કુમાઉ યાત્રા - ભાગ- 9 Dhaval Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કુમાઉ યાત્રા - ભાગ- 9

કુમાઉ પ્રવાસ ભાગ - 9

હવે આપણે નવમો એપિસોડ શરૂ કરીએ. જુના એપિસોડ તમને મારી ફેસબુક પેજ, બ્લોગ પર અથવા વોટ્સએપ પરથી મળી રહે છે.

આ ઉપરાંત ફેસબુકમાં #Kumautour2021bydhaval સર્ચ કરવાથી પણ મળી રહેછે.

અગાઉ ના એપિસોડમાં જોયું કે અમે કટારમલ સુર્યમંદિરની મુલાકાત કરી. ત્યાંથી અમે સમયસર નીકળી પડ્યા કારણકે અમારે હજુ નૈનિતાલ માટે ૮૦ કિલોમીટરની લાંબી એવી મુસાફરી કરવાની હતી અને વાતાવરણ પણ વરસાદી બની ગયું હતું. અમે કટારમલથી નીકળ્યા ત્યારે હળવા હળવા છાંટા તો શરૂ થઈ જ ગયા હતા. રસ્તામાં આ વિસ્તારનું મોટું શહેર એવું અલ્મોડા આવતું હતું. પ્રાચીન સમયથી જ અલ્મોડા કુમાઉ વિસ્તારનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે. ઘોડાની ખાલના આકારમાં વિસ્તરેલું આ શહેર એક સારું અને જાણીતું હિલસ્ટેશન છે. અહીંના આજુ બાજુના વિસ્તારનું મોટું શહેર ઉપરાંત શિક્ષણ માટેનું કેન્દ્ર પણ છે. અલ્મોડાનું સારું એવું વિવરણ કાકા સાહેબ કાલેલકરની "હિમાલયનો પ્રવાસ" પુસ્તિકામાં કરેલ છે. સમય મળે તો જરૂર થી વાંચજો. અહીં થી કોશી નદી પસાર થાય છે. અમે પણ રસ્તામાં નદીનો સુંદર નજારો જોયો. અહીં નદીના કિનારે ઘણી બધી હોટેલ અને હોમસ્ટે આવેલા છે જે રહેવા અને પ્રકૃતિનો સમન્વય કરવા માટેના ઉત્તમ સ્થળ છે. અહીં ફરવા માટે આમતો ઘણું છે પણ અમારે સમય ઓછો હોવાથી રોકવાનો કોઈ પ્રોગ્રામ નહોતો.

અહીં કસારદેવી મંદિર અને ચિતાઈ ગોલુ દેવતા મંદિર એ બન્ને સ્થળ જોવા જેવા છે બંને અલમોડાથી બહારની બાજુએ આવેલ છે. ગોલુ દેવતા અહીં "ન્યાયના દેવતા" તરીકે ઓળખાય છે અને એમનું એટલું સાસત્ય પણ છે. હું જયારે ૨૦૧૮ માં અહીં આવેલો ત્યારે મેં ગોલુ દેવતાના પવિત્ર ધામની મુલાકાત કરેલી. અહીં લોકમાન્યતા એવી છે કે તમારી જોડે કોઈપણ પ્રકારનો અન્યાય થાય તો એને અરજી સ્વરૂપે શ્રી ગોલુ દેવતાને મોકલી આપવાનો જેથી તમારી જોડે ન્યાય થઇ જશે. અહીંના લોકોને ગોલુ દેવતામાં ખુબજ શ્રદ્ધા છે અને તેઓ આવીરીતે પોતાની ફરિયાદ રજૂ કરે છે અને એનો હલ પણ મળી જાય છે. અહીં મંદિરમાં ચાલવાના રસ્તાની બન્ને બાજુ આવી અસંખ્ય અરજીઓ બાંધેલી છે.(Image-37,38) કહેવાય છે ને કે શ્રદ્ધા થી મોટું કઈ નથી. ગંગા માતા માટે જાણીતી એક પંક્તિ છે ને "માનો તો મેં ગંગા માં હું, યા બહેતા પાણી" એ મુજબ દરેક દેવી-દેવતા વિશેની શ્રધ્ધામાં આ બાબત જોવા મળે છે. કસારદેવીના દર્શનનું સૌભાગ્ય સાંપડ્યું નથી એટલે એના વિષે વધુ માહિતિ નથી પરંતુ તમે જાવ ત્યારે આ બંને પવિત્ર સ્થની મુલાકાત જરૂરથી લેજો. બાકી સૌ જાણે છે કે ઉત્તરાખંડ એ દેવભૂમિ છે જેથી અહીં તમને આવા પવિત્ર સ્થળ અત્રતત્ર અને સવર્ત્ર જોવા મળશે.

