અનન્યા Secret Writer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

શ્રેણી
શેયર કરો

અનન્યા

 

આજે કંઇક અલગ જ વિષય પર એક અલગ જ પ્રકારની વાર્તા હું તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહી છું. સમાજમાં આજે પણ ક્યાંક કુરિવાજો પાડવામાં આવે છે. આવી જ એક બાળકી જે સમાજના કુરિવાજોની ભોગ બની હતી તેની વાર્તા લઈને હું આવી રહી છું જેનું નામ અનન્યા છે. તો ચાલો થઈ જાઓ તૈયાર અનન્યાના જીવનના અનોખા સફરને માણવા....

 

પ્રસ્તુત કથા સંપૂર્ણપણે કાલ્પનિક છે. જેને વાસ્તવિક જીવન, વ્યક્તિ, સમાજ કે સ્થળ સાથે સંબંધ નથી.

આશા છે તમને મારી રચના પસંદ આવશે.

 

 

 

અનન્યા 

 

 

 

" અરે શ્યામકાકા , ત્યાંથી કોઈ બાળકનો રડવાનો અવાજ આવે છે. આપણે ત્યાં જઈને જોવું જોઈએ. " વિજયસિંહ નામના ધનવાન સજ્જન વ્યકિત કોઈ નાનકડા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યાંજ તેમને કોઈ બાળકનો રડવાનો અવાજ આવતા તેમણે તેમની સાથે ચાલતા શ્યામકાકાને કહ્યું. 

 

પાંત્રીસ વર્ષની વયે પણ વિજયસિંહની જવાનીનો જુસ્સો બરકરાર હતો. તેઓ એક સફળ બિઝનેસમેન હતા. ત્યાંના જ એક ગામમાં તેમના બાપદાદાની હવેલી હતી. શ્યામકાકાએ હવેલી ધ્યાન રાખી સમયાંતરે નિયમિત રીતે તેની સાફસફાઈ કરાવતા હતા. 

 

" અરે બાબા, કઈ નથી ચાલો. આપના કામનું ત્યાં કઈ નથી." શ્યામકાકા તેમની વાત બદલતા થોડા અચકાતા બોલ્યાં. 

 

" પણ કાકા? " વિજયસિંહ ફરી કઈ બોલવા જાય હતા ત્યાં જ શ્યામકાકાએ તેમને રોક્યા અને ગભરાટ સાથે બોલ્યા,"ના બાબા, આપણું ત્યાં કઈ કામ નથી." 

 

ધીમે ધીમે બાળક વધુ જોરથી રડી રહ્યું હતું. વિજયસિંહને ચિંતા થવા લાગી. તેઓ શ્યામકાકાની વાત અવગણી અવાજની દિશામાં જવા લાગ્યા. શ્યામકાકાએ તેમને રોકવા પ્રયત્ન કર્યા પણ બધા પ્રયત્ન નિષ્ફળ રહ્યા. 

 

📖📖📖

 

એક નાનકડા ઘરની બહાર ગામના બધા લોકો ભેગા થયા હતા. વિજયસિંહ ત્યાં પહોંચ્યા અને તેમને ખુબ નવાઈ લાગી. ભીડમાંથી જગ્યા કરી તેઓ આગળ પહોંચ્યા. 

 

આગળ એક મોટા હૂંડી જેવા આકારનું પાત્ર દૂધથી ભરેલું હતું. ત્યાંજ એક ખૂણામાં નાનકડી નવજાત બાળકી મૂકી હતી જે રડી રહી હતી. બીજા ખૂણામાં એક સ્ત્રી પુરુષનું જોડું નજર આવતું હતું. તેઓ પણ રડી રહ્યા હતા. બાળકીનું રુદન આખા ગામને ગજવી રહ્યું હતું. દૂધ ભરેલી હૂંડીને જોઈ વિજયસિંહને ખ્યાલ આવી ગયો કે ત્યાં શું થઈ રહ્યું છે. તેઓ આગળ વધવા જતા હતા ત્યાંજ કોઈકે તેમનો હાથ પકડી તેમને રોકી દીધા. વિજયસિંહએ પાછળ નજર કરી તો શ્યામકાકા તેમનો હાથ પકડી નકારમાં માથું હલાવી તેમને ત્યાં જવાથી રોકી રહ્યા હતા. તેમની વાતની અવગણના કરી તેમને પોતાનો હાથ છોડાવ્યો અને તે બાળકી તરફ આગળ વધ્યા. વિજયસિંહ તે બાળકીને પોતાના ખોળામાં ઊંચકી તેને ચૂપ કરાવવા લાગ્યા. ખૂણામાં બેઠા સ્ત્રી પુરૂષ પણ તેમને જોઈ નવાઈ પામ્યા. જ્યારે ભેગા થયેલા ગ્રામજનોના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો. 

 

" અરે ઓ ભાઈ, કોણ છે તું? ક્યાંથી આવ્યો છે? હમણાં દૂધ પિતી કરવાની રસમ શરૂ થવાની છે. તે બાળકીને પાછી ત્યાં મૂકી દે નહિ તો તારા માટે સારું નહિ રહે." એક ગ્રામજન ગુસ્સામાં બરાડ્યો.

 

વિજયસિંહ હજી કઈ જવાબ આપે તે પહેલાં," લાગે છે નવો આવ્યો છે. પહેલા તો તને અહી ક્યાંક જોયો નથી? લાગે છે રિવાજોની ખબર નથી." બીજો એક વ્યક્તિ કટાક્ષમાં બોલ્યો અને બધા હસી પડ્યા. 

 

" અરે હું કોણ છું તે છોડો. લાગે છે તમને નથી ખબર છે આવા કુરિવાજો પર વર્ષો પહેલાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ એક ગુનો છે. જો સરકારને આ વિશે ખબર પડશે તો તમને જેલ થઈ શકે છે. અને હા, તમારી જણ ખાતર કહી દઉં કે બાળકો ભગવાનની દેન..." વિજયસિંહ ગ્રામજનોને સમજાવતા બોલ્યા. 

 

" અરે કાઈકી દેન, બોજ હોય છે. છોકરીઓ મા બાપને માથે બોજ હોય છે. " ફરી એક વ્યક્તિ બોલ્યો. 

 

" એ તમને એવું લાગે છે કે તે માં બાપને માથે બોજ હોય છે. હકીકતમાં તો દીકરી એ તો ઘરની લક્ષ્મી હોય છે. બાળકો હંમેશા ખુશીઓ જ લઈને આવે છે. છોડો તમને નહી સમજાય પણ હું આ બાળકીનો ભોગ નહી લેવા દઉં તે નક્કી છે. " વિજયસિંહ દ્રઢ નિશ્ચય કરી બોલ્યા. 

 

📖📖📖

 

" પપ્પા, ક્યાં ખોવાઈ ગયા? " સાંઠ વર્ષના વિજયસિંહને વિચારોમાં ખોવાયેલા જોઈ તેમના ખભે પોતાના નાજુક હાથ મૂકી કોઈ બોલ્યું. 

 

ત્રણ ચાર વર્ષની બાળકીના ફોટો વળી ફ્રેમમાંથી નજર હટાવી મુસ્કુરાતા વિજયસિંહ પાછળ ફર્યા. 

 

" કઈ નહિ બેટા, આટલી નાનકડી મસ્તીખોર અનન્યામાંથી ક્યારે MBBS ડોક્ટર અનન્યા બની ગઈ તે ખબર જ ના પડી. " ભીની આંખે અનન્યાના માથે વ્હાલ ભર્યો હાથ મૂકી આશીર્વાદ આપતા તેઓ બોલ્યા. 

 

" બસ બસ પપ્પા, દર બર્થડે પર તમે મને આવું જ કઈ કહો છો. ઇતના સારા રોના ધોના નઈ કરને કા! " મસ્તીના મૂડમાં અનન્યા બોલી અને વિજયસિંહને ભેટી પડી. 

 

" હમમ..." વિજયસિંહે એકદમ ટૂંકાણમાં જવાબ આપ્યો. 

 

" શું હમમ..? આજે તમે મને કઈ કહ્યું નહી? કેવી લાગું છું? " સહેજ મોઢું ચઢાવી તે બોલી. પચ્ચીસ વર્ષની નાજુક નમણી અનન્યા આજે પિંક કલરના ડ્રેસમાં ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. તેણે હાથમાં પિંક અને વ્હાઈટ કલરનું ઘડિયાળ પહેરેલું હતું. બીજા હાથમાં લટકણવાળું બ્રેસ્લેટ, કાનમાં લટકતા પિંક કલરના એરિંગ્સ અને ચહેરા પર કરેલા નામ માત્રના મેકઅપને કારણે તે ખુબ જ સુંદર લાગી રહી હતી. તેના ચહેરા અને આંખોમાં માસુમિયત ઝળકી રહી હતી. હોઠો પર મુસ્કાન રમાડતી તેની કાજળઘેરી આંખો વિજયસિંહના જવાબની રાહ જોઈ રહી હતી. 

 

અનન્યાને ઉપરથી નીચે નિહાળ્યા બાદ તેઓ બોલ્યા, " મારી પ્રિન્સેસ તો આજે ખુબ જ સુંદર લાગી રહી છે ને?" કહી તેમણે અનન્યાના કપાળે ચુંબન કર્યું. 

 

" પપ્પા, આપણે દર વર્ષની જેમ આ વખતે પણ ગરીબ બાળકોને ગિફ્ટ આપવા જઈ રહ્યા છે ને? " અતિઉત્સાહી અનન્યા બોલી. 

 

" અરે, એ પણ કઈ પૂછવાની વાત છે. હું બસ હમણાં જ તૈયાર થઈને આવ્યો. એટલે આપણે નીકળીએ. " અનન્યાના માથે વ્હાલથી હાથ મૂકી વિજયસિંહ બોલ્યા અને પછી પોતાના રૂમમાં ચાલ્યા ગયા. 

 

📖📖📖

 

"પપ્પા, મારે તમારી એક પરમિશન જોઈએ છે." મંદિરેથી તેઓ દર્શન કરી ગિફ્ટ ખરીદવા જતા હતા ત્યાંજ અનન્યા સહેજ અચકાતા બોલી. 

 

" અરે બેટા! મેં ક્યારે તને કોઈ વાતની ના પડી છે? મને ખબર છે મારી દીકરી ક્યારેય કોઈનું ખરાબ નહિ કરે." મુસ્કુરાતા વિજયસિંહ બોલ્યા. 

 

" પપ્પા , વાત એવી છે કે આપણા હવેલીવાળા ગામમાં મારે દવાખાનું ખોલવું છે. જ્યાં બધાના ફ્રીમાં ઈલાજ થઈ શકે. " હજી પણ અનન્યા અચકાઈ રહી હતી. કેમકે તેને ખબર હતી કે વિજયસિંહ સામે ગામનું નામ લેતા તેઓ ગુસ્સે ભરાઈ જતાં. તેનું કારણ તે આજ સુધી જાણી શકી ના હતી. 

 

 

અનન્યાની ધારણાથી વિપરીત વિજયસિંહ એકદમ ગંભીર થઈ અનન્યા સામે જોઈ રહ્યો. તેમના ચહેરા પર ચિંતાની લકીરો ખેંચવા લાગી. વર્ષો પહેલાં જે ગામમાં પગ ના મૂકવાની કસમ લીધી હતી. તે જ ગામમાં અનન્યા આજે દવાખાનું ખોલવા કહી રહી હતી. 

 

" બેટા , તારા માટે ત્યાં જવું હિતાવહ નથી. " બંને વચ્ચેના લાંબા સમયનાં મૌન બાદ વિજયસિંહ બોલ્યા. તેમની આંખોની સામેથી નાનકડી નવજાત રડતી બાળકીની તસ્વીર, તે બાળકીને બચાવવા કરેલા પ્રયત્ન, બચાવવામાં સફળતા થયા બાદનો હાશકારો, એક દીકરીને મેળવીને પોતાને ધન્ય માનવાની ખુશી, તે બાળકીએ મેળવેલ સિધ્ધિ પર તેમને થતો ગર્વ બધું જ એક ફિલ્મની જેમ પસાર થઈ ગયું. 

 

" પપ્પા, પ્લીઝ માની જાઓ. " વિજયસિંહને વિચારોમાં ખોવાયેલા જોઈ અનન્યા વિનંતીના સ્વરમાં બોલી. છેવટે દીકરી આગળ હાર માની તેમને અનન્યાને મંજૂરી આપી. 

 

📖📖📖

 

બે મહિના બાદ, 

 

"કાકા જરા જલ્દી કરો ને ! પપ્પાને નથી ખબર કે આજે તેમના હાથે ઉદઘાટન થવાનું છે. એમને તો એમજ છે કે ગઈકાલથી હોસ્પિટલનું કામ શરૂ થઈ ગયું છે." વિજયસિંહ ગામના દવાખાને પહોંચે તે પહેલા દવાખાનામાં ઉથલ પાથલ મચેલી હતી, તેવામાં અનન્યા અકળાતા બોલી. 

 

થોડી વાર પછી એક ગાડી તે દવાખાના આગળ આવી ઉભી રહી બે મહિનાની મહેનત પછી આજે ગામમાં દવાખાનું ઊભું થયું હતું. અનન્યાના વધુ પડતા આગ્રહને કારણે તેઓ અહી વર્ષો પછી પાછા આવ્યા હતા.

 

"હું આ ગામમાં ફરી પાછો પગ નહિ મૂકી આ મારું મારી જાતને વચન છે!" ગામની ધરતી પર પગ મૂકતાં ૨૫ વર્ષ પહેલા પોતાને આપેલું વચન તેમના કાનોમાં ગુંજવા લાગ્યું. વર્ષો પહેલાની એ બાળકીના રડવાનો અવાજ ફરી એમના કાનોમાં સંભાળવા લાગ્યો. આ બધા અવાજને નકારી તેઓએ દવાખાના દરવાજા તરફ પોતાના પગ માંડ્યા. 

 

દરવાજા પહેલા દવાખાનાના બોર્ડ પર અનન્યાનું નામ વાંચી તેમની છાતી ગર્વથી ફૂલવા લાગી. તેમના પગ દરવાજા આગળ આવી થંભી ગયા જ્યાં અનન્યા પહેલાથી એક થાળીમાં રિબીન બાંધેલી કાતર લઈને ઉભી હતી આખા દવાખાનાને એક દુલ્હનની જેમ ફૂલોથી શણગારવામાં આવી હતી. 

 

" પપ્પા, આ દવાખાનાનું ઉદ્દઘાટન તમારા હાથેથી જ થશે. પપ્પા..! પછી તમારા માટે એક ગિફ્ટ પણ છે. " મુસ્કુરાતી અનન્યા બોલી.

 

વિજય સિંહે દવાખાનાનું ઉદઘાટન કર્યું. બધા એ તેમને તાળીઓથી વધાવી દીધા. અનન્યા વિજયસિંહને પોતાની કેબિનમાં લઈ ગઈ. કેબિન સરસ ગ્લાસ ડોરવાળી હતી. કેબિનની એકદમ વચ્ચે ટેબલ પર પ્રાથમિક ચેકઅપ માટેનો થોડો સામાન હતો. આ સિવાય એક લેપટોપ અને થોડી જરૂરી સામાન મૂકેલો હતો. એવામાં વિજયસિંહની નજર ટેબલના એક કોર્નર પર મુકેલી 'ડો. અનન્યા' પર પડી. વિજયસિંહ ભીની આંખે તે પ્લેટ પર હાથ ફેરવવા લાગ્યા. 

 

" પપ્પા, તમારું પણ ડૉક્ટર બનવાનું સપનું હતું ને? જેથી તમે ગરીબ લોકોની મદદ કરી તેમને સાજા કરી શકો?" ભાવુક થતી અનન્યા બોલી. 

 

" હા , બેટા. ડોક્ટર તો મારે બનવું હતું. પણ જીવનમાં કેટલાક એવા વળાંક આવ્યા કે ક્યારેય પાછા ના વળી શક્યા. હા, પણ મને ચોક્કસ તારી પર ગર્વ છે. ખુબ ખુબ પ્રગતિ કરો. " આંખોમાંથી ખુશીનાં આંસુ વહાવી ગર્વ લેતા અનન્યાના માથે હાથ મૂકી વિજયસિંહ ગળગળા અવાજે બોલ્યા.

 

" પપ્પા, આ તો સારો મોકો છે. અહી રોના ધોનાં નહી કરને કા. " મુસ્કુરાતી અનન્યા બોલી. ત્યાર બાદ તેણે વિજયસિંહને મુખ્ય ખુરશી પર બેસાડ્યા અને આંખો બંધ કરવા કહી. જેવી તેમણે આંખો બંધ કરી અનન્યાએ ધીમે રહીને રોલિંગ ચેરને પાછળની તરફ ફેરવી વિજયસિંહને આંખો ખોલવા કહ્યું. વિજયસિંહે આંખો ખોલી, સામે એક ક્રીમ કલરનો પરદો લટકાવ્યો હતો. જેની એક તરફ લાંબુ લટકણ લટકતું હતું. વિજયસિંહે તે લટકણ ખેચ્યું, ત્યાં એ પરદો ખુલ્યો તો સામે વિજયસિંહના અનન્યા સાથેના નાનપણથી લઈને આત્યર સુધીના ફોટા ફ્રેમ કરીને લગાવ્યા હતા. 

 

" કેવું લાગ્યું સરપ્રાઇઝ? " ઉત્સાહી થતી અનન્યા બોલી. 

" ખુબ જ સુંદર છે. " ખુશીમાં વહેતા આંસુઓ સાથે વિજયસિંહ બોલ્યા અને બંને બાપ દીકરી એકબીજાને ભેટી પડ્યા. 

 

📖📖📖

 

અઠવાડિયા પછી,

 

અનન્યાનું દવાખાનું ખુબ જ સરસ ચાલી રહ્યું હતું. ગામના ઘણા દર્દીઓની મદદ કરી અનન્યા થોડા દિવસમાં બધાની લાડકી દીકરી બની ગઈ. વિજયસિંહ અને પોતાના ફોટા જોતી તે પોતાની કેબિનમાં બેઠી હતી. ત્યાંજ એક આધેડ વયના સ્ત્રી પુરુષ પ્રવેશ્યા. તે સ્ત્રીને ઘુંટણમાં ગંભીર દુખાવો થઈ રહ્યો હતો. અનન્યાએ તેમને દવાઓ આપી અને તેઓ અનન્યાની વિદાય લઈ રહ્યા હતા. ત્યાંજ વિજયસિંહ કેબિનમાં પ્રવેશ્યા. ઘડીભર માટે તે સ્ત્રી પુરુષ અને વિજયસિંહની નજર એક થઈ. 

 

" પપ્પા, તમે અહીંયા? અનન્યાનો અવાજ સાંભળી બધાના વિચારોમાં ખલેલ પડી. વિજયસિંહે ઈશારામાં તે સ્ત્રી પુરુષને બેસવા જણાવ્યું. વિજયસિંહને ઓળખી ગયેલા તેઓની આંખોમાં એક આશા જન્મી, એટલે તેઓ ફરી પાછા ખુરશીમાં ગોઠવાઈ ગયા.  

 

" બેટા, મને માફ કરી દે. મે તારાથી એક વાત છૂપાવી છે." વિજયસિંહ જરા અચકાતા બોલ્યા. 

 

વિજયસિંહે વર્ષો પહેલાં બનેલી ઘટના અનન્યાને જણાવી. અને સાથેએ પણ જણાવ્યું કે જે બાળકીને તેમણે બચાવી હતી તે બીજું કોઈ નહી અનન્યા પોતે હતી. વિજયસિંહે ફક્ત તેનું પાલન પોષણ કર્યું હતું. તેના જન્મદાતા માતા પિતાતે આધેડ વયનું તે જોડું હતું જે થોડી વાર પહેલા તેની પાસે દવા લેવા આવ્યા હતા. 

 

આખી ઘટના સંભાળ્યા પછી કેબિનમાં બેઠેલા બધાના આંખોમાંથી આંસુની ધાર વહી પડી. અનન્યા તો ધ્રૂસકે ધ્રૂસકે રડી જ પડી. 

 

" પણ મારા પપ્પા તો તમે જ છો. " વિજયસિંહને મજબૂતીથી ભેટી અનન્યા રડતી આંખે બોલી. ત્યાર બાદ તેના જન્મદાતા માતા પિતાને ભેટીને પણ તે એટલું જ રડી. આ વાત જોત જોતામાં આખા ગામમાં ફેલાઈ ગઈ. ગામના લોકોએ અનન્યાની માફી માંગી અને હવે ક્યારેય પણ દીકરીને દીકરાથી ઓછી ના ગણે એની ખાતરી આપી અને ક્યારેય આવું પાપ નહી કરે તેનું વચન પણ આપ્યું. હવે અનન્યાના યાદોના પેટારામાં વિજયસિંહના ફોટાની સાથે તેના જન્મદાતાના ફોટા પણ જોડાઈ ગયા. 

 

 

 

સમાપ્ત

 

 

 

 

પ્રસ્તુત કથા સંપૂર્ણપણે કાલ્પનિક છે.તે વાસ્તવિક જીવન, વ્યક્તિ, સમાજ કે સ્થળ સાથે કોઈ સંબંધ નથી. 

 

આશા છે તમને મારી રચના પસંદ આવશે. તમારા અભિપ્રાય જરૂરથી જણાવજો અને રેટિંગ આપવાનું ભૂલતા નહિ. તમારા અમૂલ્ય અભિપ્રાયથી મને આગળ લખવાની પ્રેરણા મળે છે.

 

📖 નોંધ :-

 

વર્ષો પહેલાં રાજા રામમોહનરાયની ભલામણથી ભારતમાં કુરિવાજો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. છતાં આજે ઘણા અંતરિયાળ ગામોમાં ઘણી જગ્યાએ આ પ્રકારના કુરિવાજો પાળવામાં આવે છે. જે યોગ્ય નથી. આવા સમયે વિજયસિંહ જેવા લોકો પણ હોય છે જે માનવતાના સંબંધથી આ પ્રકારના કુરિવાજો રોકવાનો પ્રયત્ન કરતા હોય છે. આપણે આ પ્રકારની વિચારસરણીને સુધારવી જોઈએ. 

 

બીજું, બાળકો હંમેશા આપણા ઘરોમાં ખુશીઓ જ લઈને આવતા હોય છે. તે ક્યારે પોતાના માતા પિતા માટે બોજ નથી હોતા. છોકરીઓ પણ છોકરાઓથી કઈ ઊતરતાં નથી હોતા. બેટી બચાવો, બેટી પઢાઓ.