Secret Agent books and stories free download online pdf in Gujarati

સિક્રેટ એજન્ટ

નમસ્કાર મિત્રો, મારી રચનાઓને તમારો અમૂલ્ય પ્રતિભાવ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર..🙏🙏

આજ રોજ હું ફરી તમારી સમક્ષ મારી એક રચના પ્રસ્તુત કરવા જઈ રહી છું. વીર યોદ્ધાઓનું જીવન સહેલું નથી હોતું. પ્રસ્તુત કથા આવા જ એક યોદ્ધાના જીવનની આસપાસ વણાયેલી છે. આશા છે તમને મારી રચના પસંદ આવશે. તો ચાલો તૈયાર થઈ જાઓ એક મિશન માટે...

લખવામાં કોઈ ભૂલચૂક થઈ હોય તો તે તરફ ધ્યાન દોરવા વિનંતી અને તમારા અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો.

સિક્રેટ એજન્ટ

સવારનો સમય હતો છતાં એવી કંઈ ખાસ ચહેલ પહેલ ના હતી. ત્યાંજ ટેલિફોન બુથમાં એક વ્યક્તિએ કોઈક નંબર ડાયલ કર્યો.

" શેર? " ફોન પર સામેથી એક ખડતલ અવાજ સંભળાયો.

" યસ " એકદમ ટૂંકાણમાં તે વ્યક્તિએ જવાબ આપ્યો.

" ચાંદ કી ચાંદની ગીરતી હૈ જહાઁ,

એક મૂર્ગા બેઠા હૈ વહાં.

પકડને કો પડા હૈ સારા જહાં,

બારા બંદે કો પકડા હૈ વહાં. " સામેથી ફરી કોડવર્ડમાં તે ખડતલ અવાજ સંભળાયો.

" યસ " ફરી ટૂંકાણમાં જવાબ આપી તે વ્યક્તિએ ફોન મૂકી દીધો અને ટેલિફોન બુથમાંથી બહાર નીકળી એક સુમસાન ગલીમાં ક્યાંક ગુમ થઈ ગયો.

📖📖📖

" કરણ ?" ટેલિફોન બુથવાળો વ્યકિત એક ખંડેર રૂમનો દરવાજો બંધ કરતા સાદ પાડ્યો. ચારે તરફથી ખંડેર થયેલા રૂમમાં વચ્ચે એક ટેબલ જેની પર થોડી ઈલેકટ્રોનિક આઇટમ મુકેલી હતી. તે સિવાય રૂમમાં બીજો એક દરવાજો પણ હતો.

" હમમ..." બીજા દરવાજામાંથી પ્રવેશતા એક ખડતલ વ્યક્તિ બોલ્યો. પાંચ ફૂટ નવ ઇંચની હાઈટ, આશરે ૨૫ - ૨૭ વર્ષની ઉંમર, ઘઉંવર્ણો વાન, સોહામણો ચહેરો, મજબૂત બાંધો ધરાવતો તે વ્યક્તિ બ્લેક રંગના ટીશર્ટ અને લાઇટ બ્લૂ કલરના જીન્સમાં ઊભો હતો. લોન્ગ સ્લિવનું બ્લેક ટીશર્ટ તેના શરીર પર ચપોચપ બેઠેલું હતું. ચહેરા પર બેફિકરાઈ આરામથી જોઈ શકાતી હતી. સાથે કઈ નવું કરવાનો ઉત્સાહ પણ ઝલકતો હતો.

" મિશ્રા સરે મિશન આપ્યું છે." ટેલિફોન બુથવાળો વ્યકિત બોલ્યો.

" હમમ... તો હવે મિશન શું છે તે પણ બોલવાનો કષ્ટ કરશો મિસ્ટર રોનક ?" શરારતી અંદાજમાં કરણ બોલ્યો.

" તું ક્યારે સુધરિશ? ક્યારેક તો સિરિયસલી વાત કરતા શીખ. દર વખતે બસ મસ્તી જ કરવી હોય છે તારે. " રોનક કરણને ટોકતા બોલ્યો.

" ભાઈ, શું કરું આજ મારો અંદાજ છે." કરણ ફરી બેફિકરાઈથી બોલ્યો.

હા, રોનક કરણનો મોટો ભાઈ હતો. રોનક એકદમ શાંત અને ગંભીર સ્વભાવ ધરાવતો હતો જ્યારે કરણ એનાથી એકદમ વિરુદ્ધ હતો. તે એકદમ શરારતી સ્વભાવ ધરાવતો હતો. એક સૂર્ય તો એક ચંદ્ર, એક સવાર તો એક રાત એવો સ્વભાવ હતો બંનેનો. સ્વભાવ અલગ, પસંદ નાપસંદ અલગ છતાં બંને એકબીજાની ખુબ કાળજી લેતા. નાનપણમાં જ બંને ભાઈઓએ માતા પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. કરણ માટે રોનક તેના માતા પિતા, ભાઈ, દોસ્ત, પ્રેરણામૂર્તિ, ભગવાન બધું જ હતો. જ્યાં પણ રોનક જતો ત્યાં કરણ હંમેશા પહોંચી જતો. બંનેએ સિક્રેટ એજન્ટની ટ્રેનિંગ પણ સાથે લીધી હતી. બંને હંમેશા સાથે મળીને જ મિશન સોલ્વ કરતા. તેઓ બન્ને ભારતના સિક્રેટ હિરોઝ હતા.

" ચાંદની હોલમાં કેટલાક આતંકવાદીઓએ દસ પંદર છોકરા છોકરીઓને બાનમાં લઇ ભારત સરકાર સામે પોતાના સાથીદારોની મુક્તિની માંગણી કરી છે. આપણી પાસે ફક્ત આજ સાંજ સુધીનો જ સમય છે." રોનક બોલ્યો.

" આ કામ ચોક્કસ રાણાનું હશે. આ રાણાએ તો નાકમાં દમ કરી નાખ્યો છે. તેનું કઈ કરવું પડશે. " કરણ ગુસ્સામાં બોલ્યો.

" હા સાચી વાત છે." રોનકે પણ કરણની વાતમાં હામી પુરાવી.

" ચાલો ભાઈ, હમણાંજ આ રાણાનો ખાતમો બોલાવી આવ્યે. " ગુસ્સા સાથે કરણ બોલ્યો અને તૈયાર થવા અંદર ચાલ્યો ગયો.

" કરણ જોશમાં હોશ ન ગુમાવીશ. દસ પંદર લોકોનો જીવ જોખમમાં છે. આમ જ પ્લાનિંગ વગર આપણે તેમના પર હુમલો ના કરી શકીએ. " રોનક કરણની પાછળ અંદર જઈ તેને રોકતા બોલ્યો.

" પણ..." કરણ કઈ બોલવા જતો હતો. " ના, પણ બણ કઈ નહિ. હમણાં મિશ્રા સર અહી આવે છે. તેમની સાથે નેહા અને રવિ પણ આવે છે. આપણે ચારેયે સાથે મળીને પ્લાન બનાવી હુમલો કરવાનો છે. " રોનક કરણને અધવચ્ચે અટકાવી બોલ્યો. કરણ રોનકની વાત સાંભળીને ચૂપ થઈ ગયો.

થોડીવારમાં મિશ્રા સર, નેહા અને રવિ પણ આવી ગયા. બધાએ મળીને પ્લાન ડિસ્કસ કર્યો. થોડી વારમાં પૂરો પ્લાન તૈયાર થઈ ગયો. મિશ્રા સર, નેહા અને રવિ પણ કરણ અને રોનકની જેમ સિક્રેટ એજન્ટ હતા. જ્યારે મિશ્રા સર તે ચારેયના હેડ હતા.

પ્લાન મુજબ થોડી જ વારમાં બધા જમીને સિક્રેટ એજન્ટના પોષકમાં તૈયાર થઈ ગયા. બે વાગ્યાના સમયે ઘણું ખરું શહેર આરામ કરતું હતું. બીજી બાજુ સિક્રેટ સિપાહીઓ પોતાના યુનિફોર્મમાં સજ્જ થઈ મિશન પર નીકળ્યા હતા.

પંદર વીસ મિનિટમાં ચારેય જણ ચાંદની હોલ પર પહોંચી ગયા. ચાંદની હોલ તેમાં આવેલી સરસ હવેલી માટે જાણીતું હતું. પણ થોડા વખતથી તે બંધ હતું.

સૌ પ્રથમ રોનક અને રવિએ મળીને દૂરબીનની મદદથી હવેલીની ચારે તરફ નિરીક્ષણ કર્યું. કુલ વીસ જેટલા આતંકવાદીઓ હવેલીની રખેવાળી કરતા પહેરો આપી રહ્યા હતા. હાલ પૂરતું રોનક પોતાની ટીમનો હેડ ઇન્ચાર્જ હતો. આ મિશનની જવાબદારી તેને સોંપવામાં આવી હતી. નેહા શૂટિંગમાં ખુબજ નિપુણ હતી. તેણે ફક્ત પંદર મિનિટમાં જ બહાર રખેવાળી કરતા પહેરેદારોને ઢેર કરી નાખ્યાં. સાવચેતી રાખી સૌ પ્રથમ રોનક અંદર હવેલીમાં દાખલ થયો. ત્યાર બાદ બીજા બધા પણ અંદર દાખલ થયા. હવેલીમાં પ્રવેશવા માટે ફક્ત એક જ ડોર હતો. બધા એક પછી એક અંદર જઈ થાંભલા પાછળ છુપાઈ ગયા. આજુબાજુની દીવાલ પર કોતરણી કરી હતી જે થોડી ઝાંખી થઈ ગઈ હતી. વર્ષોથી બંધ હવેલીમાં ઠેર ઠેર કરોળિયાના જાળા લટકતા હતા. સ્થાનિક લોકોનું કહેવું એવું હતું કે આ હવેલીમાં ભૂતોનો વાસ છે. એટલે વર્ષો પહેલાં જ હવેલી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. હવેલીમાં ક્યાંક ખાલી ખોખા તો ક્યાંક ખાલી પીપળા પડ્યા હતા. જાણે ત્યાં કોઈ આતંકી પ્રવૃત્તિ ચાલતી હોય તેવું ચારેયને લાગતું હતું. ચારેય જણ થાંભલા, ખોખા અને પીપળાની પાછળ છુપાઈને અંદરનું નિરીક્ષણ કરવા લાગ્યા. થાંભલાઓથી થોડે આગળ મોટો શાહી હોલ હતો. હોલમાં કોતરણી વાળો સોફો ગોઠવેલો હતો પણ તે ધૂળ ખાતો હતો. ઉપર છત પર લટકેલું ઝુમ્મર પણ ધૂળમાં રગડોળાયેલું હતું. હોલની સામે જ મોટા દાદર ઉપરની તરફ જઈ રહ્યાં હતાં. દાદરો પાસે ચાર આતંકવાદીઓ પહેરો આપી રહ્યા હતા. આ ઉપરાંત પહેલા માળે પણ ચાર પાંચ આતંકવાદીઓ હાથમાં બંદૂક લઈ ફરી રહ્યા હતા. તેટલામાં કરણનું ધ્યાન એક રૂમ તરફ ગઈ જ્યાં બે જણ દરવાજા પાસે ઊભા રહી તેની રખેવાળી કરતા હતા. કરણે ઈશારામાં જ રોનકને તે રૂમ વિશે જણાવ્યું. રોનકના એક ઇશારા પર ચારેય જણ જુદી જુદી દિશામાં જઈ છુપાઈ ગયા અને બધાએ એકસાથે હુમલો કર્યો. પંદર વીસ મિનિટના ફાયરિંગ બાદ બાકીના પહેરેદરો પણ મરાયા. આ હુમલામાં એક ગોળી રોનકના ખભાની આરપાર નીકળી ગઈ હતી. તેના હાથમાંથી લોહીની ધારા વહી રહી હતી છતાં તેની પરવા કર્યા વગર અને હિંમત હાર્યા વગર તેઓ આગળ વધ્યા. દાદર ચઢીને ચારેય જણ તે દરવાજા પાસે પહોંચ્યા અને તેની આસપાસ ગોઠવાઈ ઉભા રહી ગયા. પણ કઈ અવાજ આવતા રોનકે પોતાના કાન સરવા કર્યા. રૂમમાંથી બોમ્બનો અવાજ આવી રહ્યો હતો.

" Move, it's a trap. " બોમ્બનો અવાજ સાંભળી રોનકે બધાને દૂર જવાના ઓર્ડર આપ્યા. હજી તો તેઓ થોડે દૂર ગયા ગયા હશે ત્યાંજ નાનકડો ધમાકો થયો. રોનકે બધાને સહી સલામત જોઈ રાહતનો શ્વાસ લીધો. ઘડીભર માટે બધાની ધડકનો વધી ગઈ હતી તે શાંત પડી.

" આવ, રોનક તારી જ રાહ જોઈ રહ્યો હતો. " ક્યાંકથી અવાજ સંભળાયો. રોનક આશ્ચર્યથી અવાજ સાંભળી રહ્યો. તેને તરત ખ્યાલ આવી ગયો કે આ અવાજ રાણાનો છે. ત્યાંજ તેની નજર આજુબાજુ લાગેલા સ્પીકર પર પડી જેમાંથી અવાજ આવી રહ્યો હતો. રાણાનો અવાજ અવગણી બધા સિપાહીઓ આગળ વધ્યા. ચાંદની ચોકનીની હવેલી એક માળની હતી. તેની ઉપર ટેરેસ હતું. રોનક ટેરેસ પર જાય તે પહેલાં તેણે રવિને કંઇક ઈશારો કર્યો. અને રવિએ તરત નજીકના પોલીસ સ્ટેશને જાણ કરી પોલીસફોર્સ મોકલવા માટે કહ્યું. સાવચેતી રાખી બધા ટેરેસ પર ગયા. ટેરેસ પર કુલ પચ્ચીસ ત્રીસ આતંકવાદીઓ ફરી રહ્યા હતા. એક તરફ બંદી બનાવીને રાખેલા છોકરા છોકરી બેસાડેલા હતા તો એક તરફ આરામ ખુરશી પર પગ લંબાવીને રાણા બેઠો હતો. આખા ટેરેસને કાળા રંગના છાપરાથી ઢાંકેલું હતું. રોનક આ બધું નિરીક્ષણ કરી રહ્યો હતો ત્યાંજ એક વ્યક્તિની નજર તેના પર પડી. તરત જ તે આતંકવાદીએ ગોળી ચાલવી. સમય સૂચકતા વાપરી રોનક વળી ગયો અને બચી ગયો છતાં ગોળી તેના શરીરને અળકીને નીકળી ગઈ. ત્યાર બાદ સામસામે ગોળીઓનો વરસાદ થવા લાગ્યો. પંદર મિનિટ ગોળીબાર ચાલ્યો પણ આતંકવાદીઓના અડધા લોકો જ મરાયા હતા. રોનકે કરણ તરફ નજર કરી. તે પણ છુપાઈ છુપાઈને ફાયરિંગ કરી રહ્યો હતો.

" નેહા, કરણ જલ્દી જઈને છોકરા છોકરીઓને લઈને અહીથી નીકળો. ફાસ્ટ." ગનની અંદર બુલેટ નાખતા રોનક બોલ્યો.

" ના ભાઈ, હું તમને છોડીને ક્યાંય નહિ જાઉં. " નાના બાળકની જેમ જિદ્દ કરતા કરણ બોલ્યો.

" કરણ please try to understand, Go. ફસાયેલા બાળકોને લઈને નીકળો. હું અને રવિ અહી સંભાળી લઈશું. " કરણને ધક્કો મારતાં રોનક બોલ્યો.

" ભાઈ હું નહી જાઉં. " પોતાની જિદ્દ પર અડીખમ રહેલો કરણ નકારમાં માથું ધુણાવતાં બોલ્યો.

" કરણ, તને હંમેશા કહ્યું છે કે આપણા માટે આપનો દેશ અને દેશવાસીઓ સર્વોપરી છે. બાકી બધા સંબંધ તે પછી છે. આજે તારો ભાઈ નહી એક મિશનનો હેડ બની તને ઓર્ડર આપું છું, ગો. બધાને સુરક્ષિત લઈને નીકળો. " રોનકે ઓર્ડર આપ્યા.

છેવટે ઓર્ડર સમજી કરણ અને નેહા બાળકોને લઈને ત્યાંથી નીકળી ગયા ત્યાં સુધીમાં પોલીસફોર્સ પણ આવી ગઈ હતી.

અડધી પોલીસ ફોર્સ રોનક અને રવિની મદદ માટે ગઈ બાકીના કરણ અને નેહાને મદદ કરવા લાગ્યા. છેવટે અડધો કલાકના ફાયરિંગ પછી બધા આતંકવાદીઓ ઠાર મરાયા. પરંતુ આ મિશનમાં રોનક થોડો ઘાયલ થયો. ખભાની આરપાર થયેલી બુલેટ સિવાય બીજી એક બુલેટ છાતીના જમણી બાજુના ભાગ પર વાગી હતી. કરણ પણ બધાને લઈને બહાર નીકળી રહ્યો હતો ત્યારે તેને પણ એક ગોળી પગમાં વાગતા તે પણ ઘવાયો હતો. ઘવાયેલા એજન્ટને તાત્કાલિક હોસ્પિટલ પહોચાડવામાં આવ્યા.

હા, આખા મિશનનો જશ પોલીસફોર્સને મળ્યો. છતાં સિક્રેટ એજન્ટ ખુશ હતા. કારણકે તેમનું મિશન સફળતાપૂર્વક પાર પડ્યું હતું. તેઓ દરેક ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢી શક્યા હતા. તેની તેમને ખુશી હતી.

( સમાપ્ત )

📖📖📖

સિક્રેટ એજન્ટ, આર્મી, નેવી, એરફોર્સ, પોલીસ વગેરે જેવા દેશના બહાદુર યોદ્ધાઓ રોજ આપણી સુરક્ષા માટે પોતાના પરિવારથી દુર રહીને યુદ્ધો લડતા હોય છે. આવા લોકો કોઇપણ જાતના સંબંધ વગર આપણી રક્ષા કરવા માટે અડીખમ ઉભા રહી દુશ્મનોની ગોળીઓ પોતાના પર લઈ લે છે અને આપણને સુરક્ષિત રાખે છે.

દેશના આવા બહાદુર વીરોનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. પોતાના જીવનને હથેળી પર લઈને ફરી રહેલા આવા જવાનોને સલ્યુટ છે. જેઓ ખંતથી દેશ અને દેશવાસીઓની રક્ષા કરી તેમને સુરક્ષિત રાખે છે.

પ્રસ્તુત કથા સંપૂર્ણપણે કાલ્પનિક છે. જેને વાસ્તવિક જીવન, વ્યક્તિ કે સ્થળ સાથે સંબંધ નથી. આ ઉપરાંત દર્શાવેલ પાત્રો પણ કાલ્પનિક છે. લેખનમાં કોઈ ભૂલચૂક હોય તો તે બદલ માફ કરજો. તમારા અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો. આપના અભિપ્રાય મને આગળ લખવા માટે પ્રેરણા આપશે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED