Connection-Rooh se rooh tak - 21 books and stories free download online pdf in Gujarati

કનેક્શન-રૂહ સે રૂહ તક - 21

૨૧.બાળપણની દોસ્ત



અપર્ણા આજે એની શૂટિંગનાં સેટ પર શૂટિંગ માટે આવી હતી. બે દિવસથી જે ઘટનાઓ બની રહી હતી. એનાંથી એ આજે થોડી પરેશાન નજર આવી રહી હતી. જેનાં લીધે એનું ધ્યાન શૂટિંગમાં બિલકુલ ન હતું. લંચ બ્રેક સમયે એ એક જગ્યાએ આરામથી બેસી ગઈ. એ સમયે જ એનાં મોબાઈલની રિંગ વાગી. એણે સામે ટેબલ પર પડેલાં મોબાઈલની સ્ક્રીન પર નજર કરી. જેમાં તાન્યા નામ ફ્લેશ થઈ રહ્યું હતું. એ જોઈને અપર્ણાની આંખોમાં ચમક આવી ગઈ.
"તનુ! આટલાં સમય પછી તને મારી યાદ આવી?" અપર્ણાએ કોલ રિસીવ કરીને મોબાઈલ કાને લગાવતાં પહેલી શિકાયત કરી.
"તું મુંબઈ જઈને મને ભૂલી ગઈ." તાન્યાએ પણ શિકાયત કરતાં કહ્યું.
તાન્યા ઉર્ફ તનુ! અપર્ણાની બેસ્ટ ફ્રેન્ડ...બંનેએ સાથે જ સ્કુલથી લઈને કોલેજ સુધીનું સફર ખેડ્યું હતું. અપર્ણા મુંબઈ આવી, એનાં પછી તાન્યા પોતાનાં પપ્પા સાથે એમનો બિઝનેસ સંભાળવા લાગી. જેનાં લીધે બંને વચ્ચે વાતચીત ઓછી થઈ ગઈ. આજે ઠીક છ મહિના પછી તાન્યા અપર્ણાને ફોન કરી રહી હતી.
અપર્ણાએ વાતને આગળ ધપાવતાં કહ્યું, "તો કહે, મુંબઈ ક્યારે આવી રહી છે?"
"હું હાલ મુંબઈમાં જ છું. તું જલ્દીથી કમલ બિલ્ડિંગ, વૉટરફિલ્ડ રોડ પર આવેલાં બોમ્બે કાફેમાં આવી જા." તાન્યાએ ઉતાવળીયા અવાજે કહ્યું.
"પણ, હું હાલ સેટ પર શૂટિંગમાં વ્યસ્ત છું." અપર્ણાએ પોતાની મજબૂરી જણાવી.
"તારું આવવું જરૂરી છે." તાન્યાએ થોડાં ગંભીર અવાજે કહ્યું, "હું અહીં એક છોકરાંને મળવાં આવી છું. એ બસ આવતો જ હશે."
"મતલબ પ્રેમનું ચક્કર છે, કે અંકલે મોકલી છે?" અપર્ણાએ વાતમાં રસ દાખવતાં પૂછ્યું.
"બંને, તું બસ આવી જા." તાન્યાએ હુકમ આપ્યો.
"ઠીક છે, કંઈક કરું છું." કહીને અપર્ણાએ કોલ ડિસકનેક્ટ કર્યો, અને અજય મલ્હોત્રા પાસે આવી, "સર! મારે હાલ જ બોમ્બે કાફે જવું પડશે, હું જાઉં?"
"કહે છે કે પૂછે છે?" અજય મલ્હોત્રાએ અસમજની સ્થિતિમાં પૂછ્યું.
"કહું પણ છું, ને પૂછું પણ છું." અપર્ણાએ કહ્યું, "પ્લીઝ સર! અર્જન્ટ છે."
"તું આપણી સિરિયલની બેસ્ટ એક્ટર છે." અજય મલ્હોત્રાએ કહ્યું, "તને તો ખબર છે, આપણી સિરિયલનો પહેલો એપિસોડ કાલે ટીવી પર આવવાનો છે. એ રાતે પાર્ટી પણ મેં આ માટે જ રાખી હતી. પણ, તું પાર્ટી અધૂરી છોડીને જ જતી રહી હતી." એમણે આગળ ઉમેર્યું, "તું કાલે પણ શૂટિંગમાં આવી ન હતી. આજે પણ જવાની વાત કરે છે. આવું નહીં ચાલે."
"પ્લીઝ સર! જરૂરી નાં હોત તો હું જવાની જીદ્દ જ નાં કરતી." અપર્ણાએ રિકવેસ્ટ કરતાં કહ્યું.
"ઓકે, આ લાસ્ટ ટાઈમ છે. પણ..." અજય મલ્હોત્રા આગળ કંઈ કહે એ પહેલાં જ અપર્ણાએ કહ્યું, "થેંક્યૂ સર, તો હું જાઉં." કહીને એ જતી રહી.
"આ છોકરીનું કંઈ નહીં થાય." અપર્ણાનાં જતાં જ અજય મલ્હોત્રા બોલી ઉઠ્યાં, "જ્યારે હોય ત્યારે ઉતાવળમાં જ રહેતી હોય. પોતાની વાત મનાવતાં તો કોઈ આની પાસેથી શીખે." કહીને અજય મલ્હોત્રાએ આજની શૂટિંગ કેન્સલ રાખી.
અપર્ણા સેટ પરથી બોમ્બે કાફે જવાં માટે નીકળી ગઈ. એણે કારને તેજ ગતિથી સડક પર દોડાવી મૂકી. મનોમન પ્રાર્થના પણ ચાલી રહી હતી, "આજે ક્યાંય ટ્રાફિક નાં નડવો જોઈએ." એની પ્રાર્થના વચ્ચે એની કાર પૂરપાટ ઝડપે દોડી રહી હતી. બોમ્બે કાફેનું બોર્ડ નજરે ચડતાં જ એણે કારને બ્રેક લગાવી, અને તરત જ બાજુની સીટમાંથી પર્સ અને મોબાઇલ લઇને, કારનો દરવાજો ખોલીને મોટાં મોટાં ડગલાં ભરતી કાફેના દરવાજા તરફ આગળ વધી ગઈ.
કાફેની બહાર ક્યાંય તાન્યા ન હતી. એટલે એ અંદર હશે એમ વિચારીને અપર્ણા પણ અંદર આવતી રહી. અંદર આવતાંની સાથે જ એને ખુણાના ટેબલ પર બેસેલી તાન્યા નજરે ચડી. એ સમયે જ તાન્યાનું ધ્યાન પણ અપર્ણા પર ગયું. એણે એને હાથ હલાવીને પોતાની પાસે આવવાં કહ્યું. અપર્ણા પણ હાથ હલાવતી એની તરફ આગળ વધી. એ તરત જ તાન્યા સામે આવીને એને ગળે વળગી પડી.
"કેટલાં સમય પછી તને જોઈ." તાન્યાએ અપર્ણાને ગળે લગાવીને કહ્યું.
"પેલો છોકરો તો બતાવ." અપર્ણાએ અચાનક જ કહ્યું.
"આ રહ્યો." તાન્યાએ એની સામેની ખુરશી તરફ હાથ ફેલાવીને કહ્યું.
અપર્ણાએ તરત જ એ તરફ નજર કરી. છોકરાંને જોતાં જ અપર્ણાના હોંશ ઉડી ગયાં. એ આંખો ફાડીને એની સામે જોઈ રહી. અપર્ણા જ નહીં, ત્યાં બેસેલો છોકરો પણ અપર્ણાને જોઈને તરત જ ઉભો થઈ ગયો. એણે તાન્યા તરફ જોઈને કહ્યું, "આ તારી ફ્રેન્ડ છે?"
"વ્હોટ ડૂ યૂ મીન બાય, આ તારી ફ્રેન્ડ છે?" અપર્ણાએ થોડાં અણગમા સાથે કહ્યું, "આ સવાલ તો મારે તને કરવો જોઈએ. તું તાન્યાનો બોયફ્રેન્ડ છે? આ શક્ય જ કેવી રીતે બને?"
"તમે બંને એકબીજાને ઓળખો છો?" તાન્યાએ હેરાન અવાજે કહ્યું, "વિશ્વાસ! તે મને જણાવ્યું નહીં, કે તું અપર્ણાને ઓળખે છે."
"તે મને અપર્ણા તારી ફ્રેન્ડ છે, એમ કહ્યું હતું. અપર્ણા શાહ તારી ફ્રેન્ડ છે, એમ ન હતું કહ્યું." વિશ્વાસે એક એક શબ્દ પર ભાર મૂકીને કહ્યું.
"યસ, યૂ આર રાઈટ." તાન્યાએ કહ્યું, "એ તો સારું જ છે, કે તમે બંને એકબીજાને ઓળખો છો."
"શું સારું છે હે?" અપર્ણાએ થોડો ગુસ્સો કરીને કહ્યું, "આ તારો બોયફ્રેન્ડ?"
"બોયફ્રેન્ડ નહીં, એનો ફયૂચર હસબન્ડ છું." વિશ્વાસે કડક શબ્દોમાં કહ્યું, "એક અઠવાડિયા પછી અમારી સગાઈ અને એક મહિનાની અંદર અમારાં લગ્ન છે."
"તારી સાથે લગ્ન? એ પણ મારી બેસ્ટ ફ્રેન્ડ તાન્યાના? શક્ય જ નથી." અપર્ણાએ વિશ્વાસની સામે આંખો કાઢીને કહ્યું.
"તો તું અમારાં લગ્ન રોકીશ એમ?" વિશ્વાસે નેણ ઉંચા કરીને, આંખો ફાડીને પૂછ્યું.
"હાં, માત્ર તાન્યા જ નહીં. હું તો તું કોઈપણ છોકરી સાથે લગ્ન કરવાનો હોઈશ. દર વખતે તારાં લગ્ન રોકીશ." અપર્ણાએ વિશ્વાસની આંખોમાં આંખો નાંખીને કહ્યું.
"તમે બંને એકબીજા સાથે આમ કેમ વાત કરો છો? કોઈ મને જણાવશે?" ક્યારની અપર્ણા અને વિશ્વાસની વાતો સાંભળી રહેલી તાન્યાએ આખરે કંટાળીને પૂછ્યું.
"તું પહેલાં મારી સાથે ચાલ. હું તને રસ્તામાં બધું જણાવીશ." અપર્ણાએ તાન્યાનો હાથ પકડીને કહ્યું.
"તાન્યા ક્યાંય નહીં જાય." વિશ્વાસે તાન્યાનો બીજો હાથ પકડીને કહ્યું.
"ગાયઝ! પ્લીઝ સ્ટોપ ઈટ." તાન્યાએ પોતાનાં હાથ છોડાવીને કહ્યું, "લિસન અપર્ણા! હું વિશ્વાસને પપ્પાના કહેવાથી મળવાં આવી છું. એમનાં એક મિત્રએ અમને વિશ્વાસ વિશે જણાવ્યું હતું. પપ્પાને વિશ્વાસ પસંદ આવ્યો. મને પણ પસંદ આવ્યો. અમે છેલ્લાં બે દિવસથી એકબીજા સાથે વાત કરતાં હતાં." તાન્યાએ આખી કહાની જણાવતાં કહ્યું, "આ બે દિવસમાં મને વિશ્વાસ સાથે એક કનેક્શન ફીલ થવા લાગ્યું. એટલે હું આજે અહીં એને મળવાં આવી."
"બે દિવસમાં કનેક્શન ફીલ થયું? એ પણ વિશ્વાસ માટે?" અપર્ણાએ સહેજ હસીને કહ્યું, "શું મજાક છે, યાર."
"હેય યૂ, મજાક હોય કે ઉંધીયું શાક હોય. જે છે એ આ જ છે." વિશ્વાસે અકળાઈને કહ્યું, "હવે અમને શાંતિથી વાત કરવા દે."
"ઠીક છે, હાલ તો હું જાવ છું." અપર્ણાએ કહ્યું, "પણ, તારાં લગ્ન તાન્યા સાથે તો નહીં જ થવા દઉં." કહીને અપર્ણા ઉતાવળીયા પગલે કાફેના દરવાજા તરફ આગળ વધી ગઈ, અને દરવાજો ખોલીને બહાર આવતી રહી.
અપર્ણા અંદર તો કંઈ બોલી નાં શકી. પણ, બહાર આવીને એનો ગુસ્સો ફૂટી નીકળ્યો. એણે તરત જ આકાશમાં જોઈને ઉંચા અવાજે રાડ પાડી. એની એવી હરકતથી આજુબાજુમાંથી પસાર થતાં વ્યક્તિઓ એની સામે અજીબ નજરોથી જોવાં લાગ્યાં. એ બધાં લોકોની તરફ અપર્ણાની નજર જતાં જ એ નીચું મોં કરીને રસ્તા પર ચાલવા લાગી. એને એ પણ ભાન નાં રહ્યું, કે એ અહીં કાર લઈને આવી હતી. એ તો પગપાળા જ રસ્તા પર ચાલતી થઈ ગઈ. એ ક્યાં જઈ રહી હતી? એનું પણ એને ભાન ન હતું.



(ક્રમશઃ)


_સુજલ પટેલ "સલિલ"


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED