જતીન ભટ્ટ (નિજ) રચિત એક સ_રસ , સુંદર રચના
ઘરવાળીની રોજનીશી નું એક પાનુ
ક્વિન નો ગુપ્ત પત્ર સિડની ની તિજોરી માં 2085 સુઘી જાહેર ન કરવા નિર્દેશ અપાયો_ એક સમાચાર
હવે ધારોકે આપણી ઘરવાળી રોજનીશી_ ડાયરી લખે અને એને પણ 2085 સુધી ખોલવાની નહી એવી સૂચના આપે અને ધારોકે 2085 માં આપણા છોકરા ના છોકરા ના છોકરાઓ એ રોજનીશી ખોલે તો શું લખ્યું હોય શકે?:
13/09/2022
_ આ શું યાર, સવાર પડે ને આમની કચ કચ, આપણે 6 વાગ્યે ઉઠિયે ને એ મહા આળસુ લાટસાહેબ 8 વાગ્યે, ઉઠે એટલે એમને ચા આપો, પેપર આપો, નાસ્તો આપો, સારું છે કે નાસ્તો જાતે કરે છે બાકી તો એય ચમચી થી એમના મોંઢામાં ઠુસવું પડે,...
_ દસ વાગ્યા એટલે આ મહા આળસુ હવે ઓફિસ જવાના, અરે હાં ભાઈ, રૂમાલ, મોજા, પાકીટ, ટિફિન આ રહ્યું બધું, બધું બેઠું જોઈએ એમને, અરે, અરે ચેઈન બંધ કરોઓઓ, અરે બેગ ની નઈ? (!!!!!!) ખરા ભૂલકણા છે આ તો યાર, તમે નઈ માનો, કોઈ કોઈ વખત તો કોટ, ટાઈ તો પહેરી હોય ,પણ નીચે? કોઈ વખત ટુવાલ, તો કોઈ વખત લેંઘો તો કોઈ વખત તો ચડ્ડો પહેરીને ચાલ્યા જ કરે, બોલો,...
_ લો હજુ આ બીજો મહા આળસુ તો રહી ગયો,
અલા ઉઠ, કોલેજ જાવાનો ટાઈમ થઇ ગયો, ને ગઈ કાલ ના કપડા કાઢી નાખ, પહેરી ને સુઈ ગયો તો? તે રાત ના મોડો આવેલો? ભાઈબંધ સાથે હતો કે પછી..,,,.,? શું કહ્યું, હજુ સુવા દે, ના ના ના, ઉઠી જા, મારે હજુ બહુ કામ છે, ભાઈસાબ ,...
_ હવે પાછો કોઈ એ ડોરબેલ માર્યો? પાર્સલ છે? અમારું છે? ઓકે ,ના ના,
આ લોકો તો હવે અહીં નથી રહેતા, સામેની ગલીમાં ચોથું ઘર, ઊભા રહેજો, શરબત પી ને જાઓ, ના ના એમાં આભાર માનવાનો ના હોય ભાઈ, આટલી ગરમી માં તમે ઘરે ઘરે પાર્સલ આપો છો એ જ મોટી સેવા છે ભાઈ,...
_ હાઈશ, બે વાગ્યા, હવે જરા આરામ કરી લઉં...
_ ચાર વાગ્યા, આ રેડિયો બગડી ગયો લાગે છે, હવે તો એમને કહી ને કરાઓકે જ લઈ લઉં, એ તો કહ્યા જ કરે છે ને કે હવે તું લાઈફ માં સ્ટેબલ થઈ છે તો તારા શોખ પૂરા કર, છોકરો પણ કહ્યા કરે છે કે મમ્મી તું સરસ ગાય છે તો કલાસ જોઇન્ટ કર અને થોડા વર્ષો પછી તું ય ટ્યુશન ચાલુ કર, જોઇએ હવે, કંઈ તો કરીશ જ,...
_ હલો, હલો, બોલ, શું? પરમદિવસે છે કીટી પાર્ટી? કોની ઘેર? પેલી ટીનુડી ને ત્યાં? પહેલી થી ના કહે યાર ?, હવે રાતોરાત નવો સેટ ક્યાંથી લાવું? કેમ ભૂલી ગઈ? એણે ગઈ કીટી પાર્ટીમાં નવો સેટ પહેરી ને બધાંનો જીવ બાળ્યો હતો? ચાલ કઇ નઈ હવે, મારી બેને ગઈકાલે જ લીધો છે એ પહેરીને આવીશ,...
_ આ સાંજની પાછી મગજમારી , રોજ જ શું ખાવાનું બનાવવાનું?
એના પપ્પા ને કઈ અલગ જોઈએ ને છોકરા ને કઈ અલગ, તમે નઈ માનો, હું રોજ સાંજે બે ભોજન બનાવું છું, એકને રોટલી ભાવે તો બીજાને ભાખરી, એકને કારેલા ભાવે તો બીજાને ભીંડા, એકને ખીચડી તો બીજાને દાળભાત, હમણાં બે દિવસ પહેલા તો રાત્રે અગિયાર વાગ્યે સુખડી બનાવવાની ફરમાઈશ આવી બોલો, બનાવી આપી પછી, બીજું શું,,..
_ અલા જોને જરા બહાર, કોણ ડોર બેલ વગાડે છે? ઈસ્ત્રી વાળો આવ્યો છે? લે તું જરા આ દુધ જો, જોજે પાછો ઉભરાઈ ના જાય ,આખો દિવસ મોબાઈલ મોબાઈલ, હા ભાઈ કેટલા કપડા છે? ને હા, લે તારા રૂપિયા, ભલેને તને ઉતાવળ ના હોય પણ મારે તો આપવાના ને ભાઈ, હજુ આપુ એડવાન્સ પેટે?, બોલજે હાં, જરાય ખચકાતો નઈ,...
_ રાત પડી, શરીર થોડું કળતર મારે છે, કંઈ નઈ ,સૂઈ જઈશ એટલે સારું લાગશે, ઓ ભાઇ, તમે યાર સામેની રૂમ માં સુઈ જાઓ તો, કેમ?, કેમ તે તમે જોર શોર થી નસકોરા બોલાવો છો તો મને ઊંઘ ક્યાંથી આવે? જાઓને યાર ,મને એમ પણ બહુ કળતર થાય છે આજે ,..
14/09/2022
_ આ મારા શરીર માંથી બામ ની સુગંધ કેમ આવે છે? મને ઓઢાડ્યું કોણે?
શું તમે બામ લગાડી આપ્યું? તે તમે આજે ઓફિસ પણ નથી જવાના? શું બોલ્યા, આજે આખો દિવસ મારી પાસે જ રહેશો? એટલો બધો પ્રેમ કરો છો મને? બસ બસ આટલા બધા પ્રેમ થી મારી સામે ના જુઓ યાર,
તમારો હાથ મારા કપાળ ઉપર રાખ્યો છે ને, તે મને બહુજ સારું લાગે છે, હું ખરેખર નસીબદાર છું કે તમે મારા જીવન માં છો, શું બોલ્યા? ફરીથી બોલો?... I Love you too, three,four...બસ બસ બહુ લાગણીશીલ ના થાઓ, પછી મને ય રડું આવશે ...
.
,
.
.
જતીન ભટ્ટ (નિજ)
94268 61995