Connection-Rooh se rooh tak - 23 books and stories free download online pdf in Gujarati

કનેક્શન-રૂહ સે રૂહ તક - 23

૨૩.ગર્લફ્રેન્ડ નહીં વાઈફ!



અપર્ણા જે રીતે એ છોકરાઓને ધમકી આપીને ગઈ. એ પછી ડોક્ટર શિવને એક સવાલ કરવાં મજબૂર થઈ ગયાં. એમણે શિવનાં કાનમાં પૂછ્યું, "આ છોકરી કોણ હતી? તારી ગર્લફ્રેન્ડ છે?"
"હેં?" શિવે ડોક્ટર સામે આંખો ફાડીને કહ્યું, "એ અને ગર્લફ્રેન્ડ?"
"કેમ? ગર્લફ્રેન્ડ તો છોકરી જ હોય ને, છોકરો થોડી હોય." ડોક્ટરે મજાકમાં કહ્યું.
"એટલી તો મને પણ ખબર પડે છે." શિવે કટાક્ષમાં કહ્યું, "પણ, એ ગર્લફ્રેન્ડ ટાઇપની છોકરી નથી. એને વાઈફ બનાવી શકાય, ગર્લફ્રેન્ડ નહીં."
"એવું કેમ?" ડોક્ટરે તરત જ પૂછ્યું.
"તમે સાંભળ્યું છે, કે કોઈ ગર્લફ્રેન્ડ એનાં બોયફ્રેન્ડ સાથે સતત ઝઘડ્યા કરે?" શિવે પૂછ્યું, તો ડોક્ટરે તરત જ નાં માં ડોક હલાવી, "ક્યાંથી સાંભળ્યું હોય? ઝઘડો કરવાનું કામ પત્નીનું હોય છે. આ મેડમ જ્યારે પણ મને મળે, મારી સાથે ઝઘડો કરવાં સિવાય કંઈ કર્યું નથી. હવે તમે જ વિચારો, એ મારી ગર્લફ્રેન્ડ કેવી રીતે હોઈ શકે?"
"તો પત્ની બનાવી લે, એમાં શું?" ડોક્ટરે ફરી મજાકમાં કહ્યું.
આ વખતે શિવે એમની સામે આંખો કાઢી. તો ડોક્ટર તરત જ પતલી ગલી પકડીને નાસી ગયાં. ડોક્ટરની વાત શિવનાં કાનમાં ગુંજી ઉઠી, "તો પત્ની બનાવી લે." શિવ ડોક્ટરની વાત પર વિચારી રહ્યો. અપર્ણા અને ખુદની સરખામણી કરતાં એને ડોક્ટરની વાત તથ્ય વગરની લાગી. શિવ અપર્ણાનાં વિચારો કરી રહ્યો હતો. ત્યાં જ અપર્ણાએ હોસ્પિટલના દરનાજે ઉભાં રહીને કહ્યું, "હેય, મને કાફે સુધી તો મૂકી જા."
"બસ આવ્યો." શિવે કહ્યું, અને બધાં વિચારો ખંખેરીને, પોતાનાં વાળમાં હાથ ફેરવતો બહાર આવ્યો.
એણે જીપમાં બેસીને જીપને યૂ ટર્ન લીધો. અપર્ણાનાં જીપમાં બેસતાં જ શિવે જીપને બોમ્બે કાફે તરફ આગળ વધારી દીધી. અપર્ણા વિશ્વાસ અને તાન્યાનાં લગ્ન રોકવા અંગે વિચારી રહી હતી, અને શિવનાં મનમાં અપર્ણાને જોતાં ફરી ડોક્ટરની વાત ઘુમવા લાગી હતી. ત્યાં અચાનક જ અપર્ણાને એક વિચાર આવતાં એનાં ચહેરાં પર સ્મિત ફરી વળ્યું. એણે શિવ તરફ ચહેરો ઘુમાવીને પૂછ્યું, "તું મારો પાર્ટનર બનીશ?"
"હેં?" શિવને ડોક્ટરની વાત સાંભળ્યાં પછી જેવો ઝટકો લાગ્યો. એવો ફરી એક ઝટકો અપર્ણાની વાત સાંભળીને લાગ્યો. એણે તરત જ જીપને બ્રેક મારીને અપર્ણા તરફ જોયું.
"મતલબ કે, ગેમ પાર્ટનર બનીશ?" અપર્ણાએ ચોખવટ પાડતાં કહ્યું.
"ગેમ પાર્ટનર? આ તું શું બોલી રહી છે?" શિવે અકળાઈને કહ્યું. હાલ શિવનાં મનમાં એક જ વાત ચાલી રહી હતી, "આ કેવી છોકરી છે? ક્યારે શું બોલે? કંઈ સમજાતું નથી."
અપર્ણાએ પાછળ સડક પર જોયું. તો શિવની જીપને અચાનક બ્રેક લાગવાથી પાછળ ટ્રાફિક જામ થઈ ગયો હતો. શિવને વિચારોમાં ખોવાયેલો જોઈને અપર્ણાએ કહ્યું, "પહેલાં જીપ ચલાવ, પછી બધું સમજાવું."
શિવને હાલતનુ ભાન થતાં જ એણે જીપ સ્ટાર્ટ કરી. પણ, એનાં કાન તો અપર્ણાનો જવાબ સાંભળવાં જ આતુર હતાં. જ્યારે અપર્ણા ફરી વિચારોમાં ખોવાઈ હતી. કાફે આવતાં જ શિવે ફરી જીપને બ્રેક મારી. અપર્ણા જીપમાંથી ઉતરીને તરત જ પોતાની કારમાં ગોઠવાઈ. એ બસ કાર સ્ટાર્ટ કરવાની જ હતી. ત્યાં જ શિવે કારના દરવાજાની વિન્ડો પર ટકોરા દીધાં. અપર્ણાએ જેવો વિન્ડોનો કાચ નીચે કર્યો. શિવે તરત જ પૂછ્યું, " પેલો પાર્ટનર વાળો જવાબ તો આપતી જા."
"તું મારાં ફ્લેટ પર આવ. ત્યાં જઈને બધું સમજાવું." અપર્ણાએ કહ્યું, અને કારને સ્ટાર્ટ કરીને જતી રહી.
"અજીબ છોકરી છે." શિવ ખુદ સાથે જ વાત કરવા લાગ્યો, "આને પત્ની કેમની બનાવાય? આને ઝઘડવા સિવાય અને ઓર્ડર આપતાં સિવાય કંઈ નથી આવડતું. પેલાં છોકરાંઓને માર્યા પોતે, અને હોસ્પિટલ લઈ જવા મને ઓર્ડર કર્યો. હવે કહે મારાં ફ્લેટ પર આવી જા. ત્યાં જઈને વાત કરું. આની સાથે લગ્ન કરું, તો આ મને આંગળીના ઈશારે નચાવે." કહેતો શિવ પોતાની જીપમાં ગોઠવાયો. એણે જીપને સીધી અપર્ણાનાં ફ્લેટ તરફ જવાં દીધી.
શિવ ફ્લેટ પર પહોંચ્યો. એ પહેલાં જ અપર્ણા પહોંચી ગઈ હતી, અને અંદર પણ જતી રહી હતી. શિવ પણ સીધો એનાં ફ્લેટ પર આવી ગયો. ફ્લેટનો દરવાજો ખુલ્લો જ હતો. એ સીધો અંદર આવી ગયો. શાંતિબાઈએ શિવને આવેલો જોઈને એને પાણી આપ્યું. શિવે હાથનાં ઈશારે જ પાણીની નાં પાડી, અને અપર્ણાના રૂમમાં આવી ગયો.
"હવે કોઈ જવાબ આપીશ?" શિવે અંદર આવતાંની સાથે જ અકળાઇને કહ્યું.
"મારે તાન્યા અને વિશ્વાસના લગ્ન રોકવા માટે તારાં સાથની જરૂર છે." અપર્ણાએ તરત જ કહ્યું.
"કોણ તાન્યા? કોણ વિશ્વાસ?" શિવે ફરી અકળાઈને પૂછ્યું. અપર્ણાની ગોળગોળ વાતો હવે શિવને પરેશાન કરી રહી હતી.
"અરે મારી ફ્રેન્ડ તાન્યા!" અપર્ણાએ ચોખવટ પાડતાં કહ્યું, "મેં એક નમૂનાની વાત કરી હતી ને કે એ મારી ફ્રેન્ડ સાથે લગ્ન કરવાં માંગે છે. એનું જ નામ વિશ્વાસ છે."
"તું પેલાં સનકી વિશ્વાસની તો વાત નથી કરતી ને, જે તારી સાથે કામ કરે છે?" શિવે કંઈક યાદ કરતાં પૂછ્યું.
"હાં, એ જ વિશ્વાસ." અપર્ણાએ કહ્યું, "એનાં લગ્ન મારી ફ્રેન્ડ સાથે નક્કી થયાં છે. જેને રોકવામાં મારે તારાં સાથની જરૂર છે."
"પણ એમાં હું શું મદદ કરી શકું?" શિવે તરત જ પૂછ્યું.
"જો સાંભળ." કહીને અપર્ણાએ શિવને આખો પ્લાન સમજાવ્યો.
અપર્ણાનો પ્લાન સાંભળ્યાં પછી શિવે તરત જ કહ્યું, "ભૂલી જા, હું તારાં આવાં કોઈ પ્લાનમાં તારો સાથ આપીશ. એ વાત જ ભૂલી જા." શિવે અપર્ણાનો સાથ આપવાની ચોખ્ખી નાં પાડી દીધી, "મેં હમણાં જ એક કાંડ કર્યા પછી બધું માંડ થાળે પાડયું છે. બાપુને આ વાતની જાણ થતાં જ એ મને ભડાકે દેશે."
"શું બોલે છે યાર તું?" અપર્ણાએ શિવની જરાં નજીક જઈને કહ્યું, "બાપુ તને કેવી રીતે મારી શકે? પ્લીઝ, તું મારો સાથ આપ. બદલામાં તું જે કહે એ હું કરવાં તૈયાર છું."
"તું હું કહું એ કરીશ એમ?" શિવે અપર્ણાની આંખોમાં જોઈને કહ્યું, "શક્ય જ નથી. મિસ અપર્ણા શાહ! મારે તારી પાસે કંઈ કરાવવું નથી. પણ, જો હું તારી મદદ કરું એમાં કોઈ છોકરીની જીંદગી સુધરતી હોય. તો હું તારી મદદ કરીશ." શિવે થોડીવાર અટકીને આગળ ઉમેર્યું, "પણ, થશે એમ જ જેમ હું કહીશ."
"ઓકે." અપર્ણાએ કહ્યું, અને મનોમન વિચારવા લાગી, "તું બસ એકવાર મારો સાથ આપ. બાકી તો તારે હું કહું એમ જ કરવું પડશે."
"તે કંઈ કહ્યું?" શિવ જાણે અપર્ણાનાં મનની વાત જાણી ગયો હોય. એમ એણે અપર્ણા સામે આંખો ઝીણી કરીને પૂછ્યું.
"નહીં, હું શું કહેવાની?" અપર્ણાએ ખોટું સ્મિત કરતાં કહ્યું.
"ઓકે." શિવે કહ્યું અને એ તરત જ પોતાની ઘરે જવા નીકળી ગયો. આખાં રસ્તે એ બસ અપર્ણાનાં પ્લાન વિશે જ વિચારતો રહ્યો.



(ક્રમશઃ)


_સુજલ પટેલ "સલિલ"


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED