Connection-Rooh se rooh tak - 25 books and stories free download online pdf in Gujarati

કનેક્શન-રૂહ સે રૂહ તક - 25

૨૫.કાબિલે તારીફ શિવ


માધવીબેનની આરતીનાં અવાજથી સમર્પણ બંગલોમાં રહેતાં લોકોની સવાર પડી. બધાં આવીને આરતીમાં સામેલ થઈ ગયાં. આરતી પછી માધવીબેને બધાંને પ્રસાદ આપ્યો. નિખિલ પ્રસાદ લઈને તરત જ ડાઇનિંગ તરફ આગળ વધી ગયો. ઘરનાં બધાં સભ્યો પણ એની પાછળ પાછળ આવીને ડાઇનિંગ ટેબલની ફરતે ખુરશીમાં ગોઠવાઈ ગયાં.
"મમ્મી! જલ્દી નાસ્તો આપો. મારે કોલેજ જવામાં મોડું થાય છે." નિખિલે કહ્યું.
"નિખિલ! અપર્ણાનો અહીંથી ગયાં પછી કોઈ ફોન આવ્યો હતો?" અચાનક જ જગદીશભાઈએ પૂછ્યું.
"નહીં." નિખિલે જવાબ આપ્યો.
"એવું કેમ પૂછો છો, ભાઈસાહેબ?" પ્રથમેશભાઈએ ચાલું વાતમાં ઝંપલાવતા પૂછ્યું, "બધું ઠીક તો છે ને? પેલાં મુના બાપુનાં આદમીઓનું શું થયું? એને તો તમે છોડી નથી દીધાં ને?"
"અરે નહીં, એમને છોડાવવા મુના બાપુએ મહેનત નાં કરી. એટલે તો અપર્ણા વિશે પૂછું છું." જગદીશભાઈએ કહ્યું, "મુના બાપુ એટલી જલ્દી હાર માની જાય, એ શક્ય નથી. જરૂર એ કોઈ નવી બાજી રમવાની ફિરાકમાં છે."
"પપ્પા! હું કોલેજ માટે નીકળું છું." નિખિલને આ બધી વાતોમાં કંઈ ખાસ રસ ન હતો. એ કોલેજે જવાં નીકળી ગયો.
નિખિલ માટે હાલ અનોખીનું વર્તન જરૂરી હતું. જે કાલનું બદલાઈ ગયું હતું. નિખિલ તરત જ કોલેજે પહોંચ્યો. એ સમયે અનોખી મુના બાપુનાં આદમી સાથે વાત કરી રહી હતી. નિખિલ એને ઓળખતો ન હતો. એ બાઈક પાર્ક કરીને બહાર આવ્યો. એની સમજમાં નાં આવ્યું, કે અનોખી તો ક્યારેય બહારનાં કોઈ લોકો સાથે વાત નથી કરતી. તો આજે કેમ અજાણ્યાં વ્યક્તિ સાથે વાત કરી રહી છે?
અનોખીને જાણ ન હતી, કે નિખિલ એને જોઈ રહ્યો છે. એણે હળવે રહીને મુના બાપુનાં આદમીને કહ્યું, "તમે અહીં છો. મતલબ પપ્પાએ તમને મોકલ્યાં છે." એ થોડાં ગંભીર અવાજે બોલી, "તમારી રિવૉલ્વર તો તમારી પાસે જ હશે ને!" અનોખીની વાત પર મુના બાપુનાં આદમીથી ડોક હલાવીને હામી ભરાઈ ગઈ. અનોખીએ તરત જ આગળ કહ્યું, "તો એની ગોળીઓ તમારી ખોપરીની આરપાર થાય. એ પહેલાં અહીં આવવા પાછળનું સાચું કારણ મને જણાવી દો."
"હું તમને કંઈપણ જણાવીશ તો મુના બાપુ મને ભડાકે દેશે." આદમીએ ડરેલા અવાજે કહ્યું. એનાં કપાળેથી થઈને પ્રસ્વેદ બિંદુઓ દાઢી નીચે જમા થવા લાગ્યાં હતાં.
"જો કંઈ નાં જણાવ્યું, તો હું ભડાકે દઈશ. હવે જણાવવું નાં જણાવવું તમારી ઈચ્છા!" અનોખીએ કહ્યું.
એક તરફ કુવો ને બીજી તરફ ખાઈ, જાય તો ક્યાં જાય ભાઈ! બિચારો મુના બાપુનો આદમી! બાપ દીકરી વચ્ચે બરાબરનો ફસાયો હતો. આખરે હાલ જ મરવા કરતાં થોડું મોડું સારું એમ વિચારીને એણે આંખો બંધ કરીને મનોમન જ કહ્યું, "માફ કરી દેજો બાપુ." પછી આંખો ખોલીને એણે અનોખી સામે જોયું, "બાપુને એમ છે, કે તમારી અને નિખિલ શાહ વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. મતલબ,,,,એ તમને પસંદ કરે છે. તો બાપુએ એ જાણવાં મને અહીં મોકલ્યો છે, કે આ વાતમાં કોઈ તથ્ય છે કે નહીં?" એ એક જ શ્વાસે બોલી ગયો. ત્યાં સુધીમાં એનો શ્વાસ પણ ફુલી ગયો.
"ઓહ! તો મારાં પપ્પા એમની દીકરીની જાસુસી કરાવી રહ્યાં છે." અનોખી કંઈક વિચારીને બબડી, "ઠીક છે, તમે અત્યારે મુંબઈ જવાં રવાનાં થઈ જાવ. હું કાલે મુંબઈ આવું છું." અનોખીએ તરત જ કહ્યું.
"પણ..." આદમી કંઈ કહે એ પહેલાં જ અનોખીએ આગળ કહ્યું, "તમને કંઈ નહીં થાય. પપ્પા પૂછે તો કહેજો, એમની શંકા સાચી ઠરી છે. બાકી હું આવીને બધું સંભાળી લઈશ."
"જી બેબી." કહીને આદમી જતો રહ્યો.
અનોખી કોલેજની અંદર જવાં જેવી પાછળ ફરી. એ સાથે જ એણે પાછળ ઉભેલાં નિખિલને જોયો. નિખિલને જોઈને એક સેકંડ માટે અનોખીનું દિલ ધબકારો ચૂકી ગયું. એ આંખો ફાડીને નિખિલને જોઈ રહી. શું બોલવું? એ એની સમજમાં નાં આવ્યું. એને એ પણ ખબર ન હતી, કે નિખિલે એની કોઈ વાત સાંભળી છે કે નહીં? એ પોતે કંઈ નાં બોલીને નિખિલનાં બોલવાની રાહ જોઈ રહી હતી.
"તું અહીં શું કરી રહી હતી? પેલો આદમી કોણ હતો?" આખરે નિખિલે પૂછ્યું.
"એ....એ તો લારીવાળા ભાઈ હતાં." અનોખી સફેદ જૂઠ્ઠાણું બોલી ગઈ, "હમણાં થોડીવાર પહેલાં એક કારવાળો એમની લારીને ટક્કર મારીને જતો રહ્યો. બિચારાં ભાઈની લારી સામાન સહીત ઉંધી પડી ગઈ. મેં એમની સામાન ફરી લારીમાં ગોઠવવાં મદદ કરી, એટલે મારો આભાર માનતાં હતાં."
"ઓહ, તો હવે અંદર જઈએ?" નિખિલે કોલેજ ગેટ તરફ ઈશારો કરીને કહ્યું. બંને સાથે જ અંદર આવી ગયાં.

અપર્ણાનું સેટ પર શૂટિંગ ચાલું હતું. હાલ એ અને વિશ્વાસ બંનેનું સાથે કપલ ડાંસનું શૂટિંગ ચાલી રહ્યું હતું. એનાં લીધે અપર્ણા ચિડાયેલી હતી. કાલે કાફેમાં જે કંઈ પણ થયું. એ અપર્ણા ભૂલી ન હતી. ભૂલવા માંગતી પણ ન હતી. એ તો બસ વિશ્વાસ અને તાન્યાની સગાઈના દિવસની રાહ જોઈ રહી હતી.
"શું વિચારે છે?" વિશ્વાસે અપર્ણાને થોડી વધું નજીક ખેંચીને એનાં કાનમાં પૂછ્યું, "મારાં અને તારી ફ્રેન્ડ...ઉપ્સ સોરી! બેસ્ટ ફ્રેન્ડનાં લગ્ન રોકવાનો કોઈ ઉપાય મળ્યો કે નહીં?"
"મળી જાશે." અપર્ણાએ એકદમ સ્વસ્થ અવાજે કહ્યું, "ઉપાય પણ મળી જાશે, અને લગ્ન પણ રોકી લઈશ. તું તારી ચિંતા કર. મારી ચિંતા હું કરી લઈશ."
"શિવનો સાથ મળતાં જ તું કંઈક વધારે જ ઉડવા લાગી છે." અચાનક જ વિશ્વાસે કહ્યું, "તને શું લાગે? મને તારાં કોઈ કારનામાની ખબર નથી? મારી નજર બધી જગ્યાએ હોય છે." એણે સહેજ સ્મિત સાથે ઉમેર્યું, "તારે અને શિવને મારું જે ઉખાડવુ હોય, એ ઉખાડી લો. બાકી લગ્ન તો મારાં તાન્યા સાથે જ થશે. જસ્ટ વેઇટ એન્ડ વૉચ." કહેતાં જ વિશ્વાસે એની વાત ખતમ કરી. એ સાથે જ શૂટિંગમાં પણ બ્રેકનો ટાઈમ થઈ ગયો. બધાં છૂટાં પડ્યાં. અપર્ણા તરત જ બહાર આવી ગઈ. બહાર ખુલ્લી હવામાં એને કંઈક સારું લાગ્યું.
એનાં કાનમાં હજું પણ વિશ્વાસના શિવ માટે કહેલાં શબ્દો ગુંજી રહ્યાં હતાં. શિવ સાથેની એક મુલાકાત પછી એક દિવસ એવો ગયો ન હતો. જ્યારે અપર્ણા અને શિવ મળ્યાં નાં હોય. શિવ અને વિશ્વાસમાં ઘણો તફાવત હતો. બંનેની કોઈપણ રીતે સરખામણી કરી શકાય એમ ન હતી. છતાંય આજે પહેલીવાર અપર્ણાને વિશ્વાસની કોઈ વાત પસંદ આવી હતી.
"શિવનો સાથ મળતાં જ તું કંઈક વધારે પડતી જ ઉડવા લાગી છે." આમાં વિશ્વાસે કંઈ ખોટું કહ્યું ન હતું. વિશ્વાસની કહેલી આ વાત યાદ આવતાં જ અપર્ણાના ચહેરાં પર સ્મિત આવી ગયું. એ મનોમન જ વિચારવા લાગી, "વિશ્વાસે સાચું જ કહ્યું. તારામાં કંઈક તો છે. મને તારાં નજીક હોવાથી ક્યારેય ઈનસિક્યૉર ફીલ નથી થયું." એ ત્યાં પડેલી બેન્ચ પર બેસીને, હાથને કોણીથી વાળીને દાઢીએ લગાવીને વિચારવા લાગી, "તું આમ તો માફિયાનો દિકરો છે. પણ, તું બધાંથી અલગ તરી આવે છે. આજે પહેલીવાર મને એમ કહેવામાં જરાં પણ સંકોચ નથી થતો. 'શિવરાજસિંહ જાડેજા! યૂ આર ધ બેસ્ટ પર્સન ઈન માય લાઈફ' તે મને બચાવી, મારાં ભાઈને બચાવ્યો. આ બધાં માટે હું તને આટલું ક્રેડિટ તો આપી જ શકું. આમ તો બધાં મને પાગલ અને સનકી કહે છે. પણ, હું એ માનતી નથી. છતાંય તે મારાં કેટલાં ટોર્ચર પણ સહન કર્યા. તારું એ કામ પણ કાબિલે તારીફ છે." વિચારતાં વિચારતાં જ અપર્ણા ખડખડાટ હસી પડી.

(ક્રમશઃ)

_સુજલ પટેલ "સલિલ"


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED