સાર સંભાળ DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાર સંભાળ

 

// સાર સંભાળ //

-------------------------------------------------------------------------------------------

જે માતા-પિતાએ બાળક તરીકે જન્મ આપેલ હોય અને જે તે સમયે માતા-પિતાએ તેમની ફરજ સમજીને દીકરા-દીકરીનો ઉછેર કરેલ હોય અને તેમાંય પોતાના માટેકંઇ બાકી રાખીને સંકટના સમયે જયારે દીકરા-દીકરીનો ખયાલ રાખેલ હોય અને કેટલી મુસીબતો વેઠીને પણ તેમને ઉછેરીને ભણાવી ગણાવી મોટા કર્યા હોય અને આજ બાળકો જ્યારે તેમનો સમય માતા-પિતાની દેખભાળ કરવાનો આવે તેવા સમયે જો તે ન કરી શકે તો તેમના માટે આ નાનકડી સામાજીક વ્યથા સામે લઇને આવ્યો છું. આ બાબત હાલમાં સામાજિક રીતે ઘણી બધી જગાએ સાચા અર્થમાં થતી આવી છે. અગાઉના જમાનામાં બાળકોનો ઉછેળ સંયુકત કુટુંબમાં થતો હતો. સમયજતાં નોકરીધંધાને પરિણામે સમય બદલાતો ગયો અને સંયુકતમાંથી વિભુકત કુટુંબ તરફ જમાનો સરકી રહ્યો છે. અને તેમાંય પણ હવે કુટુંબમાં એક દીકરો-એક દીકરી હોય કે એક જ દીકરો હોય એટલે ભાઇ-બહેનનો સંબંધ પણ ન સમજી શકે તેવો વખત આવ્યો. પરંતુ માતા-પિતાની સારસંભાળ દીકરાએ રાખવી તે તેનું અભિન્ન મહત્વ સમજવું જોઇએ.

સવાર સવારના પહોરમાં રસોડામાં વાસણ પડવાના અવાજથી એકદમ આખા ઘરની ઊંઘમાં ખલેલ પહોંચી ગઇ. મીઠી નીંદર માણી રહેલી રમીલા ચીડાતી બબડતી આવી.  ‘ઓહ, આ ઘરમાં તો કોઈ સુખે સુવાય નથી દેતું !’  અને સામે તેના પિતા તુલ્ય સસરાને જોયા. એ થોડા ગભરાયેલા અને ખિસિયાણા પડી ગયા હતા. બોલ્યા, ‘વહુ, બેટા હવે ઉંમર કારણે બરાબર દેખાતું નથી. ચશ્માં બદલવાં પડશે એમ લાગે છે. આ બાંકડા સાથે અથડાઈ પડ્યો.’ રમા કંઈ ન બોલી. મોઢું ફુલાવી કામે લાગી ગઈ.

રમણકાકાને થોડું ઓછું આવ્યું. વહુએ પોતાની વાત તરફ કાંઈ ધ્યાન ન આપ્યું ! અને ઊલટાની મોઢું ચઢાવીને ચાલી ગઈ. પોતે આ ઘરમાં વધારાની વ્યક્તિ થઈ ગઇ એમ લાગે. છે ?  આ આઘાતમાં બે-ચાર દિવસ તો ફરી ચશ્માંની વાત ન કાઢી શક્યા. પણ અંતે ખૂબ અગવડ પડતી હોવાથી પછી એક દિવસ દીકરાને કહ્યું, ‘બેટા, મારી આંખો ફરી તપાસાવવી પડશે. આજકાલ જાણે સાવ આંધળો થઈ ગયો છું. રોજ કથામાં જતાં ક્યાંક અથડાઈ જઈશ એવી બીક લાગે છે.

પણ દીકરો મહેન્દ્ર કાંઈ બોલે તે પહેલાં જ રમીલા બોલી, ‘આમ તો ઘરમાં જ રહેવાનું હોય છે ને તમારે ! થોડોક વખત કથા સાંભળવા નહીં જવાય, તો યે શું બગડી જવાનું ?

રમણકાકા તો સડક થઈ ગયા. મહેન્દ્ર વાત વાળી લેતાં બોલ્યો.

પપ્પા, ‘આ રવિવારે કૉલેજમાંથી અજંતા, ઈલોરા, દોલતાબાદના પ્રવાસે જવાના છે. બધા પ્રાધ્યાપકો પત્ની સાથે આવશે….’

‘હા, હા….. તું અને રમીલા પણ જરૂર જઈ આવો.’

‘પ….ણ….. થોડો ખર્ચ વધશે તેથી તમારાં ચશ્માં આવતે મહિને બદલીશું તો ચાલશે ને ?’  મહેન્દ્ર થોડોક અપરાધી ભાવે બોલ્યો. રમણકાકાએ હા, હા કહીને જાતને સંભાળી લીધી. પણ રમીલા ડબકું મૂકતી ગઈ, ‘તેના કરતાં ધર્માદા દવાખાને જઈ આવે તો મફતમાં કામ પતી જશે.’

બંને  પતિ-પત્નિ તેમના અગાઉ નકકી થયેલ પ્રવાસ મુજબ બધા સ્ટાફના બીજા સભ્યો સાથે દોલતાબાદનો કિલ્લો જોઈ બધાં ત્યાં બેઠાં બેઠાં ગપ્પાં મારતાં હતાં. કિલ્લાના ભગ્નાવશેષ જોઈ મન ખિન્ન થઈ ગયેલું. એક પ્રાધ્યાપક અને વિદ્યાર્થી સાથે બોલ્યા : ‘આપણે વૃદ્ધ માબાપની પ્રેમથી સાર-સંભાળ રાખીએ છીએ ને ! તેવી જ રીતે પૌરાણિક અને ઐતિહાસિક દષ્ટિએ મહત્વનાં સ્થળોની સંભાળ ન લેવાવી જોઈએ ?’

આ બધી ચર્ચા ચાલતી હતી. પણ મહેન્દ્ર શૂન્ય મનસ્ક થઈ ગયો.

‘માતા-પિતાની પ્રેમથી સારસંભાળ’ વિદ્યાર્થી તેમજ સહાધ્યાયી એવા પ્રાધ્યાપકના ભાવનાભર્યા શબ્દો એને ચૂભી ગયા...

એક પિતાએ કે જેમણે જન્મ આપ્યો અને તે પિતાએ પોતાને માટે શું શું નથી કર્યું ? હતા તો તે ફક્ત એક પ્રાથમિક શાળના શિક્ષક. માંડ પૂરું થતું. છતાં કેટકેટલી મહેનત કરી ભણાવ્યો ! એમને કેટલી કરકસર કરવી પડતી ! એક ધોતિયું સાંધી-સુંધીને આખું વરસ ચલાવતા. પછી વરાવ્યો-પરણાવ્યો. રમીલાનો ઘરેણાંનો શોખ પૂરો કરવા પોતાની જિંદગી આખીની મામૂલી બચત ખુશીથી આપી દીધી હતી, અને એમની આવી મામૂલી ચશ્માં જેવી આવશ્યકતા પૂરી કરતાં મેં ગલ્લાંતલ્લાં કર્યાં ?…. સામે કિલ્લાની જગ્યાએ તેને તેના પિતા જ દેખાવા લાગ્યા – ચશ્માં વિના લથડતા, અથડાતા, કુટાતા. તેને હરવા-ફરવામાંથી મહેન્દ્રનો રસ ઊડી ગયો. નાના નાના પ્રસંગોનો સંદર્ભ નાહકનો પિતાની હાલત સાથે જ જોડાઈ જતો. એનું મન એને કોસતું રહ્યું.

પ્રવાસમાંથી ઘેર પહોંચતાં એણે અધીરા થઈ ડોરબેલ વગાડ્યો. એને હતું કે ઝટ ઝટ પિતાને ડૉક્ટર પાસે લઈ જઈ આજ ને આજ નવાં ચશ્માં અપાવીશ. પોતાના અપરાધી ભાવમાંથી એ ઝટ મુક્ત થવા માગતો હતો. પણ બારણું ઊઘડતાંવેંત સામે પિતાની આંખો એક નવી સુંદર ફ્રેમમાંથી એના પર વહાલ વરસાવી રહી હતી, ‘કેમ, મજાનો રહ્યોને પ્રવાસ ? કોઈ તકલીફ તો નથી પડીને ?  ઠંડીમાં પૂરતાં ગરમ કપડાં લઈ ગયેલાં કે નહીં ?’  પિતાની પ્રેમભરી પૂછતાછ મહેન્દ્રના કાનથી ચિત્ત સુધી પહોંચી જ નહીં. એ નવાં ચશ્માં જ જોયા કરતો હતો. પિતા ધર્માદા દવાખાનામાં જઈ આવ્યા હશે ?….. પણ ના, આટલી કીમતી ફ્રેમ ત્યાં ક્યાંથી મળે ?….. એ પૂછ્યા વિના ન રહી શક્યો,

‘તમે ધર્માદા દવાખાને ગયા હતા ?’

‘અરે, ના, એ તો આપણો પ્રવિણ જોશી ! ઓળખ્યો ને ? તારા કરતાં એક વરસ આગળ.’

મહેન્દ્રને યાદ આવ્યો પ્રવિણ. એક બહુ ગરીબ વિદ્યાર્થી. ખૂબ હોંશિયાર. પિતાનો ઘણો લાડકો. એને ભણવામાં ઘણી મદદ પણ કરતા.

‘હા, હા,…. પણ તેનું શું ?’

‘સવારે ઘેર આવેલો. એ તો મોટો આંખોનો મોટો ડૉક્ટર થયો છે. આટલો મોટો થયો પણ જરીકે બદલાયો નથી. આવતાંવેંત પગે પડ્યો. મેં તુરંત ઓળખ્યો નહીં, તેમાંથી આ ચશ્માંની વાત નીકળી. અને એ ન જ માન્યો. મને સાથે લઈ જઈ આ નવાં ચશ્માં અપાવી આવ્યો ! હું ના કહેતો જ રહ્યો, પણ એ માને તો પ્રવિણ શાનો ?’  કહેતાં રમણકાકાનું ગળું ભરાઈ આવ્યું.

પ્રવિણનાં અપાવેલ ચશ્માંથી પિતાને તો સાફ દેખાવા માંડ્યું જ હતું, પણ તેનાથી મહેન્દ્રની આંખો પણ સારી એવી ખૂલી ગઈ ! તેની આંખોની બાંધેલ પટ્ટી એકાએક ખુલી ગઇ.
DIPAK CHITNIS (DMC)

dchitnis3@gmail.com