કન્યાવિદાય DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કન્યાવિદાય

કન્યાવિદાય

………………………………………………………………………………….............................

સોડમાં લીધાં લાડકડી!

આંખો ભરી પીધા લાડકડી !

હીંચકાને હૈયામાં રૂંધ્યાં

ને પારકા કીધાં લાડકડી !

ક્યારામાં ઝપાટાભેર પાંગરી રહેલ તુલસીછોડની ઓળખાણ કલાપીએ આમ કહીને કરાવી છે: ‘’પિતૃગૃહે જેમ વધે કુમારીકા.’’ પિતૃકુલક્યારામાં આવી પાંગરી રહેલી તુલસી છોડ સમી સૂચિત્વભરી પ્રત્યેક કુમારિકાને એક દિવસ આખી ને આખી મૂળમાટી સોતી બીજા કુટુંબક્યારામાં રોકાવાનો અવસર આવે છે. માંડવો બંધાય છે, ઢોલ શરણાઇ વાગે છે, ગણેશ પૂજન થાય છે, અંગે અંગે પીઠી ચડાય છે. ચોરી ચીતરાય છે. મંગળ ફેરા ફરાય છે અને કોક પરદેશી પોપટડો આવીને બેનીબા ને લઈ જાય છે.

ગૃહસ્થાશ્રમની આખી આયુષ્યયાત્રામાં કન્યાવિદાય જેવું કરુણમંગલ પ્રસંગ બીજો એકેય નથી. જોશી પાસે લગ્નની તિથિ જોવડાવીને મુહૂર્ત નકકી થાય ત્યારથી ઘરને ખૂણે ખૂણે હવે પરણીને પારકી થનાર દીકરીના પગની જ્યાં જ્યાં સુધી પગલીઓ પડે છે ત્યાં ક્યાં જાણે કંકુની ઢગલીઓ થતી આવે છે. હવે લગ્નના આડે ફક્ત આટલા દિવસ રહ્યા. સાહેલીઓના વહાલને વિયોગ બેય ઘેરાં બનતાં આવે છે. મા-બાપ મધરાતે-અધરાતે ઝબકીને દીકરીનું મોં જોઈ લે છે. દીકરીના શ્વાસે શ્વાસે થી જાણે સૂર ઊઠે છે : ‘’અમે ચકલીઓના માળા, અમે કાલે ઉડી જઈશું.’’

અડધી રાત આમ ઉંઘતી દીકરીનું મોં જોઈને અને અડધી રાત દીકરી માટે કરકરિયાવરની તૈયારી કરવાના વિચારમાં પૂરી કરીને મા- સવારે ઊઠે છે. માના ચહેરા પર ઉચાટ અને ઉમંગ બે વરતાઇ આવે છે. પણ બાપ એ તો બધી વેદના તેના હ્રદયની ભીતરમાં ભંડારી દીધી છે. એ અસ્વસ્થ થાય તો આ અવસર ઊકલે શી રીતે ? દીકરીના લગ્નની ઝીણીમોટી તમામ તૈયારીઓની ગણતરી એના મગજમાં રમતી હોય છે.

ચૂડો -પાનેતર, કંકાવટી, માંચી- બાજોઠ, માયા પાટલી એકે એકે ખરીદવા માંડ્યુ: પણ હજી મૂળ મુદ્દો બાકી રહ્યો - દીકરી માટે દાગીના ! ચાલો દીકરી રતનપોળમાં, તમને ગમતો ઘાટ પસંદ કરી લો. સાથે સાડીસાલ્લાનું પણ પતાવી આવીએ. એક મોટી ટ્રંકઅને એક નાની નાજુક આ ચામડાની બેગ….. રૈયાઓળમાંથી સેન્ટ-અત્તર…. અરે પણ ચાંદીનો ઝૂડો રહી ગયો ચાલો પાછા રતનપોળમાં

હવે તો ગણતર વરધો જ બાકી રહ્યો. ઘરનું રંગરોગાનનું કામ પૂરું થયું. રસોડાનો સામાન, પૂજાપો, જાનનો ઉતારો, બધું પાકું થઈ ગયું છતાં. દીકરીના બાપને થયું : લાવ એક આંટો વેવાઇને ક્યાં મારી આવું. જાનમાં કેટલા માણસો આવશે એ પાકું કરી આવું.બીજા વટવહેવારની વાતો પણ કરતો આવું. માંડવે વર આવે અને એને કંઈ વાંધો પડે તો વળી ફજેતી ! મનમાં આવા મણકા મુકતા દીકરીના બાપે ભાઈને ત્યાં જઈ બધું પાકું કરી આવ્યા. ઘેર આવીને ગોળ ને બોલાવ્યા. નજીકના સગાવહાલાં આવ્યા અને કંકોત્રીઓ લખાઈ. દીકરી એની બહેનપણીઓ અને મિત્ર મંડળમાં વેચવા પોતાની પસંદગીની ખાસ કંકોત્રી છપાવી. મા એ આડોશ-પાડોશનાનેબોલાવી ગોળધાણા વહેંચાયા.

હવે તો લગ્નના આડે ડી રાત જ રહી. મંડપને છેલ્લો ઓપ અપાયો. ડેકોરેશન થઈ ગયું. આંગણામાં છત્રીઘાટે ઊભેલી બોરસલ્લીમાં નાની નાની લાઈટની આખી જાળ પથરાઇ ગઇ. જુવાન દીકરીના અંતરના અરમાનો જાણે બોરસલીના પાંદડે પાંદડે પ્રકાશી રહ્યા ! ઢોલીડા આવ્યા. શરણાઈ ગુંજી ઊઠી. ચારેબાજુ આનંદ મંગળ વર્તાય રહ્યું. શૈશવમાં જે આંગણામાં દીકરી ખેલથીકુદતી, ત્યાં જ આજે ચોરીની સજાવટ થઈ. લગ્નની આગલી રાતે વડીલ વર્ગ કે ઉંઘ્યો જ નહીં. યાદ કરી કરીને બધી તૈયારી થઈ. સવાર પડ્યું.લગ્નમંડપમાં ગાલીચા પથરાઇ ગયા. પાનબીંડા અને ગુલાબના થાળ શગોશગ ભરાઈ ગયા. વરકન્યા માટે ખાસ બનાવડાવેલા મોટા હારના કરંડીયા આવી ગયા. વેણી ને ગજરા પણ આવ્યા

….. અને જાન આવી પહોંચી. સાસુએ વરરાજાને પોખ્યાં. વર-કન્યા માહ્યરામાં બેઠા. ચાર આંખો મળી અને ઢળી. શરણાઈના મંગળ સૂર ગુંજી ઉઠ્યા. સુરે સૂરે અંતરની લાગણીઓ અવળાસવળા આમળા લઈ રહી. ઢોલ ઢમકી રહ્યા. વરપક્ષની જાનડીઓ જાણે ઈડરિયો ગઢ જીત્યાના ગૌરવ સાથે ગીતો ગાતી રહી. ગોર મહારાજે ‘’વર-કન્યા સાવધાનનો’’ પોકાર કર્યો. હસ્તમેળાપ થયા અને સહેલીઓ દબાતે અવાજે ગાઈ રહી: ‘’પરણ્યા એટલે પારકા બે‘ની….’’.

ને આખરે કન્યાને વળાવવાની વસમી ઘડી આવી પહોંચી. શરણાઈના સૂરના તડપન સાથે કન્યાના ઉરની ધડકન વધી રહી હતી. પતિને અનુસરવું પ્રિય છે, પણ પિતૃગૃહની માયા કેમે કરી છૂટતી નથી. ઘરની બારસાખે (દરવાજે) કંકુના થાપા મારતી વખતે તો અંતરની ધ્રુજારી જાણે આંગળીઓના ટેરવા આવીને વસી. કંકુનો થાળ ધ્રૂજવા લાગ્યો. ઘર ધ્રુજવા લાગ્યું. મંડપ ધ્રૂજવા લાગ્યો. આંગણાની બોરસલી ધ્રુજવા લાગી…. શરણાઈના સૂર ઝૂરતા પાવામાં પલટાઈ રહ્યા. ઢોલનો ઢમકારો તો ધ્રાસ્કા માં પલટાઇ રહ્યો….માબાપની માયા, સહિયારોનો સાથ…. પિયરનાં ઝાડવાંનું પાનેપાન પોકારી રહ્યું : ‘’મત જા…. મત જા…’’

પણ કોઇ કન્યા ક્યારેય રોકી રોકાઇ છે ? ઝાલી ઝલાઇ છે ? અને આ કન્યા પણ વિદાય થઇ !

દીકરીને લઇને જ્યાં મોટર ઉપડી ત્યાં સુધી હાંફળીફાંફળી સાથે ડગ ભરતી, સાસરિયાંને દીકરીની સોંપણી કરતી, દીકરીને માથે-માથે હાથ ફેરવી રહેલી ડૂમાભરી માયા માટે ‘’આવજે બેટા!’’ એટલા શબ્દો બોલતાં બોલતાં તો બ્રહ્માંડ ડોલી થાય છે. કેમ કરી દીકરી છાતીએથી છૂટ્યા નથી. ‘’મારી પંખણી….’’ ‘’મારું ફૂલ…’’એ શબ્દો ‘આવજો આવજો‘ ના શોરબકોરમાં ડૂબી ગયા. મેટ્રો ઝડપ પકડી, માતા-પિતાના હૈયાના રતનને લઇને મોટર જોજન દૂર ને દૂર…..ચાલી જાય.. માને આશ્વાસન આપવા સગાંસ્નેહીઓ વીંટળાઇ વળ્યાં. કોઇએ પાણી લાવીને આપ્યું. માને જરા શાંતી વળી.

પણ દીકરીના બાપ ? અત્યાર સુધી કઠણ છાતી કરીને લગ્નનો અવસર જે ઉકેલી રહ્યા હતા- તે ક્યાં ગયા ? ઓશરીમાં જોયું. ઘરમાં ધોયું. કયાંય નથી ! તો પછી ગયા ક્યાં ? દેવપૂજાની ઓરડીમાંથી એક ડૂસકું સંભળાયું. જઈને જોયું તો તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા. દીવામાં હવે ઘી ખૂંટવા આવ્યું હતું. તેથી શગ ધ્રુજી રહી હતી. એ ધ્રુજતી શગના અજવાળામાં રુદન ખરતાં બાપનાચહેરાની એકેએક રેખા પણ ધ્રુજી રહી હતી. પાસે મોટો દીકરો પાણીનો પ્યાલો લઈને ઉભો હતો. પણ આંસુ આવે એને કોણ જોવે ? દેવની મૂર્તિ સાથે વાતો કરતા હોય તેવો બાપનો કરુણ સ્વર સંભળાયો : ‘’ભગવાન ! અલ્લડ નાની વાછરડી જેવી મારી દીકરી કોઈ દહાડો બાપડીએશી લીલીસૂકી જોઇ નથી…. પારકા ઘરમાં શી રીતે સમાશે ?’’ અને અત્યાર સુધી બાપે જાળવી રાખેલા ધીરજના આચ્છાદાનના સો સો લીરા વાતાવરણમાં ઉડી રહ્યા. ઉપરથી સ્વસ્થ દેખાતા બાપના હીબકા કેમેય કરીને શમતાં નહોતા : ‘’મારી લાડકડી…..’’

દીવાનું ઘી ખૂટ્યું અને શગ એક છેલ્લી ધ્રુજારી સાથે હોલવાઇયો.

………………………………………………………………………………………………………………

સુજ્ઞ લેખક મિત્રો તેમજ વાચકો નવલિકા વાંચીને આપનો અભિપ્રાય તેમજ રેટિંગ આપવા અપીલ કરું છું.

DIPAKCHITNIS(DMC) dchitnis3@gmail.com