Nehdo - 67 books and stories free download online pdf in Gujarati

નેહડો ( The heart of Gir ) - 67

જામલાને કુંઢીએ શિંગડે ચડાવ્યો ત્યારે કુંઢીના શિંગડાની અણી જામલાની જાંઘમાં વાગી ગઈ હતી. જેવો જામલો નીચે પડ્યો ત્યાં ભેંસોનું ટોળું તેને માથા મારીને ગુંદવા લાગ્યું. આ ઘમાસણ ચાલતું હતું ત્યાં ગોવાળિયા પહોંચી ગયા. ગોવાળિયાઓએ ભુરાઈ થયેલી ભેંસોને લાકડીઓ ફટકારી પાછી વાળી. પરંતુ સાવજને ભાળીને ભેંસો ખૂબ આવેશમાં આવી જાય છે. પછી તેને કાબુમાં કરવી ખૂબ મુશ્કેલ થઈ જાય છે. પરંતુ વર્ષોથી ભેંસો ચરાવતા ગોવાળિયાઓ ભેંસોને કાબુમાં કરવાની રીત સારી રીતે જાણતા હોય છે. બધાએ થઈને ભેંસોને કાબુમાં કરી પાછી વાળી. પરંતુ પાડો આજે ખૂબ ગુસ્સામાં આવી ગયો હતો. એ તો હજી પણ ઊંચું મોઢું કરી જામલા પર હુમલો કરવાની તૈયારી કરતો હતો. અચાનક પાડાને ખુન્નસ ચડતા તે ફરી ફુફાડા મારતો જામલા તરફ દોડ્યો. જો તેને પાછો વાળવામાં ન આવે તો એ આજે ચોક્કસ ઘાયલ જામલાના રામ રમાડી દે એમ હતો. ગેલાએ પરિસ્થિતિ પામી જઈને હુમલા માટે દોડ્યા આવતા પાડા સામે દોડીને હોળ ઝાટકીને પાડાના નાખોરા ઉપર એક ડાંગ વળગાડી દીધી. આળી જગ્યા પર માંર લાગતા પાડાને કરંટ લાગ્યો હોય તેમ તેણે બ્રેક મારી દીધી. પાડો ઊભો રહી ગયો. ત્યાં તો બધા ગોવાળો પાડા પર ડાંગ લઈ તૂટી પડ્યા અને પાડાને ત્યાંથી ભગાડ્યો. પાડાના નાકમાંથી લોહી નીકળી ગયું. પરંતુ ગોવાળિયાઓએ જામલાને બચાવી લીધો. જામલો ઢસડાતો ઢસડાતો માંડ માંડ બાજુમાં આવેલા ડીંડલીયા થોરના છાયડે જઈ પડ્યો. ઘાયલ પગને લીધે લંગડાતો થોર સુધી તો તે માંડ પહોંચી શક્યો. જામલાના ઘામાંથી લોહી નીકળતું હતું. આજે જો માલધારીઓ ધારેત અને જામલાને ભેંસોને હવાલે કરી દીધો હોત તો ભેંસો જામલાને મારી નાખેત. આવી રીતે તે પોતાની ભેસને ઘાયલ કર્યાનો બદલો લઈ શકેત. સાવજ ઘણી વખત માલધારીઓના માલઢોરનો શિકાર કરતા હોય છે. તેમ છતાં માલધારીઓને સિંહ પરિવાર પ્રત્યે ક્યારેય રાગ દ્વેષ હોતો નથી.
ગોવાળિયાઓએ જામલાને ભેંસોથી છોડાવ્યો ને ભેંસોને આગળ હાંકલી લીધી. ઘાયલ જામલો થોરના ઢવાને છાયડે ઘાવમાંથી લોહી નીકળતી હાલતે હાંફી રહ્યો હતો. બે ગોવાળો દોડતા ટ્રેકર પાસે પહોંચી ગયા,તેણે આખી ઘટનાની વાત ટ્રેકરને કરી. ટ્રેકરોએ તરત સાસણ ઓફિસે જાણ કરી, ઘાયલ જામલાનું લોકેશન આપ્યું. સાસણ ઓફિસેથી અધિકારીઓ અને વેટરીનરી ડોક્ટર્સ જરૂરી સામાન સાથે અને પિંજરા સાથે આવી પહોંચ્યા. જામલાને બેભાન કરી ડોક્ટરોએ તેનો ઘાવ સાફ કર્યો. જરૂરી દવા આપી પાંજરામાં પૂરી જામલાને હેલ્થ સેન્ટરે લઈ ગયા. ત્યાં ઘણા દિવસ રાખ્યા પછી જામલાના ઘાવ રૂઝાતા ફરી તેને તેના વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો. આવી આવી તો ગીરના માલધારીઓ અને સિંહ વચ્ચેના લાગણીના સંબંધોની ઘણી વાતો છે.
ગીરના જંગલમાં માલઢોર પર ક્યારેક થઈ જતા આવા હુમલાઓને લીધે માલધારી હંમેશા ચેતતા રહે છે. તે માલને રેઢો મૂકતા નથી. જંગલમાં આવતા જતા માલની આગળ પાછળ બે ચાર જણનું રક્ષણ તો રાખે જ છે. દિવસ આથમ્યા પહેલા માલઢોર નેહડે પહોંચી ગયો. નેહડે પહોંચીને દરેકના માલઢોર ટોળામાંથી અલગ થઈને પોત પોતાની જોકમા હાલ્યા જાય છે. ગેલાની ભેંસોને બે ચાર દેશી ગાયો ગેલાના વાડામાં જવા લાગી. અમુક તાજી વિહાયેલી ભેંસો પાડુંને મળવા અધીરી થઈને વાડાના બદલે ઘરના ઝાપે જઈને રણકવા લાગી. કનાએ ડાંગ લઈ આવી ભેંસોને વાડા ભેગી કરી. રાજીને જીણીમા ભેંસ દોહવાની તૈયારી કરવામાં લાગી ગયા હતા. ગેલાએ ઓસરીની કોરે થાંભલીને ટેકે ડાંગ મૂકી હાથ પગ ધોઈને ખાણ ભરેલા પાવરા હાથમાં લીધા. કનો જોકમાંથી ચાર પાંચ ભેસો જે વધારે દૂધવાળી હતી તેને પહેલા ફળિયામાં લાવ્યો. હવે તો કનો પણ ભેંસો દોહી નાખતો હતો. ગેલો ભેંસ દોતો હોય ત્યારે રાજી આડી ઉભી રહે અને કનો ભેંસ દોતો હોય ત્યારે જીણીમાં આડા ઊભા રહે.
રામુઆપા વાડામાં પુરેલી ભેંસો પાસે આંટો મારી રહ્યા હતા. દોવાઈ ગયેલી ભેંસોને પાછી વાડે પૂરીને બીજી દોવાની બાકી ભેંસોને આગળ લાવી રહ્યા હતા. ગીરના નેહડાની સાંજ ખુબ સુંદર હોય છે. આખો દાડો ધોમ ધખતા તેજ પાથરીને થાકેલા સૂરજદાદા હજી હમણાં જ ડુંગરા પાછળ સંતાણા હતા. જેની ચાડી આકાશમાં આથમણી દશે ફેલાયેલા કેસરી કલર ખાઈ રહ્યો હતો. પંખીઓ પોતાની રોજની નક્કી કરેલી જગ્યાએ પાછા ફરી ચૂક્યા હતા. પંખીઓની રાત્રી રોકાણ માટેની જગ્યાના ઠેકાણા અલગ અલગ હોય છે. ચકલીઓ કાંટાળા બાવળની ડાળીઓ પર રાત્રી રોકાણ કરતી હોય છે. ઊંચા સાગના ઝાડની ડાળીઓ પર કાગડાઓ રાતવાસો કરતા હતા. ઘેઘુર ઘટાટોપ ઝાડીઓમાં મોરલા અને ઢેલડીઓ રાત વાસો કરતી હતી. ડેમને કાંઠે આવેલા ઝાડ પર બગલા અને જળ કૂકડાનો સમૂહ રાતવાસો કરતાં હતા. જે ઝાડ પર બગલા રાતવાસો કરતાં હોય તે ઝાડ રાતે આખું ધોળું દેખાય છે. નીચે પણ બગલાની ચરકથી ધોળું ધોળું થઈ ગયું હોય છે.
ગેલો ઢાળિયામાં ભેંસ દોહી રહ્યો હતો. રાજી ભેંસની આડે ઊભી હતી. આજે રાજીએ ફરીવાર કનાની સગાઈની વાત કાઢી."તમી રોજ ઉઠીને માલમાં આઢી જાવ સો તે ગામતરે કેદી જાહો?"ગેલો ભેંસ દોહવામાં તલ્લીન થઈ ગયો હતો. પોણી ભરેલી દૂધની ડોલમાં ફીણ ચડી ગયા હતા. એ ફીણની વચ્ચે હુંફાળા દૂધની શેરું રસ્તા બનાવી રહી હતી. દૂધની ડોલમાં જ ધ્યાન રાખીને ગેલાએ પૂછ્યું, "ગામતરે હુંકામ જાવું હે?" રાજીએ ગુસ્સામાં કહ્યું, "લિયો હાવ! બે દાડા પેલા વાત કરી અને આજે તો ભૂલી હોતે જ્યા. હવે કાંકય વેવાર કરતા હીખો. ક્યાં લગી આમ બેફિકરાઈમા કાઢશો? તે દાડે તમને કીધું તું ઈ મારી બેનપણી ગોદીની છોરીને નજરે તો કરી આવો. જો તમને ગોઠે ને તમે કો એટલે હું ગોદીને કશ એટલે ઈ ઈની છોરી આપણા ઘરે આલવાની ના નહીં કે."ગેલાએ બેફિકરાઇથી જવાબ આપ્યો." ઈ બધી મને કાંય ખબર નો પડે. આપા આંટો મારી આવશે."એવામાં ભેંસને માખી મચ્છર કરડવાથી ભેંસે પગ ઉલાળ્યોને ડોલને ઠેબે લીધી. ગેલાએ ડોલને પકડી લીધી, થોડું દૂધ ઝલકાણુ પણ ઢોળાતા બચી ગયું. રાજીએ ગેલાનો ગુસ્સો પણ ભેંસ પર ઉતાર્યો, "લે મરી ગઈ છે તે! બસાડીને વળી ઊભા રેતા ઘા વાગે સે. ખાણ તો હમણે બુકડા મોઢે ખાઈ લીધું!" એમ કહીને રાજી ભેંસના શરીર પર એક કપડેથી જોરથી ઝાપટ મારીને માખી મચ્છર ઉડાડવા લાગી.વળી રાજી બોલી, "આપાએ તો બસાડાએ આખી જિંદગી દોડાદોડી કરી હે. હવે તો તમી કાક્ય શીખો. ઈના છોકરા ઈને વરાયા.હવે તમારો છોરો તમે વરાવો."ગેલો હજી ભેંસના આંચળ તાણીને શેડ્યું પાડી રહ્યો હતો. તેણે ડોલમાં જ ધ્યાન રાખી રાજીને જવાબ વાળ્યો, "એક દાડો જય આવીશ બસ! નિયા આયાથી તારી બેનપણીનો નેહડો ક્યાં સેટો છે? પઘડાનો ઘા સે. એક દાડો મોટરસાયકલ મારીશને તે કલાકમાં તો ન્યા!"રાજીએ મેણું મારતા ગેલાને કહ્યું, "પણ ઈ એક દાડો કએ આવશે? મારું આખું માથું ધોળું થય જાય તેદી?"
નેહડામાં બંને જણનો મીઠો ઝઘડો ચાલતો હતો. ત્યાં ગીરના ઘેરા અંધકારને ચિરતા મોટર જેવા વાહનની લાઈટના બે શેરડા ઉપર નીચે થઇ રહ્યા હતા. જે ગીરના ઉબડ ખાબડ રસ્તે ચાલી આવતી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જીપના હતા. આ લાઈટ વધુને વધુ નજીક આવતી ગઈ. અને ગેલાના નેહડાના ઝાપે આવી અટકી ગઈ. નેહડાના ઝાપે જીપ આવી ઉભી રહીને આખા નેહડાને પીળા પ્રકાશથી નવરાવતી લાઈટ બંધ થઈ. લાઈટ બંધ થવાથી અંધારાએ ફરી પોતાનું સામ્રાજ્ય ફેલાવી દીધુ.આ અંધકારને ડારવા મથતાં હોય તેમ નેહડામાં એક સોલર લાઈટ અને બહાર ખોડીયાર માતાજીની દેરીએ એક દીવડો ઝબૂકી રહ્યાં હતાં.
ક્રમશ: ..
(આજે નેહડે ફોરેસ્ટની ગાડી કેમ આવી હશે? જાણવા માટે વાંચતા રહો "નેહડો(The heart of Gir)"

લેખક: અશોકસિંહ એ. ટાંક
Watsapp no. 9428810621


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED