ડીએનએ (ભાગ ૧૭) Maheshkumar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડીએનએ (ભાગ ૧૭)

શ્રેયાએ શરૂ કરેલા અભિયાનને દસ મહિના જેટલો સમય વીતી ગયો. તેમણે મૈત્રીના હત્યારાને શોધવા માટે શરૂ કરેલી ડીએનએ સેમ્પલ એકઠા કરવાની મુહીમમાં શહેરના નાગરિકોનો સાથ સહકાર તેમની ધારણા કરતાં પણ સારો મળ્યો. શ્રેયા અને તેની ટીમની તનતોડ મહેનત રંગ લાવી હતી. તેમણે ઉભી કરેલી ડીએનએ બેંકમાં વીસ લાખ લોકોના ડીએનએ સેમ્પલ લઈ અભૂતપૂર્વ કલ્પના બહારનો ડેટાબેઝ એકઠો કરવામાં આવ્યો.

શરૂઆતમાં શ્રેયાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો પણ તેણે હિંમત હારી નહીં. જયારે તેણે મીડિયા સમક્ષ શહેરના નાગરિકોને અપીલ કરી કે અમે મૈત્રીના હત્યારાને પકડવા શહેરના તમામ લોકોના ડીએનએ સેમ્પલ લેવા માંગીએ છીએ અને તમે સ્વેચ્છાએ તમારું ડીએનએ સેમ્પલ આપો, ત્યારે મૈત્રીના મિત્રો અને તેના મિત્રોના વાલીઓ તથા તેના પડોશીઓ પોતાનું ડીએનએ સેમ્પલ આપવા માટે આગળ આવ્યા. શ્રેયા માટે પહેલું પગથિયું સરળ રહ્યું, પણ તેને જાણ ન હતી કે અમુક એવા પણ છે જે તેની આ કામગીરીથી નાખુશ હતા.

જુદી જુદી ચેનલોએ ડીએનએ સેમ્પલ આપવા માટે આગળ આવેલા લોકોના ઈન્ટરવ્યું પ્રસારિત કર્યા. નાગરિકોમાં એવી લાગણી પેદા કરી કે હોસ્પિટલમાં ડીએનએ સેમ્પલ આપવા માટે લોકજુવાળ ઉમટ્યો. જેમ જેમ શ્રેયાને સફળતા મળતી જતી તેમ તેમ તે મીડિયા સમક્ષ આવી નવી નવી અપીલ કરતી અને નાગરિકોનો આભાર માનતી. તેણે યુવાનોને અપીલ કરી કે તેઓ સ્વયંસેવક તરીકે અમારા આ અભિયાનમાં જોડાય. નર્સિંગ કરતા વિદ્યાર્થીઓએ પોતાનું સંગઠન બનાવીને તેના આ ભગીરથ કામમાં પોતાનું યોગદાન આપ્યું. ચોવીસ કલાક ડીએનએ સેમ્પલ એકઠા કરવાનું કામ ચાલવા માંડ્યું હતું.

બીજી તરફ તેની આ કામગીરીથી નાખુશ એવા વગ ધરાવતા અને સફેદ લિબાસમાં કાળા કામ કરનારા શેતાનોએ તેના આ હવનમાં હાડકાં નાખવાનું શરૂ કર્યું. તેમણે પોતાના અધીન ચેનલોના માધ્યમથી એવી અફવા ફેલાવી કે ડીસીપી શ્રેયા ગોહિલ પોતાની મનમાની કરીને બંધારણ વિરદ્ધ કામ કરી રહી છે. સરકાર કે કોર્ટની પૂર્વ મંજુરી વિના પોતે ડીએનએ સેમ્પલ એકઠા કરીને કાયદા વિરુદ્ધ કામ કરી રહી છે. તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે અને તેને તેના પદ પરથી દૂર કરવામાં આવે.

એક નામી વકીલે તેના વિરુદ્ધ ફરિયાદ કરી તેના આ કાર્યને અટકાવવા માટે પ્રયત્ન કરી જોયો, પણ લોકોના સાથ સહકારને કારણે તે ફાવી શક્યો નહીં. એક કહેવાતા માનવ અધિકાર સંગઠને કમિશ્નરને ફરિયાદ કરી કે ડીસીપી આડેધડ કામ કરે છે અને તેના કારણે લોકોને હેરાનગતિ થઈ રહી છે. તે કેસ ઉકેલી નથી શકતી એટલે નવા નવા તરકટ કરે છે. તેની બદલી કરી દેવામાં આવે.

શ્રેયાએ કોઈની પણ પરવાહ કર્યા વિના પોતાનું કાર્ય એ જ ગતિથી ચાલુ રાખ્યું. તેના વિરોધીઓ કરતાં તેણે સપોર્ટ કરનાર વધુ હતા. તેનો વિરોધ કરવાવાળા પોતાની મેલી મુરાદમાં ના ફાવ્યા. એક વકીલ સંગઠને હાઇકોર્ટમાંથી તેના આ કાર્યને કરવા માટે પરમીશન લાવી આપી. શ્રેયા દરેક વિરોધનો ઠંડે કલેજે જવાબ આપતી હતી.

સરકારે દબાણ આવતા ડીએનએ સેમ્પલ એકઠા કરવા માટે અપાતું ભંડોળ બંધ કરી દીધું ત્યારે ત્રણ સંસ્થાઓ આગળ આવી અને તેમણે શ્રેયાના આ કામ માટે ભંડોળ આપ્યું. ઈતિહાસમાં પહેલીવાર એવું બની રહ્યું હતું કે પ્રજા પોલીસ સાથે ખભે ખભો મિલાવી મદદ કરી રહી હતી અને કામ કરી રહી હતી.

મનોજ અને પ્રતાપે એકઠા થયેલા ડીએનએ સેમ્પલના ફેમીલી ટ્રી બનાવ્યા હતા. મૈત્રીની લાશ જ્યાંથી મળી હતી તેની આસપાસના ગામના લોકોના અને ત્યાં આવેલી ક્લબમાં આવતા તમામ લોકોની ડીટેલ લઈને તેમના ડીએનએ સેમ્પલ પણ એકઠા કર્યા.

શ્રેયા પતિ શ્રેયસ અને દીકરી રુચિ સાથે સાંજે ભોજન પતાવી હમણાં જ નવરી થઈ હતી. તે તેની દીકરી સાથે બેસી વાતો આખા દિવસની વાતો કરી રહી હતી ત્યાં જ તેના ફોનની રીંગ વાગી. શ્રેયાએ ફોન ઉઠાવી ‘હલો’ કહ્યું. સામેની બાજુથી મનોજનો અવાજ આવ્યો, “મેડમ એક ગુડ ન્યુઝ છે.”

શ્રેયાએ ઉત્સાહમાં પૂછ્યું, “શું?”

મનોજ પણ ઉત્સાહસહ બોલ્યો, “મૈત્રીના ખૂનીની ડીએનએ પ્રોફાઈલ સાથે એક પ્રોફાઈલ મેચ થાય છે.”

શ્રેયાએ એકદમ સતર્ક થઈને પૂછ્યું, “કોણ છે એ?”

મનોજે કહ્યું, “એનું નામ જશવંત રબારી છે.”

શ્રેયાએ કહ્યું, “એને પુછતાછ માટે લઈ આવ. હા પણ એક વાત ધ્યાન રાખજે કે એને ખબર ના પડે કે એનો ડીએનએ મૈત્રીના હત્યારા સાથે મેચ થાય છે.” મનોજે જી કહી ફોન કટ કર્યો. શ્રેયાએ રુચીને તેડી લઈને બે ચાર પપ્પીઓ કરી દીધી. શ્રેયા આજે ખુશ હતી.

તેની ખુશી જોઇને શ્રેયસે પૂછ્યું, “કેમ ભાઈ અમે શું ગુનો કર્યો છે” પોતાના ગાલ પર આંગળીથી ઈશારો કરતાં બોલ્યો, “અમને પણ એકાદ આપો.” શ્રેયાએ એક ને બદલે બે ચૂમીઓ શ્રેયસને પણ કરી દીધી.

શ્રેયસે રુચીની સામે જોઇને કહ્યું, “ખરેખર કંઈ ખાસ લાગે છે, નહીં!” રુચિ હસી.

શ્રેયાએ કહ્યું, “મૈત્રીના હત્યારાનો ડીએનએ મેચ થઈ ગયો છે.” પણ શ્રેયાને ખબર ન હતી કે તેની આ ખુશી થોડીવાર માટે જ છે.

બીજે દિવસે લગભગ સાડા અગિયાર વાગ્યે મનોજ શ્રેયાની ઓફિસમાં આવ્યો અને બોલ્યો, “મેડમ જશવંત આવી ગયો છે. બોલાવી લઉં?”

શ્રેયાએ હકારમાં માથું હલાવ્યું. મનોજ બહાર જઈને એક વીસેક વર્ષના યુવાનને લઈને આવ્યો. યુવાને આછો ગુલાબી શર્ટ અને ડાર્ક બ્લ્યુ જીન્સ પહેર્યું હતું. શ્રેયાએ યુવાનને પોતાની સામેની ખુરશીમાં બેસવા કહ્યું એટલે તે બેસી ગયો. જશવંતના મોંના ભાવ વાંચવા શ્રેયાએ પ્રયત્ન કર્યો. મનોજ જશવંતની ડાબી બાજુની ખુરશી ઉઠાવી શ્રેયા અને જસવંતની વચ્ચે ટેબલના સામે બેસી ગયો. શ્રેયાએ પોતાનું ફાઈલો તપાસવાનું કામ ચાલુ રાખ્યું. મનોજ એકીટશે જશવંતને જોઈ રહ્યો હતો. થોડીવાર પછી શ્રેયાએ બેલ વગાડ્યો. એક હવાલદાર અંદર આવ્યો તેને ત્રણ ચા લાવવાનું કહ્યું. થોડીવારમાં ચા આવી એટલે શ્રેયાએ એક ચા જશવંતને આપી અને એક ચા મનોજે લીધી. ચા પીતાં પીતાં જશવંત ઘડીકમાં મનોજ સામે અને ઘડીકમાં શ્રેયા સામે જોઈ લેતો. હજી તેને સમજાઈ રહ્યું ન હતું કે તેને અહીં કેમ બોલાવવામાં આવ્યો છે. એ પહેલીવાર પોલીસ સ્ટેશન આવ્યો હતો અને એ પણ સીધો ક્રાઈમબ્રાંચ ડીસીપીની ઓફિસમાં.

શ્રેયા થોડીક થોડીકવારે જશવંત સામે એક નજર નાંખી ફરી પોતાના કામમાં પરોવાઈ જતી, જયારે મનોજ એકીટશે જશવંતને જોઈ રહ્યો હતો. જશવંતને આ માહોલ વિહવળ કરી રહ્યો હતો.

તેની ધીરજ ખૂટી ગઈ એટલે જશવંતે સવાલ કર્યો, “મને અહીં કેમ બોલાવ્યો છે?”

મનોજે પુછ્યું, “બીજી ચા પીવી છે?”

શ્રેયાએ પૂછ્યું, “નાસ્તો મંગાવું?”

જશવંતની વિહવળતામાં ઓર વધારો થયો. તેને સમજાતું ન હતું કે શું જવાબ આપવો. તેની પાસેથી મોબાઈલ પણ એમ કહીને લઈ લીધો હતો કે ડીસીપી ઓફિસમાં મોબાઈલ અલાઉડ નથી. તેણે કહ્યું, “મારે કશું નથી જોઈતું? મને એમ કહો કે મને અહીં કેમ બોલાવ્યો છે?”

શ્રેયાએ ફાઈલ બંધ કરીને પૂછ્યું, “૨૩ મે ના દિવસે તું ક્યાં હતો?”

જશવંતે તરત જવાબ આપ્યો, “મને કેવી રીતે ખબર?”

શ્રેયાએ પૂછ્યું, “તો કોને ખબર?”

જશવંતને લાગ્યું કે જવાબ ખોટો બોલાઈ ગયો છે એટલે તે સુધારતા બોલ્યો, “એટલે કે અત્યારે આટલા મહિના પછી કેવી રીતે ખબર પડે કે એ કઈ તારીખે હું ક્યાં હતો?”

શ્રેયાએ પૂછ્યું, “તો એ કહે કે જે દિવસે મૈત્રી ગુમ થઈ તે દિવસે તું ક્યાં હતો?”

જશવંતે વ્યાકુળતા સહ પૂછ્યું, “કોણ મૈત્રી?”

શ્રેયાએ ગુસ્સો દબાવી હસીને પૂછ્યું, “મૈત્રી જોશી?”

જશવંત બેચેન થઈ ગયો અને આવેશમાં આવીને બોલ્યો, “કોણ મૈત્રી જોશી?” મનોજને ગુસ્સો આવી ગયો. તેણે ખુરશીના હાથા મજબુતીથી પકડી લીધા.

શ્રેયાએ શાંતિથી પૂછ્યું, “ટીવી નથી જોતો?”

જશવંતે કહ્યું, “જોવું છું.” અચાનક યાદ આવ્યું હોય તેમ તેણે કહ્યું, “તમે એ મૈત્રી જોશીની વાત તો નથી કરતાને જેનું મર્ડર થયું છે.” શ્રેયા અને મનોજે એકબીજાની સામે જોયું.

મનોજે કહ્યું, “હા એ જ.”

જશવંતને ડર લાગ્યો અને તે મનમાં વિચારવા લાગ્યો કે મને આ લોકો મૈત્રી વિષે કેમ પૂછે છે?

શ્રેયાએ પૂછ્યું, “તો બોલ તું ક્યાં હતો?”

જશવંતે કહ્યું, “એ દિવસે તો હું મુંબઈ ગયો હતો?”

મનોજે ગુસ્સા પર કાબુ રાખતા પૂછ્યું, “હમણાં તો તું કહેતો હતો કે ક્યાંથી યાદ હોય અને એટલીવારમાં યાદ પણ આવ ગયું, હં..?”

જશવંતે શાંતચિત્તે જવાબ આપ્યો, “યાદ એટલા માટે છે કે કારણ કે હું મુંબઈથી ઘરે આવ્યો પછી મારી માં એ કહ્યું હતું કે મૈત્રી ગુમ થઈ ગઈ છે?”

શ્રેયાએ પૂછ્યું, “તારી મમ્મી કેવી રીતે ઓળખે એને?” શ્રેયા અને મનોજે શંકાશીલ ને આશ્ચર્ય સહ નજરે એકબીજાની સામે જોયું.