બંને કાંઠે વહી રહી હતી. વરસાદના પાણી સાથે ગીરની લાલ માટી પણ ધોવાઈને આવી હતી. તેથી હિરણ નદીનું પાણી લાલ કલરનું દેખાઈ રહ્યું હતું. નદીમાં વહેતા પાણીનો એકધારો ખળખળ નાદ ધીમેથી બોલેલી વાત સાંભળવા દેતો ન હતો. રાધી જ્યાં માલઢોર ચરતા હતા તે ઢોળાવ ઉતરીને નદી તરફ ચાલવા લાગી.કનો નદી તરફ ચાલી નીકળેલી ભેંસને પાછી વાળવાને બહાને રાધીની પાછળ ચાલ્યો.ભેંસ પાણીએ પહોંચે એ પહેલાં કનાએ હાંકલો કરી પથ્થરના ઘા કરી પાછી વાળી. રાધી નદીને કાંઠે જઈ ઊભી રહી.તે એકીટશે ઘૂઘવાટા મારીને હિરણનદીમાં જઈ રહેલાં નીરને નિહાળી રહી હતી.પાણીની એકધારી ગતિ અને ખળખળ કરતો અવાજ રાધીને સમાધી તરત દોરી રહ્યો હતો. રાધીને ફરી ફરી તેનાં ડૂબવાનો પ્રસંગ યાદ આવી જતો હતો.તેની પાછળ ઊભેલો કનો પણ વહી રહેલાં પાણીને નિહાળી રહ્યો હતો.પાછળથી દેખાતિ રાધીની ખુલ્લી પીઠ કનાનું ધ્યાન ખેંચી રહી હતી. કનાનું ધ્યાન રાધીની ખુલ્લી પીઠવાળી ચોલી તરફ તો ઘડીક હિરણનદીના વહેતાં પાણી તરફ ખેંચાઈ રહ્યું હતું.કનાને ઘડીક તો રાધીનો વાહોને હિરણનદીનો પટ બંને એક જ ભાસવા લાગ્યો.એવામાં કાંઠે ફરી રહેલાં કાકડાસરનું જોડું ક્રે... ક્રે...કરીને ઊડયું. રાધીએ પાછું ફરીને જોયું તો કનો તેની પાછળ જ ઊભો હતો. કનાને પોતાની ચોરી પકડાઈ ગઈ હોય તેવું લાગ્યું. તેણે પોતાનો બચાવ કરતા હિરણનદી તરફ જોઈને કહ્યું, "આજ હિરણ બહુ તોફાને સડી સે કા?"
રાધીએ માથું હલાવી હા પાડી. પછી હિરણનદી તરફ મિટ માંડી બોલી, "ઈને જેટલા તોફાન કરવા હોય એટલા ગીરમાં ભલે કરી લેતી. પશે દરિયામાં જયને તો સાંત થાવું જ જોહે ને?"
રાધીની આ અઘરી વાત કનાને ન સમજાણી. પરંતુ તેમ છતાં તેણે ફક્ત માથું હલાવી હા પાડી. રાધી હિરણ નદીના કાંઠે એક મોટા પથ્થર પર બેસી ગઈ. તેણે પોતાના પગ પાણીમાં પલળતા રહે તેમ લબડતા રાખ્યાં. હિરણ નદીના નીર રાધીના પગને પલાળતા આગળ વધી રહ્યા હતા. રાધીએ પોતાનો ચણીયો પલળી ન જાય એટલે થોડો ઊંચો ચડાવી બંને પગ વચ્ચે દબાવી રાખ્યો. હિરણનદીના ઠંડા નીર રાધીના પગને સ્પર્શ કરી રાધીને તાજગી આપી રહ્યા હતા. કાયમ રાધીની પાસે બેસી જતો કનો આજે તેની પાસે બેસતાં શરમ અનુભવી રહ્યો હતો. તે પથ્થરની બાજુમાં કાંઠા પર લાકડીને ટેકે પગની આટી ચડાવી ઉભો રહ્યો. રાધીએ ઘડીક રાહ જોઈ. તેને એમ હતું કે કનો હમણાં તેની બાજુમાં આવીને બેસી જશે. પરંતુ ઘણીવાર થવા છતાં કનો ન આવતાં રાધીએ પાછું ફરીને ધીમેથી કહ્યું, "પગુમાં પાણી ઉતર હે. આયા મારી પાહે બેહી જાની." કનો જાણે રાધીના આમંત્રણની રાહે જ હોય તેમ તરત એની બાજુમાં પથ્થર પર બેસી ગયો. તેણે પણ પગ લબડાવીને હિરણનદીના વહેતા પાણીમાં જબોળ્યા. હિરણ નદીના નીર કના અને રાધી બંનેના પગને પલાળી ધસમસતા આગળ વધી રહ્યા હતા. વમળ મારતા પાણી અહીં પથ્થર પર બેઠેલા બંને યુવા હૈયાને જાણે ભીંજવતા હોય તેમ પથ્થર સાથે ટકરાઈને ઉપર ઉડી રહ્યા હતા.ભીંજાય ન જાય તે માટે રાધીએ પોતાનો ચણીયો ગોઠણ સુધી ઉપર ચડાવી દીધો.કનાના પેન્ટના પાયસા નદીનાં પાણીએ પલળીને નીતરી રહ્યાં હતાં. રાધીનાં હરણીના પગ જેવાં નમણા અને ગોરા પગ હિરણ નદીના પાણીથી પલળીને વધારે નમણા લાગી રહ્યાં હતાં. રાધીના પગની સુવાળી ચામડી પર ઉડી રહેલાં જલબિંદુઓ પણ જાણે શરમાઈને સંકોચન પામી રહ્યા હોય તેવું લાગતું હતું. સંકોચન પામેલા જલબિન્દુઓ પાણીના ટીપાનું સ્વરૂપ લઈ ફરીથી હિરણ નદીના વહેતાં જળમાં જંપલાવી દઈ પાણી સાથે વહેવા લાગ્યા હતા.
કનાનું ધ્યાન ઘડી ઘડી રાધીના ભીંજાઈ ગયેલા પગ તરફ ખેંચાતું હતું. જેને કનો પ્રયત્ન પૂર્વક ત્યાંથી હટાવી લેતા હિરણનદીના નીર પર સ્થિર કરવા પ્રયત્ન કરી રહ્યો હતો. રાધીનું ધ્યાન પણ હિરણનદીના વહેતા નીર પર જ હતું. કનાએ ખળખળ વહેતા પાણીના અવાજથી મોટો અવાજ કરી રાધીને પૂછ્યું, "તને ઘરે ગમતું'તું?"
રાધીએ કના સામે જોયું પછી નદીના વહેતા પાણી પર નજર કરી નિઃસાસો નાખીને કહ્યું, "અમારે બાયુને ગમવા નો ગમવાનું હૂ હોય? અમને ગમે ન્યા નાખી દે એટલે અમારે ગમાડે છૂટકો! અમારે પણ એક દાડો આ ખળખળ વહેતી હિરલનદી ,આ ડુંગરની ધારું, લીલાછમ ઝાડવા, પંખી પહૂડા, શિણ્યુંને હાવજ્યુ અને આપડે બેઠાં ઈ કાળમીંઢ પથરા બધું મેલીને જાવું જૉહે."
કનાએ કહ્યું, "કાળમીંઢ પથરા છોડવાનું ય વહમુ લાગે? ઈમાં ક્યાં જીવ સે!"રાધીએ કના સામે જોઈ સ્મિત આપ્યું. જેમાં દર્દ છલકતું હતું.
"કાઠીયાવાડી,કાયમ જો કાળમીંઢ પાણા હંગાથે રેવિ તો પાણા ય આપડો ભાવ હમજતા થઈ જાય."
કનો રાધીનું અંદરનું દર્દ સમજી શકતો હતો. તેણે રાધીને પ્રશ્ન કર્યો, "રાધી આ બધું મેલીને તું નો જા તો નો હાલે?"
રાધીએ દર્દીલું સ્મિત આપી કહ્યું, "આ હિરણનદીના કાંઠાને મેલીને જાવું પાણીને ગોઠતું તો નથી.એટલે તો પાણી ધોડી ધોડીને કાંઠા હંગાથ મળવાં આવે સે.પણ પાણી એ વાદળાની છોરી સે. એનો નાતો કાંઠા હંગાથનો તો ઘડીકનો જ સે.ઈના ભાગ્યમાં દરિયો લખાણેલો સે. એટલે વેતા પાણી કાંઠા હંગાથ હેતપ્રીત કરતા કરતા કાંઠાને ભીંજવતાને આહુડા પાડતાં આગળ વેતાં રે સે.જેનું મિલન દરિયા હંગાથે જ લખાયેલું સે.દરિયામાં હમાઈને નાસતા કૂદતાં નીર સાંત અને થીર થય જાહે.નદીમાં કાંઠા હંગાથે વહેતી વખતે નીરમાં જે મીઠપ હતી ઈ બધી દરિયારૂપી સંસારમાં ભળીને મટી જાય સે. પસી વાહે વધે સે બંધન અને ખારાશ રૂપી દુઃખ."
રાધીની જિંદગી વિશેની આવી અઘરી વાત કનાને સમજવી અઘરી લાગી રહી હતી. પરંતુ રાધાની આંખના પાણી રાધીના હૃદયનું દર્દ બતાવી રહ્યા હતા. રાધીની આંખના ખૂણે નીચે ટપકું ટપકું થઈ રહેલા અશ્રુબિંદુને કનાએ પોતાના હાથે લૂછ્યું. રાધી પોતાના આંસુ છુપાવવા નીચું જોઈ ગઈ. અને કપાળ લુછવાના બહાને ચુંદડીથી આંખો પણ લૂછી લીધી. આજે રાધીને કનાને બાઝીને જોર જોરથી રડવાનું મન થઈ આવ્યું. પરંતુ તે એવું ન કરી શકી. એવામાં હિરણ નદીના પાણીના ઉછાળામાંથી ઉછળીને એક રૂપેરી કલરની માછલી કાઠે પડી. જળની માછલી બહાર શ્વાસ લઈ શકતી નહોતી. તે તડપવા અને તરફડવા લાગી. કના અને રાધી બંનેનું ધ્યાન તેના તરફ ગયું.
રાધીએ કનાને કહ્યું, " લેની કાઠીયાવાડી ઉભો થાની. બસાડી કેવી તડપે સે! બસાડીને ઈને ઠેકાણા ભેળી કરી દે"
કનાએ ઊભા થઈ માછલી પકડવા પ્રયત્ન કર્યો. પરંતુ આમ તેમ ઉછળતી લીસી માંછલી કોઈ રીતે કનાના હાથમાં પકડાતી નહોતી. માછલી પકડતા કનાને રાધી જોઈ રહી હતી. ઘણાં પ્રયત્નો કરી કનો થાક્યો.પછી ઘડીક સ્થિર થઈ ગયેલી માછલીને કનાએ પોતાનાં બંને હાથે દાબી દીધી ને પકડી પાડી. પકડમાં આવતા માછલી ફરી છૂટવા પોતાના શરીરને આમ તેમ વળ દેવા લાગી. માછલીનું મોઢું ખુલ્લું હતું. મોટી ગોળ ગોળ આંખોમાં ડોળા ચક્કરાવે ચડી ગયા હતા. હવે થોડો વધારે સમય જાય તો માછલીનો જીવ નીકળી જાય તેમ હતો. કનાએ ઝડપથી માછલીને વહેતા પાણીમાં નાખી દીધી. પાણીનો સ્પર્શ થતાં જ માછલીને જીવતદાન મળી ગયું. તે પોતાના મીનપક્ષ ધ્રુજાવતી પાણીમાં અદ્રશ્ય થઈ ગઈ.કનોને રાધી તેને પાણીમાં જતી જોઈ રહ્યાં.
કનો ફરી રાધી પાસે આવી બેસી ગયો. રાધીએ કનાની આંખમાં આંખ પરોવી કહ્યું, "કાઠીયાવાડી, તે તડપતી માસલીને ઈનું જીવન આપીને પુન (પુણ્ય)નું કામ કર્યું.આવી તડપતી બીજી માસલીને તું ઈનું જીવન નો આપી હકે?"
(રાધી કંઈ તડપતી માછલીની વાત કરી રહી હતી?જાણવા માટે વાંચતા રહો"નેહડો (The heart of Gir)"
Watsapp no. 9428810621