સંતાપ - 11 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંતાપ - 11

૧૧ જયારાજનો દાવ ....!

 રાતના સાડા બાર વાગ્યા હતા.

 નાગપાલે પોતાના શયનખંડમાં પ્રવેશીને લાઈટ ચાલુ કરવા માટે સ્વીચ બોર્ડ તરફ હાથ લંબાવ્યો.

 ‘લાઈટ ચાલુ કરશો નહીં નાગપાલ સાહેબ ...!’ અંધકારમાં જ એક ચેતવણીભર્યો અવાજ ગુંજ્યો, ‘ચુપચાપ પલંગ પે બેસી જાઓ ...!’

 લાખો માણસોના અવાજ વચ્ચે પણ નાગપાલ આ અવાજને ઓળખી શકે તેમ હતો.

-------એ અવાજ જયરાજનો હતો...!

 ‘જયરાજ તું ...? ઈશ્વરનો પાડ કે તું જીવતો છો ...!’ કહીને તે પલંગ પાસે ખુરશી પર બેઠેલી આકૃતિ તરફ ધસી ગયો.

 ‘નાં..નાગપાલ સાહેબ ...! પલંગ પર બેસી જાઓ ..!’ જયરાજની કર્કશ અવાજ ગુંજ્યો, ‘હું મારા મિત્ર છે, તે નાગપાલ સાહેબ પાસે આવ્યો છું કે એક કર્તવ્યનિષ્ઠ સી.આઈ.ડી. ઓફિસર મેજર નાગપાલ પાસે આવ્યો છું, એની મારે ખાતરી કરાવી છે !’

 ‘આ તું કેવી વાત કરે છે જયરાજ ....?’ નાગપાલ પલંગ પાસે પહોંચીને બોલ્યો. પલંગ પર બેસવાનો એણે કોઈ પ્રયાસ ન કર્યો.

 ‘બેસી જાઓ નાગપાલ સાહેબ..! નાહક જ થાકી જશો ...! મારે તમારી સાથે ઘણી વાતો કરવી છે !’

 ‘હું પણ તારી પાસેથી ઘણી વાતો જાણવા માંગુ છું જયરાજ ....!’ નાગપાલ પલંગ પર બેસતાં બોલ્યો.

 ‘તમે મારો અત્યારનો ચહેરો જુઓ એમ હું નથી ઈચ્છતો ...! હું અંધારામાં જ તમારી સાથે બધી વાત કરીશ !’

 ‘તું સહીસલામત છો એ જ મારે માટે ઘણું છે જયરાજ ....!’નાગપાલ કોમળ અવાજે બોલ્યો, ‘રાજેન્દ્રના ખૂન પછી મને તારી ખૂબ જ ચિંતા સતાવતી હતી. કારણ કે ખૂનીને તારા સુધી પહોંચવા માટે મોકળું મેદાન મળી ગયું હતું !’ 

 ‘એટલે ....? હું સમજ્યો નહીં ...? રાજેન્દ્રના ખૂનની વાતે મને મૂંઝવણમાં મૂકી દીધો છે. એ બિચારાને મારે કારણે જ પોતાનો જીવ ગુમાવવો પડયો છે એની ખબર પડ્યા પછી હું ખૂબ જ દુખી થઈ ગયો છું.’

 ‘શું તેં એને કોઈ પત્ર લખ્યો હતો ?’

 ‘હા....પરંતુ આ વાતની તમને કેવી રીતે ખબર પડી ?’

 ‘કારણ કે તારો લખેલો પત્ર કબજે કરવા માટે જ રાજેન્દ્રનું ખૂન થયું હતું. એટલું જ નહીં, ત્યાર પછી તેના સહકારી જમશેદને પણ મારી નાખવામાં આવ્યો હતો. જમશેદે અજાણતાં જ ખૂનીને સાથ આપ્યો હતો અને પછી પોલીસનો સંપર્ક સાધવાના પ્રયાસમાં તે પણ માર્યો ગયો હતો.’

 ‘પરંતુ મારા પત્રને કારણે રાજેન્દ્રનું ખૂન શા માટે થયું ?’

 ‘શું તેં એ પત્રમાં તારું સરનામું નહોતું લખ્યું ?’

 ‘લખ્યું હતું, ઓહ સમજ્યો.....! ખૂનીનો હેતુ મારા સુધી પહોંચીને મને પણ મારી નાંખવાનો હશે !’

 ‘હા....એટલા માટે જ મને તારી ખૂબ ચિંતા થતી હતી. તારો પત્ર ખૂની સાથે જ લઇ ગયો હતો. તું ક્યાં છો, એની તેને ખબર હતી. એ ચોક્કસ જ તને મારી નાંખવા માંગતો હતો. નહીં તો પત્ર મેળવવા માટે તે બબ્બે જણનાં લોહી શા માટે રેડે ?’

 ‘પરંતુ મારી પાસે તો ખૂની આવ્યો જ નથી ! હું હરદ્વારની કાવેરી હોટલમાં રહેતો હતો. મેં પત્રમાં એ હોટલનું જ સરનામું લખ્યું હતું. ખૂનીએ મારું ખૂન કરવા માટે ત્યાં જ આવવું જોઈતું હતું. પરંતુ તે નથી આવ્યો. હું એક અઠવાડિયા સુધી એ હોટલમાં રોકાયો હતો ! મારું સરનામું મળ્યા પછી ખૂનીએ મને શા માટે છોડી દીધો એ વાત ખરેખર નવાઈ પમાડે તેવી છે !’

 ‘ખૂની તારી પાસે નથી આવ્યો ?’ નાગપાલે આશ્ચર્યથી પૂછ્યું. ‘તે કોઈક બીજા રૂપમાં તારી પાસે આવ્યો હોય એ બનવાજોગ છે !’

 -નાગપાલની વાત સાંભળીને સહસા જયરાજની નજર સામે સુંદરલાલ પાવાગઢીનો ચહેરો તરવરી ઊઠયો.

 ‘હા....એક માણસ આવ્યો હતો !’ તે ઉત્તેજિત અવાજે બોલ્યો , ‘પરંતુ એ તો મારો મિત્ર બનીને આવ્યો હતો..! એ માણસે જ મને ફોન કરીને જણાવ્યું હતું કે સુમન અને અજીત ભુપગઢના ફાર્મહાઉસમાં મોજ-મજા કરે છે ...!’

 ‘કોણ છે એ ...?’

 ‘એ હું અત્યારે કહી શકું તેમ નથી.પરંતુ મારા સુધી પહોંચવા માટે એની પાસે પૂરતાં કારણો હતાં.મારું સરનામું તેની પાસે ક્યાંથી આવ્યું, એનો પણ વ્યાજબી ખુલાસો એણે કર્યો હતો ..!’

 ‘એ જ ખૂની છે જયરાજ ...! રાજેન્દ્ર પાસેથી મળેલા પત્રના આધારે જ એ તેની પાસે પહોંચ્યો હતો.!’

 ‘હું તેને ઓળખું છું અને આ બાબતમાં ફરીથી પૂછી પણ લઈશ ! પરંતુ પહેલા તમે મારે વિશે શું માનો છો , એ વાતનો જવાબ આપો ...!’

 ‘જયરાજ ...મારો ઈશ્વર જાણે છે કે મેં ક્યારેય તને ખૂની નથી માન્યો ...! તારા કેસની તપાસ હું જ કરું છું !’

 ‘અને તેમ છતાંય મારી વિરુદ્ધ બ્લેક વોરંટ નીકળી ગયું ...? શું તમારી તપાસ આ જ હતી ..? જો મારી વિરુદ્ધ વોરંટ કાઢવામાં ન આવ્યું હોત તો હું ઘણા સમય પહેલાં જ આવીને તમને મળત !’

 ‘એમાં મારી કોઈ દરમિયાનગીરી નહોતી. બધું ઉપરના દબાણને કારણે થયું હતું....!’

 ‘ઉપરનું દબાણ એટલે ...?’

 ‘તું અજીતના બાપને નથી ઓળખતો ...! તે એક નંબરનો હરામખોર છે ! ખૂબ જ પૈસાદાર છે અને કેન્દ્રના મંત્રીઓ સુધી તેના હાથ પહોંચે છે ! એની લાગવગને કારણે જ હાઈકોર્ટે તારી વિરુદ્ધ એક વર્ષનું વોરંટ કાઢ્યું હતું.!’

 ‘તમે વિરોધ નહોતો કર્યો ?’

 ‘મારા રીપોર્ટની કોર્ટને દરકાર નહોતી. પરિસ્થિતિજન્ય સાક્ષીઓના આધારે કોર્ટે માની કીધું કે કોઈ પોલીસ ઇન્સ્પેક્ટરનું નાસી છૂટવું જ તેના ગુનાની કબુલાત છે .કારણ કે એક પોલીસ ઇન્સ્પેક્ટરમા એટલી અક્કલ તો જરૂર હોવી જોઈએ કે કાયદો નિર્દોષને કોઈ સજા નથી કરતો ! ઉપરાંત કોર્ટ તરફથી તને કાયદા સમક્ષ હાજર થવાની જાહેરાત પણ આપવામાં આવી હતી !’

 ‘હા...મેં એ જાહેરાત વાંચી હતી. પરંતુ અસલી ગુનેગારો સુધી પહોંચવા માટે મારે ફરાર જ રહેવું જરૂરી હતું.’

 ‘ત્યાર બાદ જગદેવ મરચંટે અખબારોને હથિયાર બતાવીને જે સમાચારો છપાવ્યા, એનાથી કોર્ટ પર દબાણ આવ્યું અને તને શંકાસ્પદ આરોપી નંબર એકમાંથી ગુનેગાર ઠરાવીને વોરંટ કાઢવામાં આવ્યું !’

 ‘જીવતો કે મરેલો પકડવાનું બ્લેક વોરંટ અને એ પણ કાયદાના એક સાચા રખેવાળ વિરુદ્ધ ....!’ જયરાજ કડવા અવાજે બોલ્યો.

 ‘તું જગદેવ મરચંટને નથી ઓળખતો .....! એ ખૂબ જ ખતરનાક માણસ છે ! હું આ કેસ પર કામ જ ન કરું એમ એ ઈચ્છતો હતો. મને તો એ માણસ પ્રત્યે એટલી નફરત થઈ ગઈ હતી કે મેં એના ગાલ પર એક તમાચો પણ ઝીંકી દીધો હતો ....!’

 ‘અને તમે વોરંટનો વિરોધ શા માટે ન કર્યો ....? વિરોધ કરવાથી તમારી વર્દી ઊતરાવી નાખવામાં આવશે એવો ભય શું તમને લાગતો હતો ...?’

 ‘ના .’ નાગપાલે એક ઊંડો શ્વાસ લેતાં કહ્યું.

 ‘તો ...?’

 ‘કેસની તપાસ મારા હાથમાં જ રહે એમ હું ઈચ્છતો હતો.તું મારી પાસે આવ એની જ હું રાહ જોતો હતો. હું તારે માટે જરૂર પડ્યે કાયદાની મર્યાદા પણ તોડી શકું તેમ છું. કારણ કે તું ખૂની નથી એ વાતની મને પૂરી ખાતરી છે.’ 

 ‘અજીત અને સુમનનાં ખૂનો શા માટે થયાં હતાં એની મને ખબર છે.’

 ‘શું ?’ નાગપાલે ચમકીને પૂછ્યું.

‘હા...અને હવે હું અમુક વાતો જાણવા માંગું છું.’

‘તારે શું જાણવું છે ?’

‘એ જ કે મારી ગેરહાજરીમાં અહીં શું બન્યું હતું !’

‘શરૂઆતથી જ જણાવું...?’

‘હા...’

‘તો સાંભળ....’ નાગપાલ ગંભીર અવાજે બોલ્યો, ‘છઠ્ઠી જુલાઈની રાત્રે ફોન સાંભળી, જરૂરી કામ પડતું મૂકીને તું રવાના થઈ ગયો હતો. જયારે હું રીપોર્ટ તૈયાર કરવા માટે તારી ઓફીસમા જ બેઠો હતો. તારા ગયા પછી લગભગ બે કલાસ બાદ એક અજાણ્યા માનવીનો ફોન આવ્યો હતો. એ માનવી સુમનની બેવફાઈ જોવા માટે તને ભૂપગઢ ખાતે ફરમહાઉસમાં બોલાવવા માંગતો હતો. મેં તેને કહ્યું કે તું ક્યાંક બહાર ગયો છો, તો એણે જણાવ્યું કે તું જયારે પણ આવે ત્યારે તને આ વાતની જાણ કરી દઉં !’ 

‘શું એ માણસનાં મોંમાંથી વાત પૂરી થયા પછી ફૂંક મારતો હોય એવો અવાજ નીકળતો હતો ?’

‘ના, બિલકુલ નહીં ! પરંતુ મેં ફોનમાં અમુક બીજા અવાજો જરૂર સાંભળ્યા હતા ! અમિતાભ બચ્ચન અને દિલીપકુમારને ચમકાવતી ફિલ્મ શક્તિનાં ડાયલોગ સાંભળતા હતા. કોઈક વિડીયો પર ફિલ્મ જોતું હોય એવું લાગતું હતું !’

‘આ સિવાય બીજી કોઈ ખાસ વાત હતી ?’

‘હા...વાતચીત દરમિયાન એક વખત નિરમા ઇન્ડસ્ટ્રીઝની જાહેરાત પણ આવી હતી. જયારે શક્તિ ફિલ્મમાં દિલીપકુમાર અમિતાભના અપહરણની ધમકીને વશ થવાનો ઇનકાર કરે છે, ત્યારે આ જાહેરાત આવી હતી.’

‘બસ ?’

‘હા....ફોન કરનાર અવાજ બદલીને બોલતો હોવાને કારણે હું તેને ઓળખી શકું તેમ નથી.’

‘ખેર, કેસની પ્રાથમિક તપાસ શું હતી ?’

‘રાત્રે સાડા અગિયાર વાગે અમને કંટ્રોલ રૂમથી સમાચાર મળ્યા કે ઇન્સ્પેક્ટર જયરાજ ચૌહાણે ભૂપગઢ નજીક એક ઉજ્જડ ફાર્મહાઉસમા પોતાની પત્ની તથા અજીતમરચંટનાં ખૂનો કરી નાંખ્યા છે. એ વખતે હું તારા પાછા ફરવાના રાહ જોતો હતો. આ સમાચાર સાંભળીને મારા તથા દિલીપના આશ્ચર્યનો પાર નહોતો રહ્યો. અમે તરત જ કમિશનર સાહેબને જાણ કરી. તેમણે તાબડતોબ અમને ફાર્મહાઉસે પહોંચવાની સૂચના આપી. રાત્રે બાર વાગે અમે ત્યાં પહોંચ્યા. સાવચેતી ખાતર મેં તારા ફ્લેટ પાસે પણ ચક્કર માર્યું હતું. અને થોડી મીનીટો સુધી રાહ પણ જોઈ હતી. પરંતુ તું ન આવ્યો એટલે અમે ભૂપગઢ ખાતે ઉજ્જડ ફાર્મહાઉસમાં પહોંચ્યા.ફાર્મહાઉસમાં લાઈટની વ્યવસ્થા નહોતી એટલે સર્ચલાઈટો મંગાવવામાં આવી. પછી સાવચેતીથી ત્યાંનાં એક એક ખૂણા તપાસવામાં આવ્યા. ત્યાં અમને તારા મોટરસાઈકલ ઉપરાંત એક ચાર ટાયરવાળા વાહનનાં નિશાન પણ જોવા મળ્યા. એ નિશાન અજીતની મારુતિ વન થાઉઝંડ કારનાં જ હતા. ફાર્મહાઉસના બેડરૂમમાં નિર્વસ્ત્ર હાલતમાં અજીત તથા સુમનના મૃતદેહો પડ્યા હતા. પરંતુ પોસ્ટમોર્ટમના રીપોર્ટ પરથી સ્પષ્ટ થઈ ગયું કે તેમને સેક્સની ભૂખ નહોતી. અર્થાત તેમને બળજબરીપૂર્વક નિર્વસ્ત્ર કરવામાં આવ્યાં હતાં. રૂમમાં ગાલીચો પાથરેલો હોવાને કારણે પગલાંની છાપ નહોતી મળી. અલબત્ત, કાર પડી હતી, ત્યાંની કાચી જમીન પરથી ગૂંચવાયેલા મિક્સ થયેલા પગલાંની છાપ જરૂર મળી હતી. તેનું વિશ્લેષણ કરવાથી જાણવા મળ્યું કે તે ચાર માણસોનાં પગલાંની છાપ હતી. સુમન તથા અજીતના મૃતદેહોમાંથી જે ગોળીઓ મળી હતી, તે બેલેસ્ટિક એક્સપર્ટના રીપોર્ટ મુજબ તારી સર્વિસ રિવોલ્વર છે, એ જ બનાવટની રિવોલ્વરમાંથી છોડવામાં આવી હતી. ગોળીઓ છૂટવાનો અવાજ કોઈએ નહોતો સાંભળ્યો જેના પરથી સ્પષ્ટ થાય છે કે રિવોલ્વરની નળી પર સાયલેન્સર ચડાવેલું હતું. ત્યાંથી અમને બે ગ્લાસ પણ મળ્યા હતા. જેના પર અજીત તથા સુમનના આંગળાની છાપ હતી. પરંતુ પોસ્ટમોર્ટમ દરમિયાન એક બીજી વાત પણ બહાર આવી હતી.અને તે એ કે અજીત-સુમનની હોજરીમાં કોરી વ્હીસ્કી હતી....પાણી નહીવત જ હતું. આના પરથી એવું તારણ કાઢી શકાય કે બંનેને બળજબરીપૂર્વક વ્હીસ્કી પીવડાવવામાં આવી હતી.એટલું જ નહીં વસ્ત્રો ઉતારવાની પણ ફરજ પાડવામાં આવી.અને ગોળી ઝીંક્યા પછી તેમણે આલિંગનબદ્ધ હાલતમાં સુવડાવી દેવામાં આવ્યાં ..! તારા કહેવા મુજબ તે એ બંનેના દેહને અલગ કર્યા હતા. ત્યાર બાદ તું નાસી છૂટ્યો. એ રિવોલ્વર પણ તારી જ હોવી જોઈએ કારણ કે તારા ફલેટમાંથી અમને તારી સર્વિસ રિવોલ્વર નહોતી મળી. પછી અજીતના બાપની લાગવગના જોરે તને ગુનેગાર જાહેર કરી દેવામાં આવ્યો. પરંતુ ખૂની તને પણ શોધતો હતો. રાજેન્દ્ર વિશે તે જાણતો હતો અથવા તો એણે પાછળથી જાણ્યું હતું.રાજેન્દ્રને તારો પત્ર મળ્યો અને તે પત્રને કારણે તે માર્યો ગયો. હબસી જેવો મેકઅપ કરેલા એ નરાધમે રાજેન્દ્રના સહકારી જમશેદનું મોં પણ બંધ કરી દીધું. જેથી કરીને એનો ભેદ જળવાઈ રહે! પરંતુ સરનામું મળ્યા પછી પણ એણે તારું ખૂન ન કર્યું.ખેર, મેં એક જાહેરાત આપી હતી. આ બધા ખૂણો પાછળ કોઈક ભયંકર ષડયંત્ર છે એવી મને શંકા હતી. એ જાહેરાતના પરિણામે એડવોકેટ જગમોહન બક્ષીએ મારો સંપર્ક સાધ્યો અને....’ કહીને નાગપાલે તેણે જગમોહન સાથે બનેલા બનાવની હકીકત તેને જણાવી દીધી .

‘જગમોહન બક્ષી જેવો માણસ ખોટું ન જ બોલે ...!’ બધી વિગતો સાંભળ્યા પછી જયરાજે ગંભીર અવાજે કહ્યું, ‘સુમને જરૂર તેને કવર આપ્યું હશે. પરંતુ એક વાત મને સમજાતી નથી !’

‘કઈ વાત ...?’

‘પોતે જગમોહનને આવું કોઈ કવર આપ્યું છે એ વાત સુમને મને શા માટે નહોતી જણાવી ...?’

‘તારા આ સવાલનો જવાબ તો સુમન જ આપી શકે તેમ હતી . જો કવર મળ્યું હોત તો પણ કંઇક સૂઝ પડત .....! અજીત અને સુમનનાં ખૂનો શા માટે થયાં હતાં એની તને ખબર છે ખરું ને ?’

‘હા ....આ બાબતમાં હું તમને વિગતવાર જણાવું છું. હરદ્વારમાં મારી પાસે જે માણસ આવ્યો હતો, એણે કહ્યું હતું કે બે કરોડનું સોનું ...’

જયરાજે સુંદરલાલ પાવાગઢી તથા પરવેઝ સિકંદરના નામો છુપાવીને બાકીની બધી વિગતો નાગપાલને કહી સંભળાવી.

‘આનો અર્થ એ થયો કે અજીત અને સુમન લુંટારાઓ વિશે જાણતાં હતાં. એટલું જ નહીં, અજીત આ લુંટારાઓ અને ખૂનીને બ્લેકમેઈલ પણ કરતો હતો ખરું ને ...?’

‘હા...’

‘ખેર, જે માણસ તારી પાસે હરદ્વારમાં આવ્યો હતો, તે કોણ છે ?’ નાગપાલે પૂછ્યું.

‘નાં..હું એ માણસનું નામ જણાવવા નથી માંગતો કારણ કે તે દાણચોરીના સોનાની લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને તે પોલીસ ખાતાની હડફેટમાં આવે એમ હું નથી ઈચ્છતો. એણે મને ખૂબ જ મદદ કરી છે !’

‘તારા એ મદદગારને હું કોઈ નુકસાન નહીં પહોંચાડું ! આ મારું તને વચન છે ...!’

‘ઓ.કે. .એ માણસનું નામ સુંદરલાલ પાવાગઢી છે ...!’

‘અને જે દાણચોરનું સોનું લૂંટવામાં આવ્યું હતું, તેનો એજન્ટ કોણ છે ?’

‘સુલતાન એહમદ ...! તમારે એને પણ હેરાન નથી કરવાનો ...!’

‘તું ભરતપુરના અગ્રગણ્ય નાગરિક સુલતાન એહમદની વાત કરે છે ?’ નાગપાલે ચમકીને પૂછ્યું.

‘હું એ સફેદપોશની જ વાત કરું છું !’

‘તેં જે વાત જણાવી છે, એ પ્રમાણે શંકાસ્પદ ખૂનીઓની યાદીમાં આટલા લોકોનો સમાવેશ થાય છે.નંબર એક સુંદરલાલ પાવાગઢી, નંબર બે જો પેલા હબસીએ મેકઅપ ન કર્યો હોય અને એણે જે સોનું લુંટ્યું હોય તો બીજો નંબર તેનો...ત્રીજા નંબર પર આપણે સુલતાન એહમદનું નામ મૂકી શકીએ તેમ છીએ.ચોથો નંબર અજીત મરચંટના બાપનો છે.પાંચમો નંબર જગન ચૌધરી નામના પ્રાઈવેટ ડિટેકટીવનો છે ...!’

‘બરાબર છે .પરંતુ તમે જગદેવ મરચંટનું નામ શંકાસ્પદ ખૂનીઓની યાદીમાં શા માટે ગણો છો, એ મને સમજાતું નથી.!’

‘જગદેવ તને ફાંસીના માંચડે લટકતો જોવા માંગે છે.આના પરથી સ્પષ્ટ થાય છે કે તારી જીંદગીમાં એને પોતાનું મોત દેખાય છે! મેં એ જીદ્દી ડોકરાને ઘણું સમજાવ્યો કે તેના દીકરાના ખૂની તરીકે જયારાજનું નામ ઉછાળવું યોગ્ય અને ખોટું છે.ખૂની કોઈક બીજો માણસ પણ હોઈ શકે છે .પરંતુ તે માનતો જ નથી અને એક જ વાતની ચોટલી પકડીને બેઠો છે કે જયરાજ જ ખૂની છે .બાકી તેની સાચી ઈચ્છા તો દીકરાના ખૂનીને જ ફાંસીના માંચડે લટકતો જોવાની હોવી જોઈએ. પછી ભલે એ ખૂની જે કોઈ હોય તે !’

‘તમારી વાત સાચી છે ..!’

‘આ ઉપરાંત એક બીજી વાત પણ જગદેવ મરચંટની વિરુદ્ધમાં જાય છે !’

‘શું ?’

‘અજીત જગદેવની પત્નીનો દીકરો હતો. જગદેવનો પોતાનો નહીં...!’

‘એટલે ...?’

‘એટલું ય ન સમજ્યો ...?’

‘ના...’

જવાબ આપતાં પહેલાં નાગપાલે અંધારામાં જ પોતાની પાઈપ પેટાવીને ઉપરાઉપરી ત્રણ-ચાર કસ ખેંચ્યા .

‘મેં જગદેવના ભૂતકાળ વિશે બધી માહિતી મળવી છે. વર્ષો પહેલાં તે જયારે યુવાન હતો, ત્યારે મામૂલી વેપારી હતો. પછી સદનસીબે એક કરોડપતિ વિધવા સાથે તેનો પરિચય થયો અને આ પરિચય લગ્નમાં પરિણમ્યો. એ વિધવાનું નામ શારદા હતું. એ વખતે અજીત માત્ર ચાર જ વર્ષનો હતો. શારદાને પોતાના પ્રથમ પતિના સંતાન એટલે કે અજીત પ્રત્યે અનહદ લાગણી હતી.અને આ કારણસર એણે વ્યવસાયનો અડધો ભાગ અજીત માટે સલામત રાખ્યો હતો.બાકીના અડધા ભાગનો વ્યવસાય તેના પોતાના નામથી ચાલતો હતો.જગદેવની હેસિયત તો માત્ર દેખરેખ રાખવાવાળા જેટલી જ હતી.પરંતુ શારદાના વસિયતનામાં મુજબ તેના અવસાન પછી આ અડધો ભાગ જગદેવને મળી જવાનો હતો.સાંજથી બે વર્ષ પહેલાં તેને એ ભાગ મળી પણ ગયો હતો.શારદા મગજના કેન્સરને કારણે મૃત્યુ પામી હતી. શારદા થકી જગદેવને ત્યાં એક દીકરાનો જન્મ થયો હતો જેનું નામ રણજીત હતું. આ રીતે રણજીત અજીતનો સાવકો ભાઈ થતો હતો.બંનેની મા એક હતી પણ બાપ અલગ અલગ હતાં. શારદાના અવસાન પછી જગદેવ તથા રણજીતે ભેગા થઈને બિઝનેસ સાંભળી લીધો.પરંતુ આ બિઝનેસમાં અડધો ભાગ જ જગદેવનો હતો. અડધો ભાગ તેણે અજીતને સોંપી દેવો જોઈતો હતો. પરંતુ એણે એવું નહોતું કર્યું!.’

‘કમાલ કહેવાય ...! આ હિસાબે તો જગદેવની સાથે સાથે રણજીત પણ શંકાની પરિધિમાં આવે છે !’

‘હા..અને એનાથી પણ વધુ નવાઈ પમાડે એવી વાત એ છે કે છઠ્ઠી જુલાઈના રોજ જગદેવ મરચંટ ભરતપુરમાં હતો. તે બીજી જુલાઈથી છઠ્ઠી જુલાઈ સુધી ભરતપુરમાં હતો. આ વાતની ખાતરી પણ કરી લેવામાં આવી છે . રણજીત પણ ભરતપુર જ હતો. એટલે એમ માની શકાય કે અજીત અને સુમનના ખૂનમાં તેમનો હાથ હતો. તો આ ખૂનો તેમણે ભાડુતી ખૂનીઓ મારફતે કરાવ્યા હશે. તેમણે પોતે આ કામમાં ભાગ નહિ લીધો હોય.’

‘આનો અર્થ એ થયો કે કૌટુંબિક ભાગલાની સ્વાભાવિક લડાઈને બે કરોડની લૂંટના મામલાથી ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે .’

‘હા..જો ખરેખર એમ જ હોય તો આ પ્રયાસને સફળ બનાવનાર પહેલો માણસ વાસ્તવમાં સુંદરલાલ પાવાગઢી જ છે .! એ જ હરદ્વારમાં તારી પાસે આવ્યો હતો ને?’

‘હા..પરંતુ પાવાગઢી પર અવિશ્વાસ કરવાં માટે મન નથી માનતું. ઉપરાંત બે કરોડના સોનાની લૂંટવાળી વાત પણ ઉપજાવી લાધેલી નહીં પણ સાચી જ છે !’

‘એવું તું કયા આધારે કહે છે ?’

‘જે પાર્ટીનું સોનું લુંટાયું હતું એ પાર્ટી સાથે હું વાત કરી ચૂક્યો છું. એમાં શંકાને કોઈ સ્થાન નથી. અલબત્ત, એક વાત મને ખૂબ જ આશ્ચર્યજનક લાગે છે.’

‘કઇ વાત...?’ 

‘એડવોકેટ જગમોહન બક્ષી પાસેથી કવર લુંટાઈ જવાની વાત ..! તમે પોતે જ વિચારો ...! જગમોહને તમને ફોન કર્યો કે પોતે કવર લઈને આવે છે ! પરંતુ એ કવર એની પાસેથી આંચકી લેવામાં આવ્યું. હવે સવાલ એ ઊભો થાય છે કે આ કવર કોણે આંચક્યું હશે ? અને એનાથી પણ વધારે અગત્યનો એક સવાલ બીજો પણ છે .અને તે એ કે જગમોહન પાસે આવું કોઈ કવર છે, એની તેને કેવી રીતે ખબર પડી ..? આના પરથી સ્પષ્ટ થાય છે કે કોઈકે તમારી વાતચીત જરૂર સાંભળી હોવી જોઈએ .’

જયરાજની આ વાત સાંભળીને નાગપાલ ચમક્યો.

તેને યાદ આવ્યું કે જગમોહનનો ફોન આવ્યો ત્યારે જગદેવ મરચંટ પોતાની સામે જ બેઠો હતો. જગમોહન પોતાને કોઈક અગત્યનું કવર સોંપવાનો છે, એવું અનુમાન જગદેવે જ કર્યું હશે ..?

‘જયરાજ...!’ નાગપાલ બોલ્યો, ‘જગમોહનનો ફોન આવ્યો ત્યારે જગદેવ મરચંટ મારી સામે જ બેઠો હતો .’

‘તો પછી આ કામ જગદેવનું જ હોવું જોઈએ...!’

‘હું તને અજવાળામાં એક વસ્તુ બતાવવા માંગુ છું . તે એક ગોળાકાર સીલ છે અને તેના પર તારા નામના પ્રથમ અક્ષરોના “જે” તથા “સી” નો મોનોગ્રામ છે. શું તારી પાસે આવું કોઈ સીલ હતું ?’

‘હા..છે..’

‘હું લાઈટ ચાલુ કરું ..?’

‘કરો ....! દુશ્મનોના ચહેરા પરથી નકાબ કાઢવા માટે કોઈક દોસ્ત પર તો ભરોસો કરવો જ પડશે !’

નાગપાલે ઊભા થઈને લાઈટ ચાલુ કરી.

શયનખંડમાં ટ્યુબલાઈટનું અજવાળું પથરાઈ ગયું.

નાગપાલે આજે મહિનાઓ પછી જયરાજને જોયો હતો.

જયરાજનું બદલાયેલું વ્યક્તિત્વ જોઇને તે આશ્ચર્યચકિત થઇ ગયો.

પછી એણે કબાટમાંથી સીલ કાઢી લાવીને જયરાજને બતાવ્યું.

તે લાખનું ગોળાકાર સીલ હતું. તેના પર અંગ્રેજી મૂળાક્ષરના “જે” તથા “સી” કોતરેલા હતાં.

‘નાગપાલ સાહેબ ..! જયરાજ મક્કમ અવાજે બોલ્યો, ‘લાખના આ ગોળાકાર પીગળેલા ટુકડાને એ જ સીલ વડે દબાવવામાં આવ્યું છે એમાં કોઈ બે મત નથી .’

‘આનો અર્થ એ થયો કે જગમોહન બક્ષીની વાત સાચી છે ! બાકી ઘડીભર તો મને એવો વિચાર પણ આવ્યો હતો કે કોઈકે યોજનાબદ્ધ રીતે તેની સાથે છેતરપીંડી કરી હશે.’

‘કેવી છેતરપીંડી ...?’

‘સુમન ચૌહાણના રૂપમાં કોઈ પણ યુવતી તેને આ જાતનું કવર સોંપી શકે તેમ હતી ..’

‘જો એમ જ હોય તો એ કવર ગુમ નહોતું થવું જોઈતું ! જો તે પાછું મળે તો પણ અક્ષરો પરથી એ સુમનનું જ હતું કે નહીં એની ખબર પડી જશે !’

‘મેં તને બધી વિગતો જણાવી દીધી છે. શંકાસ્પદ ખૂનીઓ પણ તારી સામે છે. ખૂનનાં બે કારણો પણ આપણી પાસે છે. પહેલું કારણ બે કરોડનું સોનું લૂંટનારા લુંટારાઓને બ્લેકમેઇલ કરવાનો પ્રયાસ અને બીજું કારણ જગદેવ મરચંટનો ધંધાકીય ઝગડો ..!’

‘અરે, એક વાત કહેતા તો હું સાવ ભૂલી જ ગયો. છઠ્ઠી જુલાઈની સવારે સુમને મને જણાવ્યું હતું કે એણે ટી.વી. પર એક એવા માણસને જોયો છે કે જેને તે ઓળખતી નહોતી..! એ શયતાન વિશે તે મને બીજે દિવસે જણાવીને પોતાના જન્મદિવસની આશ્ચર્યજનક યાદગીરી આપવા માંગતી હતી. પરંતુ એ પહેલાં જ એનું ખૂન થઇ ગયું.!’

‘અર્થાત બે વર્ષ પહેલાં સુમન જયારે પોતાના શેઠ અજીત સાથે ભરતપુરમાં હતી, ત્યારે એ બંનેએ કોઈક શખ્સને ગંભીર અને ગેરકાયદેસર ગુનો કરતો જોયો હતો. અજીત તો એ શખ્સને ત્યારે જ અથવા તો સુમનની પહેલાં જ ઓળખી ચૂક્યો હતો.જયારે સુમન એ શખ્સને છઠ્ઠી જુલાઈની સવારે જ ઓળખી શકી હતી ખરું ને ?’

‘હા.’ જયરાજે સહમતિસૂચક ઢબે માથું હલાવ્યું.

‘સુમને છઠ્ઠી જુલાઈની સવારે એ શખ્સને ટી.વી. પર જોઇને ઓળખ્યો હતો.પછી તારા ગયા બાદ એણે એ શખ્સના ચહેરા પરથી નકાબ કાઢવાની કોઈક યોજના બનાવી. આ યોજના મુજબ એણે એડવોકેટ જગમોહન બક્ષીને એ કવર સોંપ્યું. પોતાનું ખૂન થઇ શકે તેમ છે, અને ખૂન કોણ કરી શકે તેમ છે એ વાત તે જાણતી હતી. અને એટલા માટે જ એણે એ શખ્સનું નામ લખેલો કાગળ કવરમાં લેક કરીને એ કવર જગમોહન બક્ષીને સોંપી દીધું હતું. હાલતુરત તો એણે જે કંઈ કર્યું હશે એની તો આપણે માત્ર કલ્પના જ કરી શકીએ તેમ છીએ. ત્યાર બાદ એણે અજીતને ફોન કરીને જણાવ્યું કે પોતે એ ખૂની વિશે જાણી ચુકી છે.અથવા તો તેમણે બે વર્ષ પહેલાં ભરતપુર ખાતે જે શખ્સને ગુનો કરતો જોયો હતો, એ શખ્સ વિશે જણાવી દીધું હશે. પછી અજીતે સુમનને કંઇક એવું કહ્યું કે જેને કારણે એ તેની સાથે ભુપગઢના ફાર્મહાઉસમાં જવા તૈયાર થઇ ગઈ.સાંજે અજીત આવીને તેને લઇ ગયો. આ વાતને પાડોશીઓએ પણ સમર્થન આપ્યું છે ! અને પછી ભુપગઢના ફાર્મહાઉસમાં વાસ્તવિક અપરાધી પણ પહોંચ્યો અને એણે એ બંનેનાં ખૂન કરી નાખ્યાં. હવે સવાલ એ ઊભો થાય છે કે ફાર્મહાઉસમાં જે ચાર જણ મોજૂદ હતાં, તેઓ કોણ હતા ? એ ચારેયનો પત્તો લગાવવો ખૂબ જ જરૂરી છે . કાં તો તેઓ ખૂની છે અથવા તો તેઓ ખૂની વિશે જરૂર જાણતા હશે! એ ચારેય અજીતની કાર લઈને રવાના થયા હતાં. આના પરથી સ્પષ્ટ થાય છે કે એ ચારેય અગત્યના માણસ છે ..!’

‘મને એક વાત સૂઝે છે નાગપાલ સાહેબ ...! એ ચારેય અજીતના સાથીદારો કે મિત્રો પણ હોઈ શકે છે . અજીતે એ ગુનેગારને ફાર્મહાઉસમાં બોલાવ્યો હતો. અને આ ગુનેગાર કોઈ તીડીબાજી ન કરે એટલા માટે એણે પોતાના મિત્રોને પણ સાથે રાખ્યા હશે !પરંતુ અણીના સમયે એ ગુનેગારે પોતે ફાર્મહાઉસ આવી શકે તેમ નથી એવું જણાવતાં અજીતે પોતાના ચારેય મિત્રોને પાછા મીકલી દીધા હશે...!’

‘ના...એવું ન બને ...!’ નાગપાલે નકારાત્મક ઢબે માથું હલાવતાં કહ્યું, ‘કોઈ બ્લેકમેઈલર આ રીતે પોતાનો ભેદ છતો ન જ કરે !’

‘ખેર, હવે વાસ્તવિક અપરાધી નહીં બચી શકે ..! એના વિશે જાણવાનો હજુ પણ આપણી પાસે એક ઉપાય છે .

‘કેવો ઉપાય ...?’નાગપાલે ચમકીને પૂછ્યું.

‘મારા મગજમાં એક યોજના છે ..’

જયરાજે તેને પોતાની યોજનાની વિગતો કહી સંભળાવી.

નાગપાલની આંખોમાં તીવ્ર ચમક પથરાઈ ગઈ.

જયરાજની યોજના ખરેખર અદભુત હતી.

******

ડોરબેલનો અવાજ સાંભળીને અનિતાએ દરવાજો ઉઘાડ્યો.

બહાર એક અપરિચિત માનવીને ઉભેલો જોઇને તે ચમકી ગઈ.

‘બોલો..’ એણે નરમ અવાજે પૂછ્યું.

એનો સવાલ સાંભળીને જયરાજ ડઘાઈ ગયો. પછી તેને યાદ આવ્યું કે તે પોતે તો મેકઅપમાં છે . અનિતા પોતાને ઓળખે પણ કેવી રીતે ...?’

‘તારા પિતાજીના મોતનો મને ખૂબ જ અફસોસ છે ..!’ એ ધીમેથી બોલ્યો.

અનિતા અવાજ પરથી તેને ઓળખીને એક તરફ ખસી ગઈ.

જયરાજ અંદર પ્રવેશ્યો. તે એક ડ્રોઈંગરૂમ હતો. રૂમમાં દરેક ચીજવસ્તુઓ વ્યવસ્થિત રીતે ગોઠવેલી હતી.

‘તારા મમ્મીની તબિયત કેવી છે ?’

‘જીવનસાથીને ગુમાવ્યા પછી જેવી હોવી જોઈએ તેવી જ છે ! પાવાગઢી સાહેબ મૃતદેહ લાવ્યા હતા ! તેમણે તમારા વિશે જણાવ્યું હતું !’

‘તારા પિતાજીની થોડીક ચીજ વસ્તુઓ મારી પાસે છે. ક્યારેક આવ તો લઇ જજે !’

‘ક્યાં ?’

‘હું અહીં રોયલ પેલેસ હોટલમાં રાજકુમારના નામથી ઊતર્યો છું !’

‘ભલે, હું કાલે આવીશ ! શું અસલી ખૂનીનો પત્તો લાગી ગયો ?’

‘ના, હજુ સુધી તો નથી લાગ્યો. પણ ટૂંક સમયમાં જ લાગી જશે !’

‘મને તમારી ખૂબ ચિંતા થાય છે !’

‘ન થવી જોઈએ. આપણી મુલાકાત તો એક જોગાનુજોગ જ છે ! હા, હું તારા પાંચસો રૂપિયા લાવ્યો છું.’ કહીને જયરાજે સો રૂપિયાવળી પાંચ નોટો ખુરશી પર મૂકી દીધી.

‘રાખો...તમારે જરૂર હશે !’

‘ના...અત્યારે મારી પાસે પચાસ-સાઠ હજાર રૂપિયા છે ! ભરતપુરમાં એક દોસ્તે આપ્યા છે.’

‘આટલા બધાં રૂપિયા ?’

‘ના...રૂપિયાનું આશ્ચર્ય વ્યક્ત ન કર ! દુનિયામાં દોલતની કોઈ કમી નથી ! જે દોસ્તે મને આ રકમ આપી છે, તેની પાસે કરોડો રૂપિયા હતા ! પરંતુ તારા પાંચસો એના કરતાં પણ કીમતી હતા. કારણ કે એ પાંચસો રૂપિયાનું તારે માટે ઘણું જ મહત્વ હતું ! ખેર, આ ભિખારી અંકલનો ભત્રીજો નથી દેખાતો !’ 

‘પપ્પુ ?’

‘હા..’

‘એ બસ, આવતો જ હશે !’

‘અને તારી બહેનો ?’

‘મમ્મીની તબિયત સારી નથી એટલે માસી તેમને લઇ ગઈ છે.’

એ જ વખતે ‘દીદી....દીદી’ની બૂમો પડતો પપ્પુ અંદર આવ્યો.

‘પપ્પુ, જરા જો તો....કોણ આવ્યું છે ?’ અનિતાએ જયરાજ તરફ તેનું ધ્યાન દોરતાં પૂછ્યું.

પપ્પુ થોડી પળો સુધી મૂંઝવણભરી નજરે જયરાજ સામે તાકી રહ્યો.

‘ભિખારી અંકલ !’ અચાનક એણે આનંદથી ચિચિયારી પાડી અને ઉછળીને જયરાજને વળગી પડ્યો.

અનિતા અને જયરાજ એકદમ ચમકી ગયાં.

બંનેની આંખોમાં એક જ સવાલ સળવળતો હતો.

પપ્પુએ તેને કેવી રીતે ઓળખ્યો ?

‘પપ્પુ, આ તારા અંકલ છે, એની તને કેવી રીતે ખબર પડી ?’ અનિતાએ પૂછ્યું.

‘અંકલનો હાથ જોઇને !’ પપ્પુએ જવાબ આપતા કહ્યું, ‘અંકલના ડાબા હાથનો અંગૂઠો સહેજ કપાયેલો છે !’

‘શાબાશ !’ જયરાજ પોતાના ગજવામાંથી એક કાંડા ઘડિયાળ કાઢતાં બોલ્યો, ‘આ તારી તીવ્ર યાદદાસ્ત માટે તારા ભિખારી અંકલ તરફથી ભેટ !’

‘ચાલ, પહેલાં અંકલના ચરણ સ્પર્શ કર !’

પપ્પુ જયરાજને પડે પગે લાગવા માટે નીચે નમ્યો.

એ જ વખતે એના શર્ટના ગજવામાંથી એક ગોળાકાર વસ્તુ નીચે પડી.

જયરાજે એ વસ્તુ ઊંચકી લીધી. વળતી જ પળે એની આંખો નર્યા અચરજથી ફાટી પડી. 

પોતે પપ્પુને આશીર્વાદ આપવાના છે એનું પણ તેને ભાન નહોતું રહ્યું.

 

દિલીપ કેટલીયે વિડીયો કેસેટ લાયબ્રેરીમાં ફરી વળ્યો હતો. તેને ચાર વિસ્તારોની વિડીયો લાઈબ્રેરીમાં જઈને ‘શક્તિ’ ફિલ્મની બધી વિડીયો કેસેટ લાવવાની સૂચના આપવામાં આવી હતી. 

તે જયારે નાગપાલ પાસે પાછો ફર્યો ત્યારે એની પાસે ‘શક્તિ’ ફિલ્મની કુલ એક સો બાર વિડીયો કેસેટો હતી.

નાગપાલે પોતાને આવું કંટાળાજનક કામ શા માટે સોંપ્યું હતું, એ તેને નહોતું સમજાતું.

આખો દિવસ રખડી રખડીને એ ખૂબ જ થાકી ગયો હતો. 

‘અંકલ !’

‘બોલ, પુત્તર !’

‘તમે એક જ ફિલ્મ આટલી બધી વિડીયો કેસેટ શા માટે મંગાવી છે ?’ દિલીપના અવાજમાં મૂંઝવણનો સૂર હતો.

‘એટલા માટે કે કદાચ આ વિડીયો કેસેટમાં જ અસલી અપરાધી બેઠો છે !’

‘શું ?’

‘હા...’

‘તમે ક્યા અપરાધીની વાત કરો છો ?’

‘એ જ અપરાધીની કે જેણે અજીત અને સુમનનાં ખૂનો કરાવ્યાં હતાં !’ નાગપાલે સ્મિત ફરકાવતાં જવાબ આપ્યો.

‘પરંતુ તેને વળી આ ફિલ્મ સાથે શું સંબંધ છે ?”

‘એ હું પછી જણાવીશ !’ નાગપાલે વી.સી.આર.માં કેસેટ ભરાવતાં કહ્યું.

‘શું ખૂની આ કેસેટમાં જ છે ?’

એનો સવાલ સાંભળીને નાગપાલના હોઠ પર સ્મિત ફરકી ગયું. 

ત્યાર બાદ એણે વારાફરતી બધી કેસેટો ચેક કરી જોઈ. 

ચાર કેસેટો એક તરફ મૂકીને એણે બાકીની કેસેટો ફરીથી થેલામાં ભરી દીધી.

‘આ કેસેટો પાછી આપવાની છે ?’ દિલીપે થાકેલા અવાજે પૂછ્યું.

‘હા..’

‘અંકલ, તમે ચાર કલાકથી બધી કેસેટોમાં “શક્તિ” ફિલ્મનો એક ખાસ સીન જ જોતા હતાં !’

‘હા, તો ?’

‘તો એ કે તમે આવું શા માટે કરતાં હતા ?”

‘તારો સંકેત એક જ સીન જોવા તરફ છે ?’

‘હા...તમે વારંવાર એક જ સીન શા માટે જોતા હતા ?’

‘એટલા માટે એ એક સીનમાં જ ક્યાંક અસલી ગુનેગાર છુપાયેલો છે !’

‘અંકલ...ગોળ ગોળ વાતો રહેવા દો !’ દિલીપ ઉત્સુક અવાજે બોલ્યો, ‘નહીં તો મારો જીવ નીકળી જશે !’

‘નીકળી જવા દે !’

‘મારું હૃદય બંધ પડી જશે !’;

‘પડી જવા દે..!’

‘માટે જીંદગીથી હાથ ધોઈ નાંખવા પડશે !’

‘ધોઈ નાખજે...! સાબુ અને પાણી હું આપીશ !’

‘તો તમે નહીં જ માનો એમ ને ?’

‘ચોવીસ કલાક ધીરજ રાખ ! આવતીકાલે એ ખૂની કે ખૂનીઓ તારી સામે હશે !’

‘આવતીકાલે જ !’

‘હા...’

‘બાકીની ચાર કેસેટોનું શું કરવાનું છે ?’

‘આ ચારેય કેસેટો તું જુદા જુદા વિસ્તારોની અલગ અલગ લાઈબ્રેરીમાંથી લઇ આવ્યો છો ને ?’

‘હા...’

‘તો આ ચારેય લાઈબ્રેરીના સંચાલકોને પૂછ કે એણે છઠ્ઠી જુલાઈના રોજ શક્તિ ફિલ્મની વિડીયો કેસેટ કોને ભાડે આપી હતી ?’

‘કેમ ?’

‘તને જેમ કહું છું, એમ જ તું કર ! છઠ્ઠી જુલાઈના રોજ કયો માણસ વિડીયો કેસેટ ભાડે લઇ ગયો હતો ? જો કોઈ લાઈબ્રેરીવાળાએ છઠ્ઠી જુલાઈના ટરોજ શક્તિ ફિલ્મની કેસેટ ભાડે ન આપી હોય તો એનો કંઈ વાંધો નથી, પરંતુ જો આપી હોય તો કોને આપી હતી એની તપાસ કર !’

‘ભલે...હું તપાસ કરી લઈશ !’ દિલીપ વ્યાકુળ અવાજે બોલ્યો, ‘ખેર, જે લોકો શક્તિ ફિલ્મની વિડીયો કેસેટ ભાડે લઇ ગયા હોય, તેમાંથી જ કોઈ ખૂની છે ?”

‘કદાચ !’

‘મારી આટલી ગધ્ધા મજૂરી પછી પણ કદાચ ?’

‘ગધેડા પાસે મજૂરી સિવાય બીજું કરાવાય પણ શું ?’ લાગ જોઇને નાગપાલે મ્હેણું માર્યું.

દિલીપ મોં બગાડીને રહી ગયો.

*********