હાસ્ય લહરી - ૩૨ Ramesh Champaneri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હાસ્ય લહરી - ૩૨

         

 

             

મારા સખણા રહેવાના શાનદાર પ્રયોગો..!

 


                                                      લોકોને વિશ્વાસ નથી, બાકી આમ તો સખણો જ છું યાર..!  સખણા  હોવાનો દાખલો ખિસ્તોસામાં લઈને થોડું ફરવાનું હોય..? આ તો  નવરેશના તકિયા કલામ છે કે, ‘સખણા રહો, સખણા રહો..!’  તમે અડફટમાં આવ્યા નથી એટલે, બાકી એટલો  સખણો છું કે, ભગવાન કરતા વાઈફને વધારે જય જય કરું..! આ તો મોટાને જામીન આપી નાનાને હલવાવવાની વાત છે. મોટાને સાચવવામાં નાનાને લપડાક શું મારો યાર..? શરૂઆતમાં મા-બાપ કહેતા, સખણો રહે..! બાળપણમાં ભાઈબંધ કહેતા, સખણો રહે..! નિશાળમાં શિક્ષક કહેતા, સખણો રહે..! પરણ્યા પછી વાઈફ કહે સખણા રહો..! એકમાત્ર સાસુ-સસરાએ જ નથી કહ્યું કે, જમાઈરાજ ...સખણા રહો. માનથી બોલાવે યાર..! છોડ યાર, હાથે કરીને શું કામ ઘરમાં હોળી પ્રગટાવવાના મૂહર્ત આપો છો..? હજી લાંબુ ખેંચવાનું છે દોસ્ત..!

 
                                                           મને બરાબર યાદ છે કે, એકવાર શિક્ષકે મને કહેલું કે, ‘ તું તો સખણો જ રહેજે, આડો ફાટતો જ નહિ. તારામાં તો ઊંટ જેટલાં અઢાર વાંકા છે.’ એમાં મને ૧૮ સુધીના આંક આવડી ગયેલા. સાચી વાત કહું, એ વખતે ઊંટ સાલું મેં સ્વપ્નમાં પણ નહિ જોયેલું, ને શરીરના એકેય કોર્નરથી મારામાં કંઈ વાંક, વાંકુ કે વળાંક પણ નહિ. છતાં કોણે આવી અફવા ફેલાવેલી, તેને હજી હું શોધું છું. શિક્ષક કેમ આવું બોલ્યા હશે, એ તોખારમાં શિક્ષક તો ઠીક, આખી નિશાળ બદલી નાંખેલી. આજે હું સીધો છું, પણ નહિ. બાકી મારા ગુરુવર્યએ કમરમાંથી વળાંક લેવાનું શરુ કર્યું છે, હું હજી સીધી સોટી જેવો જ છું. જે નિશાળ સખણી ચાલતી હતી, એ પણ કોરોનાના ભરડામાં આવી ગઈ ને બંધ થઇ..! કોરોનામાં આખો દેશ સખણો થઇ ગયો. તડકે પાપડ શેકવા નાંખ્યા હોય એમ, અમે ઘરમાં શેકાય ગયેલા.  એનાથી વધારે તો શું સખણા રહેવાના..? સરકારની વાત પણ ખોટી તો નથી. કોરોનામાં ભટકવા ગયા તો, ભવ ભટકાય જશે એવી વિકરાળ બીક લાગતી.  યમરાજના પાડાઓ પણ ટ્રાવેલિંગ કરીને થાકી ગયેલાં. પાડો તો ઠીક, પાડા જેવો માણસ જોઈએ તો પણ ડર લાગતો કે, યમરાજ તો આવ્યા નહિ હોય..?  જો કે લોકડાઉન કંઈ આપણા માટે નવું થોડું..? જન્મ્યા પહેલાં નવ મહિના માતાના ઉદરમાં લોકડાઉન જ હતાં ભાઈ..! કેવાં સખણા થઈને રહેતાં હતાં..? તો પછી ઘરમાં તો સખણા જ રહેતાં હોય ને..? 

    
                                                          મારામાં ૧૮ જેટલાં સ્પેરપાર્ટસ વાંકા છે, ગુરુવર્યની એ વાત મારાં ભેજાંમાંથી ખસી નહિ. એ ૧૮ ને શોધવા ને સીધા કરવામાં, પછી તો મેં મારી આખી યુવાની ભણવામાં ઘસી નાંખી. અખંડ અભ્યાસ કરીને, પુંછડા જેવી લાંબી લચક ડીગ્રીઓ પણ લઈ લીધી. પણ કોરોનાને તે વળી ડીગ્રીથી ફરક પડે..? કોરોનાને કોઈપણ કાયદો કે છૂટછાટ, કોઈપણ સરહદ કે ઇલાકો  નડતો નથી.  કાલે ઇતને સબ જાંબુ..! ડીગ્રીવાળાને એ કંઈ સલામી ઠોકવા નહિ આવે, ઠાર કરવા જ આવે..! વાયરસની પીઠી ચઢાવીને પલકમાં ક્યાં અલોપ થઇ જાય, એની ખબર શુદ્ધાં નહિ પડે. એવાં સખણા કરી નાંખ્યા કે, ઘરમાં બેસીને માથાના વાળ પણ એટલાં ખૂટી ગયેલા કે, વગર પૈસે ટાલ પડેલી.  રાવણના રાજમાં વિભીષણની માફક રહું છું, છતાં દિવસમાં બે-ત્રણ વાર તો રસોડું ગાજે જ કે, ‘નવરેશ..! આડા પડી-પડીને તમે તો પિયરના સોફાનો ખુરદો કાઢી નાંખવાના, જરાક સખણા બેસીને શાકભાજી તો સુધારો..? એના કપાળમાં કાંદા ફોડું, હાલત ખરાબ થઇ ગઈ છે યાર..! જાત ઘસીને મેળવેલી ડીગ્રી કરતાં તો, પેલા ૧૮ વાંકા સલામત રાખ્યા હોત તો, સારું થાત..! તેજીને ટકોરો લાગે એમ અમુક વખતે તો સંભળાય નહિ સાલું..! કોરોનાને પણ શરમાવે એવા હુમલા આવે દાદૂ..! ડીગ્રીઓ લીધા પછી છાતી ફુલાવીને ફરતો હતો, એ છાતી પણ લોકડાઉનમાં એવી બેસી ગઈ, કે સામી છાતીએ ઘરની બહાર પણ જઈ શકતો નથી, ને કોઈને મોઢું પણ બતાવી શકતો નથી.  એટલે પણ માસ્કથી મોઢું ઢાંકીને ફરું છું..! 


                                                    એક યોગગુરૂએ કહેલું કે, ‘સખણા રહેવું, એ પણ એક યોગ છે..! અહંકારના તમામ પોટલાં અભરાઈએ ચઢાવીને હાલ હું, સખણા રહેવાના પ્રયોગો કરું છું. આ લોકડાઉન ની એક્સપાયરી ડેટ આવી તો સારું થયું,  એમાં આપણી એક્સપાયરી ડેટ ધોવાઈ ગઈ..! મારે ઘરનો મામલો તમને જણાવવો તો નહિ જોઈએ, પણ મારા ઘરમાં પણ અત્યારે ત્રણ ઝોન અસ્તિત્વમાં છે. કામવાળીના તમામ કામ જો હું કરી આપું, તો ગ્રીન ઝોનમાં આવું, ઘરવાળી સોંપે તે કામ હસતા મોંઢે કરી આપું તો ઓરેન્જ ઝોનમાં આવું, ને કામ કરવામાં ઠાંગાથૈયા કરું તો રેડઝોનમાં આવું..! આવી હાલત છે. બોલો કેમના સખણા રહીએ..? એના કપાળમાં કાંદા ફોડું સખણા રહેવાનાં યોગની પણ લીમીટ હોય યાર..!  ડીસ્કોના  નાચ કરતો હતો, હવે મીંરાબાઈનું ભજન ગાયને દિવસ કાઢું છું કે, ‘રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ..! ચાલો આપણી વ્યથાને તો પૂળો મુકીએ. ચિંતા એની થાય કે, જેના વિવાહ થઈગયા હોય, ને લોકડાઉનને કારણે જે ‘એલબીડબ્લયુ’ થઇ ગયાં છે, એની શું હાલત થતી હશે યાર..?’ બિચારા વરસાદમાં પલળી ગયેલા પાપડ જેવાં થઇ ગયાં હશે..! એને કહેવાય કે,  સખણા રહો..? કોઈ દર્દી વેન્ટીલેટરનો શ્વાસ લઈને જિંદગી સામે ઝઝૂમતો હોય, એમ મોબાઈલ જ બીચારાઓમાં પ્રાણ પૂરતા હશે..! નિર્જન ટાપુ ઉપર ફસેલા એકમાત્ર પ્રવાસી જેવી એકલતા કેવી કોરી ખાતી હશે..? પહેરેલા ખમીશમાં લાલ કીડી ભરાય ગઈ હોય, એમ બિચારા આડા પડીને નીસાશા નાંખતા હશે..! એવાને કેમનું કહેવાય કે, જરા સખણા રહો...! કુતરાથી માંડીને કાશ્મીર સુધીના વિષય ઉપર આપણે નિશાળમાં નિબંધ લખેલા, પણ હરામ બરાબર જો કોઈ ગુરુવર્યએ કોરોનાનો ક પણ શીખવેલો હોય તો..! એકાદ ફકરો પણ નહિ કે, હઝલ-ગઝલ કે કવિતા પણ નહિ. આવી નિરુપાય સ્થિતિમાં કયો જાદુ ચલાવવાનો એ જાણતા જ નહિ હોય તો, બિચારા સખણા પણ કેમના રહેવાના..?


                                             આજે તો ખુદ ગુરુવર્યો પણ ઘરની ચાર દીવાલમાં ‘લોક-ડાઉન’ છે. નિશાળમાં શિષ્યોને ઉઠ-બેસ કરાવેલી, ઘરમાં અત્યારે પોતે જ ઉઠબેસ કરતા હશે. બિચારા ‘ઓનલાઈન’ માંથી કેવા ‘ઓફ લાઈન’ માં આવી ગયાં..? મને તો પેલો ડાયલોગ યાદ આવે છે કે ? ‘એક મચ્છર સાલા ઇનસાનકો ‘ખાલીજગ્યા’ બના દેતા હે ‘ એમ, એક વાયરસ સાલા, આદમીકો બકરી બના દેતા હૈ..! લોકડાઉનને કારણે ભલભલા આજે બકરી ડબ્બામાં છે..! એમ થાય કે, કલાકારોએ તો ‘ઓનલાઈન’ ફૂંફાડા કાઢીને પણ હળવા થવાના હવાતિયાં મારી લીધાં, પણ જેને દિવસમાં એકાદ ભાષણ નહિ ઠોકે તો, કબજિયાત મહેસુસ થાય, એ ભાષણીયાની શી હાલત થતી હશે..? બિચારા બાથરૂમના અરીસા સામે જ ભાષણ ઝીંકતા હશે ને..? માથામાં લોકડાઉનનું માથું ફસાય ગયું હોય તો જાય પણ ક્યાં..? એમનાથી સખણા રહેવાય ?


                                           એક વાત પાક્કી કે, લોકડાઉન આવ્યું ત્યારે અમુકને ખબર પડી ગઈ કે, ભારતની સ્ત્રીને ‘ગૃહલક્ષ્મી’ કેમ કહેવામાં આવે છે..? પાડોશી આપણો પહેલો સગો છે, એ લોકડાઉનમાં શીખવા મળ્યું. જેને સારી વાઈફ મળી છે, એણે તો હનુમાન ચાલીસાના પાઠ કરવાને બદલે, કોઈ પાસે ‘પત્ની-ચાલીસા’ લખાવીને તેનું પઠન કરવું જોઈએ. આપોઆપ સખણા થઇ જવાય..! એને ક્યાં લોકડાઉનમાં આરામ મળે છે ? બિચારી, કોરોનાના ચેપી વાયરસ સામે પણ, ખુદના વાયરસને પ્રેમથી સંભાળે તો છે..? પરણીને આવ્યા પછી, પતિ સાથે રહેવાનો ને વાતો કરવાનો વધારેમાં વધારે ‘ટોક-ટાઈમ’ એને, લોક-ડાઉનમાં જ મળ્યો..! જે ફટીચરો વાઈફને ફર્નીચરની માફક રાખતા હતા, ને એટમબોમ્બ ફોડતાં હતાં, એ પણ લોકડાઉનમાં સુરસુરિયા થઇ ગયા. વાળંદની દુકાનો પણ બંધ. વાળ પણ એવા વધી ગયાં કે, પતિને બદલે રામાયણનો જાંબુવન વધારે લાગે..! રોજ હાઈઇ..કહેતાં હોય, તેને હાઈ માય ડીયર જાંબુવન....એવું તો કહેવાય નહિ..! સખણા જ રહેવું પડે.!

---------------------------------------------------------------------------------------------------------------------