સંતાપ - 3 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંતાપ - 3

૩. મેજર નાગપાલ...!

 સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ડીપાર્ટમેન્ટનો ચીફ ઇન્સ્પેક્ટર મેજર નાગપાલ અત્યારે વિશાળગઢના પોલીસ હેડક્વાર્ટર ખાતે પોતાની ઓફિસમાં નત મસ્તકે બેસીને કોઈક ઊંડા વિચારમાં ડૂબેલો હતો. 

 એના જમણા હાથમાં તેની પાઈપ જકડાયેલી હતી.

 ઓફિસમાં એની પ્રિય “પ્રિન્સ હેનરી” તમાકુની મહેક છવાયેલી હતી.

 નાગપાલના નામ અને કામથી મારા સુજ્ઞ વાંચકો વાકેફ જ છે એટલે આ બાબતમાં વિશેષ કશુંય જણાવવાની મને જરૂર નથી લગતી.

 પગરવ સાંભળીને એણે વિચારધારામાંથી બહાર આવીને માથું ઊંચું કર્યું.

 આગંતુક બીજું કોઈ નહીં, પણ જગદેવ મરચંટ જ હતો.

 જગદેવે તેની સાથે હાથ મિલાવીને પોતાનો પરિચય આપ્યો.

 ‘બેસો મિસ્ટર મરચંટ !’ નાગપાલે સામે પડેલી ખુરશી તરફ સંકેત કરતાં કહ્યું, ‘તમારા પુત્રના ખૂનનો કેસ મારી પાસે જ છે. હું તપાસ કરું છું !’

 ‘તપાસ ?’ જગદેવનો ચહેરો કમાનની જેમ ખેંચાયો. એની આંખોનાં ભવાં સંકોચાયા જેના પરિણામે તેના કપાળ પર ત્રણ-ચાર કરચલીઓ ઉપસી આવી, ‘આપ ખૂનીને પકડવાને બદલે હજુ માત્ર તપાસ જ કરો છો ? ખૂની જયરાજ ચૌહાણ જ છે, એ વાત સ્પષ્ટ થઇ ગઈ છે !’

 ‘એમ ?’ નાગપાલના અવાજમાં કૃત્રિમ આશ્ચર્ય હતું, ‘હું માનું છું ત્યાં સુધી ખૂની બીજું કોઈ નહીં પણ જયરાજ ચૌહાણ જ છે, એ પુરવાર થવાનું હજુ બાકી છે.’

 ‘શું જયરાજ આપનો ખાસ મિત્ર હતો ?’

 ‘કેમ ? આવો અઘરો સવાલ શા માટે પૂછવો પડ્યો ?’

 ‘એટલા માટે કે એ ખૂનીને આપ ખૂની માનવા માટે તૈયાર જ નથી !’

 ‘જુઓ મિસ્ટર મરચંટ !’ નાગપાલ પાઈપમાંથી કસ ખેંચીને મોંમાંથી ધુમાડાનો ઢગલો કાઢતાં ગંભીર અવાજે બોલ્યો, ‘જયરાજ મારો સારો એવો પરિચિત હતો. તમે તેને મારો મિત્ર પણ માની શકો છો. પરંતુ એક વાત તમારા મગજમાં બરાબર નોંધી લેજો કે મારે માટે મિત્રતા કરતાં ફરજનું મહત્વ વધારે છે ! જો જયરાજ ખૂની હશે તો તેની મિત્રતા તમારે માટે ગૌણ બની જશે ! મારા હાથ કાયદાના બંધનથી બંધાયેલા છે અને કોઈ પણ જાતની લાગણીરૂપી છૂરી વડે મારા હાથનું આ બંધન નહીં તૂટે !’

 ‘નાગપાલ સાહેબ ...!’ જગદેવ મર્ચન્ટે એક એક શબ્દ પર ભાર મૂકતાં કહ્યું, ‘એક ઉજ્જડ ફલેટમાંથી જયરાજની પત્ની તથા મારો પુત્ર નિર્વસ્ત્ર હાલતમાં મૃત્યુ પામેલાં મળી આવ્યાં હતાં. જે રિવોલ્વર વડે તેમને શૂટ કરવામાં આવ્યાં હતાં, એ રિવોલ્વર પણ જયરાજની જ હતી...!’

 ‘બેલેસ્ટિક એક્સપર્ટના અભિપ્રાય મુજબ બત્રીસ કેલીબરની રિવોલ્વરમાંથી ગોળીઓ છોડીને બંનેનાં ખૂનો કરવામાં આવ્યાં હતાં. પરંતુ આવી તો ઘણી રિવોલ્વરો હોઈ શકે છે ! જો બનાવના સ્થળેથી રિવોલ્વર ન મળી હોય તો ખૂન કોની રિવોલ્વર વડે થયું છે, એ વાત કોઈ બેલેસ્ટિક એક્સપર્ટ જણાવી શકે તેમ નથી...!’

 ‘એક વાત આપ ભૂલી ગયા લાગો છો નાગપાલ સાહેબ...!’

 ‘કઇ વાત ..?’

 ‘કોર્ટના આદેશ મુજબ જયરાજને ભાગેડુ ગુનેગાર જાહેર કરવામાં આવ્યો છે. એના માથા પર દસ હજાર રૂપિયાનું ઇનામ છે! જયરાજને જીવતો કે મરેલો પકડનારને આ ઇનામ મળશે ! જયરાજને જીવતો કે મરેલો પકડવાનું વોરંટ નીકળી ગયું છે એ તો આપ જાણતા જ હશો...!’

 ‘હા, જાણું છું ...!’ નાગપાલ ભાવહીન અવાજે બોલ્યો, ‘જયરાજ વિરુદ્ધ કાઢવામાં આવેલું એ બ્લેક વોરંટ તમારા પ્રયાસોનું જ પરિણામ છે એની પણ મને ખબર છે ! દીકરાના ખૂનીને તાબડતોબ પકડવા માટે તમે પૈસાના પાયા પર ચણેલી લાગવગરૂપી ઈમારતનો બહુ સારો ઉપયોગ કર્યો છે..!’

 ‘નાગપાલ સાહેબ , આપ કોની સાથે વાત કરો છો એની આપને ખબર નથી લાગતી...!’ જગદેવે કર્કશ અવાજે કહ્યું.

 ‘મને ખબર છે...!’ નાગપાલ જડબાં ભીંસીને કડવા અવાજે બોલ્યો, ‘હું એક એવા માણસ સાથે વાત કરું છું કે જેનો દીકરો કોઈક પરસ્ત્રી સાથે કઢંગી હાલતમાં મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યો હતો..!’

 ‘આપ ...આપ કહેવા શું માંગો છો..?’

 ‘મારી વાતનો અર્થ ન સમજી શકો એટલા ભોળા કે નાદાન તો તમે નથી જ...! છતાંય કહું છું, સાંભળો ...!’ નાગપાલ એક એક શબ્દ જાણે ચાવીને ઉચ્ચારતો હોય એવા અવાજે બોલ્યો, ‘તમારો દીકરો એક આવારા, બદચલન અને અય્યાશ માણસ હતો.તમે ભરતપુર રહો છો એટલે તમને કદાચ ખબર નહીં હોય, કે યુવતી સાથે તમારો સુપુત્ર મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યો હતો, એને તે એના લગ્ન પહેલાં પણ ભગાડીને લઇ ગયો હતો. સુમન અગાઉ તમારા દીકરાની ઓફિસમાં નોકરી કરતી હતી.સુમને તમારા દીકરા પર એવો આરોપ પણ મુક્યો હતો કે એણે તેની સાથે ગાંધર્વ લગ્ન કરીને શારીરિક સંબંધો સ્થાપ્યા હતા. પરન્તુ પૈસાના જોરે તમારા દીકરાએ આ આરોપને ખોટો પુરવાર કરી બતાવ્યો હતો. છેવટે સુમનને મહિલા વિકાસ ગૃહમાં મોકલી દેવામાં આવી. ત્યારે એની માસુમિયત જોઇને ઇન્સ્પેક્ટર જયરાજે તેની સાથે લગ્ન કરી લીધાં હતાં. કારણ કે વિકાસ ગૃહ સિવાય તેને માટે દુનિયાના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા.’

 ‘આપ મારા દીકરાનું અપમાન કરો છો ...?’

 ‘અપમાન એનું કરવામાં આવે છે મિસ્ટર મરચંટ કે જેનું કોઈ માન હોય છે ...! રૂપિયા-પૈસાના જોરે મેળવેલા તથા માંગેલા માનનું મારી નજરે કોઈ મૂલ્ય નથી ! પૈસા આપીને, જાહેર જણાતા સામે, સ્ટેજ પર ચડીને, ગળામાં સુગંધિત ફૂલોના હાર પહેરીને મન મેળવનારાઓનો આપણા સમાજમાં કોઈ તોટો નથી. કોઈ પણ પૈસાદાર માનવી પૈસા ખર્ચીને આ જાતનું માન તથા લોકોની વાહ વાહ મેળવી શકે છે ! રહી વાત તમારા દીકરાનું અપમાન કરવાની.તો એનું અપમાન કરવાનો મારો કોઈ ઈરાદો નહોતો. હવે શા માટે ઈરોદો નહોતો એ પણ સાંભળી લો... મારી વાત તમને કદાચ ઝેર કરતાં પણ વધુ કડવી લાગશે પરંતુ તમે પૂછ્યું છે, એટલે જવાબ આપ્યા વગર મારે છૂટકો નથી. સાંભળો, તમારા દીકરાને હું અપમાનને લાયક પણ નથી સમજતો તો પછી માન આપવાનો સવાલ જ ક્યાં ઊભો થાય છે? સ્પષ્ટ શબ્દોમાં કહું તો તમારા કહેવાતા સુપુત્રમાં મારી નજરે માન તો ઠીક, અપમાન મેળવવાની લાયકાત પણ નહોતી! મેં સાચું જ કહ્યું છે અને તેમાં જરા પણ અતિશયોક્તિ નથી.’

 ‘જયરાજ પોતાની પત્ની પાસે વેશ્યાવૃત્તિ કરાવતો હાય એવું પણ બની શકે છે ...!’ પુત્ર વિશે કડવા શબ્દો સાંભળીને જગદેવ ઉશ્કેરાટભર્યા અવાજે બોલ્યો, ‘એક ચારિત્ર્યહીન યુવતી સાથે લગ્ન કરવા પાછળ તેનો આ હેતુ પણ હોઈ શકે છે...!’

 જગદેવની વાત સાંભળીને નાગપાલની મુખમુદ્રા કઠોર બની ગઈ. 

 એની વેધક આંખોમાં ક્રોધની લાલિમા ઊતરી આવી.

 પરંતુ પછી તરત જ પોતાના ક્રોધાવેશ પર કાબૂ મેળવીને એ શાંત અવાજે બોલ્યો, ‘તમારી આ વાત મને પણ બરાબર લાગે છે ! પોતાની પત્નીના શારીરિક સૌંદર્યણે આવકનું સાધન બનાવવા માટે જ જયરાજે કદાચ સુમન સાથે લગ્ન કર્યાં હતાં !’

 ‘કદાચ નહીં, સો એ સો ટકા એ જ વાત હતી !’

 ‘આ વાત તમે જયરાજ પર માત્ર આરોપ મૂકવા ખાતર તો નથી કહેતા ને?’

 ‘ના, બિલકુલ નહીં !’

 ‘સાંભળો...કોઈ પણ ગુનો થાય ત્યારે પોલીસ ગુનાનો હેતુ પહેલાં શોધે છે અને ગુનેગારને પછી ! અજીત તથા સુમન એટલે કે જયરાજના પત્નીના ખૂનનો હેતુ પણ એવો માનવામાં આવ્યો છે કે જયરાજે પોતાની પત્ની સુમનને તેના ભૂતપૂર્વ પ્રેમી અર્થાત તમારા સુપુત્ર અજીત મરચંટ સાથે કઢંગી હાલતમાં જોયો અને ક્રોધાવેશમાં એણે એ બંનેને ગોળીઓ ઝીંકી દીધી. મારી વાત સાચી છે ને ?’

 ‘હા...’

 ‘તો હવે મારી વાતનો જવાબ આપો !’

 ‘કઇ વાતનો ?’

 ‘જો જયરાજ પોતાની પત્નીના શારીરિક સૌંદર્યને આવકનું સાધન માનતો હતો, તો પછી તેને પત્નીના ગ્રાહકનું ખૂન કરવાની શું જરૂર પડી ? તમારા કહેવા મુજબ જયરાજ પોતાની પત્ની પાસે લોહીનો વેપાર કરાવતો હતો. તો પછી એણે પોતાની પત્નીનું જ ખૂન શા માટે કર્યું ? પત્ની તો તમારા કહેવા મુજબ તેને માટે રૂપિયા મેળવવાની ટંકશાળ હતી. કોઈ માણસ હાથે કરીને આવકનું સાધન ગુમાવે ખરો ? બોલો..જવાબ આપો !’ નાગપાલે ઝેરીલા અવાજે કહ્યું.

 ‘પરંતુ એનાથી જયરાજ નિર્દોષ પુરવાર નથી થતો !’ જગદેવ ડઘાઈને બોલ્યો. નાગપાલની દલીલનો કોઈ જવાબ એની પાસે નહોતો, ‘મારું અનુમાન ખોટું પણ હોઈ શકે છે !’

 ‘બસ ? એટલી વારમાં તમારી માન્યતા બદલાઈ ગઈ ? હમણાં તો તમે આ વાતને સો ટકા સાચી ગણાવતા હતાં ! તમારા એ ટકાનું બાષ્પીભવન શા માટે થઇ ગયું ? નાગપાલના એક એક શબ્દમાંથી કટાક્ષના બાણ છૂટતાં હતાં, ‘મિસ્ટર મરચંટ ! કોઈના વિશે તાબડતોબ કોઈ જાતની માન્યતા ઘડી લેવી એ કામ મૂર્ખાઓનું છે. તમે તો ઉંમર અને અનુભવ, બંનેમાં મારા કરતાં મોટા છો એટલે વધુ તો હું તમને શું સમજાવું ? મેં આ દુનિયા તથા એમાં વસતા લોકોને બહુ નજીકથી જોયા અને પારખ્યા છે ! ઉશ્કેરાટમાં કે આવેશમાં ઘડેલી માન્યતા કે ધારણા હંમેશા ખોટી પડે છે એટલું જ નહીં, આ માન્યતા કે ધારણા ભવિષ્યમાં આપણે માટે હાનિકારક પણ નીવડે છે. તમારી લાગણી હું સમજું છું. તમારા દીકરાનો ખૂની પકડાઈ જાય એમ તમે ઈચ્છો છો ! અને એટલા માટે જ આ કેસનાં સૌથી વધુ શંકાસ્પદ આરોપી જયરાજને જ તમે ગુનેગાર માની લીધો છે. પરંતુ વાસ્તવિકતા તમારી માન્યતાથી વિપરીત પણ હોઈ શકે છે...!’

 ‘વિપરીત એટલે ?’

 ‘હું તમને એક સીધોસાદો સવાલ પૂછવા માંગુ છું !’ મનનો ઉભરો ઠાલવ્યા પછી નાગપાલનો અવાજ ફરીથી નરમ થઇ ગયો હતો.

 ‘જરૂર !’ કહીને જગદેવ પ્રશ્નાર્થ નજરે એની સામે તાકી રહ્યો. 

 ‘તમે જયરાજને ફાંસીના માચડે લટકતો જોવા માંગો છો કે પછી તમારી આ ઈચ્છા તમારા પુત્રના ખૂન માટેની છે ?’

 ‘આપ જયરાજ તથા ખૂનીને અલગ અલગ શા માટે માનો છો ?’

 ‘એટલા માટે કે જયરાજ સિવાય બીજો કોઈ માણસ ખૂની ન હોઈ શકે, એવા નક્કર પુરાવાઓ હજુ સુધી નથી મળ્યા !’

 ‘ખૂની વાસ્તવમાં જયરાજ જ છે, એ વાત હવે પુરવાર થઇ ચૂકી છે !’ જગદેવ મરચંટે જીદભર્યા અવાજે કહ્યું, ‘જયરાજના નામથી એવી પણ કેટલીય અપીલો કરવામાં આવી હતી કે જો ખરેખર તે નિર્દોષ હોય તો એણે સામે આવવું જોઈએ !’

 ‘હા, તો ?’

 ‘પરંતુ તે ગુનેગાર હતો એટલે સામે નથી આવ્યો !’

 ‘જયરાજને કોઈકે કેદ કરી રાખ્યો હોય એવું ન બને ?’

 ‘એણે વળી કોણે કેદ કર્યો હોય ?’

 ‘જે માણસે ખૂબ જ ચાલાકીપૂર્વક તમારા પુત્ર તથા સુમનનાં ખૂનો કરીને તેનો આરોપ જયરાજના માથા પર ઓઢાડી દીધો છે, એણે જ જયરાજને કેદ કરી રાખ્યો હોય એ બનવાજોગ છે !’

 ‘પણ શા માટે ? જયરાજને કેદ કરી રાખવાથી એને શું લાભ થાય તેમ છે ?’

 ‘બહુ મોટો લાભ થાય તેમ છે !’ નાગપાલ ગંભીર અવાજે બોલ્યો, ‘વાસ્તવિક ગુનેગારના આ પગલાથી સૌ કોઈ જયરાજને જ ખૂની માની લે..! અને બન્યું છે પણ એમ જ !’

 ‘આપે કમિશનર સાહેબ સાથે વાત કરી છે ? તેમના મત મુજબ સી.આઈ.ડી. નું નાક ગણાતા મેજર નાગપાલ સાહેબ જયરાજ ચૌહાણ નામના ખૂનીને શોધવા માટે આકાશ-પાતાળ એક કરે છે !’

 ‘હું જયરાજને શોધવા માટે મારાથી બનતા તમામ પ્રયાસો કરું છું. અલબત્ત, જયરાજને ખૂની માનીને નહીં, પણ આરોપી નંબર એક માનીને !’

 ‘આ કોર્ટના આદેશની અવગણના છે !’ જગદેવ મોં મચકોડતાં બોલ્યો, ‘જયરાજને ખૂની જાહેર કરી દેવામાં આવ્યો છે !’

 ‘હું મારો અંગત અભિપ્રાય વ્યક્ત કરું છું !’ નાગપાલે શાંત અવાજે કહ્યું, ‘જયરાજને મારે શોધવાનો છે ! એ મારો મિત્ર છે એટલું જ નહીં, કોર્ટના આદેશ મુજબ તેને શોધવાની કામગીરી મને સોંપવામાં આવી છે. આ ઉપરાંત તેના નિર્દોષ હોવાની પણ પૂરેપૂરી શક્યતા છે એટલા માટે પણ હું એને શોધું છું !’

 ‘તે ખૂની છે, એની હું ખાતરી આપું છું !’

 ‘ખાતરી ?’ નાગપાલે ભારપૂર્વક પૂછ્યું.

 ‘હા...’

 ‘આ જાતની ખાતરી તમે ક્યાં આધારે આપો છો ?’

 ‘એટલે ?’

 ‘એટલે એમ કે શું તમે જયરાજને ખૂન કરતો જોયો હતો ?’ 

 ‘ના...’ જગદેવે નકારાત્મક ઢબે માથું હલાવતાં જવાબ આપ્યો, ‘હું કોઈ ખોટા સાક્ષી કે પુરાવાઓ ઊભા કરવા પણ નથી માંગતો. પરંતુ જયરાજ બનાવના સ્થળે જરૂર ગયો હતો એ વાત જરૂર પુરવાર થઇ શકી ચૂકી છે ! કારણ કે આ વાતના કેટલાંય સાક્ષીઓ મળી ગયા છે !’

 ‘બરાબર છે, પરંતુ કોઈ સાક્ષીએ પોતાની સગી આંખે જયરાજને ખૂન કરતાં નથી જોયો ખરું ને ?’

 ‘હા...પરંતુ પોસ્ટમોર્ટમના રીપોર્ટ મુજબ અજીત અને સુમનનાં ખૂનો સાતમી જુલાઈની રાત્રે નવથી દસ વાગ્યાની આસપાસ થયાં હતાં. અને લગભગ પોણા દસ વાગે જયરાજ બનાવના સ્થળ તરફ જતો દેખાયો હતો.’

 ‘પરંતુ એક વાત તમે શા માટે ભૂલી જાઓ છો ?’

 ‘કઇ વાત ?’

 ‘ગોળીઓ છૂટવાનો અવાજ કોઈએ નહોતો સાંભળ્યો !’

 ‘આપની વાત સાચી છે. પરંતુ રિવોલ્વર પર સાયલેન્સર ચડાવેલું હોય તો ગોળી છૂટવાનો અવાજ કેવી રીતે સંભળાય ?’

 ‘કોઈ પણ ઇન્સ્પેક્ટરની સર્વિસ રિવોલ્વર સાથે સાયલેન્સર નથી હોતું એ તો તમે જાણતા જ હશો !’

 ‘સર્વિસ રિવોલ્વર માટે સાયલેન્સરની વ્યસ્થા કરવાનું કામ મુશ્કેલ નથી !’

 ‘આ બધી કહેવા-સાંભળવા પૂરતી વાત છે મિસ્ટર મરચંટ ! મેં હમણાં જ કહ્યું તેમ જયરાજને શોધવાના મારા પ્રયાસો ચાલુ જ છે !’

 ‘ભલે...આપ પ્રયાસો કરતા રહો !’ જગદેવ ઉભો થતાં બોલ્યો.

 ‘જતાં જતાં એક વાત સાંભળતા જાઓ મિસ્ટર મરચંટ !’ નાગપાલે કઠોર અવાજે કહ્યું, ‘તમારા ભાડૂતી ગુંડાઓ હથિયાર લઈને જયરાજને મારી નાંખવા માટે શોધે છે, એ વાત ગેરકાયદેસર છે !’

 ‘ગુનેગારને પકડનાર માણસ જ જો તેનો મિત્ર હોય તો મારા કોઈ ભાડૂતી ગુંડાને દસ હજારનું ઇનામ અપાવવામાં મદદ કરવાનો મને પણ પૂરો હક છે !’

 ‘આ અમાનવીય કૃત્ય છે મિસ્ટર મરચંટ ! કારણ કે જયરાજ વિરુદ્ધ જે વોરંટ કાઢવામાં આવ્યું છે, તે માત્ર સાક્ષીઓ પર આધારિત છે ! એની વિરુદ્ધ અન્ય કોઈ નક્કર પુરાવાઓ નથી મળ્યા અને સાક્ષીઓ તો ખોટા પણ હોઈ શકે છે !’

 ‘હું જયરાજને ખૂની માનું છું જયારે આપ તેને મિત્ર માનો છો ...!હું જે કંઈ કરું છું,તે કાયદાની મર્યાદામાં રહીને કરું છું. કોર્ટમાંથી તેને જીવતો કે મૃત્યુ પામેલો પકડવાનું વોરંટ નીકળી ગયું છે ! આપ કોર્ટના ચુકાદા અને તેના વોરંટ વિરુદ્ધ અપીલ કરો એ વધુ યોગ્ય રહેશે ...!’

 વાત પૂરી કરી,પીઠ ફેરવીને જગદેવ લાંબાં લાંબાં ડગલાં ભરતો દરવાજા તરફ આગળ વધી ગયો.

 નાગપાલ કઠોર નજરે એની પીઠ સામે તાકી રહ્યો.

*********

 સાંજના સાડા સાત વાગ્યા હતાં.

 હરદ્વારમાં મોહનલાલના મળવાની શક્યતા હોય એવા દરેક સ્થળે જયરાજ અનિતાને લઈને ફરી વળ્યો હતો.

 પરંતુ મોહનલાલનો ક્યાંયથી પત્તો નહોતો લાગ્યો.

 હરદ્વારથી વિશાળગઢ જતી ટ્રેન રાત્રે દસ વાગે રવાના થતી હતી.

 નવ વાગે સામાન લઈને તેઓ રેલવે સ્ટેશન પહોંચી ગયાં.

 જયરાજ અનિતાને મૂકવા માટે સ્ટેશન પર આવ્યો હતો.

 અનિતાના ચહેરા પર નિરાશા છવાયેલી હતી.

 એની આંખોમાં આંસુ ચમકતાં હતાં.

 ‘નિરાશ થવાની જરૂર નથી અનિતા ....!’ જયરાજ તેને આશ્વાસન આપતાં બોલ્યો, ‘જો તારા પિતાજી હરદ્વારમાં હશે તો હું ચોક્કસ તેમને શોધી કાઢીશ. તું બસ, તેમનો ફોટો મોકલવાનું ભૂલીશ નહીં ...!’

 ‘મારે મમ્મીને નહોતું કહેવું જોઈતું કે હું પિતાજીને લેવા માટે હરદ્વાર જઉં છું ...!’ અનિતાએ પોતાની આંખોમાં ધસી આવેલાં આંસુ લૂછતાં કહ્યું, ‘પિતાજીના ન મળવાને કારણે તેમને ખૂબ જ આઘાત લાગશે ..!’

 ‘ઈશ્વર દુઃખ આપે છે તો સાથે સાથે દુઃખ સહન કરવાની શક્તિ પણ આપે છે ! તે હંમેશા સારા માણસને જ કસોટીની એરણ પર ચડાવતો હોય છે .. બધું બરાબર થઇ રહેશે. તું ઘરમાં મોટી છો એટલે તારે જ હિંમત રાખવી પડશે ...! જો તું જ હિંમત હારી જઈશ તો તારા નાનાં ભાઈ-બહેનોનું શું થશે ? તેમને કોણ સંભાળશે ...?’

 ‘મારાથી નાની ત્રણ બહેનો છે અને સૌથી નાનો આ પપ્પુ છે..! દીકરાની ઈચ્છામાં ચાર દીકરીઓનો જન્મ થઇ ગયો...!

 ‘આ વાતોને પિતાજીના ગુમ થવા સાથે શું સંબંધ છે દીદી ...?’ પપ્પુ બોલ્યો. સંજોગોએ તેને આટલી નાની વય એ જ સમજદાર બનાવી દીધો હતો.

 ‘કોઈ સંબંધ નથી પપ્પુ ...!’ જયરાજે સ્નેહથી એના માથા પર હાથ ફેરવતાં કહ્યું, ‘પરંતુ અત્યારે બધી જવાબદારી તારી દીદી પર આવી પડી છે .’ પછી તે પુનઃ અનિતાને ઉદ્દેશીને બોલ્યો, ‘તારે નાના બાળક સામે આવી વાત ન કરવી જોઈએ ...!’

 અનિતાએ સહમતિસૂચક ઢબે માથું હલાવ્યું.

 ટ્રેન આવી ગઈ હતી અને ત્રણેય અંદર બેસી ગયાં હતાં.

 ‘તારું ધ્યાન રાખજે અનિતા ..!’ જયરાજ લાગણીભર્યા અવાજે બોલ્યો, ‘અને જતાંવેંત પિતાજીનો ફોટો મોકલી આપજે ...!’

 ‘જરૂર...!’કહીને અનિતાએ પોતાના પર્સમાંથી સો રૂપિયાવાળી પાંચ નોટ કાઢીને તેની સામે લંબાવી અને પછી બોલી, ‘આ પૈસા તમારે કશીયે આનાકાની કે ઇન્કાર કર્યા વગર લઇ લેવાના છે ...! હું ના સાંભળવા નથી માંગતી...!’ એના અવાજમાં આદેશનો સુર હતો.

 ‘અનિતા,મને પૈસાની ખૂબ જ જરૂર છે, એ હું જાણું છું .પરંતુ હું મારું કામ ચલાવી લઈશ .!’

 ‘અજાણ્યા શહેરમાં ભૂખ્યું પેટ ગુનાના પંથે ધકેલી દેશે મિસ્ટર જયરાજ ...! આ પૈસા વપરાય ત્યાં સુધીમાં તમે તમારે યોગ્ય કોઈક કામ શોધી લેજો...!’

 ‘તારી આ વાત મુદ્દાની છે ...પરંતુ મારા કરતાં તને પૈસાની વધુ જરૂર છે!’

 ‘તમે પિતાજીને શોધવાનો પ્રયાસ કરો છો. કદાચ પૈસાના અભાવે તમારે હરદ્વાર છોડવું પણ પડે ! આ પૈસા તમારી પાસે હશે તો તમે નિરાંતે અહીં રોકાઇને કામ કરી શકશો ...!’

 ‘હું તો અહીં જ રોકાવાનો છું ...!’ જયરાજ બોલ્યો, ‘અહીના કુદરતી વાતાવરણમાં મને થોડી શાંતિ મળશે.’

 એ જ વખતે એન્જિનની સીસોટીનો અવાજ ગુંજી ઊઠ્યો.

 ટ્રેન ઉપડવાની તૈયારી હતી.

 ‘છતાંય ઉછીના સમજીને રાખી લો ...!’ અનિતા આગ્રહભર્યા અવાજે બોલી.

 ‘ઉછીના ...?’ જયરાજે વિષાદભર્યું સ્મિત ફરકાવતાં પૂછ્યું.

 ‘હા..’

 ‘જો હું આ રકમ નહિ ચૂકવી શકું તો ...?’

 ‘એવું નહિ બને ...!’

 ‘કેમ ..?’

 ‘બસ, મારો અંતરાત્મા કહે છે કે એવું નહીં બને ...! તમે નિર્દોષ પુરવાર થશો એ વાતની મને પૂરી ખાતરી છે !’

 એન્જિનની વ્હિસલ ફરીથી ગુંજી ઊઠી.

 ‘રાખી લો અંકલ...! તમને મારા સમ છે...!’ માસૂમ પપ્પુએ કહ્યું.

 માસૂમ બાળકનો આગ્રહ ટાળવાની હિંમત જયરાજ ન દાખવી શક્યો.

 એણે અનિતાના હાથમાંથી નોટો લઈને ગજવામાં મૂકી દીધી અને પછી જવા માટે ઊભો થઇ નીચે ઊતરીને બારી પાસે ઊભો રહ્યો.

 ઈન્સાનિયતનો આ કેવો સંબંધ હતો કે જે બે અજાણ્યા માણસો વચ્ચે સ્નેહ અને આત્મીયતાનો સેતુ બાંધી ગયો હતો ...!

 ‘હારી ઈચ્છા બળવાન ...!’ એ સ્વગત બબડ્યો અને પછી સ્ટેશનના દરવાજા તરફ આગળ વધી ગયો.

*********

 રાજેન્દ્ર....! વીસેક વર્ષની વય ધરાવતો આ યુવાન થોડા મહિના પહેલાં એક ઉઠાવગીર તરીકે જીવન વિતાવતો હતો. એનો મુખ્ય ધંધો વાહનો રેઢાં પડ્યાં હોય ત્યારે તેનાં ટાયરો તથા અન્ય સ્પેર પાર્ટ્સ કાઢીને ચોર બજારમાં વેચી નાંખવાનો હતો.

 એક દિવસ ચોરી કરતાં રેડ હેન્ડેડ પકડાઈ જવાથી તેને ઇન્સ્પેક્ટર જયરાજ પાસે લાવવામાં આવ્યો હતો.

 વીસ વર્ષનો રાજેન્દ્ર એ વખતે રાજુ ટાયરવાળાના નામથી ઓળખાતો હતો. કમ સે કમ ચોર બજારમાં તો સૌ તેને રાજુ ટાયરવાળા તરીકે જ ઓળખાતા હતાં. તે ઓટોમોબાઈલમાં આઈ.ટી .આઈ. પાસ હતો. પરંતુ દેશના લાખો બેરોજગાર યુવાનોની માફક તે પણ એક કામ કરતો હતો અને એ હતું ----કામની શોધ ...! પરંતુ સરકારી નોકરી મેળવવા માટે અધિકારીઓનાં ખિસ્સાં પૈસાથી ગરમ કરવાં પડે તેમ હતાં અથવા તો ઉચ્ચ સ્તરે લાગવગની જરૂર હતી. અને રાજેન્દ્ર પાસે આ બેમાંથી કશુંય નહોતું.

 તે પકાડાયો નહીં, ત્યાં સુધી અપરાધની ગંભીરતાની તેને ખબર નહોતી.

 પરંતુ પકડાયા પછી, લોકનો માર ખાધા બાદ તેને ભાન થઇ ગયું કે કોઈ પણ ગુનો કેટલો ગંભીર છે ! અને એમાંય જયારે તેને ઇન્સ્પેક્ટર જયરાજ સામે રજુ કરવામાં આવ્યો ત્યારે તો એના મોતિયા જ મરી ગયા. પૈસાની જરૂરિયાતે તેને ગુનાના પંથે ધકેલી દીધો હતો.

 તે પોતાના ગુના માટે માફી માંગીને જયરાજ પાસે ધ્રુસકેધ્રુસકે રડી પડ્યો હતો. એ વખતે જોગાનુજોગ રાજેન્દ્ર જે કારના ટાયરની ચોરી કરતાં પકડાયો હતો, એનો માલિક ડોક્ટર બેનરજી પણ ત્યાં જ હાજર હતો

‘ચોરી કરતી વખતે તો બહાદુરી બતાવો છો અને પકડાયા પછી રડવા માંડો છો કે સાહેબ, મારી ભૂલ થઇ ગઈ...! મને માફ કરી દો ..! હું તમારી ગાય છું ...બળદ છું...હાથી છું...’કહેતાં કહેતાં સબ-ઇન્સ્પેક્ટર કુલકર્ણી રાજેન્દ્રને તમાચો મારવા માટે આગળ વધ્યો

પરંતુ જયરાજની અનુભવી આંખો રાજેન્દ્ર્ના આંસુમાં છુપાયેલા પશ્ચાતાપણે પારખી ચુકી હતી.

‘’ના, કુલકર્ણી...!’ એણે કુલકર્ણીને અટકાવતાં કહ્યું, ‘આ માણસ ગુનાહીત માનસવાળો કે રીઢો ગુનેગાર નથી.સંજોગોનો શિકાર બનીને તે ગુનાના માર્ગે વળ્યો છે. આપણું કામ ગુનેગારોનો નાશ કરવાનું નહીં, પણ ગુનાઓનો નાશ કરવાનું છે! જો તું રાજેન્દ્ર પર હાથ ઉપાડીશ તો અત્યારે એના ચહેરા પર જે ભોંઠપ, શરમ અને પશ્ચાતાપ છે, તે દૂર થઇ જશે ..! પોલીસના મારથી તે રીઢો થઇ જશે..!

‘આપણે ખબર નથી સાહેબ.!’ સબ-ઇન્સ્પેક્ટર કુલકર્ણી કર્કશ અવાજે બોલ્યો, ‘આવા બદમાશોને હું બહુ સારી રીતે ઓળખું છું . સજા ભોગવ્યા પછી તે ફરીથી ચોરી કરશે ...ફરીથી જેલમાં જશે અને જેલમાંથી બહાર નીકળ્યા પછી ફરીથી ચોરી કરશે ...! ચોરી કરવાનો અને પકડાયા પછી જેલમાં જવાનો આ ક્રમ ચાલુ જ રહેશે ! એના કરતાં તો આપણે અત્યારથી જ તેને એવો પાઠ ભણાવીએ કે બાપડો ચોરીનો “ચ” જ ભૂલી જાય ....!’

 ‘પરંતુ મને લાગે છે કે આ છોકરો નાદાન છે અને મજબૂરીથી ગુનેગાર બન્યો છે !’ મક્કમ અવાજે આટલું કહ્યા બાદ જયરાજે ડોક્ટર બેનરજીને ઉદ્દેશીને પૂછ્યું, ‘આપનું શું મંતવ્ય છે ...?’

 ‘હું શું કહું ઇન્સ્પેક્ટર સાહેબ ...!’ ડોક્ટર બેનરજી રાજેન્દ્ર પર ઊડતી નજર ફેંકતાં બોલ્યો, ‘તમે જેમ કહેશો તેમ હું કરીશ !’

 ‘ડોક્ટર સાહેબ, શરીરનું કોઈ અંગ સડી જાય, તો ઉપચાર કરતાં પહેલાં જ તેને કાપીને નથી ફેંકી દેવાતું ...! ઉપચાર કર્યા પછી પણ જો તે અંગ સડેલું રહે તો તેને કાપવામાં આવે છે. બિલકુલ સડેલા અંગ જેવી જ હાલત આ યુવાનની છે 

. જો તેને સુધરવાની તક આપવામાં આવે તો તે નહીં સુધારે ...?’

 રાજેન્દ્રએ આગળ વધીને જયરાજના પગ પકડી લીધા.

 પોલીસમાં પણ માનવતા જેવી ચીજ હોય છે એનો જીવતોજાગતો દાખલો જયરાજના રૂપમાં મોજૂદ હતો.

 ‘ભલે ઇન્સ્પેક્ટર સાહેબ...! જો તમને એવું લાગતું હોય કે તક આપવાથી આ માણસ સુધરી જશે તો હું ફરિયાદ નથી નોંધાવતો ...!’ આટલું કહીને ડોક્ટર બેનરજીએ રાજેન્દ્રને ઊભો કર્યો અને પછી બોલ્યો, ‘જો બેટા, કોઈ પણ ગુનાનું આયુષ્ય ખૂબ જ ટૂંકું હોય છે. ગુનાની જીંદગીમાં ફસાયેલો માણસ વધુ દિવસો સુધી આઝાદ નથી રહી શકતો. મહેનતનો માર્ગ ખૂબ જ કઠીન અને લાંબો છે, પણ એનું ફળ હંમેશા મીઠું અને જિંદગીનો સાચો આનંદ આપનારું હોય છે. જો ખરેખર સુધરવાની તારી દિલની ઈચ્છા હોય તો ક્યારેય ગુનાનો કે જૂઠાણાનો ટૂંકો માર્ગ અપનાવીશ નહીં!’

 ‘ડોક્ટર બેનરજીએ રાજેન્દ્ર વિરુદ્ધ ફરિયાદ નહોતી નોંધાવી.

 ત્યાર બાદ જયરાજ સિવિલ ડ્રેસમાં રાજેન્દ્રણે લઈને તેના ઘેર ગયો. રાજેન્દ્રના ઘરની હાલત ખરેખર કરુણાજનક હતી. એના નાના નાના ભાઈઓ હતાં. રાજેન્દ્રની વિધવા મા સિલાઈકામ કરીને ઘરનું ગુજરાન ચલાવતી હતી. આ સંજોગોમાં જયરાજે રાજેન્દ્રણે ખૂબ જ મદદ કરી હતી. એણે બેંકમાંથી લોન અપાવીને તેને ગેરેજ શરુ કરાવી દીધું હતું.

 રાજેન્દ્ર કંઈ ગુનાહીત ટેવવાળો તો હતો નહીં. એણે રાત-દિવસ જોયા વગર મહેનત કરી. વાજબી દામ અને ઉત્તમ કામને કારણે એનો ધંધો ટૂંક સમયમાં જ જામી ગયો.

 પરંતુ ઇન્સ્પેક્ટર જયરાજનો આ ઉપકાર રાજેન્દ્ર આજે પણ નહોતો ભૂલ્યો.એણે જયરાજનો એક મોટો ફોટો ફ્રેમમાં મઢાંવીને ગેરેજમાં લટકાવ્યો હતો અને દરરોજ સવારે ભગવાનની સાથે સાથે એના ફોટા પાસે પણ ધૂપ-દીવો કરતો હતો.

 જયરાજને તે સાક્ષાત ઈશ્વરનો કોઈક દૂત માનતો હતો અને આ કારણસર જ જયારે જયરાજ પર બેવડા ખુનનો આરોપ મૂકવામાં આવ્યો ત્યારે તેને ભરોસો નહોતો બેઠો. જયરાજને શોધવા માટે એણે ઘણા પ્રયાસો કર્યા હતાં પરંતુ તેને સફળતા નહોતી મળી.

 બપોરે હાથ-મોં ધોઈને તે જમવા બેઠો હતો ત્યાં જ તેના સહકારી જમશેદે આવીને એક પત્ર તેના હાથમાં મૂક્યો. રાજેન્દ્રએ આમતેમ ફેરવીને પત્રનું નિરીક્ષણ કર્યું. તેના પર મોકલનારનું નામ નહોતું લખ્યું. એણે પત્રને ઉઘાડ્યા વગર જ ટેબલ પર મૂકી દીધો અને જમવામાં મશગુલ બની ગયો. જમીને એણે એક સિગારેટ પેટાવી, ત્યાં જ ગેરેજના દરવાજા પાસે એક જીપ આવીને ઉભી રહી.

 પછી જીપમાંથી જે માણસ નીચે ઉતર્યો , એને તે તરત જ ઓળખી ગયો.

 આગંતુક બીજું કોઈ નહીં, પણ મેજર નાગપાલ જ હતો....!

 નાગપાલ અગાઉ જયરાજ સાથે બે-ત્રણ વખત અહીં આવી ચૂક્યો હતો.

 ‘જયહિન્દ સાહેબ...!’ રાજેન્દ્રએ નાગપાલનું અભિવાદન કરતાં કહ્યું.

 ‘જયહિન્દ ..! કેમ છે રાજેન્દ્ર...?’

 ‘મજામાં છું સાહેબ ...! આજે આ તરફ શા માટે ભૂલા પડ્યા ...?’

 ‘અમસ્તો જ. અહીંથી નીકળ્યો હતો એટલે થયું કે તને પણ મળતો જાઉં.!’ નાગપાલે સ્નેહથી એના ખભા પર હાથ મૂકતાં કહ્યું.

 ‘ના, સાહેબ.’ રાજેન્દ્ર નકારમાં માથું હલાવતાં બોલ્યો, ‘આપના જેવો વ્યસ્ત માણસ અમસ્તો જ ન આવે. જરૂર કોઈ ખાસ કારણસર આપ આવ્યા છો.’

 ‘તારી વાત સાચી છે.’ નાગપાલે સ્મિત ફરકાવીને ગંભીર અવાજે કહ્યું, ‘હું તને થોડી પૂછપરછ કરવા માટે આવ્યો છું.’

 ‘સાહેબ..!’ પૂછપરછનું નામ સાંભળીને રાજેન્દ્ર ડઘાયેલા અવાજે બોલ્યો, ‘હું તો હવે મહેનત કરીને ઈમાનદારીથી જીવું છું. કોઈકે મારે વિશે આપને ખોટી બાતમી આપી લાગે છે !’

 ‘ના...તું માને છે એવી કોઈ વાત નથી ..!’

 ‘તો શું વાત છે ...?’

 ‘હું જયરાજ વિશે જાણવા માગું છું...!’

 ‘જયરાજ વિશે...?’

 ‘હા, જયરાજ સાથે જે કંઈ બન્યું છે, એની તો તને ખબર જ હશે ...?’ નાગપાલે પોતાની વેધક આંખો તેની આંખોમાં પરોવતાં પૂછ્યું.

 ‘હા, સાહેબ ...!’ રાજેન્દ્ર ગળગળા અવાજે બોલ્યો, ‘મેં પણ ચૌહાણ સાહેબને શોધવા માટે ઘણા પ્રયાસો કર્યા હતાં ...!’ તે જયરાજને “ચૌહાણસાહેબ” કહીને જ બોલાવતો હતો.

 ‘જયરાજને વિશાળગઢની સમગ્ર પોલીસ ફોર્સ એકઠી થઈને નથી શોધી શકી તો તું ક્યાંથી ને કેવી રીતે શોધી શકવાનો હતો ?’

 ‘આપ સાચું કહો છો સાહેબ ...!’ રાજેન્દ્ર સહમતિસૂચક ઢબે માથું હલાવતાં બોલ્યો, ‘ચૌહાણ સાહેબ વિશાળગઢની બહાર ચાલ્યા ગયા હોય એવું મને લાગે છે !’

 ‘હું જયરાજનો મિત્ર છું એની તો તને ખબર જ છે ! તે એક સજ્જન માણસ હતો. જયરાજ ખૂની ન જ હોઈ શકે એ વાતની મને પૂરી ખાતરી છે.’

 ‘હા, સાહેબ ....!’ નાગપાલનું કથાન સાંભળીને રાજેન્દ્ર પ્રસન્ન અવાજે બોલ્યો, ‘હું તો આ વાત દાવા સાથે કહું છું !’

 ‘જયરાજને પકડવા માટે મારી નિમણૂંક કરવામાં આવી છે ..!’

 ‘શું ...?’

 ‘હા..’

 ‘આપ ચૌહાણ સાહેબના મિત્ર હોવા છતાંય તેને પકડશો ..?’

 ‘સવાલ મિત્રતાનો નહીં, પણ ફરજનો છે ...!’ નાગપાલ ગંભીર અવાજે બોલ્યો, ‘જયરાજને જીવતો કે મૃત્યુ પામેલો પકડવા માટે કોર્ટે વોરંટ કાઢ્યું છે . જયરાજે જ પોતાની પત્ની તથા પ્રેમીનાં ખૂનો કર્યાં છે,એમ કોર્ટ માને છે.!’

 ‘કોર્ટે આવું વોરંટ નહોતું કાઢવું જોઈતું !’ રાજેન્દ્રના અવાજમાં રોષની છાંટ હતી, ‘ચૌહાણ સાહેબને ખૂની માનવામાં આવે એ વાત જ બિલકુલ ખોટી છે..!’

 ‘કોર્ટને અ બધી વાતો સાથે કોઈ નિસ્બત નથી હોતી. હું તારી પાસે એક વાત જાણવા માટે આવ્યો છું.’

 ‘બોલો સાહેબ ...!’ કહી રાજેન્દ્ર પ્રશ્નાર્થ નજરે નાગપાલના ચહેરા સામે તાકી રહ્યો.

 ‘જયરાજે તારો સંપર્ક સાધ્યો હતો...?’

 ‘ના ...મારો સંપર્ક સાધવાનો કોઈ સવાલ જ ઉભો નથી થતો !’

 ‘જો એણે તારો સંપર્ક સાધ્યો હોત તો તું મને જણાવત ખરો ..?’

 નાગપાલના આ સવાલનો રાજેન્દ્ર કોઈ જવાબ ન આપી શક્યો.

 એણે વ્યાકુળતાથી પોતાના હોઠ પર જીભ ફેરવી.

 ‘તારી ખામોશીનો મારે શું એવો અર્થ ઘટાવવો કે તું મને ન જણાવત ?

 ‘જ ...જી .’

 ‘તારો જવાબ આ જ હશે એ હું જાણતો જ હતો. પરંતુ તું એક વાતનો વિચાર કર ...! હું જયરાજનો કોઈ દુશ્મન નહીં, પણ તેનો મિત્ર છું. હું જે કંઈ પગલાં ભરીશ, એ તેના હિત માટે જ હશે. જયરાજને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે. એના માથા પર દસ હજારનું ઇનામ છે. આ સંજોગોમાં એનું ખૂન પણ થઇ શકે છે. જો જયરાજનું ખૂન થશે તો તેની પત્ની તથા અજીત મર્ચન્ટના ખૂનો વાસ્તવમાં કોણે કર્યા હતાં, એનો ભેદ આપણે ક્યારેય નહીં જાણી શકીએ. એટલું જ નહીં, પોલીસના રજીસ્ટરમાં હંમેશને માટે તેનું નામ ખૂની તરીકે નોંધાઈ જશે. પછી ભલે એણે ખૂનો ન કર્યા હોય ...! એ સાવ નિર્દોષ જ હોય ...! અને આવું થાય એમ શું તું ઈચ્છે છે...?’

 ‘ના ..’ રાજેન્દ્ર ઉતાવળા અવાજે બોલ્યો, ‘પણ...પણ...’

 ‘પણ, શું ...?’ 

 ‘ચૌહાણ સાહેબનું ખૂન વળી કોણ કરશે...?’

 ‘અસલી ખૂની ..! જો જયરાજ આજની તારીખમાં માર્યો જાય તો અસલી ખૂનીને કેટલો લાભ થાય ...? એ આઝાદ રહેશે અને તેના સ્થાને જયરાજ પોતાની પત્ની તથા અજીતના આરોપ સાથે માર્યો જશે. આ ઉપરાંત અજીતનો બાપ પણ ભાડૂતી ગુંડાઓ દ્વારા જયરાજનું ખૂન કરાવવા માંગે છે ! અત્યારે જયરાજ ચારે તરફથી જોખમથી ઘેરાયેલો છે .’

 ‘આપ સાચું કહો છો સાહેબ..!’ કહેતાં કહેતાં રાજેન્દ્રની આંખો ભીની થઇ ગઈ, ‘ભગવાન જાણે ચૌહાણ સાહેબ કઇ હાલતમાં હશે..?’

 ‘ઈશ્વરને પ્રાર્થના કર કે તે જીવતો હોય ...!’

 ‘તેઓ જીવતા જ હશે નાગપાલ સાહેબ ...!’ રાજેન્દ્ર જાણે ઈશ્વરને પ્રાર્થના કરતો હોય એ રીતે રાજેન્દ્ર બંને હાથ ઊંચા કરતાં બોલ્યો, ‘ઈશ્વર આટલો નિષ્ઠુર ન હોઈ શકે ...!’

 ‘જો રાજેન્દ્ર...જયરાજે અત્યાર સુધી તારો સંપર્ક નથી સાધ્યો તો એનો અર્થ એવો પણ નથી કે તે ભવિષ્યમાં પણ નહીં સાધે ...! એ તારા પર ભરોસો કરી શકે તેમ છે ! તારા પર એનો ઉપકાર પણ છે ..!’

 ‘મને પોતાને પણ ખૂબ જ નવાઈ લાગે છે સાહેબ..! રાજેન્દ્રએ કહ્યું, ‘આવી મુશ્કેલીની વેળાએ ચૌહાણ સાહેબે મને સેવા કરવાની તક આપવી જોઈતી હતી.’

 ‘બરાબર છે ..પણ હવે જો તને આવી તક મળે તો ખોટા લાગણીવેડા કરીશ નહીં...!’

 ‘કેમ ..?’

 ‘એટલા માટે કે જયરાજની ધરપકડ થવી જરૂરી છે. નહીં તો તે કમોતે માર્યો જશે .! મારી આ સૂચના ખાસ યાદ રાખજે ...!’

 ‘હું યાદ રાખીશ સાહેબ...! જો ચૌહાણ સાહેબ કોઈ રીતે મારો સંપર્ક સાધશે તો હું તરત જ આપણે જાણ કરી દઈશ !’

 ‘તારા પર ભરોસો રાખું ણે...?’

 ‘હા..’

 નાગપાલ આગળ વધીને દરવાજા પાસે પહોંચ્યો.

 જમશેદ નામનો એક છોકરો બીજી તરફના રૂમમાં સ્કુટરનું એન્જિન સાફ કરતો હતો. એના ચહેરા પર ઉત્તેજનાના હાવભાવ છવાયેલા હતા.

 નાગપાલ જમશેદ પર ઊડતી નજર ફેંકીને જીપ તરફ આગળ વધી ગયો.

 કોણ જાણે કેમ જમશેદના ચહેરા પર છવાયેલી ઉત્તેજના તેને વિચિત્ર લાગતી હતી.

*********