સંતાપ - 7 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંતાપ - 7

૭ ડબલ મર્ડર .....!

 ....ભગવાન જાણે કઇ પરિસ્થિતિ સામે પરાજય સ્વીકારીને એણે આપઘાત કર્યો હતો ..!

 બેરોજગાર અથવા તો જુવાન દીકરીઓના કરિયાવરની ચિંતા ...!

 દેશનાં કરોડો માધ્યમ વર્ગના કુટુંબની આ જ હાલત છે ....!

 આર્થિક કટોકટીને કારણે કોણ જાણે કેટલા લોકોને પોતાની જીંદગી ટુંકાવવી પડે છે ?

 શરમ, સંકોચ અને ભોંઠપની મર્યાદા વટાવ્યા પછી આપઘાત સિવાય બીજો કોઈ માર્ગ બાકી નથી રહેતો ....!

 ઈચ્છા ન હોવા છતાંય દસેય દિશામાંથી નિરાશ થયાં પછી છેવટે માણસને જીંદગી ટૂંકાવવાનો નિર્ણય લેવો પડે છે .

 જીંદગી ઈશ્વરે આપેલી એક અમુલ્ય ભેટ છે અને તેને સારી રીતે જીવવી જોઈએ એમ સૌ કહે છે. મોટા મોટા ધાર્મિક ગ્રંથોમાં પણ એમ જ લખ્યું છે. પરંતુ ગરીબ માણસની જે લાચારી હોય છે, તેના ઊંડાણમાં ડોકિયું કરવાનો ભાગ્યેજ કોઈ પ્રયાસ કરે છે . બાકી તો સૌ સલાહ-શિખામણો આપીને વિદાય થઇ જાય છે. પરંતુ માત્ર સલાહ-શિખામણો કે માખણીયા આશ્વાસનથી કોઈ ભૂખ્યાનું પેટ નથી ભરાઈ જતું! એણે માટે ભોજનની જરૂર પડે છે ...! નગ્નતાને ઢાંકવા માટે વસ્ત્રોની અને માથું છુપાવવા માટે છતની જરૂર પડે છે ...!

 તાપણામાં હાથ તાપી રહેલો જયરાજ આ જ વાતનો વિચાર કરતો હતો. ઠંડા પાણીથી એનું માત્ર શરીર જ નહીં, મગજ પણ જાણે કે અકડાઈ ગયું હતું. તે કોઈક તત્વજ્ઞાનીની માફક શ્રાપ બનીને ભારતના કરોડો ગરીબોને વળગી ગયેલી ગરીબી વિશે વિચારતો હતો.

-----જે લોકો પર એક અબજ ભારતીયોની જવાબદારી હતી તેઓ માત્ર કયા રાજ્યમાંથી પોતાના પક્ષને કેટલી સીટો મળશે એના વેંતમાં જ પડ્યા હતા. પોતાના શાસન દરમિયાન તેઓ બંને હાથે શક્ય એટલી વધુમાં વધુ દોલત એકઠી કરી લેવા માંગતા હતા.કદાચ આવી સોનેરી તક ફરીથી ન પણ મળે ...! પોતાના સ્વાર્થની પૂર્તિ માટે તેઓ નીચતાની કોઈ પણ હદ સુધી જી શકતા હતા ! પૈસા અને દમનની શક્તિ સામે ગરીબ પ્રજા લાચાર બની ગઈ હતી.જે લોકો પોતાની શૈક્ષણિક લાયકાતના જોરે ચપરાસીની નોકરી પણ મેળવી શકે તેમ નહોતા, તેઓ રૂપિયા અને લાગવગના જોરે અથવા તો ધાક-ધમકી અને ગુંડાગીરીના જોરે સત્તાની ખુરશી પર પહોંચી ગયા હતા. ઉચ્ચ ડિગ્રી મેળવી ચુકેલા કંઇક કરી છૂટવાની તમન્ના ધરાવતા યુવાનો કલાર્કની નોકરી મેળવવા માટે તળિયા ઘસતા હતાં ત્યારે એથી વિપરીત અંગુઠા છાપ કે ઓછું ભણેલા નેતાઓ સમગ્ર દેશના શાસનનું સુકાન સંભાળતા હતાં. જે લોકોને ઘરનું બજેટ બનાવતા પણ નહોતું આવડતું તેઓ આખા દેશનું બજેટ બનાવતા હતાં ...! 

 જયરાજના મનમાં આ સત્તાધીશો પ્રત્યે નફરતનો દાવાનળ ભભૂકી ઊઠ્યો.

 ‘લ્યો સાહેબ !’ હોટલના વેઈટરે નજીક આવીને તેની સામે દૂધનો ગ્લાસ લંબાવ્યો.

 જયરાજે એના હાથમાંથી ગ્લાસ લઇ લીધો.

 ‘શામજી...!’ કાઉન્ટર પાછળ બેઠેલો માલિક વેઈટરને ઉદ્દેશીને બોલ્યો, ‘તારો દીકરો બી.કોમ. થઇ ગયો છે. હવે શું એને નોકરી કરાવવાનો ઈરાદો છે ?’

 ‘શું વાત કરું સા’બ !’ શામજીએ કહ્યું, ‘ગામડે ખેતી અને દુજાણું છે. પરંતુ છોકરો ખૂબ ભણ્યો છે એટલે એ તો કંઈ હવે ખેતી કરશે નહીં કે દૂધ વેચવા નહીં જાય !’

 ‘હા, એ તો છે ! આજકાલના જુવાનિયાઓને શહેરની હવા લાગી ગઈ છે. બધાને ફિલ્મમાં આવે છે તેમ રાતોરાત પૈસાદાર બની જવું છે. તારી વાત પણ સાચી છે. તારા છોકરા માટે તો હવે નોકરીનો જ આધાર છે !’

 ‘હું બે-ત્રણ ભેંસ વેચીને છોકરાંને પોલીસમાં ભરતી કરાવી દેવાનું વિચારું છું !’

 ‘ભાઈ...!’ હવે જયરાજથી ચૂપ ન રહેવાયું, ‘ભેંસ વેચવાને અને નોકરીને શું સંબંધ છે ?’

 ‘જુઓ મોટાભાઈ...!’ વેઈટર બોલ્યો, ‘પોલીસની નોકરી મેળવવા માટે લાંચ તો આપવી જ પડે. લાંચ આપ્યા વગર કંઇ નોકરી મળે નહીં. અને લાંચનાં પૈસાની વ્યવસ્થા કરવા ભેંસ વેચવી પડે ! સમજ્યા કે નહીં ? એક વાર છોકરો ખાતામાં પહોંચી જાય એટલે નિરાંત ! પછી તો છ મહિનામાં જ બેને બદલે બાર ભેંસ ખરીદી લેશું !’

 ‘કેવી રીતે ?’

 ‘લે, કર વાત ! એટલું ય ન સમજ્યા ? અરે મોટાભાઈ.....પોલીસની નોકરીમાં આંધળી કમાણી છે ! પગાર કરતાં પાંચ ગણા પૈસા તો લાંચ કે કટકીમાં જ મળે છે !’

 જયરાજ ચૂપ થઇ ગયો.

 હવે પોલીસની વર્દી પણ કમાણીનું સાધન બની ગઈ હતી. 

 પોલીસની નોકરી મેળવવા માટે ખર્ચ કરવો, તે નુકસાનનો સોદો નથી એ વાત ગામડાના અભણ લોકો પણ સમજી ગયા હતાં.

 લાંચ આપીને પોલીસ ખાતામાં આવતાં લોકો પોતાની ફરજ પ્રત્યે કેટલા જાગૃત હશે, તે સહેલાઇથી સમજી શકાય એવી વાત હતી.

 અભણ વેઈટર પણ છ મહિનામાં બેને બદલે બાર ભેંસ ખરીદવાના ગણિતથી વાકેફ હતો.

 જયરાજ ચૌહાણ...કે જેણે પોતાની કારકિર્દી દરમિયાન રાતા પૈસાની પણ લાંચ નહોતી લીધી !

 એનું હૈયું વિશાદથી ભરાઈ આવ્યું.

 એણે દૂધનો ગ્લાસ ખાલી કર્યો અને પૈસા ચૂકવીને ઊભો થયો.

 કાવેરી હોટલના કાઉન્ટર પાસે પહોંચીને એણે રૂમ વિશે પૂછપરછ કરી.

 ‘સાહેબ !’ એની વાત સાંભળીને કાઉન્ટર પાછળ બેઠેલો ક્લાર્ક બોલ્યો, ‘તમારે એડવાન્સ ભાડું જમા કરાવવું પડશે.’

 ‘કેમ ?’

 ‘તમારી પાસે કોઈ સમાન તો છે નહીં ! કાલે ઊઠીને તમે રફુચક્કર થઇ જશો તો માલિકને મારે જવાબ આપવો ભારે થઇ પડશે !’

 ‘એમ વાત છે ?’

 ‘હા...’

 ‘ઓ.કે...!’ જયરાજ ભાવહીન અવાજે બોલ્યો, ‘હું એક અઠવાડિયાનું ભાડું એડવાન્સમાં આપવા માટે તૈયાર છું !’

 ‘એક અઠવાડિયાનું ? શું ક્યાંય લૂંટ-બૂંટ કરી છે ?’ કલાર્કે ચમકીને પૂછ્યું.

 ‘ના..’ એના સવાલથી માઠું લગાડ્યા વગર જયરાજ હસીને ટોન્ટ મારતાં બોલ્યો, ‘લૂંટ-બૂંટ કરી હોત તો આવો બોગસ હોટલમાં ન આવત...’

 એનો કટાક્ષ ક્લાર્ક સમજી ગયો હતો.

 એણે બીજા માળ પર આવેલા પંદર નંબરના રૂમની ચાવી કી બોર્ડમાંથી કાઢીને તેની સામે મૂકી દીધી.

 ‘બસો એંસી રૂપિયા આપો...!’

 જયરાજે બસો એંસી રૂપિયા ચૂકવી દીધા. પછી રસીદ તથા ચાવી લઈને તે પગથિયા તરફ આગળ વધી ગયો.

 તીવ્ર ઠંડીનો સામનો હવે આત્ર એક ધાબળાથી નહીં કરવો પડે, એ તેને માટે રાહતની વાત હતી.

 આઠ ફૂટ લાંબોને છ ફૂટ પહોળો સિંગલ બેડનો રૂમ અત્યારે તેને માટે કોઈક આલીશાન બંગલાના ભવ્ય બેડરૂમ સમાન હતો. ભલે એક અઠવાડિયા માટે, પણ તેને રહેવા માટે આશરો તો મળી જ ગયો હતો !

 રૂમ બંધ કરીને એ પલંગ પર આડો પડ્યો. નરમ અને મુલાયમ રૂની રજાઈ એણે ઓઢી લીધી.

 એના શરીરમાં ગરમી આવવા લાગી. પરંતુ બરફ જેવા ઠંડા પગ ગરમ નહોતાં થઇ શક્યા.

 એણે એક સિગારેટ પેટાવી.

 સિગારેટની છત તરફ ઊડતી ધૂમ્રસેરમાં તેને સુમનનો સ્મિત ફરકાવતો ચહેરો દેખાયો.

 યાદોની વણઝાર ફરીથી તેને ભૂતકાળના પ્રવાસે લઇ ગઈ.

 સવારે તે નાસ્તો લઈને આવી હતી.

- અને

 નાસ્તાની ટ્રે ટેબલ પર મૂકતી વખતે સુમન સ્મિત ફરકાવતી હતી.

 ‘શું વાત છે ડીયર ? આજે તો ખૂબ ખુશ દેખાય છે ?’ જયરાજે કબાટમાંથી વર્દી કાઢતાં પૂછ્યું.

 ‘કેમ ? ખુશ થવામાં પોલીસ ખાતાએ એક સો ચુમાળીસમી કલમ લાગુ પાડી છે ?’ સુમને બાળકની માફક મજાક કરી અને પછી પોતાની જ વાત પર હસી પડી.

 ‘ના...એકેય કલમ લાગુ નથી પડી ! પરંતુ મિસિસ સુમન ચૌહાણ આજે આટલી ખુશ શા માટે છે એની ખબર તો પડવી જોઈએ ને ?’ જયરાજે પોતાની પ્લેટમાં પરોઠાં મૂકતાં કહ્યું.

 ‘હું ઘરની સાફસૂફી કરતી હતી ત્યારે કબાટના એક ખાનામાં મેં મારી જન્મકુંડળી જોઈ...! એ જન્મકુંડળી મુજબ આવતીકાલે એટલે કે ૭મી જુલાઈએ મારો જન્મદિવસ છે !’

 ‘ઓહ...એમ વાત છે !’ જયરાજ હસીને બોલ્યો, ‘આવતીકાલે તારો જન્મદિવસ છે, એ તો સાવ હું ભૂલી જ ગયો હતો !’ 

 ‘તો કાલે મારા જન્મદિવસની ઉજવણી કરીએ તો કેમ રહેશે ?’

 એનો ઉત્સાહ જોઇને જયરાજ ના ન પાડી શક્યો.

 ‘ભલે..તારી ખુશીમાં જ મારી ખુશી છે !’ એણે કહ્યું, ‘પરંતુ મને બહુ ભીડ નથી ગમતી એ તો તું જાણે જ છે...!’

 ‘હા...જાણું છું ! આ બાબતમાં તમે બિલકુલ બેફિકર રહો...!’ સુમન પ્રસન્ન અવાજે બોલી, ‘આવતીકાલની ઉજવણીમાં આપણા બે સિવાય ત્રીજું કોઈ નહીં હોય ! મીણબત્તીના મંદ પ્રકાશમાં આપણે ડીનર કરીશું ! તમે ખરા અંતઃકરણથી મને શુભેચ્છાઓ પાઠવશો !’

 એની લાગણી જોઇને જયરાજના હોઠ પર રમતિયાળ સ્મિત ફરકી ગયું.

 પછી એકાએક સુમનના ચહેરા પર ગંભીરતા ફરી વળી.

 ‘શું થયું ડીયર ?’ એના ચહેરા પર આવેલું પરિવર્તન જયરાજથી છૂપું નહોતું રહ્યું, ‘તું અચાનક ગંભીર શા માટે થઇ ગઈ ?’ 

 ‘એટલા માટે કે હું તમને એક ભેદ જણાવવા માંગુ છું ! એક એવો ભેદ કે જે જાણ્યા પછી તમે પોલીસ ઇન્સ્પેક્ટર હોવા છતાંય ચમકી જશો !’

 ‘આ શું ગાંડપણ આદર્યું છે ? રાત્રે તે કોઈ ભયંકર સપનું તો નથી જોયું ણે ?’ જયરાજે ચમકીને પૂછ્યું.

 ‘ના, એ સપનું નહીં પણ નક્કર હકીકત હતી...! કડવું સત્ય હતું અને કઠોર વાસ્તવિકતા હતી ?’

 ‘હકીકત ? સત્ય ? વાસ્તવિકતા ?’ 

 ‘હા, કાલે હું તમને એ હકીકત પણ જણાવી દઈશ ! અત્યાર સુધી તો હું પણ એ બનાવને એક સપનું જ માનતી હતી. પરંતુ હવે મને સાચી હકીકતની ખબર પડી ગઈ છે !’

 ‘મને તો કશુંય નથી સમજાતું ! ખેર, તારે જે કંઈ કહેવું છે, એને માટે તું આવતીકાલની રાહ શા માટે જુએ છે ?’

 ‘કારણ કે આવતીકાલ સુધીમાં આ ભેદ સંપૂર્ણ રીતે ઉજાગર થઇ જશે. જો આજે સવારે મેં ટી.વી. ન જોયું હોત તો તે એક સપનું નહીં પણ નરી આંખે જોયેલી વાસ્તવિકતા હતી, એની મને કદાપિ ખબર ન પડત....’

 ‘તેં શું જોયું હતું ?”

 ‘આજે સવારે આઠ વાગ્યે ટી.વી. પર એક ઇન્ટરવ્યૂ આવ્યો હતો. એ ઇન્ટરવ્યૂને કારણે મારી સામે એક શયતાનનું વાસ્તવિક રૂપ ઉજાગર થઇ ગયું છે !’

 સુમનનો ઉશ્કેરાટ જોઇને જયરાજ આશ્ચર્યચકિત થઇ ગયો હતો.

 જો તેને ઓફિસે જવાનું મોડું ન થતું હોત તો તે કોઈપણ સંજોગોમાં આ ભેદ વિશે જાણ્યા વગર ન રહેત ! બરાબર દસ વાગે મિટિંગ હોવાને કારણે તેને સમયસર ઓફોસે પહોંચવું પડે તેમ હતું.

 ઓફિસેથી પાછા ફરીને પોતે એ ભેદ વિશે સુમનને પૂછશે એમ એણે નક્કી કર્યું.

 નાસ્તો કરી, વર્દી પહેરી તે રવાના થઇ ગયો. રવાના થતાં પહેલાં એણે હંમેશની જેમ સુમનને પોતાના આલિંગનમાં જકડીને તેનું કપાળ ચૂમ્યું હતું.

 એ બિચારાને શું ખબર કે પોતે છેલ્લી વખત જ પત્નીને આલિંગનમાં જકડીને ચુંબન કરે છે ! જો આ વાતની તેને ખબર હોત તો તે મિટિંગની પરવાહ પણ ન કરત.

 પરંતુ બનાવો બને છે જ એટલા માટે કે તે બનશે એની કોઈને અગાઉથી ખબર નથી હોતી !

 અચાનક જયરાજની આંગળીઓએ ઊની આંચ અનુભવી.

 એ ડઘાઈને પલંગ પર બેઠો થઇ ગયો.

 સિગારેટ સળગતી સળગતી છેક આંગળી સુધી પહોંચી ગઈ હતી.

 એણે સિગારેટના ઠૂંઠાને બુઝાવીને એક ખૂણામાં ફેંકી દીધું.

 ભૂતકાળની યાદમાંથી તે બહાર નીકળી આવ્યો હતો.

 એણે ટેબલ પર પડેલા જગમાંથી થોડું પાણી પીને ગળું તર કર્યું. અને પછી દીવાલ પર લટકતી ઘડિયાળમાં સમય જોયો.

 રાતના સાડા અગિયાર વાગી ગયા હતા.

 એ ફરીથી પલંગ પર આડો પડ્યો.

 તે સૂઈ જવા માંગતો હતો. પરંતુ ઊંઘ જાણે કે તેનાથી નારાજ થઇ ગઈ હતી.

 એ વિચારોમાં ભટકવા લાગ્યો અને ભટકતો ભટકતો ભૂતકાળમાં પહોંચી ગયો.

 ઓફિસમાં તે એકલો જ નહોતો.

 તેની સામે મેજર નાગપાલ પણ બેઠો હતો. નાગપાલ એક કેસની ફાઈલ તપાસવા અને તેનો રીપોર્ટ તૈયાર કરવા આવ્યો હતો. તે અત્યારે ચૂપચાપ ફાઈલ વાંચવામાં મશગુલ હતો.

 સહસા ટેલીફોનની ઘંટડી રણકી ઊઠી.

 ‘હલ્લો...’ જયરાજે રિસિવર ઊંચકીને કને મૂકતાં કહ્યું, ‘ઇન્સ્પેક્ટર જયરાજ ચૌહાણ સ્પીકિંગ....!’

 ‘ચૌહાણ સાહેબ...!’ સામે છેડેથી એક ગંભીર સ્વર તેને સંભળાયો, ‘હું તમારો શુભેચ્છક બોલું છું ! એક એવો શુભેચ્છક કે જે તમારી બુદ્ધિના બંધ થઇ ગયેલા દરવાજાને ઉઘાડવા માંગે છે !’

 જયરાજનું દિમાગ ચકરાવે ચડી ગયું.

 સામે છેડેથી બોલી રહેલા માણસનો અવાજ અજાણ્યો હતો પરંતુ એ અવાજમાં પૂરેપૂરી ગંભીરતા હતી.

 ‘એટલે ...? તું કહેવા શું માંગે છે ...?’

 ‘એક એવો ભેદ, કે જેના વિશે તમે કશુંય નથી જાણતા ....! જો તમારી ઈચ્છા હોય તો તમે આ ભેદ પરથી જરૂર પડદો ઊંચકી શકો તેમ છો ...!’

 ‘તું નાહક જ સસ્પેન્સ ઊભું કરે છે ...! હું અગત્યના કામમાં રોકાયેલો હતો. અને કામ તો તારી પાસે પણ હશે એમ હું માનું છું.!’

 ‘હા, એ તો સ્પષ્ટ જ છે. હું કંઈ નવરી બજાર નથી....!’ સામેથી ઘોઘરો અવાજ ગુંજ્યો, ‘હું જે વાત કરવાં માંગુ છું, એનો સંબંધ તમારી પત્ની સાથે છે ...!’

 જયરાજના જડબાં સખતાઈથી ભીંસાયાં.

 ‘કયા સસ્પેન્સની વાત થાય છે ભાઈ ચૌહાણ ...?’ સહસા ફાઈલમાંથી માથું ઊંચું કરીને નાગપાલે પૂછ્યું.

 ‘એમ જ ...!’ જયરાજ માઉથપીસ પર હથેળી દબાવતાં બોલ્યો, ‘એક મિત્રનો ફોન છે ...!’

 નાગપાલ સ્મિત ફરકાવીને ફરીથી ફાઈલમાં ડૂબી ગયો.

 ‘હલ્લો..હલ્લો..ચૌહાણ સાહેબ ...!’ સામે છેડેથી અવાજ ગુંજ્યો.

 ‘હા, સાંભળું છું ...! બાકી તારી જાણ માટે સાંભળી લે કે તું જે કંઈ કહેવા માંગે છે એની મને ખબર છે !’

 ‘હું ભૂતકાળની વાત નથી કરતો ...! તમારી પત્નીના ભૂતકાળ સાથે મારે કંઈ નિસ્બત નથી કારણ કે તેના ભૂતકાળ વિશે જાણ્યા પછી જ તમે તેની સાથે લગ્ન કર્યાં હતાં 

. હું તો વર્તમાનની બલ્કે આજની નહીં, પણ અત્યારની જ વાત કરું છું.

 ‘તું નાહક જ ભૂમિકા બાંધવામાં આપણા બંનેનો કીમતી સમય બગાડે છે ....!’ જયરાજ રુક્ષ અવાજે બોલ્યો, ‘હું તને શુભેચ્છક માનું, એવું તો તેં હજુ સુધી કશુંય નથી જણાવ્યું !’

 ‘તમે તમારી પત્નીના ભૂતપૂર્વ પ્રેમીને તો જરૂર ઓળખતા જ હશો...!’ કહીને જાણે એ માનવીએ જોરથી ફૂંક મારી હોય એવો અવાજ જયરાજના કાને અથડાયો.

 ‘હા...તું માત્ર અત્ય્રની જ વાત કર ...!’

 ‘એના ભૂતપૂર્વ પ્રેમીનું નામ અજીત મરચંટ છે ખરું ને...?’ સવાલ પૂછ્યા પછી ફરીથી ફૂંક મારવામાં આવી હોય એવો અવાજ ગુંજ્યો.

 ‘હા...’

 ‘તો તમને એક વાત પર ભરોસો બેસશે...?’

 ‘કઇ વાત પર ...?’

 ‘તમારી પત્ની અત્યારે પણ પોતાના જ એ ભૂતપૂર્વ પ્રેમીના બાહુપાશમાં સમાયેલી છે ....!’

 ‘અશક્ય....! એવું બને જ નહીં ...!’ જયરાજ એક એક શબ્દ પર ભાર મૂકતાં તીવ્ર અવાજે બોલ્યો, ‘હું આ વાત માની શકું તેમ નથી...!’

 ‘તો પછી મને કહેવા દો કે તમે ....’કહેતાં કહેતાં તે અટકી ગયો.

 ‘તમે, એટલે શું ..?’ જયરાજે તેને ટોકતાં પૂછ્યું.

 ‘એ જ કે તમે કાયર, બાયલા અને નમાલા છો ..!’

 જાણે ભરબજારમાં અસંખ્ય લોકોની હાજરીમાં કોઈકે પોતાને સણસણતો તમાચો ઝીંકી દીધો છે એવો ભાસ જયરાજને થયો.

 ક્રોધ અને અપમાનથી એનો ચહેરો તમતમી ઊઠ્યો.

 ‘હું નજરે જોયેલી વાત પર ભરોસો કરું છું મિસ્ટર શુભેચ્છક....! જે લોકોને મારી ફરજનિષ્ઠાને કારણે નુકસાન પહોંચ્યું છે, તેઓ આ રીતે મને નુકસાન પહોંચાડી શકે છે એ હું જાણું છું .’

 ‘જો તમારે નજરે જોયેલી વાત પર જ ભરોસો કરવો હોય તો જે જગ્યાએ અત્યારે તમારી પત્ની રંગીનીમાં ડુબેલી છે, ત્યાં પહોંચી જાઓ ....!’ સામે છેડેથી આવતા અવાજમાં ભરપુર કટાક્ષ હતો.

 ‘એ જગ્યાનું નામ બોલ ...!’ જયરાજે રોષથી દાંત કચકચાવતાં કહ્યું.

 પત્નીના બેવફા હોવાની વાત સાંભળીને તે પોતાના મગજ પરથી કાબૂ ગુમાવી બેઠો હતો. જે યુવતીને પોતે બચાવી...જેને માથાનો તાજ બનાવીને સમાજમાં એક પ્રતિષ્ઠિત સ્થાન આપ્યું તથા જેને પોતે સાચા હૃદયથી તૂટી-તૂટીને પ્રેમ કર્યો એ જ યુવતી પરપુરુષ માટે આ હદ સુધી જી શકે એની કલ્પનામાત્રથી જ તેનું હૈયું હચમચી ઊઠ્યું હતું.

 ‘તમે ભૂપગઢ તો જોયું જ હશે ...?’

 ‘હા.અહીંથી આઠ-દસ કિલોમીટર જ દૂર છે...!’

 ‘વેરી ગુડ ....! ભૂપગઢ ગામના બસ સ્ટેશનથી એકાદ કિલોમીટર પહેલાં ડાબા હાથે ફંટાતા કાચા માર્ગ પર અજીત મરચંટનો એક નિર્જન ફ્લેટ છે. અજીત અવારનવાર મોજમસ્તી માટે આ ફ્લેટમાં જાય છે. અત્યારે તમારી પત્ની તથા અજીત એ ફ્લેટમાં જ છે ....!’

 ‘પરંતુ એ જગ્યાએ પહોંચવામાં તો મને અડધો-પોણો કલાક લાગી જશે ! હું પહોંચીશ ત્યારે પણ તેઓ ત્યાં જ હશે એ વાતની શી ખાતરી છે ?’

 ‘કોઈ ખાતરી નથી ...!’

 ‘તો પછી ...?’

 ‘ત્યાંની હાલત જોઇને તમને બધું સમજાઈ જશે ...!’

 ‘આ કોઈ નક્કર વાત નથી.’

 ‘હું માનું છું ત્યાં સુધી એ બંને ત્યાં જ રોકાશે ...! શા માટે રોકાશે એ તો હું નથી જાણતો. પરંતુ રોકાશે એવી મને પૂરેપૂરી શક્યતા દેખાય છે !’ 

 ----અને સહસા જયરાજને એક વાત યાદ આવી કે પોતે સવારે આવશે એ બાબતમાં ફોન કરીને સુમનને જણાવ્યું હતું.

 ‘ભલે...હું જોઈ લઈશ...પણ....’

 ‘પણ , શું ..?’

 ‘તેં તારો પારીચય તો આપ્યો જ નથી ...? તુ કોણ છો એ હું જાણવા માગું છું .’

 ‘મારો પરિચય ...?’

 ‘હા..’

 ‘શુભેચ્છક માત્ર શુભેચ્છક જ હોય છે ...! એનાં કોઈ નામ -સરનામાં નથી હોતાં...! પરંતુ તેમ છતાંય જયારે તમને ખાતરી થઇ જશે કે તમારી પત્ની, તમારી સાથે દગો કરે છે ત્યારે હું સામેથી જ મારો પરિચય આપી દઈશ !’

 વાત પૂરી કરતાંની સાથે જ સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઇ ગયો.

 જયરાજે પણ રિસીવર મૂકી દીધું.

 એ ખૂબ જ વ્યાકુળ અને ચિંતાતુર દેખાતો હતો.

 નાગપાલની ચકોર દ્રષ્ટિથી તેની વ્યાકુળતા છુપાતી નહોતી રહી.

 ‘શું વાત છે જયરાજ...? ફોન પર વાત કર્યા પછી તું ખૂબ જ ચિંતાતુર દેખાય છે ?’ એણે ઔપચારિક અવાજે પૂછ્યું.

 ‘ના, કોઈ ખાસ વાત નથી ...!’

 ‘ભાઈ જયરાજ....! હું તારો મિત્ર છું ..! તારે ન કહેવું હોય તો કંઈ નહીં ...પણ કમ સે કમ મારા સાચા અનુમાનને ખોટું તો ન પાડ ...!’ નાગપાલના અવાજમાં નારાજગીનો સૂર હતો.

  જયરાજે એક સિગારેટ પેટાવીને થોડી પળો સુધી કશુંક વિચાર્યું. 

 ‘આજે નહીં ...! પછી ક્યારેક જણાવીશ ...!’ તે સિગારેટના ઠુંઠાણે એશ ટ્રેમાં પધરાવીણે ઊભો થતાં બોલ્યો, ‘આપ બેસો..! હું એક જરૂરી કામસર બહાર જઉં છું. દોઢ-બે કલાકમાં પાછો આવી જઈશ ...!’

 ‘દોઢ-બે કલાક લાગશે ..? અરે, મારા ભાઈ ..સવારના પહોરમાં કેસનો ફાઈનલ રીપોર્ટ આપવાનો છે.ગૃહ મંત્રાલયનો મામલો છે ભાઈ..!’

 ‘નાગપાલ સાહેબ....’ બંને મિત્રો હોવા છતાંય જયરાજ હંમેશા તેને માનપૂર્વક જ બોલાવતો હતો, ‘આપણું કામ સવારે પાંચ વાગ્યા સુધી ચાલવાનું હતું. આપણે બે કલાક વધુ બેસીશું. આમેય રીપોર્ટ તો નવ વાગે મોકલવાનો છે ...!’

 ‘તારી મરજી ....! બાકી હું તો એમ જ કહીશ કે કામ પૂરું થયાં પછી જ જજે !’

 ‘ના...આમેય હું જ્યાં જવા માગું છું ત્યાં મારા એકલાનું જ કામ છે !’

 વાત પૂરી કરી, ટેબલ પરથી મોટરસાઈકલની ચાવી ઊંચકીને જયરાજ દરવાજા તરફ આગળ વધી ગયો.

 સૌથી પહેલાં તે પોતાના ફ્લેટ પર પહોંચ્યો.

 એના ઘોર આશ્ચર્ય વચ્ચે ફ્લેટના દરવાજા પર તાળું લટકતું હતું.

 એણે ડુપ્લીકેટ ચાવીની મદદથી દરવાજો ઉઘાડ્યો અને અંદર જઈને વસ્ત્રો બદલાવ્યાં તથા માથા પર હેલ્મેટ પહેરી. ત્યાર બાદ એણે ટેબલનું ખાનું ઉઘાડ્યુ.પરંતુ તેમાં તેની સર્વિસ રિવોલ્વર નહોતી. એણે ગોદરેજ નો કબાટ તપાસ્યો. પરંતુ તે બંધ હતો.

 કબાટની ચાવી શોધવા માટે એણે ઘણી તપાસ કરી પરંતુ ચાવી ક્યાંય નહોતી.

 અચાનક તે ચમક્યો.

 એણે જોયું તો એશ ટ્રેમાં “ટ્રીપલ ફાઈવ´સિગરેટનું ઠુંઠું પડ્યું હતું.

 આ બ્રાન્ડની સિગારેટ તો એ કંઈ નહોતો ફૂંકતો.

 અચાનક એના મગજમાં એક માણસનું નામ ગુંજ્યું.

 અજીત મરચંટ...!

 જરૂર અજીત જ આવ્યો હશે ..! એના જેવા માણસને જ “ટ્રીપલ ફાઈવ “ જેવી સિગારેટ ફૂંકવી પરવડે તેમ હતી.

 અજીતનો વિચાર આવતાં જ એનાં જડબાં સખતાઈથી ભીંસાયા. એની આંખોમાં લોહી ઊતરી આવ્યું.

 ફ્લેટને તાળું મારી, મોટરસાઇકલ પર બેસીને એ રવાના થઇ ગયો.

 અડધા કલાકમાં જ તે ભૂપગઢ રોડ પર પહોંચી ગયો.

 એણે ભૂપગઢના સ્ટેશનથી એક કિલોમીટર પહેલાં ડાબા હાથે ફંટાતા એક કાચા માર્ગ પર મોટરસાઈકલ વાળ્યું.

 અજીતનો ફ્લેટ શોધવાનું કામ સહેલું નહોતું.

 એની કાંડા ઘડિયાળ પોણા દસ વાગ્યાનો સમય દર્શાવતી હતી.

 હજી અમુક દુકાની ખુલ્લી હતી.

 એણે પાનની એક દુકાન પાસે મોટરસાઈલ ઊભું રાખીને સિગરેટનું પેકેટ ખરીદ્યું અને પછી પૂછ્યું, ‘અજીત માર્ચંતનો ફ્લેટ કઇ તરફ છે ..?’

 એનો સવાલ સાંભળીને પાનવાળાનું મોં કટાણું થઇ ગયું.

 કદાચ તેને અજીતનો ઉલ્લેખ નહોતો ગમ્યો.

 ‘તમારે એમનું શું કામ છે ...?’ જવાબ આપવાને બદલે એણે સામો સવાલ કર્યો.

 ‘મારે અજીતને મળવાનું હતું...! તે ભૂપગઢપાસેના કોઈક ફ્લેટ પર ગયો છે એવું મને જાણવા મળ્યું છે !’

 ‘વાસ્તવમાં તે ફાર્મહાઉસ છે..!’ પાનવાળો સહેજ નરમ પડતાં બોલ્યો, ‘પરંતુ અહીં રહેણાંકની શક્યતાને કારણે ફાર્મહાઉસ સુકાઈ ગયું છે ...! હવે તો ત્યાં માત્ર હાઉસ જ બાકી રહ્યું છે ...!’

 ‘ઓહ...મને તો એમ કે તે કોઈક ફ્લેટ હશે ....!’

 ‘તમે આ સડક પર સીધા ચાલ્યા જાઓ. એક કિલોમીટર પછી જમણા હાથે પીળી માટીવાળો જે કાચો માર્ગ છે, તે સીધો ફાર્મહાઉસ સુધી પહોંચે છે...!’

 પાનવાળાનો આભાર માનીને એ રવાના થઇ ગયો.

 પાંચ મીનીટ પછી તે પીળી માટીવાળા કાચા માર્ગ પર પહોંચી ગયો.

 મોટરસાઈકલનું એન્જિન બંધ કરીને એણે તેને જ્યાં સુધી સરકતું હતું, ત્યાં સુધી સરકવા દીધું.બત્તી પણ એણે બુઝાવી નાખી હતી.

 પછી મોટરસાઈકલને સ્ટેન્ડ પર ચડાવીને પગપાળા જ તે ફાર્મહાઉસ તરફ આગળ વધવા લાગ્યો.

 ચારે તરફ ઊંચું ઊંચું ઘાસ હોવાને કારણે પંદર ફૂટ દૂર પણ નહોતું જોઈ શકાતું.

 શાંત વાતાવરણમાં તમારાંનો અવાજ ગુંજતો હતો.

 અચાનક એના પગ થંભી ગયા .

 એણે વાંસની જાળીઓમાં કશોક સળવળાટ સાંભળ્યો.

 કદાચ કોઈક જાનવર હશે એમ વિચારીને એણે ફરીથી ડગ માંડ્યા.

 ફાર્મહાઉસની બેઠા ઘાટની ઈમારતના વરંડામાં પહોંચીને એણે ચુપચાપ અંદરની હિલચાલ સાંભળવાનો પ્રયાસ કર્યો.

 પરંતુ અંદર ઘેરી ચુપકીદી છવાયેલી હતી.

 કોણ જાણે કેમ જયરાજને આ બધું વિચિત્ર લાગતું હતું.

 અંદર છવાયેલો સન્નાટો કોઈક અમંગળ સંકેત કરતો હતો. એણે ધીમેથી દરવાજાને ધક્કો માર્યો તો તે અંદરના ભાગમાં ઊઘડી ગયો.

 એ દબાતે પગલે અંદર દાખલ થઇ ગયો.

 એ ડ્રોઈંગ રૂમ હતો. ડ્રોઈંગ રૂમની બાજુમાં જ બીજા રૂમનો દરવાજો હતો. અત્યારે એ દરવાજો ઉઘાડો હતો અને તેના પર પડદો લટકતો હતો.પડદાની બાજુની કિનારીમાંથી પ્રકાશનાં કિરણો ડ્રોઈંગ રૂમમાં રેલાતાં હતાં.

 જયરાજ સાવચેતીથી એક એક ડગ માંડતો પડદા પાસે પહોંચ્યો. એણે પડદાને સહેજ એક તરફ ખસેડીને અંદર નજર કરી.

 બરાબર સામેના ભાગમાં ડબલ બેડના પલંગ પર એક યુવાન તથા એક યુવતી નિર્વસ્ત્ર હાલતમાં એક્નીજાના આલિંગનમાં સમાયેલી હાલતમાં પડ્યાં હતાં.

 પરંતુ તેમના દેહમાં કશીયે હિલચાલ કે સળવળાટ નહોતો.

 રૂમના ખૂણામાં એક મીણબત્તી સળગતી હતી.

 જયરાજે રૂમના ઉંબર પર જોરથી બે-ત્રણ વખત પગ પછાડ્યો. પરંતુ એ બંને જાણે કે દીન-દુનિયાથી બિલકુલ બેધ્યાન હતા.જયરાજ દબાતે પગલે અંદર પ્રવેશીને પલંગ પાસે પહોંચ્યો.પોતાની પત્ની સુમનના ચહેરાને એણે સ્પષ્ટ રીતે ઓળખ્યો. એ જ સુમન કે જેને એણે તૂટી તૂટીને પ્રેમ કર્યો હતો ...!~ એ જ સુમન કે જેની સાથે લગ્ન કરીને એણે તેને સમાજમાં એક પ્રતિષ્ઠિત સ્થાન અપાવ્યું હતું...!

 ----અને એ જ સુમનને અત્યારે તે આવી શરમજનક હાલતમાં જોતો હતો.

 જયરાજ માટે જિંદગીની કદાચ આ સૌથી વધુ કપરી પલ હતી...!

 આ દ્રશ્ય જોઇને ઘડીભર તો તેને ચક્કર આવી ગયા.

 હોં કરનારે જણાવેલી વાત અત્યારે હકીકત બનીને તેની સામે ફૂંફાડા મારતી હતી.

 અચાનક તે એકદમ ચમકી ગયો.

 એણે ચાદર પર લોહીનું ખાબોચિયું ભરાયેલું જોયું.

 ઘાટા લીલા રંગની ચાદર તથા અપૂરતા પ્રકાશને કારણે અત્યાર સુધી તે લોહી નહોતો જોઈ શક્યો.

 આંખના પલકારામાં જ તે સમજી ગયો કે પોતાની બેવફા પત્ની અને તેનો પ્રેમી, બંને જાણ ચીરનિંદ્રામાં હંમેશને માટે પોઢી ગયાં છે અને એટલા માટે જ તેમના દેહમાં કોઈ સળવળાટ નથી.

 પછી એની નજર પલંગના એક ખૂણે પડેલી રિવોલ્વર પર પડી.

 એ રિવોલ્વર એની પોતાની જ સર્વિસ રિવોલ્વર હતી.

 રિવોલ્વર જોઇને જયરાજ પળભર થીજી ગયો.

 એની રિવોલ્વર ઊંચકીને તેની નળી સુંઘી જોઈ.

 રિવોલ્વરમાંથી તાજા સળગેલા બારૂદની ગંધ આવતી હતી.

 ખૂન કરવા માટે તેની જ રિવોલ્વરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને હવે રિવોલ્વર ઊંચક્યા પછી એના પર તેનાં આંગળાની છાપ પણ પડી ગઈ હતી. તે એકલો-અટૂલો આ ઉજ્જડ ફ્લેટમાં પોતાની બેવફા પત્ની અને તેના પ્રેમીનાં મૃતદેહો પાસે ઊભો હતો.બનેનાં ખૂનો થોડી મિનિટો પહેલાં જ થયાં હતાં.

 ભયનું એક ઠંડું લખલખું વીજળી વેગે એના દેહમાં પગથી માથા સુધી ફરી વળ્યું.

 રિવોલ્વરને ગજવામાં મૂકીને એણે રૂમનું નિરીક્ષણ કર્યું.

 રૂમની જમીન પર ગાલીચો પાથરેલો હોવાને કારણે ત્યાં કેટલા લોકો આવ્યા હશે એનું અનુમાન કરવું મુશ્કેલ હતું. પલંગ પાસે પડેલા ટેબલ પર શરાબની અડધી ભરેલી બોટલ, બે ગ્લાસ, એક જગ તથા તળેલા કાજુની પ્લેટ પડી હતી. બોટલની બાજુમાં એક ટીફીન પડ્યું હતું. એણે ટીફીન ઊંચકીને જોયું. તે ભારે હતું. અર્થાત બંને જમ્યાં નહોતાં.

 એણે સુમનના શરીર પરથી અજીતના મૃતદેહને અલગ કર્યો. બંનેને બરાબર હૃદય પર ગોળી વાગી હતી. અર્થાત ખૂન કર્યા પછી તેમને આ અવસ્થામાં સુવડાવવામાં આવ્યાં હતાં.

 હવે અહીં રોકાવામાં સો ટકાનું જોખમ હતું.

  એ તરત જ ત્યાંથી પાછો ફરી ગયો.

 કોઈકે પોતાને સુમન તથા અજીતના ખૂનમાં ફસાવવાનો પ્રયાસ કર્યો છે એટલું તો એ સમજી જ ગયો હતો. શું ફોન કરનાર કથિત શુભેચ્છક પણ આ ષડ્યંત્રમાં સામેલ હતો ...?

 વિચારતાં વિચારતાં તે ઈમારતથી ઘણો દૂર નીકળી આવ્યો

 અચાનક ઝાડીઓમાંથી ફરીથી કંઇક સળવળાટ થયો. ઝાડીમાં હજુ પણ કોઈક છે ...! કોઈ જાનવર કે પછી ખૂની ....? જો એ ગુનાની પરિધિમાં અટવાયેલો શંકાસ્પદ ગુનેગાર ન બની ગયો હોત તો ચોક્કસ જ ઝાડીઓ તરફ ગોળી છોડાત. પરંતુ અત્યારે એના મગજમાં એક જ વાત ગુંજતી હતી. પોતાને જેમ બને તેમ જલદી અહીંથી નાસી છૂટવાનું છે ...!

 એ લગભગ દોડતાં દોડતાં મોટરસાઇકલ પાસે પહોંચ્યો. ચાવી ભરાવીને એણે મોટરસાઈકલ સ્ટાર્ટ કર્યું અને પળનોય વિલંબ કર્યા વગર ત્યાંથી રવાના થઇ ગયો. થોડી વારમાં જ તે મુખ્ય સડક પર પહોંચી ગયો.

 સડક પર આવતાં જ એણે મોટરસાઈકલની ગતિ એકદમ વધારી દીધી. આ તેજ રફતારને કારણે પાનની દુકાને ઊભેલા એકલ-દોકલ ગ્રાહકનું ધ્યાન સ્વાભાવિક રીતે જ તેની તરફ આકર્ષાયું હતું. પરંતુ જયરાજને તેની પરવાહ નહોતી.

 વીસેક મિનિટમાં જ તે વિશાળગઢ શહેરમાં પ્રવેશીને મહારાજા રોડ તરફ આગળ વધતો હતો. પરંતુ રોડના ખૂણા પર પોલીસની એક જીપ જોઈને તેને મોટરસાઈકલ ઊભું રાખવું પડ્યું. તે રાત્રિ રોનમાં નીકળેલી પોલીસની જીપ હતી.

 ‘તમે ક્યાંથી આવો છો ?’ એક સબ-ઈન્સ્પેક્ટરે નરમ અવાજે પૂછ્યું.

 ‘ભૂપગઢથી...! મારું નામ જયરાજ ચૌહાણ છે અને હું પણ પોલીસ ખાતામાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું.’ કહીને જયરાજે તેને પોતાનું ઓળખપત્ર બતાવ્યું.

 એણે જયરાજને સલામ ભરી અને સહકાર આપવા બદલ તેનો આભાર પણ માન્યો.

 જયરાજ પોતાનો પરિચય આપવા નહોતો માંગતો. પરંતુ નાહક જ સવાલ-જવાબની માથાકૂટમાં તે પાડવા નહોતો માંગતો. જો સબ-ઇન્સ્પેક્ટર એમ પૂછે કે તે ભૂપગઢમાં ક્યાં ગયો હતો તો આ સવાલનો કોઈ સંતોષકારક જવાબ એની પાસે નહોતો. આ સંજોગોમાં શંકાને આધારે તેને અટકાવી શકાય તેમ હતો.

 જયરાજના મગજમાં હાલતુરત નાસી છૂટવા સિવાય બીજો કોઈ વિચાર નહોતો. પોતાની પાછળ પોતે કેટલા પુરાવાઓ મૂકતો જાય છે, એનો તેને કોઈ અફસોસ નહોતો.

 રાહતનો શ્વાસ લઇને તે પોતાના ફ્લેટ તરફ રવાના થઇ ગયો. નાસી છૂટતા પહેલાં તે ફ્લેટમાંથી રોકડ રકમ અને ઘરેણાં લઇ જવા માંગતો હતો.

 પરંતુ ફ્લેટવાળી સડક પર વળતાં જ તેને અટકી જવું પડ્યું. કારણ કે તેના ફ્લેટવાળી ઈમારતની બહાર પોલીસની જીપ ઉભી હતી.

 અર્થાત એની સાથે દગો કરવામાં આવ્યો હતો...!

 જે માણસે શુભેચ્છક તરીકે તેને ફોન કર્યો હતો, એ જ વાસ્તવમાં ખૂની હતો !

 પત્ની વિશે આવા શરમજનક સમાચાર સાંભળ્યા પછી જયરાજ પોતાની જાતને નહીં રોકી શકે એ વાત તે જાણતો હતો.

 એણે મોટરસાયકલ પાછું વાળીને પૂરપાટ વેગે દોડાવી મૂક્યું. વિશાળગઢ પોલીસનો ગાળિયો મજબૂત બને એ પહેલાં જ તે નીકળી જવા માંગતો હતો. દરેક ટ્રેન તથા બસના ચેકિંગ માટે કોઈ પણ પળે પોલીસ હેડક્વાર્ટર તરફથી આદેશ છૂટી શકે તેમ હતો.

 રાતોરાત નાસી છૂટવામાં જ જયરાજે પોતાનું કલ્યાણ માન્યું.

 મંદારગઢ પહોંચીને એણે ત્યાંના સ્ટેશનના પાર્કિંગમાં મોટરસાઈકલ પડતું મૂકી દીધું.

 અચાનક કંઇક ખળભળાટ થવાથી જયરાજ ભૂતકાળરૂપી આકાશમાંથી વર્તમાનરૂપી જમીન પર પાછો પટકાયો. એની વિચારધારા તૂટી ગઈ હતી.

 હવાના સપાટાને કારણે રૂમની બારી ઉઘડી ગઈ હતી.

 એણે ઊભા થઈને બારી બંધ કરી દીધી.

 હવે ઊંઘને કારણે એની આંખોના પોપચાં ભારે થઇ ગયાં હતાં.

 એના શરીરમાં ગરમી પણ આવી ગઈ હતી.

 આવી ગરમી એણે ઘણા લાંબા સમય પછી અનુભવી હતી.

 આ વખતે નિદ્રાદેવીએ તેને નિરાશ ન કાર્યો.

 થોડી વારમાં જ તેને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ.

****************