AMRUT MOHATSAV books and stories free download online pdf in Gujarati

અમૃત મહોત્સવ

 અમૃત મહોત્સવ

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------


પ્રજાસતાક દિન પર્વ સામે છે. અને તેમાંય રાષ્ટ્ર જ્યારે આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે ‘‘અમૃતમહોત્સવ’’ ની ઉજવણી કરી રહેલ છે. આવા અતિ મહત્વના દિવસે આપણે જે દેશમાં જન્મ લીધેલ છે, એ દેશને અંગ્રેજોની ગુલામીના શાસનમાંથી મુકત કરાવવા માટે આઝાદીના ઘડવૈયા બની જેઓએ પોતાના જાનની કે જીવનની કુરબાની દેશને અર્પણ કરેલ છે તેવા સૌ નામી અનામી તમામ આઝાદીના ઘડવૈયાઓને કોટી કોટી વંદન કરવા ઘટે.

   ત્યારે આપણે એવા દેશભકતને યાદ કરીશું કે જેઓ આ સુરત જીલ્લાની ભૂમિ પર આઝાદીનો જંગ લડયા હતા. અંગ્રેજ સરકાર સમયમાં તેમના પિતા જ્યુડીસીલી કોર્ટમાં જજ તરીકે ફરજ બજાવતા હતા તેમની પુત્રી ઉષા મહેતા કે જેમણે નાની આયુમાં આઝાદીનાં જંગમાં ઝંપલાવ્યું. આઝાદીનો જંગ ચરમસીમા પર ચાલી રહ્યો હતો. 

તારીખ હતી ૮ ઑગસ્ટ ૧૯૪૨ અને સ્થળ હતું ગોવાલિયા ટૅન્ક મેદાન, બૉમ્બે (હાલનું મુંબઈ). વિશાળ જનમેદની હતી અને અંગ્રેજ હકૂમત વિરુદ્ધનાં સૂત્રોચ્ચારથી વાતાવરણ ગૂંજી રહ્યું હતું. આ સમયે મોહનદાસ કરમચંદ ગાંધી ઊભા થાય છે અને આ ઐતિહાસિક ભાષણ આપે છે.આ વખતે જ મુંબઈમાં કૉલેજમાં અભ્યાસ કરતાં એક યુવતી અને તેમના સાથીઓનાં મનમાં એક વિચાર આકાર લઈ રહ્યો હતો. એ યુવતી એટલે ‘‘ઉષા મહેતા’’ અને એ વિચાર એટલે કૉંગ્રેસનું 'સિક્રેટ રેડિયોસ્ટેશન'. આ ઉષા મહેતાને ભારતની સ્વતંત્રતા બાદ વર્ષ ૧૯૯૮માં પદ્મવિભૂષણના સન્માનથી નવાજવામાં આવ્યાં હતાં.

ગાંધીજીએ આપેલો 'કરો યા મરો' નો નારો ઉષા મહેતાએ જાણે ઝીલી લીધો હતો. હિંદુસ્તાનના ખૂણે-ખૂણેથી એક જ અવાજ આવી રહ્યો હતો, 'અંગ્રેજો ભારત છોડો. 'ભારત છોડો' આંદોલનની હાકલ સાથે જ ગિન્નાયેલી અંગ્રેજી હકૂમતે ગાંધીજી અને અન્ય કૉંગ્રેસી નેતાઓને પકડીને જેલમાં ધકેલી દીધા હતા. નેતાઓને જેલમાં કેદ કરી આંદોલનની કમર તોડી દેવાની અંગ્રેજોની યોજના હતી પણ બીજી તરફ લડવૈયાઓ છૂપી રીતે ચળવળ આદરી રહ્યા હતા.ગાંધીજીએ જગાવેલી 'હિંદ છોડો ચળવળ'ને વધુ બળવત્તર બનાવવા 'ગુપ્ત રેડિયોસ્ટેશન' આકાર લઈ રહ્યું હતું, જેનું નામ 'કૉંગ્રેસ રેડિયો' તરીકે ઇતિહાસમાં નોંધાયેલું છે. 

"જ્યારે પ્રેસનું મોઢું પરાણે બંધ કરાવી દેવાશે અને તમામ સમાચારો પર પ્રતિબંધ હશે એવા વખતમાં દેશના છેવટના ખૂણા સુધી વિદ્રોહના સંદેશા પહોંચાડવામાં રેડિયો ટ્રાન્સમિટર ખપ લાગશે, એવો વિચાર અમારાં મનમાં હતો." આ શબ્દો ડૉ. ઉષા મહેતાના હતા. વર્ષ ૧૯૬૯ માં ૩૦ મી ઑક્ટોબરના રોજ  ઉષા મહેતાનો એક ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો, જે યુનિવર્સિટી ઑફ કૅમ્બ્રિજના સેન્ટર ઑફ સાઉથ ઍશિયન સ્ટડીઝના આર્કાઇવમાં આજે પણ સચવાયેલો છે.

ઓગસ્ટમાં બૉમ્બે (મુંબઇ) ખાતે યોજાયેલા ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીના સત્રમાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, મોલાના આઝાદ અને અન્ય અગ્રગણ્ય નેતાઓનાં ભાષણો સાંભળ્યાં બાદ ઉષા મહેતા અને તેમના સાથીઓ 'સિક્રેટ રેડિયોસ્ટેશન'ની તેમની કલ્પનાને મૂર્ત સ્વરૂપ આપવા મક્કમ થઈ ગયાં હતાં અને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી.અંગ્રેજી હકૂમતમાંથી મુક્ત થવા માટે ચાલી રહેલી ચળવળમાં આ રેડિયો 'સ્વતંત્રતાનો અવાજ' બનીને આવ્યો.

દેશભરમાં ચાલી રહેલી આઝાદીની લડતના સમાચાર પ્રસારિત કરવા અને ભારતીયોને અંગ્રેજ સરકાર સામે એકઠા કરવાના હેતુ સાથે આ 'ગુપ્ત રેડિયો' શરૂ કરવાનો વિચાર હતો. આઝાદીની ચળવળ દરમિયાન મોટા ભાગનાં અભિયાનોમાં સામે આવતો પ્રશ્ન ઉષાબહેન અને તેમના સાથીઓને પણ નડતો હતો અને એ પ્રશ્ન એટલે પૈસા ક્યાંથી એકઠા કરવા? ડૉ. મહેતા ઇન્ટરવ્યૂમાં કહેલ છે, "અમારાંમાંથી કેટલાંકના પરિવારજનો તેમનાં ઘરેણાં આપવા તૈયાર હતા પણ અમે એવું ઇચ્છતાં નહોતાં."ઉષા મહેતા અને તેમના સાથીઓએ તેમના ટેકનિકલ બાબતોના નિષ્ણાત મિત્રનો સંપર્ક સાધ્યો અને તેમણે ૧૩મી ઑગસ્ટે ટ્રાન્મિટર તૈયાર કરી આપ્યું.

આ દરમિયાન ઉષા મહેતાને જાણ થાય છે કે અન્ય કેટલાક સમૂહો અને લડવૈયાઓ પણ આવું જ કોઈ કામ કરવાની તૈયારીમાં છે, તેમણે તેમનો સંપર્ક કર્યો. જેના પરિણામાં સ્વરૂપે ડૉ. રામમનોહર લોહિયાનો પત્ર આવ્યો હતો. તેનો ઇન્ટરવ્યૂમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે એ પ્રમાણે રામમનોહર લોહિયાનો પત્ર મળ્યા બાદ તેઓ તેમના સાથી બાબુભાઈ વિઠ્ઠલભાઈ સાથે રેડિયોની શરૂઆત કરતાં પહેલાં તેમને મળવા માટે ગયાં હતાં.

'પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો' સાથેની વાતચીતમાં ઉષા મહેતા કહેલ કે, "૧૪ ઑગસ્ટના રોજ અમે પહેલું પ્રસારણ કર્યું હતું." એ પછીથી દરરોજ સાંજે ૭-૩૦ થી ૮૩૦ દરમિયાન જ એક કલાકનો કાર્યક્રમ પ્રસારિત થતો હતો. આ રેડિયો કાર્યક્રમનું પ્રસારણ બૉમ્બેથી છૂપી રીતે કરવામાં આવતું હતું, જેથી પોલીસ ભાંડાફોડ ન કરી શકે. 'અનટોલ્ડ સ્ટોરી ઑફ બ્રૉડકાસ્ટિંગ ડ્યુરિંગ ક્વિટ ઇન્ડિયા મુવમૅન્ટ' પુસ્તક પ્રમાણે આ 'ગુપ્ત રેડિયોસ્ટેશન' સાથે બૉમ્બે (મુંબઇ) ના ૨૦ વર્ષના ગુજરાતી સ્વાતંત્ર્ય સેનાની વિઠ્ઠલદાસ ખખ્ખર, ૨૩ વર્ષના ચંદ્રકાંત ઝવેરી, ૨૮ વર્ષના વિઠ્ઠલદાસ ઝવેરી, મુંબઈના જગનાથ ઠાકુર, ૪૦ વર્ષના પારસી ઇજનેર નરીમન પ્રિન્ટર અને તેમના આસિસ્ટન્ટ મિર્ઝા પણ જોડાયેલા હતા. ૨૨ વર્ષનાં યુવાન અને નીડર યુવતી ઉષાબહેન મહેતાનું આમાં સૌથી મહત્ત્વનું યોગદાન હતું.

સીતા ઓઝાના પુસ્તકમાંનીર્દેશ કરવામાં આવેલ છે તે મુજબ  'હોમેજ ટુ ઉષા મહેતા' પ્રમાણે તેમનો જન્મ વર્ષ ૧૯૨૦ માં સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામમાં ૨૫ મી માર્ચે થયો હતો. તેમના પિતાજી જજ હતા અને પિતા નિવૃત્ત થતાં તેમની સાથે ૧૯૩૩માં ઉષાબહેન મુંબઈ જઈને વસ્યાં હતાં. નવીન જોષી દ્વારા સંપાદિત 'ફ્રીડમ ફાઇટર રિમેમ્બર' પુસ્તક પ્રમાણે ઉષા મહેતા નાની વયથી જ પિકેટિંગ, સરઘસ અને ખાદીસેવક તરીકે રેંટિયો કાંતવા જેવાં કાર્યક્રમોમાં ભાગ લેતાં હતાં. બ્રિટિશ શાસન વિરોધી પત્રિકાઓનું વિતરણ કરવું અને પ્રતિબંધ છતાં ચોપાટી પર મીઠું પકવવું અને વેચવું એવી કામગીરીઓ તેમને સોંપવામાં આવતી હતી. આ જ પુસ્તકમાં ચંદ્રિકા વ્યાસે લીધેલો તેમનો ઇન્ટરવ્યૂ પ્રકાશિત કરાયો છે. આ ઇન્ટરવ્યૂમાં તેઓ કહે છે, "મેં બ્રિટિશ હકૂમત સામે સૌથી પહેલો નારો 'સાયમન ગો બૅક' નો પોકાર્યો હતો અને એ ૧૯૨૮ ની વાત છે, ત્યારે હું માત્ર આઠ વર્ષની હતી."

એ વખતે ઉષા મહેતા અને અન્ય કિશોરીઓએ મળીને 'મંજારસેના' બનાવી હતી. એનું કારણ આપતાં તેઓ કહે છે, "છોકરાઓએ વાનરસેના બનાવી તો સામે અમે છોકરીઓએ મંજારસેના બનાવી હતી." ઉષાબહેન આઝાદી આંદોલનમાં ઝંપલાવનારાં પરિવારનાં પ્રથમ સભ્ય નહોતાં, તેમનાં પરિવારના અન્ય સભ્યો કાકા-કાકી અને અન્યો એ પણ આઝાદીની લડાઈમાં સક્રિય ભાગ લીધેલ હતો,  અને એ માહોલ આ પ્રકારની પ્રવૃત્તિમાં જોડાવવા માટે પૂરતો હતો.

જો કે તેમના પિતા તેમના ચળવળમાં જોડાવવાથી ખુબ નારાજ હતા, કેમ કે તેઓ 'બ્રિટિશ રાજ'માં જજ તરીકે ફરજ બજાવતા હતા. 'હિંદ છોડો' ચળવળ વખતે તેઓ સક્રિય રીતે જોડાયાં અને ભૂગર્ભ પ્રવૃત્તિઓ પણ કરી, જેમાં 'સિક્રેટ રેડિયોસ્ટેશન' નો પણ સમાવેશ છે. 'હિંદ છોડો' ચળવળ વખતે તેમની ધરપકડ કરાઈ અને જેલમાં કેદ કરાયાં હતાં. તેમના કહેવા પ્રમાણે તેમને આઇસોલેશન સેલમાં રાખવામાં આવ્યાં હતાં અને સીઆઈડી દ્વારા તેમની પૂછપરછ કરાતી હતી.તેઓ કહે છે, "માનસિક ત્રાસ આપવાનો ક્રમ છ મહિના સુધી ચાલ્યો હતો. મને લાલચ પણ આપવામાં આવતી હતી પણ તેઓ જરા પણ ડગેલ ન હતા. " તેઓ ૧૯૪૨ થી ૧૯૪૬, એમ ચાર વર્ષ સુધી જેલમાં રહ્યાં હતાં. જેલમાંથી બહાર આવ્યાં બાદ તેમણે 'મહાત્મા ગાંધીના સામાજિક અને રાજકીય વિચાર' વિષય પર શોધનિંબધ રજૂ કરીને પીએચ.ડી.ની પદવી મેળવી. તેમણે 30 વર્ષ માટે એટલે કે ૧૯૮૦ સુધી યુનિવર્સિટી ઑફ બૉમ્બેની વિલ્સન કૉલેજમાં અધ્યાપનકાર્ય પણ કર્યું હતું અને તેઓ યુનિવર્સિટી ઑફ બૉમ્બેના પૉલિટિકલ સાયન્સ વિભાગનાં હેડ પણ રહ્યાં હતાં. તેઓએ ગાંધી પીસ ફાઉન્ડેશનના પ્રમુખની મહત્વની જવાબદારી પણ સ્વીકારી હતી. 

જીવનના ઉત્તરાર્ધમાં તેઓ મણિભવન ગાંધી સંગ્રહાલય અને ગાંધીસ્મારક નિધિનાં ચૅરમૅન તરીકે પણ ફરજ બજાવતાં હતાં.'This Is the congress Radio calling on (wavelength of) 42.34 m from somewhere in India.' (આ કૉંગ્રેસ રેડિયો છે, વેવલૅન્થ 42.34, ભારતની કોઈ એક જગ્યાએથી.) આ અવાજ સાથે ગુપ્ત રીતે ચાલતા રેડિયોસ્ટેશનેથી પ્રસારણ શરૂ થતું હતું. અરુણચંદ્ર ભુયાનના પુસ્તક 'ધ ક્વિટ ઇન્ડિયા મુવમૅન્ટ' પ્રમાણે આ રેડિયોસ્ટેશન સૌપ્રથમ મુંબઈમાં ચોપાટી પાસે (સી વ્યૂ) ઇમારતના સૌથી ઉપરના માળેથી શરૂ કરાયું હતું. આ રેડિયોસ્ટેશનને ટેકનિકલ મદદ અને માર્ગદર્શન 'શિકાગો રેડિયો ઍન્ડ ટેલિફોન કંપની' દ્વારા પૂરાં પાડવામાં આવતાં હતાં.

પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો સાથેની વાતચીતમાં ઉષા મહેતા જણાવેલ હતું કે, "અમે રેડિયોનું પ્રસારણ ગુપ્ત રીતે અને અલગ-અલગ સ્થળોએથી કરતાં હતાં, જેથી કરીને અંગ્રેજ સરકારને તેની ભાળ ન મળે."અમે ત્રણ મહિના સુધી આ રેડિયોનું પ્રસારણ કરતાં રહ્યાં. આ ત્રણ મહિનામાં અમે સાતથી આઠ વખત સ્ટેશનો બદલ્યાં હતાં."

તેઓ કહે છે, "શરૂઆતમાં અમે અંગ્રેજી અને હિંદીમાં સવારે અને સાંજે દેશમાં બની રહેલી ઘટનાઓનું પ્રસારણ કરતાં હતાં."એ પછીથી દરરોજ સાંજે ૭-૩૦ થી ૮-૩૦ દરમિયાન જ એક કલાકનો કાર્યક્રમ પ્રસારિત થતો હતો.ભારતની આઝાદીની લડતના જાણ્યા-અજાણ્યા ક્રાંતિકારીઓ અને ગુપ્ત રેડિયોની કામગીરી પર ઇતિહાસકાર ગૌતમ ચેટરજીએ 'અનટૉલ્ડ સ્ટોરી ઑફ બ્રૉડકાસ્ટિંગ ડ્યુરિંગ ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ' પુસ્તક લખ્યું છે.

આ પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે 'કૉંગ્રેસ રેડિયો' પરથી કંઈક આવા સમાચાર પ્રસારિત થતા હતા. 'બંગાળમાં વેપારીઓ અને સરકારી ઍજન્ટોએ સાથે મળીને ચોખાની નિકાસ અટકાવવાનો નિર્ણય કર્યો છે. ગામવાસીઓનો કાગળના પૈસા પરથી ભરોસો ઊઠી ગયો છે.' 'કર્ણાટકમાં તે સમયે ધરપકડનો આંકડો ૧૬૦૦ એ પહોંચી ગયો છે. અમુક ગામડાંમાં અનેક વ્યક્તિઓએ આત્મસમર્પણ સ્વીકારી લીધું છે. સેંકડો લોકોને ચાબુક મારવાની સજા ફટકારાઈ છે.'

'અમુક ગામડાંમાં ગાંધીજીને તેમના નેતા તરીકે સ્વીકારવામાં આવ્યા છે. ઘણી જગ્યાએ પ્રભાતફેરી અને સરઘસનું આયોજન કરાયું. આ સમયે પોલીસ ફાયરિંગમાં સેંકડો ઘાયલ થયા છે.'

'બિજાપુર, કર્ણાટક, હુબલી, ઉત્તર કનારા, દક્ષિણ કનારામાં સરકારી મિલકતને નુકસાન કરવામાં આવી રહ્યું હતું. 'બે મહિના સુધી ચાલેલી તપાસ બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી, જેમાં ઉષા મહેતા સહિત પાંચ લોકોનાં નામ હતાં. તેમની પર મુકદ્દમો ચાલ્યો અને જ્યારે તેમને વિશેષ અદાલતમાં લઈ જવામાં આવ્યા ત્યારે ડિફેન્સના વકિલોમાંથી એક ગુજરાતી ભાષાના જાણીતા લેખક કનૈયાલાલ મુનશી હતા. પાંચ અઠવાડિયાં સુધી ચાલેલી અદાલતી કાર્યવાહી બાદ ઉષા મહેતાને ચાર વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી. સાથે-સાથે બાબુભાઈને પાંચ વર્ષ અને ચંદ્રકાંત ઝવેરીને એક વર્ષની કેદની સજા સંભળાવાઈ હતી.

એપ્રિલ ૧૯૪૬માં ઉષા મહેતા યરવડા જેલની કેદમાંથી બહાર આવ્યાં હતાં. તેઓ કહે છે, "હું કેદમાંથી બહાર આવી ત્યારે હું ખુશ હતી કેમ કે બાપુની 'કરો યા મરો'ની હાકલ ઝીલવાનો મનમાં સંતોષ હતો." આવા પ્રખર આઝાદીના લડવૈયા ઉષા મહેતાનો ૧૧ મી ઑગસ્ટ, ૨૦૦૦ ના દિવસે તેમનું ૮૦ વર્ષની જૈફ વયે અવસાન થયું હતું. રાષ્ટ્ર આજે જ્યારે અમૃત મહોત્સવની રંગેચંગે ઉજવણી કરી રહેલ છે તેવા સમયે આ ઘડવૈયા ઉષા મહેતાને હાર્દીક શ્રદ્ધાજલી અર્પણ કરીએ. મૃત્યુના ત્રણ દિવસ પહેલાં આઠમી ઑગસ્ટે એટલે કે આઠ ઑગસ્ટ ક્રાંતિ દિને તેઓ મુંબઈના ઑગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે 'હિંદ છોડો ચળવળ'ની યાદમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

આઝાદીના દિવસ ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ના દિવસે બ્રિટિશોના શાસનમાંથી મળેલી આઝાદીની ઉજવણી થઈ રહી હતી અને બીજી તરફ ભારત અને પાકિસ્તાનના ભાગલાનો શોક પણ હતો. ભારતની આઝાદીની લડાઈમાં અસંખ્ય લોકોનું યોગદાન છે, અનેક લડવૈયાઓએ આ લડાઈ માટે પોતાનો જીવ પણ આપી દીધો હતો.

આઝાદીની લડતના નેતાઓ પૈકીનું મહત્વનું નામ એટલે રાષ્ટ્રપિતા તરીકે જેઓની ઓળખ પુરા વિશ્વભરમાં થાય છે તેવા મોહનદાસ કરમચંદ ગાંધી. જ્યારે દેશને ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ ના રોજ સ્વતંત્રતા મળી, ત્યારે મહાત્મા ગાંધી ઉજવણીમાં સામેલ થયા નહોતા. તો એ વખતે મહાત્મા ગાંધી ક્યાં હતા?

 સ્વતંત્રતા સાથે જોડાયેલી આવી જ કેટલીક રસપ્રદ વાતો જે કદાચ તમે નહીં જાણતા હોવ.

મહાત્મા ગાંધી સ્વતંત્રતાદિવસે દિલ્હીથી હજારો કિલોમિટર દૂર સેંકડો માઇલ દૂર કલકત્તા (હાલના કોલકતા)ના 'હૈદરી મહેલ'માં હતા, જ્યાં તેઓ હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે સાંપ્રદાયિક હિંસાને રોકવા માટે અનશન પર બેઠા હતા. 

ભારત-પાકિસ્તાનના ભાગલા પગલે કેટલાક પ્રાંતોમાં હિંસા ફાટી નીકળી હતી. કલકત્તા અને નોઆખલીમાં હિંસા ફાટી નીકળી હતી, ગાંધીજીને લાગ્યું કે નોઆખલીની હિંસાને શાંત પાડવા માટે કોલકતાની આગને ઠંડી પાડવી જોઈએ.

ગાંધીજીને લાગતું હતું કે કોલકતામાં મુસ્લિમોને અસલામત મૂકીને તેઓ કયા મોઢે નોઆખલીના હિંદુઓની સુરક્ષા માટે અપીલ કરશે. જ્યારે નક્કી થઈ ગયું કે ૧૫ ઑગસ્ટના રોજ ભારત સ્વતંત્ર થશે તો જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલે મહાત્મા ગાંધીને પત્ર મોકલ્યો હતો. પત્રમાં લખ્યું હતું, "૧૫ ઑગસ્ટ આપણે પહેલો સ્વાધીનતા દિવસ હશે. તમે રાષ્ટ્રપિતા છો. તેમાં તમારા આશીર્વાદ આપો."

ગાંધીએ પત્રનો જવાબ મોકલાવ્યો, "જ્યારે કલકત્તામાં હિંદુ- મુસ્લિમ એકબીજાનો જીવ લઈ રહ્યા છે, તેવામાં ઉજવણી કરવા માટે હું કેવી રીતે આવી શકું. હું આ પરિસ્થિતિ પર નિયંત્રણ લાવવા માટે મારો જીવ આપી દઈશ."
DIPAK CHITNIS (DMC)

dchitnis3@gmail.com
સુજ્ઞ વાંચકમિત્રો તેમજ લેખક મિત્રો રાષ્ટ્ર જયારે અમૃતમહોત્સવ ઉજવી રહેલ છે તેવા સમય ગુજરાત મહિલા ક્રાંતિવીરનો લેખ આપની સમક્ષ રજૂ કરેલ છે જે બાબતમાં આપના રેટીંગ તેમજ અભિપ્રાયની અપેક્ષા રાખું તે અસ્થાને નથી. આપ સર્વેને આઝાદીના ૭૫ વર્ષના અમૃતમહોત્સવ નિમિત્તે અભિનંદન પાઠવતાં ગૌરવની લાગણી અનુભવું છું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED