jajbaat no jugar - 31 books and stories free download online pdf in Gujarati

જજ્બાત નો જુગાર - 31

પ્રકરણ ૩૦

'જો દુઃખોને લણવાના ન હોય એતો સુખી થવા વાવવાના હોય છે. કદાચ મારા નસીબમાં આવું જ લખાયું હશે' કલ્પના બોલી
પણ, પણ ક્યાં સુધી આ છોકરાં મોટા થયા. કાલે એમનાં લગ્નની ઉંમર થવાની. તું સહન કરવાનું છોડી એક વખત વિદ્રોહ કરીને તો જો.

હવે આગળ

આ સમાજ, આ મારો પરિવાર, મારું કુટુંબ બધાંને શું કહું કે આ માણસ જે મારો ભરથાર છે. જેણે ભરથાર હોવાનો એકપણ હક કે અધિકાર નિભાવ્યા નથી, એમ કહું?
કોને કહું? શું કહું? શામાટે કહું કે આ વેદનાને, લાગણીને, મારી વ્યથાને ક્યારેય સમજી જ નથી. હું પાણી બની જે બીબાંમાં ઢાળી એવી બનીને રહી એ જ મારી ભૂલ.
શું હું મારા પપ્પાને કહું જેને મારા હિસાબે બીપીની ગોળીઓ લેવી પડે છે. એક પણ વાત કરું તો, હ્રદય દબાણ થઇ પેરેલીસીસ થવાની સંભાવના વધી જાય. કોણ મારું સત્ય સ્વીકારે? તું જ કહે, તને કોલ કરીને વાત કરું તો તું પણ કદાચ આ વાતને રમૂજમાં લઈ, મારી વાતને હાસ્યાસ્પદ સમજી, મારી વાતને હવામાં ઉડાડી દે. મને કોઈ રસ્તો સુઝયો નહીં. જે થતું ગયું તે નિભાવવા સીવાય કોઈ વિકલ્પ મળ્યો નહીં તેથી મૂંગા મોઢે આ રસ્તો અપનાવ્યો.

લઘરવઘર પહેરેલો લેંઘો. ઉપર અત્યંત બારીક છીદ્રો વાળું બનિયાન. કેટલા દિવસથી પહેરીને બેઠા હોય એવો, દાઢીના વાળ છાતી સુધી પહોંચી ગયેલા. માથાના વાળ ખંભા સુધી, માથાના વાળ અને દાઢી બંનેનુ એવું મિશ્રણ કે જાણે કેટલાય સમયથી વાળંદની વિઝિટ લીધી જ નથી એ બીજું કોઈ નહીં પરંતુ ખુદ વિરાજ, વિરાજ વિરાણી છે!
કહેવાય છે ને કે દૂધનો દાઝેલ છાશ ફૂંકી ફૂંકીને પીએ પણ મારે તો રેફરીજરેટરમાં મૂકેલી છાશ પણ ફૂંક મારીને પીવી પડી.
દુનિયાની ભીડમાં પણ મને એકલતાનો ભણકાર અનુભવ થયો. હસતાં હસતાં ક્યારેક ખૂબ રડી લીધું તો ક્યારેક દુઃખને દુઃખ ન સમજી સુખ વગર સુખી હોવાનો દાવો કરવો સહેલો નથી હોતો. દુનિયાની ભાગદોડ માંથી ક્યારેક અલગ હટીને જુદી તરીને પોતાના માટે સમય કાઢવો બહું અઘરું હતું.
હવે એ વિચારવું જ રહ્યું કે વિરાજ દુનિયા સામે કઈ રીતે જશે? વિપત્તિ તો ઘણાંના જીવનમાં આવતી હોય છે પણ એમાં સટ્ટાનની જેમ ખડાં પગે ઉભા રહેવું ખૂબ મુશ્કેલ હોય છે. છતાં ભગવાનની કૃપાથી હું અડગ ઊભી રહી શકી એજ મારે મન સુખ છે.

ભીનાં વાળ માંથી ટીપાં પડી રહીયા હતાં. કલ્પના વાળમાં હાથ ફેરવતા ફેરવતા બારી બહાર જોઈ રહી હતી, સાંજ ની પાર્ટીનો થાક હજુ સુધી ઉતર્યો ન હોય એમ હાથ બંને બાજુ ખુલ્લા કરી આળસ મરડીને બારીની એકદમ નજીક ગઈ, ધીમીધારે વરસાદ વરસી રહ્યો હતો. એક સ્ત્રી ચાલતી ચાલતી જતી હતી. આ સમયમાં પણ કોઈ પગપાળા જાઈ છે, અમારા પણ આવાં દિવસો હતા એ આજ સુધી ભુલાયુ નથી. આવું વિચારતી વિચારોના વમળમાં ખોવાઈ ગઈ હતી. ત્યાં જ પાછળથી અંતરાએ આવીને બાથમાં લઈ વળગી પડી. વિચારોનું વમળ વિખરાઈ ગયું.
કોઈ લાગણી, કોઈ ઉન્માદ, કોઈ જ હવે કલ્પનાના મનને પીગળાવી શકે એવો કોઈ ભાવ કોઈ વેદના કોઈ વલોપાત રહ્યો જ નથી. નિષ્ઠુર, નિર્દયી, લાગણી વિહોણી બની ગયેલી કલ્પના કોરાં ભાવથી અંતરાને સમજાવતી કે જે મેં કર્યું એવું તારા જીવનમાં આવે તો, વિદ્રોહ કરજે. મેં ભૂલ કરી છે એવી ભૂલ તું ના કરતી દિકરા....
માણસ માંથી માસુમિયત અને ભરોસો એક વખત ગાયબ થઈ જાય ને પછી માણસમાં ફરી ક્યારેય એ પાછાં મેળવી શકાતાં નથી.
પ્રતિશોધની અગનજ્વાળા અંતરાના મનને ધીમે ધીમે કોતરાતી નાખી હતી.
લોકો પણ પાણી જેવા હોય છે, પાસે જાવ ત્યારે ખબર પડે કે ઉંડા છે કે છીછરા કૂવો છે કે નદી.
કલ્પનાના જીવનમાં આવેલ દરેક મુસીબતો સામે કેમ લડવું જોઈએ, એ પાઠ અંતરાને વાટી વાટીને જીંદગીમાં શિખવી દિધા હતાં. સાથે સંસ્કાર પણ ઘુંટી ઘુંટીને પીવડાવ્યા હતાં.
વિરાજે ઘણી કંપનીઓમાં કામ શોધ્યું પણ હવે તેને કામ મળે તે, તેને ફાવતું નહીં એને ફાવે તેવું કામ મળતું નહીં. અંતરાએ એક કંપનીમાં કામ શોધી આપ્યું ત્યાં પણ ન ફાવ્યું.
હવે અંતરા, સર્વ અને કલ્પના ત્રણેય નોકરી કરી ઘર ચલાવતાં છતાં સંબંધો જર્જરિત હાલતમાં જ હતા.
હવે કલ્પનાને કોઈનો ડર કે કોઈ પર નિર્ભર રહેવાની જરૂર ન હતી.
કોઈ અપેક્ષા વગરનું જીવન અંધકારમય ઓરડા જેવું હોય છે. શૂન્ય અવકાશના અંધારપટ છવાયેલો રહે છે. આશાની કિરણનો કોઈ સહાય કે સહારો હવે બોજારૂપી લાગતું.
આજે અંતરા વીસ વર્ષની થઈ ગઈ હતી. આખાં ઘરની જવાબદારી એકલી નિભાવતી પણ પ્રતિશોધનો અગ્નિહજુ અંતરમાં ઠરવાનું નામ ન લેતો. વિરાજ એક બાપ તરીકે એક પણ ફરજ ન નિભાવી શક્યો તેની અધૂરપ અંતરાને સતાવતી. તેને ભણી ગણીને એની મા કલ્પનાના દરેક સપનાં સાકાર કરવા હતાં. પણ સપનાં સાકાર થાય તે પહેલાં જ સપનાંઓનુ અપહરણ થઈ જતાં હવે સપનાં જોવાની હિંમત ન હતી.
તે કલ્પનને કહેતી તે લગ્ન શામાટે કર્યા? કર્યા તો તે ક્યારેય વિદ્રોહ કેમ ન કર્યો? વિદ્રોહ ન કર્યો, માન્યું તે ક્યારેય તારો ખુદનો વિચાર કેમ ન કર્યો. તું કોમ્પ્યુટરમાં સ્નાતક કર્યું હતું તો તે ક્યારેય નોકરી કેમ ન કરી, આ ઢસરડા શા માટે?

અનિમેષ નયને કલ્પના જોતી રહી, શબ્દો થી બધું શક્ય નથી હોતું બેટા. હું લગ્ન પહેલાં ખુબ ગુસ્સેલ અને અભિમાની હતી. જ્યારે ગુસ્સો જીતી જાય છે ને ત્યારે સંબંધોને હારી જતાં મેં જોયા છે. પરંતુ લગ્ન બાદ હું એક ગૃહિણી તરીકેનો રોલ બહુ સરસ રીતે નિભાવું એવું ઈચ્છતી હતી. ઘણીવાર સંબંધોને જાળવી રાખવા માટે ઘણું બધું જતું કર્યું છે.
જીવન જીવવાની કળા અને આવડત હું દુઃખ પડ્યું ત્યારે શિખી એટલે હંમેશા આવનાર સમય સારો જ હોય એવું નહીં માનવું પરંતુ એનાથી વિપરીત એ દુઃખો અને સમસ્યા સાથે લડવાની હિંમત રાખવાની.
સમય રેતીની જેમ વહેતો જાય છે જેમ પકડવા મુઠ્ઠી જોરથી બંધ કરો અને રેતી સરકી જાય એમ સમયને પણ કોઈ પકડી નથી શકતું
અંતરાને ફરીથી ભણાવવાનો નિર્ણય કર્યો. એ આગળ ભણવાનું શરૂ કર્યું.
ધીમે ધીમે ગાડી પાટા પર ચાલવા લાગી. અંતરાના હવે કોલેજ એકલી આવતી જતી.
એક દિવસ વિરાજે જીદ્દ કરી કહ્યું કે અંતરાને કોલેજ મુકવા એ જશે. બહુ આનાકાની બાદ એ માની ગઈ.

અચાનક ઇમારત ધરાશાયી થાય એમ અચાનક કમૌસમી વરસાદની જેમ કટાણે અંતરા ઘરે આવી બંને હાથ લોહી લુહાણ, લોહીના રગેડાં કોણી સુધી આવી સુકાઈ ગયા હતા. અંતરાનુ આખું શરીર એક ઊંડા ડરથી કંપન કરતું હતું. આંખોમાં આંસું આવીને સુકાઈ ગયા હતા. કપડાં પર લોહીના છાંટા ઊડ્યા હોય એવા ડાઘ રેલાયેલા હતાં. એક પણ શબ્દ મોં માંથી નિકળી શકતો ન હતો મોં માં ડૂમો બાઝી ગયો હતો. અંતરાની આંખોથી જાણે બધું જ સમજી ગઇ હોય એમ કલ્પના તેને ભેટીને એમની પીઠ પ્રસરાવી રહી હતી. પીઠ પ્રસરાવી હિંમત આપતી હોય એમ એકબીજાની આંખોમાં આંખ પરોવી આંખો જ વાતો કરી રહી હતી.

અંતરા કોઈ સાથે ઝઘડીને આવી હશે ?
કે પ્રતિશોધની અગનજ્વાળા ઉતારી હશે?
કે કોઈ અજાણતા કંઈ અજુગતું થયું હશે
જાણવા માટે જોડાયેલા રહો
વાંચતા રહો જજ્બાતનો જુગાર


ક્રમશઃ.......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED