એક પત્ર ભુજીયા ડુંગરને Gor Dimpal Manish દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • અપહરણ - 11

    11. બાજી પલટાઈ   અંધારું સંપૂર્ણપણે ઊતરી આવ્યું હતું. હું, થ...

  • રેડ સુરત - 3

      2024, મે 17, સુરત         ચાર પ્લૅટફોર્મ ધરાવતા સુરત રૅલ્વ...

  • લવ યુ યાર - ભાગ 72

    સાંવરી વારંવાર તે નંબર ઉપર ફોન કરતી રહી પરંતુ ફોન ઉપડ્યો નહી...

  • એક અનુભવ - પાર્ટ 3

    સેકન્ડ વિચારી હું પૈસા પાછા લઈ ચાલવા લાગી તે પાછળ પાછળ દોડી...

  • ઉર્મિલા - ભાગ 6

    અંબિકા ગઢના મહેલથી પરત ફર્યા પછી, ઉર્મિલા અને આર્યનના જીવનમા...

શ્રેણી
શેયર કરો

એક પત્ર ભુજીયા ડુંગરને

તા.28/8/2022
તિથિ: ભાદરવા સુદ એકમ
ભુજ કચ્છ

ગૌરવાંતી
ભુજના પ્રવેશદ્વાર સમા અને હૃદયમાં બિરાજનાર એવા ભુજીયા પર્વતને મારા શત શત પ્રણામ.🙏

સારા વરસાદને કારણે લીલી ધરતીની ઝાંય અને પ્રકૃતિના સોળ શણગારથી શોભાયમાન થયેલ હોવાથી તું ખૂબ જ આનંદમાં હોઈશ એમ હું માનું છું. હું પણ આનંદ માં જ છું.

કોરોનાકાર પહેલાં (લગભગ ત્રણ વર્ષ) તારી મુલાકાતે અમે બધા આવ્યા હતા. તારા સાથે નો પરિચય એમ તો બાળપણથી જ છે ઘરની આગાસીએ ચઢીએ તો તું દેખાય શાળાએ, મંદિરે કે અન્ય જાહેર સ્થળો પરથી પણ તું દેખાય અને હાં પેલા દરબારગઢમાં આવેલ ઊંચા ટાવર પર ચઢીને તને જોઈએ ત્યારે તારો સમગ્ર વિશાળ સૌંદર્યને હું જોઈને અંજાઈ જતી હતી.ભુજ માં કોઈ પણ દિશાથી પ્રવેશું સૌ પ્રથમ તારા જ દર્શન થાય. ને મને હાશકારો થાય કે હવે ભુજ આવ્યું.એમ તો આપણી મુલાકાત કેટલીયે વખત થઈ છે પણ આજે તને પત્ર લખવા પાછળનો હેતુ કઈક અલગ જ છે. આનંદ છે કે હવે તું તારા નવા અવતારમાં અમને જોવા મળીશ. તારી તળેટી પર સુંદર અને અદભૂત એવું સ્મૃતિવન બની રહ્યું છે. આજેેઆપણા દેશનાં લોક લાડીલા એવાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈભાઈ મોદી ના વરદ હસ્તે લોકાર્પણ થઈ રહ્યું છે તે માટે તને ખુબ અભિનંદન પાઠવવા હતાં.

તારી તળેટી પર ભુજંગ નાગનો વાસ, જાડેજા રાજવીઓ દ્વારા બનાવેલો કિલ્લો,ઐતિહાસિક યુદ્ધો આ બધુંજ ઇતિહાસના સોનેરી પાનાંમાં લખાયેલ છે અને હા તારા જ નામ પરથી તો આ ભુજ નગર વસ્યું. એટલેજ તો જ્યારે જ્યારે ભુજ શબ્દ કાને અથડાય ત્યારે તારું સ્મરણ અચૂક થાય. ફક્ત યુદ્ધ જ કેમ તે તો આ કચ્છની ભૌગોલિક પરિસ્થિતિઓ, કુદરતી આપત્તિઓ જેમ કે ભૂકંપ, વાવાઝોડું, દુકાળ અને કેટલાય ગામોનો વિનાશ અને નવસર્જન આ બધું જ તે સાક્ષી રૂપે જોયું છે અને અનુભવ્યું છે. દુખ-સુખ ના ભાવો ને તે પણ અનુભવ્યા હશે.છતાંય તું સદાય અડીખમ રહી અમારો રક્ષણહાર બન્યો છે.તારી અડગતા, સ્થિરતા જ્યારે જ્યારે જોયું છે, અનુભવ્યું છે ત્યારે કૃષ્ણની કહેલી ગીતાના સ્થિત પ્રજ્ઞના લક્ષણો યાદ આવી જાય છે. તારી આ જ મક્કમતા અને નીડરતા જોઈને જીવન સંઘર્ષથી લડવા માટે હું પ્રેરિત થાઉં છું.

રોજ કેટલાંય લોકો તને મળવા આવતાં હશે. વહેલી સવારે મોર્નિંગ વોક માટે આવતાં લોકોથી જ તારી હવે સવાર થતી હશે.નવદંપતી તારા આશીર્વાદ લઈને જ પોતાના નવા જીવનની શરૂઆત કરે છે. કેટલાક પ્રેમી યુગલો, નાના બાળકો, સ્ત્રીઓ યુવાનો અને વૃદ્ધો જ્યારે છેક ઊપર તારી ટોચ પર પહોંચી જાય અને પછી આખાય ભુજની સુંદરતા પોતાની આંખો માં કેદ કરી ઘરે જતાં હશે ત્યારે તું પણ ખૂબ
આનંદ માં આવી જતો હોઈશ. તારી પાસે આવી કેટલાંય લોકો પોતાની મનોવ્યથા, વિચારો, દુઃખ-સુખ ના પ્રસંગો કહેતાં હશે. અને નિશ્ચિંત બની ઘરે જતાં હશે. કિલ્લા ના એક ખૂણે જ્યાં ભુજંગ નાગની નાનકડી દેરી છે ત્યાં રાતે આછા અજવાસમાં પ્રજવળતો દીવો અને દેરી ઉપર હવામાં ફરફર થતું કેસરિયો પતાકો જાણે તારો સંદેશ આપતાં હોય કે,'હે ભુજ વાસીઓ નિરાંતે રહેજો હું છું તમારી પાસે! 'અને તારા જ આશિર્વાદ અને પ્રેરણાથી આ ભુજ ફરી નવા રૂપમાં જોવા મળ્યું છે.
આજે મને પેલા દિવસની ઘટના અંગે પણ વાત કરવી છે જ્યારે હું તારી પાસે થી પસાર થઈ રહી હતી અને મારી નજર પેલાં મોટા મોટાં જેસીબી મશીનો પર પડી હતી જે તારો કેટલોક હિસ્સો કાપી જમીનને સમતલ કરી રહ્યા હતા. અને મારા દિલમાં એક ફાળ પડી હતી જાણે મારા જ શરીરના કેટલાંક અંગો છેદાઈ રહ્યાં હોય એવું મેં અનુભવ્યું. પણ આ પીડા થોડીક જ ક્ષણોમાં સમી ગઈ હતી જ્યારે મેં જાણ્યું કે આપણા દેશનાં લોક લાડીલા એવાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ' સ્મૃતિ વન મેમોરિયલ " નું કાર્ય શરુ થયું છે. મારી નજર એકાએક તારી ટોચે ફરફરતી ધજા પર પડી અને તું મને કહી રહ્યો હોય કે, ' પરિવર્તન એ જ સંસાર નો નિયમ છે.' અને આજે એ શુભ દિવસ આવી પહોંચ્યો. આપણાં દેશના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે તારા સ્મૃતિ વનનુ ઉદઘાટન થઈ રહ્યું છે.

આ સુંદર સ્મૃતિવન મ્યુઝિયમ, ૫૦ચેકડેમો, સન પોઇન્ટ, ત્રણ લાખ વૃક્ષો, કચ્છ સંસ્કૃતિની ઝલક આપતું પ્રદર્શન, સોલાર પાવર પોઇન્ટ થી સજ્જ થઈ રહ્યું છે. ભૂકંપ પીડિતોની યાદ માં ૧૩,૦૦૦ જેટલાં નામો ની યાદી આ સ્મૃતિ વનમાં જોવા મળશે જેમાં કેટલાંય નામો પરિચિત હશે. અને તેમના સાથે ની મુલાકાત અને સ્મરણો યાદ આવી જશે. અને તે ક્ષણને અનુભવુ છું ત્યારે
આંખ સામે કરગરે ચ્હેરો ફરી,
યાદનો સાગર ધરે ચ્હેરો ફરી.
પાંપણે મોતી લટકતાં જે કદી
વિનોદ માણેકની ગઝલ ની પંક્તિ યાદ આવી જાય છે. પણ
આ તારો નવો અવતાર આવનાર દિવસોમાં એક નવો ઇતિહાસ બનાવવા જઈ રહ્યો છે જે આવનાર નવી પેઢી માટે કચ્છની સંસ્કૃતિ અને ઈતિહાસ જાણવા માટે મદદ કરશે. અને આ ગૌરવવંતી કચ્છની સંસ્કૃતિ અને પરંપરાને સાચવવા માટે પ્રેરીત પણ થશે.

તારું આ નવું સ્વરૂપ બધાં ને ખૂબ ગમ્યું છે મને પણ . પણ જ્યારે તારા સાથેના જૂના સ્મરણો યાદ કરું છું ત્યારે માનસપટ પર તારી જૂની તસવીર જ દેખાય છે, અને કવિ
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

ઘર-જગત સુંદર હતું પણ શોધતું’તું શુંય મન,
ધૂળમાં આમ જ જીવન પ્રત્યેક ક્ષણ ચાલ્યું ગયું.

પણ તે જ તો મને શીખવ્યુ છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. અને હવે તું દુનિયા માં એક ઉચ્ચ સ્તરીય સ્થાન પર બિરાજમાન થવા જઈ રહ્યો છે. એ માટે મને અને કચ્છ વાસીઓને ગૌરવ છે.

તારા નવા અવતારને, નવા રૂપને મળવા હું ખૂબ આતુર છું એટલે મારી કલમને અહીજ વિરામ આપું છું. હું ભગવાન પાસે પ્રાર્થના કરીશ તારો નવ આવતાંર પૃથ્વીના અંંતીમ ક્ષણ સુધી કયામ રહે. માનવપ્રકૃતિ કે કુદરતી આફતો વડે થતી હાની થી સુરક્ષિત રહે. તારી અડગતા,સ્થિરતા અને મક્કમતા વડે લોકો ને નવા મારગ પર ચાલવા માટે પ્રેરણા મળતી રહે.

અસ્તુ.

જય શ્રી કૃષ્ણ

ડિમ્પલ ગોર.

🌹🙏🙏🌹