આ વખતે સમય અને વાતાવરણ બંને પ્રતિકૂળ હોવાથી અમે અલ્મોડામાં ફરવાનું ટાળીને સીધા નૈનિતાલ જવાનું ગોઠવેલ. હળવા હળવા છાંટા ચાલુ થઇ ગયા હતા. બપોરના લંચનો સમય આમતો ક્યારનોય થઇ ગયો હતો પણ સવારે ભરપેટ નાસ્તો કરેલ હોવાથી એટલું મન હતું નથી પરંતુ અલ્મોડા આવ્યું તો થોડો બ્રેક લેવાનું વિચાર્યું. અહીં એક રેસ્ટોરાંમાં અમે બ્રેક લીધો. પહાડોમાં હોય અને ચા ના પીવાય એતો બનેજ નહીં, એટલે અમે ચા સાથે થોડો નાસ્તો કર્યો ઉપરાંત બાજુમાં અહીં હલવાઈની દુકાન હતી ત્યાં અમે અલ્મોડાની પ્રખ્યાત બાલમિઠાઈ અને શીંગોરી (પાનવાડી મીઠાઈ) નો ટેસ્ટ કર્યો. આમતો બંને મીઠાઈ માવાની બનાવટ હોય છે પરંતુ બન્ને અલગ અલગ છે. બાલમિઠાઈ (Image-42) અહીંની પ્રખ્યાત મીઠાઈ છે કહેવાય છે કે આ મીઠાઈ અંગ્રેજોને પણ બવ ભાવતી. શેકેલા માવા ઉપર ખાંડના દાણા લાગેલ હોવાથી જાણે ચોકલેટ પર સફેદ કોટિંગ લાગવેલ હોય એવું લાગે છે. અને એના કારણે કરકરું પણ લાગે છે. શીંગોરી પણ માવામાં બનાવામાં આવે છે અને એને કાંચનાર (માલુ) ના પાનમાં નાનકડી સળીમાં લગાવીને આપવામાં આવે છે. એક પ્રકારની પાંદડામાં ગોઠવેલ ગુલ્ફી જેવી લાગે. મારા મતે પ્રવાસ કરવો એટલે ખાલી જેતે વિસ્તારમાં ફરવુંજ નહીં પણ ત્યાંની ડીશ-વાનગીઓ નો ટેસ્ટ કરવો, ત્યાંના લોકોના જીવન વિષે જાણવું અને ત્યાંની સંસ્કૃતિ અને રીતરિવાજો વિષે જાણવું આજ સાચા અર્થમાં પ્રવાસ અથવાતો ભ્રમણ છે. બાકી ઘણા એવા પ્રવાસી જોયા છે કે અહીં ઘરે હોય ત્યારે રેસ્ટોરેન્ટમાં જઈને પંજાબી (ઉત્તરભારત)ની ડિશનો ઓર્ડર કરીને ખાય અને જયારે તે ઉત્તરભારતના પ્રવાસમાં હોય ત્યાં ગુજરાતી જમવાનું શોધે. આવા મહાન લોકો વિષે મારી પાસે કોઈ શબ્દ નથી. ટ્રાવેલ બિઝનેશમાં હોવાથી અમુક એવા એવા લોકોની ઈન્કવાયરી જોયેલ છે કે તેઓ ફરવા નહીં ફક્ત ખાવામાટે જતા હોય એવું લાગે. ખેર સંસારમાં દરેક પ્રકારના લોકો રહેવાના.

અહીં ચા-નાસ્તો અને આરામ લીધા બાદ અમે નૈનિતાલ તરફ પ્રયાણ કર્યું. મેઘરાજાના અમી છાંટણા ચાલુ હતા જો કે એટલા જથ્થામાં નતા કે અચાનક પલાળી દે. પરંતુ જો વધુ વરસાદ આવે તો પલડવાની પુરી શક્યતા હતી. અમારી પાસે રેઇનકોટ ના હોવાથી થોડી મુશ્કેલી સર્જાય એમાં હતી પરંતુ જે થાય તે જોવાશે એમ કરીને નીકળી પડ્યા. બહાર નીકળ્યા પછી વધુ વિચારવાનું નહીં એવો નિયમ રાખેલો છે. જો વધુ વરસાદ પડશે તો ત્યાંજ રોકાઈ જાશું એવું નક્કી કરેલું. અમે ધીમે ધીમે પહાડી સૌંદર્યને માણતા માણતા નૈનિતાલ ભણી અમારી સફર કરી રહ્યા હતા. અમુક કિલોમીટર બાદ રસ્તો કોશી નદીના કિનારે કિનારે આગળ વધે છે. એક બાજુ વિશાળ ડુંગરા અને બીજી બાજુ નીચે કોશી નદીનું ખળ-ખળ વહેતુ નીર જાણે એ પણ આપડી સાથે સફર કરતું હોય એવું લાગે. અહીં જેમ જેમ નૈનીતાલથી નજીક આવતા હતા તેમ તેમ ઘણી જગયાએ રસ્તાની હાલત ખુબજ બિસ્માર હતી. અમુક જગ્યાએ કામ પણ ચાલુ હતું. સડક નદીના કિનારે ચાલતી હોવાથી અમુક જગ્યાએ રોડ ભૂસ્ખલનને કારણે નદી તરફ ધસી ગયો હતો જેથી રોડની સામેની કિનારે થી ચાલવું પડતું કારણકે જે બાજુ રોડ દબાઈ ગયો હોય ત્યાંથી સીધા નદીના પટમાં પડવાનો ખતરો રહે એટલે અમુક સ્થળ પર ખુબજ સાવચેતીથી વાહન હંકારવું જરૂરી હતું.

લગભગ ૨ કલાક આજુબાજુ ચાલ્યા બાદ રસ્તામાં એક જગ્યાએ કોશી નદીનો સુંદર અને ફેલાયેલો પટ અને કુદરતી સૌંદર્યજોઈ અમે ત્યાં થોડો આરામ કરવા રોકાયા. એ બહાને તે સ્થળનું કુદરતી સામ્રાજ્ય પણ માણી લેવાય અને આરામ પણ થઇ જાય. અહીં ઉપર કહ્યું એમ કોશી નદી ખુબજ મોટા પટમાં વિસ્તરેલ હતી. અહીંની જમીન એક દમ સપાટ હોવાથી નદી એક દમ શાંત રીતે વહી રહી હતી. સામે ઊંચા પર્વતો દ્રશ્યમાન થઇ રહ્યા હતા અને એનું સુંદર એવું પ્રતિબિંબ નદીના શાંત વહેતા જળમાં દેખાઈ રહ્યું હતું. સામે પર્વતને કોરીને સડક બનાવેલ હતી જે દેખાઈ રહી હતી. ભૂતકાળમાં વર્ષા ઋતુમાં ઉપરથી વહેતા ઝરણાની નિશાની રૂપે ધોવાયેલ પહાડ દેખાઈ રહ્યો હતો અને એને જોતા એવું લાગતું હતું કે ચોમાસાની ઋતુ દરમ્યાન અહીં નાનકડા ઝરણાં વહીને નદીના જળમાં સામે જતા હશે. પર્વતની ટોચ ઉપર ગાઢ વૃક્ષઓ દેખાઈ રહ્યા હતા. અહીં થોડા ફોટોગ્રાફ પાડ્યા (Image-39,40) અને હવે નૈનિતાલ પહેલા આવેલ નિમકરોલી બાબાના આશ્રમ તરફ નીકળી પડ્યા.

ફરીથી એકાદ કલાકની મુસાફરી બાદ અમે કૈંચીધામ પહોંચી ગયા. ત્યારે સમય ૪:૩૦ જેવો થઇ ગયો હતો. પહાડોમાં સૂર્યોદયની જેમ સૂર્યાસ્ત પણ વહેલો થઇ જતો હોય છે. ઉપરાંત અહીં આછો આછો વરસાદ પણ ચાલુ હતો જેથી સાંજ પડી હોય એવું લાગતું હતું. અહીં બાજુની એક દુકાન પર અમારો સમાન રાખી પાર્કિંગ માં સ્કૂટી પાર્ક કરીને અમે પવિત્ર એવા નિમકરોલી બાબાના આશ્રમ તરફ જવા માટે પગ ઉપાડ્યા.

અલ્મોડા-નૈનિતાલ હાઇવે પર કોશી નદીના કિનારે આવેલ છે સુંદર અને પવિત્ર એવો નીબ કરોરીબાબાનો આશ્રમ જેને "કૈંચીધામ" તરીકે પણ ઓળખવામાં આવે છે. મુખ્ય સડકની સામેની બાજુ નદીને ને પાર કરવા માટે પુલ ઓંળગીનેને આ પવિત્ર અને ભવ્ય સ્થળ પર જઇ શકાય છે. મુખ્ય રોડ પર આશ્રમનું નામ અંકિત કરેલો સુંદર પ્રવેશદ્વાર બનાવેલો છે. ત્યાંથી થોડા પગથિયાં ઉતરીને પુલ પાર કરીને ડાબી બાજુ તરફ આશ્રમ અને મંદિર આવેલા છે. પુલની નીચે ઉછ્ળતી કૂદતી કોશી નદી વહી રહી છે. નદીના પટમાં બંને બાજુ નાના-મોટા પથ્થર પડેલા છે જેથી નદી શાંત વહેવાને બદલે નાદ કરતી કરતી વહે છે. નદીનું લયબદ્ધ અને સુંદર નાદ સાથે વહેતુ એક દમ ચોખ્ખું અને પારદર્શક નીર જોઈ મન એક દમ શાંત થઇ જાય છે. પવિત્ર ધામમાં પ્રવેશ એકદમ શાંત અને સ્થિર મન સાથે થાય છે. વરસાદ પડેલો અને ધીમે ધીમે ચાલુ હોવાથી રસ્તો ભીનો હતો જેથી સાવચેતી રાખીને ચાલવું જરૂરી હતું. અહીં ડાબી તરફ જતા આશ્રમ પહેલા ફરી એક સુંદર પ્રવેશદ્વાર આવેલ છે. (Image-42) જ્યાં પગરખાં ઉતારીને પ્રવેશ કરવાનો હોય છે. રસ્તાની ડાબી બાજુની દિવાલ અને નદીના પટ વચ્ચે ફૂલના ક્યારે અને મોટા સિમેન્ટના કુંડ બનાવેલ છે. અહીં આ જગ્યા પર અને દિવાલ પર લાગેલ લોખંડની જાળી પર ઘણા વાંદરા (લંગુર) બેઠેલા હતા. વરસાદ આવતો હોવાથી તે પણ ભીંજાઈને ને ઠંડીમાં ધ્રુજતા હતા. અમુલ શ્રદ્ધાળુ એને કંઈક ખાવા માટે આપી રહ્યા હતા અને ફોટો પડી રહ્યા હતા. મેં પણ ફોટો પાડવા માટે પ્રયત્ન કરેલો. (Image-41) હવે અમે બાબાના આશ્રમમાં પ્રવેશ કર્યો. મંદિરના બાંધકામમાં અને અન્ય જગ્યાએ મુખ્યત્વે આરસના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીં મંદિરમાં માં વૈષ્ણોદેવી, માં દુર્ગા, હનુમાનજી અને રાધા-કૃષ્ણની મૂર્તિ આવેલી છે. મંદિરમાં આજે પણ બાબાની ગાદી, કમ્બલ, છડી એના મૂળ સ્વરૂપે સાચવવામાં આવેલ છે.

"કૈચીધામ" ની સ્થપના નીમ કરોલી બાબા (Image-43) દ્વારા 15 જૂન, 1964 માં કરવામાં આવી હતી. નીમ કરોલી બાબાનું મૂળ નામ લક્ષ્મીદાસ શર્મા હતું. તેઓ 20 સદીના મહાન સંતો માંના એક સંત હતા. એમનો જન્મ ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાના અકબરપુરમાં થયો હતો. બાબાને 17 વર્ષની નાની એવી આયુમાં ઈશ્વર વિશે ઊંડું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતુ. તેઓ શ્રી બજરંગબલી હનુમાનજીને પોતાના આરાધ્ય દેવ અને ગુરુ માનતા હતા. કહેવાય છે કે હનુમાનજીની સાધના બાદ બાબાજીને ઘણી ચમત્કારિક સિદ્ધિઓની પ્રાપ્તિ થઇ હતી. પરંતુ તેઓ હંમેશા આડંબરો થી દુર રહી સાદગી ભર્યું જીવન જીવતા હતા. તેઓ ક્યારેય કોઈને પણ પોતાના ચરણ સ્પર્શ કરવા દેતા નહતા તેઓ કહેતા કે શ્રી હનુમાનજીના ચરણ સ્પર્શ કરો.
તેઓએ પોતાના જીવન કાર્ય દરમ્યાન શ્રી હનુમાનજીના કુલ 108 મંદિર બનાવેલા છે. હિમાલયની ગોદમાં વાદીઓની વચ્ચે આવેલ આ એવું પવિત્ર સ્થળ છે કે જ્યાં આવતાજ ઘણા બધાની મનોકામના પૂર્ણ થઈ જાય છે. બાબાજીના ભક્તોમાં ગરીબ અને તવંગર સૌનો સમાવેશ થાય છે. બાબાના ભક્તોમાં ઘણી મોટી હસ્તીઓનો પણ સમાવેશ થાય છે. વિદેશમાં પણ બાબાના ઘણા ભક્ત છે જેમ કે અભિનેત્રી જુલિયા રોબર્ટ, સ્ટીવ જોબ્સ અને ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગનો સમાવેશ થાય છે. માર્ક ઝુકરબર્ગ તો અહીં મુલાકાત પણ લઈ ચુક્યા છે.

બાબાજીના ઘણા ચમત્કારો છે જેના વિશે અંગ્રેજ બુક લેખક રિચર્ડ આલ્બર્ટ દ્વારા "મિરેકલ ઓફ લવ" નામનું પુસ્તક લખવામાં આવ્યું છે. લોકવાયકા મુજબ એક વખત ભંડારામાં રસોઈ બનાવવામાં ઘી ઓછું પડ્યું તો બાબાજી એ નદીનું પાણી લઈ આવવાનું કહ્યું જ્યારે એ પાણીને ઉપયોગ કરવાંમાં આવ્યું તો એ ઘી માં રૂપાંતરિત થઈ ગયું. આવા તો ઘણા ચમત્કાર છે નીમ કરોલી બાબાના. દર વર્ષે 15 જૂનના દિવસે અહીં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજના દિવસે એક લાખ થી વધુ લોકો અહીં દર્શન કરી પ્રસાદનો લાભ લેછે. અહીં આશ્રમ પહેલા જ સડક પર કૈચી જેવો તીવ્ર વળાંક છે એટલે આ ધામનું નામ "કૈચીધામ" પડ્યું છે.

અહીંની પાવન ધરા પર અમે ભક્તિમય થઈને નૈનિતાલ જવા માટે નીકળ્યા.

હવે પછીની મુસાફરી દસમા એપિસોડમાં ચાલુ રહે છે. જુના અને નવા એપિસોડ માટે મારી ટાઇમલાઈન, બ્લોગ અથવા ફેસબુક પેજ અથવા વોટ્સએપ કરવું ત્યાંથી મળી જશે.

©ધવલ પટેલ

મારી મુસાફરીના દરેક એપિસોડ માટે #Kumautour2021bydhaval સર્ચ કરવું.

ટુરને લગતી અન્ય માહિતી અને બુકિંગ માટે વોટ્સએપમાં મેસેજ કરવો અથવા ફેસબુક પેજને લાઈક કરવું. મારી દરેક પોસ્ટ ઉપરાંત ટુરિઝમને લગતી માહિતી ફેસબુક પેજ ઉપરાંત યુ-ટ્યુબ ચેનલ ઉપર પ્રસારિત થતી હોય છે. બન્ને માટે નીચે લિંક આપેલી છે.

વોટ્સએપ : 09726516505
બ્લોગ માટેની સાઈટ : https://dhavalhinustani.blogspot.com
ફેસબુક પેજ : https://m.facebook.com/Enjoye.Life/

યૂટ્યૂબ વિડિઓ લિંક :
રસ્તામાં આવેલ કોશી નદીનો સુંદર પટ : https://youtube.com/shorts/XvXHlmlcVNc?feature=share

નીમ કરોલી બાબા આશ્રમ : https://youtu.be/nTIeBMNZP_w