૪ રાજેન્દ્રનું ખૂન ...!
અનિતા અને પપ્પુને વિદાય આપ્યા પછી જયરાજ વેઈટીંગ રૂમમાં આવીને બેસી ગયો.
પોતાના શરીર પર ધાબળો વીંટાળીને એણે એક સિગારેટ પેટાવી
એ જ વખતે ભગવાં વસ્ત્રો ધારણ કરેલો, સાધુ જેવો લાગતો એક માનવી તેની બાજુમાં આવીને બેઠો. એની સફેદ દાઢી છાતીને સ્પર્શતી હતી.
‘લાવ...! સિગારેટ પીવડાવ ...!’ એણે લાલઘૂમ નજરે જયરાજ સામે જોતાં કહ્યું.
‘એના અવાજમાં કોણ જાણે શું હતું કે જયરાજે એક નવી સિગારેટ પેટાવીને તેને આપી દીધી.
સાધુએ બંને આંગળીઓ વચ્ચે સિગારેટ પકડીને ઉપરા-ઉપરી ત્રણ-ચાર કસ ખેંચી નાંખ્યા. પછી ફરીથી એક વાર એની લાલઘૂમ અને ચમકારા મારતી આંખો જયરાજના ચહેરા પર સ્થિર થઇ ગઈ.
‘શું વાત છે મહાત્મા ...? આપ મારા ચહેરા પર શું જુઓ છો ?’ જયરાજે પૂછ્યું.
‘તારા કપરા દિવસોની ઊડતી ધૂળ જોઉં છું બચ્ચા...! હું ત્રિકાળજ્ઞાની છું ...! હું તારા ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય વિશે બધું જ જણાવી શકું તેમ છું.’ સાધુએ સીગારેટનો કસ ખેંચતા કહ્યું.
‘આપ સાચું કહો છો મહાત્મા ..?’ જયરાજે અચરજભરી નજરે તેની સામે જોતાં પૂછ્યું.
‘હું ખોટું બોલું છું એમ તું માને છે ?’ સાધુએ રોષથી તમતમતા અવાજે કહ્યું, ‘અરે નાલાયક, તું અત્યારે ઘોર સંકટમાં ફસાયેલો છો એની મને ખબર છે !’
‘આપ સાચું કહો છો મહાત્મા ..પણ જરા ધીમે બોલો..કારણ કે આપ મારા સંકટ વિશે જાણો છો !’
‘તારા પર બબ્બે ખૂનોનો આરોપ છે. એકદમ ખોટો આરોપ...!’આ વખતે સાધુનો અવાજ એકદમ ધીમો હતો.
સાધુની વાત સાંભળીને જયરાજ સ્તબ્ધ થઇ ગયો.
‘પણ તારે જરા પણ ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી.!’ સાધુ ફરીથી બોલ્યો, ‘ટૂંક સમયમાં જ તું કંગાળમાંથી લખપતિ બનવાનો છો..! તને લાખો રૂપિયા મળશે...!’ કહીને એણે નારો લગાવ્યો, ‘જય જય શિવશંકર. બમ બમ બોલે .!’
‘મારી પાસે લાખો રૂપિયા ક્યાંથી આવશે મહાત્મા ..? હું તો અત્યારે સાવ ભિખારી છું ...! એક ટંક ભોજનનો પણ મોહતાજ છું...!’
‘લેવાવાળા કરતાં આપવાવાળાના હાથ હંમેશા શક્તિશાળી હોય છે. અને હવે તો નસીબ પણ તારી સાથે છે. હવે હું જઉં છું. પરંતુ મારી વાત યાદ રાખજે ...! એક દિવસ જરૂર તને લાખો રૂપિયા મળશે ...!’ આટલું કહ્યા બાદ જયરાજને આશ્ચર્યચકિત હાલતમાં પડતો મુકીને એ સાધુ તરત જ ત્યાંથી ચાલ્યો ગયો.
એના ગયા પછી જયરાજે એક કુલીને એ સાધુ વિશે પૂછપરછ કરી.
‘એ તો ગુરુદેવ હતા ગુરુદેવ..!’ કુલીએ જવાબ આપતાં કહ્યું, ‘તેઓ બધાં સાથે તો વાત પણ નથી કરતા.તમે ખૂબ જ નસીબદાર છો. ગુરુદેવ વર્ષમાં એક વખત જ અહીં આવે છે ત્યારે લોકો તેમને ઘેરી વળે છે. પરંતુ તેઓ ભાગ્યે જ કોઈની સાથે વાત કરે છે. અને જેની સાથે વાત કરે છે, તે ધન્ય થઇ જાય છે ...!એનું નસીબ પલટાઈ જાય છે.’
ત્યાર બાદ કુલી એક મુસાફરનો સામાન ઊંચકીને ચાલ્યો ગયો.
જયરાજ કેટલીયે વાર સુધી રહસ્યમય સાધુ અર્થાત ગુરુદેવ વિશે વિચારતો રહ્યો.
__શું ખરેખર એ કોઈ સિદ્ધ પુરુષ હતો ..?’
__એ કોઈ પોલીસનો બાતમીદાર તો નહોતો ણે ..?’
આ વિચાર આવતાં જ એ મનોમન ગભરાટ અનુભવવા લાગ્યો.
અહીં રોકાવામાં તેને સો ટકાનું જોખમ લાગ્યું.
દિવસના સમયે એણે એક ધર્મશાળા જોઈ હતી.
રાત વિતાવવા માટે તે ધર્મશાળામાં પહોંચી ગયો.
થોડી વારમાં જ તેને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ.
સવારે ઊઠીને ચા પીતાં પીતાં અચાનક તેને રાજેન્દ્ર યાદ આવ્યો. રાજેન્દ્ર તેનો વિશ્વાસુ હતો. એ તેને માટે થોડી રકમની વ્યવસ્થા કરવાં ઉપરાંત વિશાળગઢની પરિસ્થિતિથી વાકેફ પણ કરી શકે તેમ હતો.
દસ વાગે પોસ્ટ ઓફીસ ઉઘડતાં જ એણે એક પોસ્ટ કવર ખરીદ્યું અને સ્ટેશનરીની દુકાનેથી ખરીદેલા કાગળ અને બોલપેન લઈને પત્ર લખવા બેસી ગયો.
પત્રનું લખાણ આ મુજબ હતું---
પ્રિય રાજેન્દ્ર...!
હંમેશા ખુશ રહે એવી પરણ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના અને હાર્દિક શુભેચ્છાઓ ...!
હું હરદ્વારમાં છું. તને તારો મિત્ર ઇન્સ્પેક્ટર જયરાજ ચૌહાણ તો યાદ જ હશે ! અગાઉ તેં કેટલીયે વખત કહ્યું હતું કે જરૂર પડ્યે તું મને દરેક રીતે મદદ કરીશ. ત્યારે મેં કલ્પના પણ નહોતી કરી કે ભવિષ્યમાં મને તારી મદદની જરૂર પડશે !
રાજેન્દ્ર, હું મારી પત્નીનો ખૂની નથી. તેમ અજીત મરચંટનું ખૂન પણ મેં નથી કર્યું! કોઈકે ફોન દ્વારા મને ગુમનામ બાતમી આપી હતી કે સુમન મારી સાથે દગો કરે છે ...બેવફાઈ કરે છે...! પછી એ જ માણસે મારાં કડવાં વેણ સાંભળ્યા પછી કહ્યું હતું કે જો મને તેની વાત પર ભરોસો ન બેસતો હાય તો હું ભૂપગઢના બસ સ્ટેશનથી અડધો કિલોમીટર દૂર આવેલા એક ફ્લેટમાં જઈને મારી પત્નીના કરતૂતો જોઈ શકું છું.એની વાત સાંભળીને મારાથી રહેવાયું નહીં. જયારે હું ભૂપ ગઢના એ ફ્લેટમાં પહોંચ્યો ત્યારે ત્યાં અજીત તથા સુમનના મૃતદેહો પડ્યા હતાં.થોડી મિનિટો પહેલાં જ એ બંનેનાં ખૂનો થયાં હતાં કારણ કે તેમને ઝીંકવામાં આવેલી ગોળીના ઝખમમાંથી એ વખતે પણ લોહી નીકળતું હતું.રિવોલ્વર પણ ત્યાં જ પડી હતી.અને તેની નળીમાંથી બારૂદની ગંધ આવતી હતી.આ દ્રશ્ય જોઇને મેં એમ માન્યું કે મને ફસાવવામાં આવે છે ..! કોઈક શખ્સ મને ખૂની પુરવાર કરવા માંગે છે. હું ત્યાં પડેલી રિવોલ્વર ગજવામાં મૂકીને મારા ફ્લેટ તરફ રવાના થઇ ગયો. હું ઘરમાંથી રોકડ રકમ અને દાગીના લઈને નાસી છૂટવા માંગતો હતો. પરંતુ ફ્લેટવાળી ઈમારતની બહાર મેં પોલીસની જીપ ઉભેલી જોઈ. અર્થાત કોઈકે મારે વિશે પોલીસને અગાઉથી જ જાણ કરી દીધી હતી.હું તરત જ ત્યાંથી નાસી છૂટ્યો અને અત્યાર સુધી નાસતો જ ફરું છું .
રાજેન્દ્ર, તું મને બે હજાર રૂપિયાની વ્યવસ્થા કરીને મોકલી આપ તો તારી મોટી મહેરબાની થશે.! મનીઓર્ડર તું નીચે જણાવેલા કાવેરી હોટલના સરનામે કરજે. આ વાત એકદમ ગુપ્ત રાખજે
. તારો ફોન નંબર મારી પાસે નથી. નહીં તો હું ફોન જ કરત .
હું ટૂંક સમયમાં જ વાસ્તવિક ખૂનીને પકડવા માટે વિશાળગઢ આવીશ. કોઈએ શા માટે મારા પર સુમન તથા અજીતના ખૂનોનો આરોપ ઓઢાડવાનો પ્રયાસ કર્યો હતો એ હજુ સુધી નથી સમજી શક્યો. મારા નિર્દોષ હોવાની તને પૂરી ખાતરી હશે એ હું જાણું છું.કદાચ આ કેસ સી.આઈ.ડી.વિભાગને સોંપાયો હશે તો નાગપાલ સાહેબ તારી પાસે પણ આવશે. તેઓ એક ઈમાનદાર અને કર્તવ્યનિષ્ઠ ઓફિસર હોવાની સાથે સાથે મારા મિત્ર પણ છે ..! અત્યારના સંજોગોમાં તેઓ મારી ધરપકડને યોગ્ય ગણાવશે પરંતુ તારે મારે વિશે ચૂપ જ રહેવાનું છે !’
ત્યાર બાદ એણે કાવેરી હોટલનું સરનામું લખ્યું હતું.
એણે અનિતાને પણ આકાશના નામથી જ કાવેરી હોટલના સરનામે ફોટા મોકલવાનું જણાવ્યું હતું.
પત્ર પોસ્ટ કર્યા પછી એ ઘણી રાહત અનુભવતો હતો.
હાલતુરત એક મહિના સુધી ચાલે એટલા પૈસા એની પાસે હતાં.
સાંજે તે સિગારેટ ફૂંકતો ફૂંકતો ગંગા નદીના ઘાટ પર નમેલાં એક માનવી પર પડી. કોણ જાણે કેમ જયરાજને તેનું આ રીતનું નમવું ખૂબ જ રહસ્યમય અને ખતરનાક લાગ્યું.
આંખના પલકારામાં જ તે સમજી ગયો કે એ માનવી આપઘાત કરીને જીંદગી ટુંકાવવા માગે છે.
‘અરે..એ.થોભો....શું કરો છે..?’ એણે જોરથી બૂમ પડી.
એ માનવીએ થોડી પળો માટે જયરાજ સામે જોયું અને પછી ગંગાના પાણીમાં કૂદી પડ્યો.
શિયાળાની ઢળતી સંધ્યાના ઘાટ પર સન્નાટો છવાયેલો હતો.
જયરાજે તરત જ પોતાના વસ્ત્રો ઘાટ પર આવેલી એક બંધ દુકાન પાસે છુપાવ્યા . પોતાની રિવોલ્વરને એણે છુપાવી દીધી. ત્યાર બાદ તે પણ નદીમાં કૂદી પડ્યો. તે એક કુશળ તરવૈયો હતો.પરંતુ બરફ જેવા ઠંડા પાણીને કારણે એનો દેહ અકડાતો જતો હતો. એના હાથ-પગ શિથિલ પડતા જતાં હતા. પરંતુ કોઈકનો જીવ બચાવવાની તમન્ના તેને ગરમી આપતી હતી.
એ આમતેમ હાથ ફેલાવતો ગંગા નદીના પ્રવાહમાં આગળ વધતો હતો.
પચાસેક મીટર દૂર એણે પાણીની સપાટી પર એક આકૃતિને જોઈ.
પાંચેક મિનિટમાં જ એ તેની પાસે પહોંચી ગયો.
એણે એ માનવીના કોટનો કોલર પકડ્યો અને પછી ઘસડીને તેને કિનારા પર લઇ આવ્યો.હરદ્વારના ગંગા ઘાટ ત્રણસો-ચારસો મીટર દૂર રહી ગયા હતા.
કિનારા પર લાવીને એણે એ માણસનાં કોટ-પેન્ટ કાઢી નાંખ્યા અને તેને પેટભેર સુવડાવીને તેની પીઠ દબાવવા લાગ્યો. એ કૃત્રિમ શ્વાસ આપવા ઉપરાંત તેના પેટમાં ગયેલું પાણી પણ કાઢવા મથતો હતો.
દસેક મિનિટ પછી એણે એ માનવીના નાક પાસે પોતાનો કાન ધર્યો. પરંતુ એ માણસનો શ્વાસ અટકી ગયો હતો. એની છાતીમાં પણ હૃદય ધબકવાના કોઈ ચિહ્નો નહોતાં દેખાતાં. તે મૃત્ય પામ્યો હતો.
જયરાજ એક ઊંડો શ્વાસ ખેંચીને ઊભો થઇ ગયો. તેને બચાવવા માટે એણે પોતાનાથી બનતા તમામ પ્રયાસો કર્યા હતાં. પરંતુ તે જીવી જાય એ કદાચ ઈશ્વરને મંજૂર નહોતું. જયરાજ એ લાશને કારણે કોઈ બખેડામાં ફસાવા નહોતો માંગતો. જો એક વખત પોતે પોલીસની ચુંગાલમાં સપડાશે તો પોતાનું આવી બનશે એ વાત તે જાણતો હતો. આ સંજોગોમાં એનું વાસવિક રૂપ ઉજાગર થયાં વગર નહોતું રહેવાનું.
કશુંક વિચારીને તે લાશ પાસે પાછો ફર્યો અને એણે મરનારના ગજવાની તલાશી લીધી. ગજવામાંથી તેને એક પર્સ મળ્યું જેમાં લગભગ સાતસો રૂપિયાની ચલણી નોટો તથા થોડા કાગળો હતાં. એણે પર્સનો સમાન કાઢીને ખાલી પર્સને ગંગા નદીના વહેણમાં ફેંકી દીધું.
સંજોગોએ તેને એક લાશને લૂંટવા માટે પણ લાચાર બનાવી દીધો હતો. એક નેક અને ભલા તથા ઈમાનદાર ઇન્સ્પેક્ટરના માથા પર ખૂની તરીકેનું ખોટું કલંક લાગ્યા બાદ તે ભિખારી પણ બન્યો હતો અને હવે એક લુંટારો પણ બની ગયો હતો.
લાશને પડતી મૂકી, લાંબું ચક્કર મારીને તે ઘાટ પર પહોંચ્યો. એણે દુકાન પાસે છુપાવેલાં પોતાનાં વસ્ત્રો કાઢ્યાં તો સ્તબ્ધ થઇ ગયો.
એની રિવોલ્વર ત્યાંથી ગુમ થઇ ગઈ હતી.
*******
નાગપાલને વિદાય આપીને રાજેન્દ્ર પાછો ફર્યો ત્યારે પણ જમશેદ એન્જિન સાફ કરતો હતો.
‘શું વાત છે ....? આજે તું ઘેર નથી ગયો ...?’ રાજેન્દ્રએ ચમકીને પૂછ્યું.
‘ના ...કાલે હું બે કલાક મોડો આવવાનો છું એટલે મને થયું કે આજે એટલું કામ વધારે ખેંચી લઉં !’
‘કેમ ...? મોડો શા માટે આવવાનો છો ..?’
‘મારે મમ્મીને હોસ્પિટલે લઇ જવાની છે ..!’
‘તો તેને માટે વધુ રોકાવાની જરૂર નથી. જા...કાલે ભલે આવવામાં મોડું થાય ...!’
‘હવે થોડુંક જ કામ બાકી છે. એકાદ કલાકમાં જ પતી જશે. મારે આજે આવતાં કદાચ મોડું થશે, એમ હું ઘેર કહીને જ નીકળ્યો છું.’
‘ભલે...! તો ચાનું કહી આવ. ચા પી ને બાકીનું કામ પતાવજે.’
જમશેદ ધીમેથી માથું હલાવીને ચાલ્યો ગયો.
દસેક મિનિટમાં એ પોતે જ ચા લઈને પાછો આવી ગયો.
‘લો સાહેબ ...!’ એણે ચાનો ગ્લાસ ટેબલ પર મૂકતાં કહ્યું. પછી અચાનક તેની નજર ટેબલ પર પડેલા પત્ર પર પડતાં જ તે ચમકીને બોલી ઊઠ્યો, ‘અરે, સાહેબ ....આ પત્રને તો તમે ભૂલી જ ગયા લાગો છો !’
‘હા ...યાદ જ ન રહ્યું!’ રાજેન્દ્રએ ભાવહીન અવાજે કહ્યું. અને પછી સાવચેતીથી કવર ફાડીને તેમાંથી ઘડી કરેલો એક કાગળ કાઢ્યો.
ઘડી ઉકેલીને તે પત્ર વાંચવા લાગ્યો. તે જેમ જેમ પત્ર વાંચતો જતો હતો તેમ તેમ એના ચહેરા પર ઉત્તેજના છવાતી જતી હતી.
પત્ર વાંચ્યા પછી એણે દીવાલ પર લટકતા જયરાજના ફોટા સામે જોયું.
‘હે ઈશ્વર ...! તારો ખૂબ ખૂબ આભાર ...!’ એ પ્રસન્નતાથી બબાડ્યો.
‘શું વાત છે સાહેબ ...?’ જમશેદે પૂછ્યું, ‘શું પત્રમાં કોઈ ખાસ આનંદદાયક સમાચાર છે ?’
‘હેં...ન..ના.!’ રાજેન્દ્ર ચમકીને બોલ્યો, ‘કોઈ ખાસ વાત નથી. એક મિત્રનો લેટર છે ...! ઘણા વખતથી અમારી મુલાકાત નથી થઇ.’
જમશેદ ધ્યાનથી પત્ર સામે તાકી રહેતાં ચાના ઘૂંટડા ભરવા લાગ્યો.
એણે પત્ર મોકલનારનું નામ વાંચી લીધું હતું અને વાંચ્યા પછી તે બેચેની અનુભવતો હતો.
ચા પીવાઈ ગયા પછી તે બંનેના ગ્લાસ ઊંચકીને ઊભો થયો.
‘રહેવા દે ...ચાવાળો સવારે ખાલી ગ્લાસ લઇ જશે.’
‘ના..ચાવાળાએ તાબડતોબ ગ્લાસ આપી જવાનું કહ્યું છે.’ વાત પૂરી કરીને તે બહાર નીકળી ગયો.
દસેક મિનિટ પછી પાછો આવીને એ ફરીથી કામે લાગી ગયો.
એકાદ કલાક બાદ તે હાથ ધોતાં બોલ્યો, ‘સાહેબ...એન્જિન સાફ થઇ ગયું છે. હવે હું જઉં છું .’
‘ભલે...હું પણ નીકળવાની તૈયારીમાં જ છું .’ રાજેન્દ્રએ કહ્યું.
જમશેદ પોતાનું ટીફીન લઇ, રાજેન્દ્રનું અભિવાદન કરીને ગેરેજમાંથી બહાર નીકળ્યો.
તે ગલીમાંથી પસાર થતો હતો એ જ વખતે કોઈકે એના ખભા પર હાથ મૂક્યો.
જમશેદે ચમકીને પીઠ ફેરવી.
એની સામે હબસી જેવો દેખાતો એક માનવી સ્મિત ફરકાવતો ઊભો હતો. એ માનવીનું નાક તૂટેલું હતું. એની આંખો લાલઘૂમ અને હોઠ જાડા તથા ખરબચડા હતાં.
‘પત્ર જયરાજનો જ હતો, એ વાત પાકી છે ...?’ એણે એકદમ ધીમા અવાજે પૂછ્યું.
‘હા.....મેં પોતે પત્રમાં નીચે એનું નામ વાંચ્યું હતું !’
‘એ પત્ર અત્યારે ક્યાં છે ?’
‘રાજેન્દ્ર સાહેબની પાસે જ છે ! મને મારું ઇનામ તો મળશે ને ?’
એ રહસ્યમય માનવીએ ઓવરકોટના ગજવામાંથી સો રૂપિયાની નોટોવાળું એક બંડલ કાઢીને તેની સામે લંબાવ્યું.
‘આ લે ...પુરા દસ હજાર છે ...!’ એ સ્મિતસહ બોલ્યો.
‘આટલી જલદી ...?’ જમશેદે અચરજભર્યા અવાજે પૂછ્યું. એ માનવીના હાથમાંથી બંડલ લેવાનો એણે કોઈ ઉપક્રમ નહોતો કર્યો.
‘તારે માત્ર તને સોંપવામાં આવેલા કામ સાથે જ નિસ્બત હોવી કોઈએ ..! જયરાજને પકડવા માટે તેં એક ખાસ પુરાવો આપ્યો છે. આ રૂપિયા પર તારો હક છે. જો રાજેન્દ્રને તારું નામ જણાવવામાં આવશે તો એ તારા પર નારાજ થઇ જશે અને કદાચ તારે નોકરી પણ ગુમાવવી પડે !’
‘તો તમે સાહેબને મારું નામ નહીં જણાવો ?’
‘ના, બિલકુલ નહીં ...!’ કહીને એ રહસ્યમય માનવી ખતરનાક ઢબે હસ્યો.
જમશેદે કંપતા હાથે એની પાસેથી બંડલ લઈને ગજવામાં મૂકી દીધું.
ભયનું એક ઠંડું લખલખું એના દેહમાં ફરી વળ્યું હતું.
‘હું જઉં ..?’ એણે ગભરાટભર્યા અવાજે પૂછ્યું.
‘હા....જો કોઈ માઠા સમાચાર સાંભળવા મળે તો તારો જીભડો મોંમાં જ રાખજે. મારે વિશે કોઈને કશુંય જણાવીશ નહીં...! જો મારી બાબતમાં તું એક પણ શબ્દ ઉચ્ચારીશ તો વગર મોતે મરવું પડશે ...!’
‘મ....માઠા સમાચાર...?’
‘હા...પછી એ સમાચાર ગમે તેના વિશે અને ગમે તે પ્રકારના હોઈ શકે છે. પણ તારે તારું મોઢું સીવેલું જ રાખવાનું છે!’
‘હું તમારા વિશે કશુંય નથી જાણતો. તમે તમારી જાતને પોલીસના બાતમીદાર તરીકે ઓળખાવી હતી. તમે રાજેન્દ્ર સાહેબના મિત્રનું સરનામું જાણવા માંગતા હતાં અને મેં તમને જણાવી દીધું છે જેના બદલામાં વચન પ્રમાણે તમે મને દસ હજાર રૂપિયા આપી દીધા છે.’
‘પહેલી વાત, હું કોઈ પોલીસનો બાતમીદાર નથી. પોલીસ ખાતા સાથે મારે કંઈ સંબંધ નથી !’ એ માનવી ઝેરીલું સ્મિત ફરકાવતાં બોલ્યો.
‘શું ...?’ જમશેદે ચમકીને પૂછ્યું.
‘હા..બીજી વાત, જયરાજ સુધી પહોંચવા માટે અમે તને માત્ર માધ્યમ જ બનાવ્યો હતો. મારે વિશે જો તું મોં ઉઘડીશ તો તારા કુટુંબીજનો, તારા અકાળે થયેલા અવસાનને કારણે આંસુ સારશે.!’
‘તમે મને ધમકી આપો છો ..?’
‘ના.....પ્રેમથી સમજાવું છું. બાકી જો મારે તારું ખૂન જ કરવું હોત તો એ મારે માટે બહુ મોટી વાત નથી. હું અત્યારે પણ હંમેશને માટે તને નિંદ્રા ચિરનિંદ્રામાં પોઢાડી શકું તેમ છું .’
----અને હવે જ જમશેદને સાચી હકીકતનું ભાન થયું.
પોતે કોઈક ભયંકર બખેડામાં ફસાઈ ગયો છે એમ તેને લાગ્યું ! દસ હજાર રૂપિયાની લાલચે પોતાને મુશ્કેલીમાં મૂકી દીધો છે અને ઈચ્છા હોવા છતાંય પોતે આ મુશ્કેલીથી છુટકારો મેળવી શકે તેમ નથી.
‘મારે શા માટે મોં ઉઘાડવું પડે ...?’ પ્રત્યક્ષમાં એ બોલ્યો, ‘મારે તો રૂપિયા સાથે નિસ્બત હતી અને એ મને મળી ગયા છે.’
‘વેરી ગુડ ...! હવે તું જઈ શકે છે ...!’
જમશેદ ધીમેથી માથું હલાવીને ઉતાવળા પગલે ત્યાંથી વિદાય થઇ ગયો.
બે દિવસ પહેલાં આ રહસ્યમય માનવી તેને બસ-સ્ટેન્ડ પર મળ્યો હતો. એણે પોતાની જાતને પોલીસના બાતમીદાર તરીકે ઓળખાવીને દસ હાજર રૂપિયાના ઈનામનો ચારો ફેંક્યો હતો. જમશેદની આર્થિક હાલત ખૂબ જ કથળેલી હતી અને જો એમ ને એમ રૂપિયા મળતા હોય તો કોણ છોડે ...? હંમેશા લાલચ જ માણસને ડુબાડે છે. પોતાની લાલચથી સામા માણસનો શું અંજામ આવશે એનો વિચાર નથી આવતો . અને વિચાર આવે છે તો પણ આ વિચારની સામે લાલચનું પલ્લું ભારે હોવાને કારણે તરત જ તેના મગજમાંથી નીકળી જાય છે .
જમશેદ નામનું ભોળું પંખી ચારાની લાલચમાં એ માનવીએ ફેંકેલી જાળમાં ભેરવાઈ ગયું હતું. ઉપરાંત કામ પણ કંઈ ખાસ નહોતું. રાજેન્દ્ર કોઈ રીતે જયરાજના સંપર્કમાં છે કે કેમ અથવા તો જયરાજ સામેથી તેનો સંપર્ક સાધે છે કે નહીં, એટલું જ જાણીને એણે આ રહસ્યમય માનવીને જણાવવાનું હતું. રાજેન્દ્ર પર આવતાં પત્રો ચેક કરવાની સુચના પણ તેને આપવામાં આવી હતી.
----બીજી તરફ...
જમશેદના ગયા પછી રાજેન્દ્રએ ફરીથી એક વાર પત્ર વાંચ્યો.
એ મૂંઝવણમાં પડી ગયો. જયરાજે તેને બધી વાતો ગુપ્ત રાખવાનું જણાવ્યું હતું. જયારે નાગપાલ પાસે તે વચનથી બંધાઈ ચૂક્યો હતો કે જો જયરાજ વિશે કશુંય જાણવા મળશે તો પોતે તરત જ તેને જણાવી દેશે. નાગપાલે પોતાની વાતને યોગ્ય ઠરાવવા માટે સંજોગોનો જે ખતરનાક નકશો બતાવ્યો હતો, એ સંજોગોમાં જયરાજની હાલત ખૂબ જ દયાજનક હતી. જયારે પોતાની બાબત બધું જ ગુપ્ત રાખવામાં આવે એમ જયરાજ ઇચ્છતો હતો.
રાજેન્દ્રના દિલની ઈચ્છા જયરાજની સૂચનાનું પાલન કરતી હતી, પરંતુ એનું મગજ નાગપાલની વાતને વધુ યોગ્ય ઠરાવતું હતું.
આ ઉપરાંત સૌથી વધુ તેને ખૂંચતી જે વાત હતી, તે એ હતી કે જયરાજે બે હજાર રૂપિયા મોકલવા માટે લખ્યું હતું . જો તે નાગપાલને પત્ર વિશે જણાવી દે તો જયરાજ એમ જ માને કે રાજેન્દ્રની દાનત બે હજાર રૂપિયા મોકલવાની નહોતી. એટલે એણે નાગપાલને પત્ર વિશે જણાવી દીધું.
‘ના...!’ એ મનોમન કશુંક નક્કી કરીને સ્વગત બબડ્યો, ‘હું જયરાજની વાત ગુપ્ત જ રાખીશ. એ કંઈ નાનો નથી. તે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળે તેમ છે. ગમે તેવા જોખમો સામે ટક્કર ઝીલી શકે તેમ છે.’
આ નિર્ણય લીધા પછી તેને થોડી રાહત થઇ.
પરંતુ કોઈ પણ માણસ બે વિચારોમાંથી એક વિચારના સમર્થનમાં નિર્ણય કર્યા પછી તેના બીજા પાસાથી પર નથી રહી શકતો.
રાજેન્દ્ર પાંચ હજારની વ્યવસ્થા કરવાનું વિચારતો હતો. તે જયરાજને શક્ય તેટલું વધુ મદદરૂપ થવા ઈચ્છતો હતો.
ગલ્લામાં લગભગ બે હજાર રૂપિયા પડ્યા હતાં. બેંકમાં પણ બાવીસ હજાર રૂપિયા જમા હતા.
બીજે દિવસે બેંક ખુલ્યા પછી પોતે પાંચ હજાર રૂપિયા ઉપાડીને જયરાજને મોકલી અપાશે એવો નિર્ણય કરીને રાજેન્દ્ર ઉભો થયો કે આચાનક તેને ચમકી જવું પડ્યું.
એણે એક હબસી જેવો કદરૂપો ચહેરો ધરાવતા માનવીને અંદર પ્રવેશતો જોયો.
આગંતુકના હોઠ વચ્ચે સળગતી સિગારેટ દબાયેલી હતી. એના બંને હાથ ઓવરકોટના ગજવામાં હતાં.
‘બોલો....?’ રાજેન્દ્રએ પ્રશ્નાર્થ નજરે તેની સામે જોતાં પૂછ્યું, ‘શું કામ છે ...?’
‘ઇન્સ્પેક્ટર જયરાજનો જે પત્ર તને મળ્યો છે, એ લેવા માટે હું આવ્યો છું.’ આગંતુકે હોઠ વચ્ચેથી સિગારેટ કાઢીને હાથમાં લેતાં કહ્યું.
એનો બીજો હાથ હજુ પણ ઓવરકોટના ગજવામાં જ હતો.
‘મને એવો કોઈ પત્ર નથી મળ્યો...!’ રાજેન્દ્ર રુક્ષ અવાજે બોલ્યો.
‘તને ખરેખર જયરાજનો પત્ર નથી મળ્યો ?’
‘ના ...અને એ મને પૂછનાર તું કોણ છો ?’
જવાબમાં એ રહસ્યમય માનવીએ દરવાજો બંધ કરીને સ્ટોપર ચડાવી દીધી.
‘આ ...આ શું નાલાયકી છે ...?’ કહીને રાજેન્દ્રએ દરવાજા તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યો.
એ માનવીએ તેને ધક્કો કારીને પાછળ હડસેલ્યો.
‘હું અહીં કાયમને માટે વસવાટ કરવા નથી આવ્યો.’ એણે પૂર્વવાત અવાજે કહ્યું, ‘મને મેજર નાગપાલે મોકલ્યો છે. તેમણે એ પત્ર મંગાવ્યો છે.’
‘તને નાગપાલસાહેબે મોકલ્યો છે ?’ રાજેન્દ્રએ નરી તાજ્જુબીથી આંખો પટપટાવતા પૂછ્યું.
‘હા...હું શુદ્ધ ગુજરાતીમાં બોલ્યો છું. તેમણે જ એ પત્ર મંગાવ્યો છે!’
‘સાંભળો...પહેલી વાત તો એ કે મારા પર એવો કોઈ પત્ર આવ્યો નથી ને જો કદાચ આવ્યો હોય તો પણ નાગપાલ સાહેબને એની કેવી રીતે ખબર પડી શકે તેમ હતી?’
‘તેમણે આ વિસ્તારના પોસ્ટમેનને કહી રાખ્યું છે. તારા પર આવતી દરેક ટપાલોની માહિતી અમને પોસ્ટમેન પાસેથી મળી જાય છે. તને એક એવું કવર મળ્યું છે કે જેના પર મોકલનારનું સરનામું નહોતું લખ્યું.’
‘તારી કંઇક ભૂલ થતી લાગે છે....! મારો પીછો છોડ...! હું પોતે જ નાગપાલ સાહેબ સાથે વાત કરી લઈશ.!’ રાજેન્દ્ર બેદરકારીથી ખભા ઉછળતા બોલ્યો, ‘ઘણું મોડું થઇ ગયું છે. મારે હજુ ઘણાં કામ બાકી છે.’
‘તો એ કવર તારી પાસે નથી ખરું ને ?’
‘હા..’
‘તો જો હવે હું તારી તલાશી લઉં તો તો તને કંઈ વાંધો ન હોવો જોઈએ બરાબર ને ...?’
‘આ તો ચોખ્ખી દાદાગીરી છે ...! તલાશી લેવી હશે તો નાગપાલ સાહેબ લેશે ! તું હવે અહીંથી ચાલતી પકડ ..!’ રાજેન્દ્ર રોષભર્યા અવાજે બોલ્યો.
‘એમ...?’
‘હા...’
વળતી જ પળે હબસીના રાઠોડી હાથનો એક વજનદાર મુક્કો પૂરી તાકાતથી એના ગાલ પર ઝીંકાયો.
રાજેન્દ્રએ પોતાનો ગાલ ચીરાતો અનુભવ્યો.
બંધ મૂઠી અને દાંત વચ્ચે ગાલનો અંદરનો ભાગ ચીબાઈ ગયો હતો.
એના મોંમાં લોહીનો ખરો સ્વાદ ફરી વળ્યો.
‘તું ...તું પોલીસ કે સી.આઈ.ડી. નો માણસ નથી લાગતો...!’ રાજેન્દ્ર કર્કશ અવાજે બોલ્યો, ‘હું તને એનો જ કોઈ માણસ સમજીને અત્યાર સુધી તારું માન જાળવતો હતો...!’
વાત પૂરી કરીને એણે ત્યાં પડેલો લોખંડનો સળિયો ઊંચકવાનો પ્રયાસ કર્યો.
‘ખબરદાર ...!’ અચાનક ઓવરકોટધારીએ કઠોર અવાજે કહ્યું.
એના હાથમાં જકડાયેલી સાયલેન્સરયુક્ત રિવોલ્વર પર નજર પડતાં જ રાજેન્દ્ર થંભી ગયો.
રિવોલ્વર જોઇને પળભર માટે એના હોશ ઊડી ગયા.
તે ફાટી આંખે હબસીના હાથમાં જકડાયેલી રિવોલ્વર સામે તાકી રહ્યો હતો.
‘કોઈ પણ જાતની ચાલાકી વાપરતાં પહેલાં એક વાતનો વિચાર કરી લેજે કે રિવોલ્વરનું ટ્રિગર દબાવવામાં મને ફક્ત બે સેકન્ડ જ લાગશે ...! જો જીવવાની તારી ઈચ્છા મરી પરવારી હોય તો તું ખુશીથી ગમે તે ચાલબાજી રમી શકે છે. હું ના નથી પાડતો....! તને ચેતવવાની મારી ફરજ હતી અને એ મેં પૂરી કરી છે. હવે તારી મરજી....!’ ઓવરકોટધારીએ એની સામે રિવોલ્વરની નળી લહેરાવતાં કહ્યું.
‘તું ...તું કોણ છો ..?’ રાજેન્દ્રએ શાંત અવાજે પૂછ્યું.
એના અવાજમાં જરા પણ ભય, ગભરાટ કે ઉશ્કેરાટ નહોતો.
‘દસ હજારનું ઇનામ મેળવવા ઈચ્છતો એક માણસ..!જયરાજને જીવતો કે મરેલો પકડનારને દસ હજારનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે એ તો તું જાણતો જ હોઈશ !’
‘બરાબર છે ....પરંતુ માત્ર દસ હજારના ઇનામની લાલચે જ કોઈનું લોહી રેડવા માટે તૈયાર થયો છો ...?’ રાજેન્દ્રના અવાજમાં કટાક્ષનો સૂર હતો. ‘ના, તારી આ વાત મારે ગળે નથી ઉતરતી...!’ તું એ માણસ નથી લાગતો...!’
‘તો પછી હું કોણ છું એ તું પોતે જ કહી નાંખ ...!’
‘તું એ જ માણસ છે, કે જેણે અજીત મરચંટ અને સુમનનાં ખૂનો કરીને તેમના ખૂનના આરોપમાં ચૌહાણ સાહેબને ફસાવી દીધા છે ...!’
‘ચૌહાણ સાહેબ...? એ વળી કોણ છે ..?’
‘હું ઇન્સ્પેક્ટર જયરાજ ચૌહાણની વાત કરું છું !’
‘વાહ.. એ બંનેનાં ખૂનો મેં કર્યાં છે, એમ જો તું માનતો હો તો પછી મારે અહીં આવવાની શું જરૂર હતી...?’
‘તારો હેતુ ચૌહાણ સાહેબને પણ મારી નાખવાનો છે...! તું ખૂબ જ ખતરનાક છો એની મને ખબર છે !’
‘ચાલો...બહુ સારું થયું...!’ હબસી ઠાવકા અવાજે બોલ્યો, ‘મારે હવે મારી વધુ ઓળખાણ નહીં આપવી પડે. કારણ કે તારી નજરે હું ખતરનાક તો છું જ..! મેં જ અજીત મરચંટ તથા સુમનનાં ખૂનો કર્યાં છે અને હવે હું જયરાજને પણ મારી નાંખવા માગું છું, એવું જો તું માને છે તો તો પછી તારે એક બીજી વાતનો વિચાર પણ કરવો જોઈએ !’
‘બીજી વાત ...?’
‘હા...’
‘બીજી કઇ વાત ...?’
‘એ જ કે જો હું તારું પણ ખૂન કરી નાખું તો એનાથી મને શું ફર્ક પડવાનો હતો ...? આપણા દેશમાં એક ખૂનની સજા પણ ફાંસી છે અને સો ખૂનની સજા પણ ફાંસી જ છે...! મારે ફાંસીએ તો માત્ર એક જ વખત ચડવું પડશે. મેં દસ ખૂનો કર્યાં હશે તો મને કંઈ દસ વખત ફાંસીના માંચડે નહીં લટકાવવામાં આવે સમજ્યો ...?’ વાત પૂરી કરીને એ ખતરનાક ઢબે હસ્યો.
એનું કથન સાંભળીને રાજેન્દ્રનો કંઠ સુકાવા લાગ્યો.
‘ન...ના...તું એવું નહીં કરે ..!’ રાજેન્દ્ર થોથવાતા અવાજે બોલ્યો.
‘કેમ ...? એવું કરતાં મને કોણ અટકાવશે...?’ હબસીએ ક્રૂર અવાજે કહ્યું, ‘આ ઇન્ડસ્ટીયલ વિસ્તારમાં સાયલેન્સરયુક્ત રિવોલ્વરનો અવાજ પણ કોઈને નહીં સંભળાય...!’
‘પણ મારું ખૂન કરવાની તારે શું જરૂર છે ..?’
‘શું કરું ભાઈ...? મજબૂરી છે ...!’ હબસી ટાઢા માટલા જેવા અવાજે બોલ્યો, ‘જે કવરમાં જયરાજનો પત્ર આવ્યો હતો, એ કવર આપવાનો તો તું નનૈયો ભણે છે ...!’
‘મારા પર જયરાજનો કોઈ પત્ર નથી આવ્યો.’
‘મેં પોતે પોસ્ટમેનને પૂછ્યું છે. તારા પર મોકલનારના નામ-સરનામાં વગરનું એક કવર આવ્યું છે !’
‘આવ્યું હશે...પણ મને નથી મળ્યું...!’ રાજેન્દ્ર શાંત અને સ્વસ્થ અવાજે બોલ્યો, ‘કદાચ ભૂલથી એ કવર જમશેદ પાસે રહી ગયું હશે...!’
‘ના, જમશેદ પાસે નથી....! તારી જાણ માટે સાંભળી લે કે જમશેદ મારો જ માણસ છે ...!’
‘અશક્ય....! એવું બને જ નહીં ...!’
‘આ દુનિયામાં કશું જ અશક્ય નથી. આપણને જે કામ અશક્ય લાગતું હોય તેને શક્ય બનતાં જરા પણ વાર નથી લાગતી. બસ, અશક્ય દેખાતાં કામને શક્ય બનાવવાની ધગશ હોવી જોઈએ...!’
‘જમશેદ તારો માણસ ન હોઈ શકે ...!’ રાજેન્દ્રના અવાજમાં અવિશ્વાસનો સૂર હતો.
‘તારે એ પત્ર આપવો છે કે નહીં ...?’
‘ના...’
‘હું તને મારી નાંખીને પણ એ પત્ર મેળવી શકું તેમ છું.’ હબસી કઠોર અવાજે બોલ્યો, ‘એ પત્ર કાં તો તારા ગજવામાં અથવા તો પછી આ ઓફિસમાં જ ક્યાંક પડ્યો હશે ...!’
રાજેન્દ્રનું દિમાગ ઝપાટાબંધ કામે લાગી ગયું.
જો પોતે આ હબસીને પત્ર આપી દેશે તો તે તરત જ જયરાજનું ખૂન કરવા માટે હરદ્વાર પહોંચી જશે. પણ વાંધો નહિ...પોતે તેની પહેલાં જ હરદ્વાર પહોંચી જશે અગર તો નાગપાલ સાહેબને બધી વસ્તુસ્થિતિથી વાકેફ કરી દેશે. આ વિચાર મગજમાં આવતાં જ એણે રાહત અનુભવી.
‘ભલે....!’ એણે કહ્યું, ‘હું તને એ પત્ર આપી દઉં છું ...!’ ત્યાર બાદ ગજવામાંથી કવર કાઢીને ટેબલ પર મૂકતાં બોલ્યો, ‘હવે તું ચાલતો થા....!’
‘અને હું ચાલતો થઉં એટલે તું જયરાજને સાવચેત કરી દઈશ અથવા તો પોલીસને બધું જણાવી દઈશ ખરું ને .?’જાણે એના મનની વાત કળી ગયો હોય એમ હબસીએ કહ્યું, ‘ના રે ભાઈ...! એવી પંચાતમાં કોણ પડે ...? જયરાજને કઇ ખબર ન હોય અને પોલીસ મને ઘેરવાનો પ્રયાસ ન કરતી હોય, એ સંજોગોમાં જ આ પત્ર મારે માટે ઉપયોગી છે !’
‘મેં તને પત્ર આપી દીધો છે. બાકી મારે શી નિસ્બત છે ? તું જાણ ને તારું કામ જાણે !’
‘ના રે ના...!’ હબસી હંટરના ફટકા જેવા અવાજે બોલ્યો, ‘મારા પરમ પૂજ્ય દાદાએ કોઈ પણ જાતનું જોખમ ખેડવાની બિલકુલ ના પાડી છે. એટલે તને જીવતો રાખવાનું જોખમ હું ખેડી શકું તેમ નથી.’
વળતી જ પળે એણે નિશાન લઈને ટ્રીગર દબાવી દીધું.
સાયલેન્સરયુક્ત રિવોલ્વરમાંથી ‘ફીસ..’ ના હળવા અવાજ સાથે એક ગોળી છૂટીને રાજેશની છાતીમાં બરાબર હૃદય પર ચોંટી ગઈ.
રાજેન્દ્ર પીડા કરતાં આશ્ચર્યનાં વધુ હાવભાવ સાથે આ સંસારમાંથી વિદાય થઇ ગયો.
મોતને સામે જોઇને પણ તેને ભરોસો નહોતો બેઠો કે આજે તે મરી જશે. એણે જે સપનું જોયું હતું, તે સપનું જ રહી ગયું હતું. તેનું સપનું સાકાર થાય એ પહેલાં જ મોત તેને આંબી ગયું હતું.
હબસીએ ટેબલ પરથી કવર ઊંચકીને ઓવરકોટનાં ગજવામાં સરકાવ્યું. પછી દરવાજાની સ્ટોપરને રૂમાલથી સાફ કરી. ત્યાર બાદ એણે ગજવામાંથી વિદેશી સેન્ટની એક નાનકડી બોટલ કાઢી, તેને રૂમાલ વડે લૂછીને ખૂબ જોરથી જમીન સાથે અફાળી. બોટલ તૂટી ગઈ.
વળતી જ પળે વાતાવરણમાં સેન્ટની તીવ્ર ગંધ પ્રસરી ગઈ.
પોલીસ ખાતાનો ડોગ હવે ગંધ પારખીને તેના સુધી પહોંચી શકે તેમ નહોતો.
રિવોલ્વર ગજવામાં મૂકીને તે આરામથી બહાર નીકળી ગયો.
આ માણસ થોડી વાર પહેલાં જ ખૂન જેવું ગંભીર અને ખતરનાક કામ કરી ચૂક્યો છે, એવું અત્યારે તેના ચહેરા પરથી બિલકુલ નહોતું લાગતું.
તે પૂરી લિજ્જતથી સિગારેટ ફૂંકતો ફૂંકતો ચાલ્યો જતો હતો.