બહાદુર મિત્રો DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બહાદુર મિત્રો

બહાદુર મિત્રો

ઘણા લોકો ગુજરાતની સંસ્કૃતિ નગરી તરીકે સુવિખ્યાત છે એવા વડોદરા નગરમાં ગયાશે કે ત્યાં રહેતા પણ હશે. આ શહેરમાં અને પુરા રાજ્યમાં વિખ્યાત એવા કમાટીબાગની મુલાકાત લીધેલ હશે તો તેમને ચોકકસ ખ્યાલ હશે જ કે, આ બાગના મુખ્ય પ્રવેશદ્વાર પાસે પ્રવેશતાં ડાબી તરફ બે પૂતળાં જોવા મળશે. આ પૂતળાં બે યુવાન છોકરાઓનાં છે. તે જોઈ કદાચ તમને સવાલ થાય કે આ પૂતળા હશે કોનાં ? એ બાળકો કંઇ કોઇરાજકુમાર જેવા લાગતા નથી. બંનેના માથે ફાળિયાં બાંધેલ છે. એકના હાથમાં નાનકડી છરી જેવું હથિયાર છે અને બીજાના હાથમાં નાની લાકડી છે.

આપને જણાવું તો, આ પૂતળાં હરિ અને અરજણ નામના બે યુવાન છોકરાનાં છે તે સુખપુર ગામ ધારી તાલુકો (અમરેલી) વતની હતા. તે જોઈએ તો એમ થાય કે ક્યાં વડોદરાને ક્યાં અમરેલીનું સુખપુર. એમનાં પૂતળાં કમાટીબાગમાં કેમ ? આની પાછળ એક બહાદુરીભરી કથા છે. આજથી લગભગ ઘણા સમય પહેલાની આ વાત છે.

તે સમયે વડોદરામાં મહારાજા સયાજીરાવ રાજાનું રજવાડું હતું. તેઓ એક વાર કાંગસા ગામ પાસેના જંગલમાં સિંહના શિકાર માટે ગયા હતા. શિયાળાની શરૂઆત હતી એટલે દિવસ જલદી આથમી જતો હોય છે.

કાંગસા ગામ નજીક એક વોકળો હતો (વોકળો એટલે નાનું નદી જેવું ઝરણું). આ વોકળા પર સાંજના સમયમાં જંગલમાંથી પ્રાણીઓ પાણી પીવા આવતાં. કાંગસા ગામની પશ્ચિમે ગીરનું જંગલ આવેલું હતું. શિકારી લોકો વોકળા પાસે માંચડો બાંધી પ્રાણીઓનો શિકાર કરતા. મહારાજાએ માંચડો બંધાવ્યો. મહારાજા માંચડા પર તેમના મદદનીશો સાથે ગોઠવાયા. બાજુમાં સુખપુર નામનું એક ગામ હતું. હરિ અને અરજણ નામના બે જુવાનિયા શિકારના શોખીન હતા.

મહારાજા કેવી રીતે શિકાર કરે છે તે જોવા તેઓ આવ્યા હતા. બંને મિત્રો દૂર દૂર ઝાડની પાછળ સંતાઈને ઊભા હતા. તેમની પાસે છરી જેવું નાનકડું હથિયાર હતું. સૂરજ આથમી ગયો. ધીરે ધીરે અંધારું થવા લાગ્યું. એટલામાં વોકળા પર એક સિંહ પાણી પીવા આવ્યો. મહારાજે નિશાન લઈ ગોળી છોડી,પરંતુ ગોળીએ ધાર્યું નિશાન ન પડ્યું.

ગોળી ખાલી ગઈ અને બંદૂકના અવાજથી સિંહ ગુસ્સે થઈ ગયો. તેની નજર માંચડા પર પડી. માંચડા પર શિકારીઓ ને જોતાં તે વીફર્યો. છલાંગ લગાવી માંચડા નજીક પહોંચી ગયો. માંચડાને ભોંયભેગો કરવા તે એને ઝંઝેડવા લાગ્યો. માંચડા પર રહેલા સૌના જીવ તાળવે ચોંટી ગયા. મહારાજામાં પણ ફરી ગોળી છોડવાની સૂધબૂધ ન રહી.

આ કટોકટીની પળે ઝાડની પાછળ સંતાયેલા હરિ અને અરજણ નામના જુવાનિયાં મહારાજાની મદદે આવ્યા. તેઓ જીવના જોખમે પણ બહાર ખુલ્લામાં નીકળ્યા. અવાજ કરી સિંહનું ધ્યાન એમના તરફ ખેંચવા પ્રયત્ન કરવા લાગ્યા. થોડે દૂર સાક્ષાત મોત જેવો સિંહ એમના તરફ ફર્યો તે ખિજાયેલો તો હતો જ.

માંચડો હલતો બંધ થયો, મહારાજા હવે શાંત થયા. સિંહની નજર હવે પેલા બે જુવાનિયા તરફ હતી. સિંહ તે તરફ છલાંગ મારવાની તૈયારીમાં જ હતો ને ત્યાં મહારાજાએ ગોળી છોડી. આ વખતે ગોળી નિશાન ન ચૂકી. તે સિંહને વાગી, સિંહ મૃત્ય પામ્યો. આ બધું એટલી બધી ઝડપથી બની ગયું કે મહારાજા પોતે પણ સમજી શક્યા ન હતા. મહારાજા માંચડા પરથી નીચે ઊતર્યા. મહારાજાને ચોક્કસપણે ખાત્રી થઇ ગઇ કે જો આજે આ બે બહાદુરો હરિ અને અરજણ હિંમત કરી તેમની મદદે ન આવ્યા હોત તો મહારાજા ન બચ્યા હોત.

મહારાજા તે બંને જુવાનિયા પર ખૂબ ખુશ થયા. તેમને હૃદયપૂર્વક ધન્યવાદ આપ્યા. મહારાજા તો ઊંચા ગજાના માણસ હતા. જાનના જોખમે મદદ કરનાર બંને મિત્રોની એમણે કદર કરી. તેમને વડોદરા બોલાવી બહુમાન આપ્યું. તેમની કાયમી યાદગીરી રહે તે માટે કમાટીબાગમાં એ બંનેના પૂતળાં ઊભાં કર્યા. તમે હવે વડોદરા જાઓ અને જો આપે આ બહાદુર જુવાનીયાંને પુતળાના દર્શન કરેલ ન હોય કરજો અને કમાટીબાગ જેમણે નથી જોયો તેઓ પણ મુલાકાતે જાય તો અવશ્ય મુલાકાત લેજો.

આ બે બહાદુરો બાળકોના જીવનના કર્મો પરથી ખ્યાલ આવી શકે છે તમને પણ તમારા જીવનમાં તમને કેટલાય બહાદુર લોકો જોવા મળશે અને તમારે પણ બહાદુર બનવું જોઈએ અને લોકોની મદદ કરવી જોઈએ જેના લીધે તમે બહાદુર બની શકો.

--------------------------------------------------------------------********----------------------------------------------------

Dipakchitnis (DMC) dchitnis3@gmail.com