ડીએનએ (ભાગ ૧) Maheshkumar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

ડીએનએ (ભાગ ૧)

જેમ પ્રેમી પોતાની પ્રેમિકાને ઘણા દિવસના વિરહ પછીના મિલનમાં પ્રેમથી ભીંજવી દેવા આતુર હોય કાંઇક એમ જ ગઈકાલથી મેઘરાજા પંદર દિવસના વિરહ બાદ ધરતીને પોતાના અગાધ પ્રેમથી ભીંજવી દેવા આતુર થયા હતા. આજે સવારે થોડોક પોરો ખાઈને ફરીથી ઝરમર ઝરમર વરસવા લાગ્યા હતા. લગભગ બપોરના અઢી વાગવા આવ્યા હતા, પણ સામાન્ય દિવસોમાં હોય તેટલું અજવાળું દેખાઈ રહ્યું ન હતું. દેડકાંઓનો ટરર ટરર અને કંસારીઓ તથા તમરાંઓનું સંગીત અમદાવાદ શહેરના શોરબકોરમાં પણ સહેજ સહેજ કુદરતની અનુભૂતિ કરાવી રહ્યું હતું. રસ્તા પર દોડતા વાહનોના હોર્નના અવાજો વચ્ચે કયાંક ક્યાંક મોરલાના ટહુકા કુદરતની હયાતીનો અહેસાસ કરાવી રહ્યા હતા.

આજ વાતાવરણની અનુભૂતિ સૌરાષ્ટ્રના કોઈ છેવાડાના ગામમાં કંઈક અલગ હોય છે. પણ અમદાવાદમાં ઠેરઠેર ગાયોએ કરેલા પોદળા, પોતાની ભૂખ સંતોષી ગમે ત્યાં ફેંકી દીધેલા પ્લાસ્ટીકના પડીકાં, ઘણા દિવસથી સાફ ન કરાયેલા ચાટણમાં નાખેલાં એંઠવાડ અને એની સાથે વાહનોએ છોડેલા કાર્બન ડાયોક્સાઈડની ગંધનો સમન્વય વરસાદી મૌસમમાં અપ્રિય હવાનું સર્જન કરી રહ્યું હતો. પરંતુ નોટો કમાવાની દોટમાં આ પ્રકારના વાતાવરણથી અમદાવાદી માણસ ટેવાઈ ગયો હતો.

        અમદાવાદના રસ્તા પર દોડતા વાહનોના અને તેમના હોર્નના ઘોંઘાટીયાં માહોલ વચ્ચે નવરંગપુરા વિસ્તારમાં આવેલી ગૌતમનગર સોસાયટીમાં ઘર નંબર ૪૨માં નીરવ શાંતિ હતી. ઘર સોસાયટીના છેવાડે હોવાથી ઘરના માલિકે તેનું સુંદર જતન કર્યું હતું. ઘર ચારેય તરફ જાતના જાતના ઝાડથી ઢંકાઈ ગયેલું હતું. બહારથી કોઈ કલ્પી ના શકે કે અહિયાં ઘર હશે. કોઈએ ઘરના લોખંડના દરવાજાનો આગળો ઉઘાડી દરવાજો ખોલ્યો. વરસાદ મુડમાં આવી ગયો હતો. છત્રી ખુલ્લી હોવાથી આગંતુકનો ચહેરો ઢંકાયેલો હતો. નીરવ શાંતિમાં પંખીઓનો અવાજ સુમધુર લાગતો હતો.

આગંતુક વ્યક્તિ ઘરની આગળનો બગીચો વટાવી ઘરના મુખ્ય દરવાજે આવી ઉભી રહી ગઈ. ધીમેથી દરવાજાને ધક્કો માર્યો. દરવાજો કરર ના અવાજ સાથે ખુલ્યો. વ્યક્તિ ઘરમાં પ્રવેશી. ઘરમાં મોટી મોટી બારીઓની બનાવટ લાઈટ વિના પણ ઘરને ઉજાસથી ભરી શકાય એ રીતે કરાઈ હતી. પણ આજે વરસાદી વાતાવરણને લીધે સુરજ વાદળા પાછળ સંતાઈ રહ્યો હતો. છતાં પણ ઘરમાં આછું આછું અજવાળું પથરાતું હતું.

આગંતુકને ઘરની સુંદરતા નિહારવામાં રસ ન હતો. એને જેમાં રસ હતો એ તરફ એ વ્યક્તિ આગળ વધી. હોલમાં થઈ રસોડાથી આગળ સામસામે આવેલા બે રૂમની વચ્ચે જઈ પેલી વ્યક્તિ ઉભી રહી ગઈ. તેની ડાબી તરફના દરવાજાના હેંડલ પર હાથ મૂકી ધીમેથી તેણે હેંડલ નીચે નમાવ્યું. સહેજ પણ અવાજ ન થાય એ રીતે દરવાજો ખોલી તે અંદર પ્રવેશી.

પચીસેક ફૂટ લાંબા ને વીસેક ફૂટ પહોળા ઓરડામાં બે પલંગ હતા. એક પલંગ ખાલી હતો, જયારે બીજા પર યુવતી સુતી હતી. તેની ઉંમર આશરે સોળ વર્ષની જણાતી હતી. યુવતીએ આછા ગુલાબી રંગનો શોર્ટ અને કાળા રંગની ટી શર્ટ પહેરેલી હતી. યુવતીની પાછળની દીવાલ પર સ્વીમીંગ કરતી યુવતીઓના ફોટાઓ લગાડેલા હતા, જયારે સામેના પલંગ પાછળની દીવાલ પર અલગ અલગ નૃત્યના ભીંતચિત્રો દોરેલા હતા. બંનેની માથા તરફની બાજુએ ચારેક ફૂટની બારી હતી. જેના પર લીલાં ફૂલોથી આચ્છાદિત સફેદ પડદો ઝૂલતો હતો.

યુવતી ઘસઘસાટ ઊંઘમાં આગંતુક વ્યક્તિની ઉપસ્થિતિથી અજાણ હતી. પેલી વ્યક્તિ બંને પલંગની વચ્ચે આવી ઉભી રહી ગઈ. તે વ્યક્તિ યુવતી તરફ ફરી. તે યુવતી પર ઝુકી અને યુવતીના પીઠ પર હાથ મુક્યો. હાથના અડવાથી યુવતી અચાનક જાગીને પલંગમાં સફાળી બેઠી થઈ ગઈ. તેની ઉપર ઝુકેલી વ્યક્તિ ઝટકો લાગવાથી સીધી થઈ ગઈ.

યુવતી આગંતુક વ્યક્તિની સામે જોઈ બોલી ઊઠી, “તમે?”

આગંતુકે પ્રેમથી કહ્યું, “હમ્મ. કેટલા વાગ્યા?”

યુવતીએ સામેની દીવાલ પર લટકતી ઘડિયાળમાં જોયું. ઘડિયાળ સાડા ચારનો સમય બતાવતી હતી.

યુવતી આગંતુક વ્યક્તિની સામે જોઈ બોલી, “તમે ક્યારે આવ્યા પપ્પા?”

આગંતુક વ્યક્તિ યુવતીના પિતા નિરામયભાઈ હતા. નિરામયભાઈએ જવાબ આપતા કહ્યું, “હાલ જ આવ્યો.” અને પૂછ્યું, “પણ તારે ક્લાસમાં નથી જવાનું?”

યુવતી આળસ મરડતાં બોલી, “જવાનું છે.”

 નિરામયભાઈએ કહ્યું, “તો ઊભી થા અને ઝડપથી તૈયાર થઈ જા. હું જ્યુસ બનાવી દઉં. ત્યાં સુધી તારી મમ્મી પણ આવી જશે.”

યુવતીએ ફરી હાથ ઉપર કરી આળસ ખંખેરીને હાથ તેના પપ્પા સામે લંબાવ્યા. નિરામયભાઈએ તેને તેડી લીધી ને બોલ્યા, “ક્યારે મોટી થઈશ?”

યુવતી નિરામયભાઈના ખભે માથું નાંખીને બોલી, “મોટી થાઉં તો તમે મને તેડો નહીં ને એટલે મોટી નથી થવું.”

નિરામયભાઈએ કહ્યું, “બહુ ચાળા કરે છે. તારું વજન વધી ગયું છે! મારી ઉંમર થવા માંડી છે, હવે તો મારા પર દયા કર, માં”

યુવતી નીચે ઉતરતા બોલી, “લો, થઈ ગઈને મોટી.”

નિરામયભાઈ એ તરત જવાબ વાળતા કહ્યું, “આટલી જલ્દી મોટી થઈ ગઈ!”

યુવતીએ મજાક કરતાં કહ્યું, “હા, તમે જ તો હમણાં કહ્યું.. માં. માં તો દીકરા કરતાં મોટી જ હોય ને.”

નિરામયભાઈ બે હાથ જોડી નમસ્કાર કરતાં બોલ્યા, “હા, મારી માં.”

યુવતી હાથથી આશીર્વાદ આપતી મુદ્રા કરતાં બોલી, “શતાયુ ભવ.”

નિરામયભાઈએ તરત ઉમેર્યું, “પગે લાગવું પડશે?”

યુવતી એ જ અંદાજમાં બોલી, “ના ચાલશે.” અને બંને હસી પડ્યા. તેમના હસવાનો અવાજ ઘરમાં ગુંજી ઉઠ્યો.

નિરામયભાઈ યુવતીને “ઝડપથી તૈયાર થઈને આવી જા.” કહીને રૂમની બહાર નીકળ્યા.

નિરામયભાઈ રસોડામાં પહોંચ્યા જ હતા, ત્યાં એક સ્ત્રીનો અવાજ તેમની પીઠ પાછળ સંભળાયો. “ક્યારે આવ્યા?”

નિરામયભાઈએ પાછળ ફરીને આવનાર સ્ત્રી સામે જોઈને કહ્યું, “થોડીકવાર થઈ. તારે મોડું થઈ ગયું?”

“અમદાવાદનો ટ્રાફિક. અને એમાં પણ જો વરસાદ પડે, પછી તો ત્રાસ થઈ જાય.”

નિરામયભાઈએ ફળો ધોતાં કહ્યું, “હા એ તો છે જ.”

સ્ત્રીએ સવાલ કર્યો, “તમારી ગાડી ક્યાં મૂકી? બહાર દેખાઈ નહીં?”

નિરામયભાઈએ જવાબ આપતા કહ્યું, “એક ભાઈબંધ લઈ ગયો છે. એના સગામાં કોઈનું મરણ થયું છે. એને અરજન્ટ જવું પડે તેમ હતું.” “હેલી ક્યાં?”

સ્ત્રીએ કહ્યું, “ટીવી જુએ છે.”

પરિવારના ચારેય સભ્યો કોઈને પણ મદદ કરવા હરહંમેશ તત્પર રહેતા. જોશી પરિવારનું આ ઘર બે પેઢીના સંસ્મરણોનું ગવાહ હતું. નિરામયભાઈ જોશીના પિતાએ આ ઘર લગભગ પચાસેક વર્ષ પહેલાં બનાવ્યું હતું. નિરામયભાઈમાં તેમના માતા પિતાના સદગુણો ડીએનએમાં આવ્યા હતા. તેમના માતા પિતા માટે પરોપકાર એ જીવનમંત્ર હતો. તેમના માતા રસીલાગૌરીએ ઘણી સુટેવો નિરામયભાઈને ગળથૂથીમાં જ પીવડાવી હતી અને પિતા ભાલચંદ્રએ દુનિયાદારીની સમજ તેમના પોતાના અનુભવો વાર્તા સ્વરૂપે કહીને આપી હતી. તેમના પિતા કહેતા કે  જો કોઈ તમારી સાથે ખરાબ વ્યવહાર કરે છે તો એ તેનો સ્વભાવ છે, પણ આપણે આપણા સ્વભાવને વળગી રહેવું. જેવા વિચાર રાખશો તેવા પરિણામ ભોગવશો. આરસની તકતીઓ પર લખાયેલા સુવાક્યો કરતાં પણ વધારે સચોટપણે ભાલચંદ્ર જોશીનો એક એક શબ્દ નિરામયભાઈના માનસ પર અંકિત થઈ ગયો હતો. પોતાના પિતાની જેમ તેઓ પણ એચ. કે. આર્ટ્સ કોલેજમાં સંસ્કૃતના પ્રોફેસર હતા. સંસ્કૃતના પ્રચાર અને પ્રસાર માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેતા. સદનસીબે તેમના જીવનસાથી કુમુદબેન પણ તેમના રંગે રંગાઈ ગયા હતા અને તેમના પરોપકારના કાર્યમાં તેઓ પણ તેમનો પડછાયો બન્યા હતા. કુમુદબેન ગુજરાતી લોકનૃત્યોની તાલીમ શિબિરોમાં યુવાનોને લોકનૃત્યો શીખવતા હતા. તેમની મોટી દીકરી મૈત્રી અગિયારમાં ધોરણમાં અને નાની દીકરી હેલી નવમાં ધોરણમાં હતી.    

સ્વભાવ પર પ્રભાવની અસર થતી જ હશે, નહીંતર હેલી અને મૈત્રી અદ્દલ તેમના માતા પિતાના જેવા ન હોત. સદગુણો ડીએનએથી પેઢી દર પેઢી સચવાઈ રહે છે એનું ઉત્તમ ઉદાહરણ જોશી પરિવારને મળીને લાગે.

 નિરામયભાઈ અને કુમુદબેન જ્યુસનો જગ અને સવારની વધેલી ભાખરી લઈને બેઠકરૂમમાં આવ્યા. હેલી ટીવી જોતી બેઠી હતી. તેમણે સાથે લાવેલી વસ્તુઓ ટીપોઈ પર મૂકી સોફા પર ગોઠવાયા. મૈત્રી તૈયાર થઈને કુમુદબેનની બાજુમાં બેઠી.

નિરામયભાઈએ હેલીના ખભા અને સોફા વચ્ચે માથું ગોઠવતાં પૂછ્યું, “શું જુએ છે મારો બેટો?”

હેલીએ ટીવી સામેથી નજર હટાવ્યા વિના કહ્યું, “કંઈ નહીં, સમાચાર.”

નિરામયભાઈએ ટીવી સામે જોતાં પૂછ્યું, “કંઈ નહિ કે સમાચાર?”

હેલીએ પોતાની ધૂનમાં જ જવાબ આપ્યો, “સમાચાર”

કુમુદબેન અને મૈત્રીએ જ્યુસના ગ્લાસ ભર્યા. બધાએ એક એક ગ્લાસ ઉપાડ્યો.

નિરામયભાઈએ એક ગ્લાસ હેલીને આપતાં પૂછ્યું, “આજે શું શીખ્યો મારો બેટો?”

હેલીએ જ્યુસનો એક ઘૂંટ ભર્યો અને કહ્યું, “ટીપણી.”

ટીવી પર સમાચાર આવી રહ્યા હતા. “અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે એક ચુકાદામાં બળાત્કારના ચાર આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મુક્યા છે. અદાલતે ડીએનએની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા હતા અને ફોરેન્સિક પુરાવાને યોગ્ય ન ગણાવી આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.

જોશી પરિવાર પોતાની વાતોમાં મશગુલ હતો. ટીવીમાં આવતા સમાચારો તેમને આકર્ષવામાં નિષ્ફળ ગયા હતા. તેમની વાતો અને હસવાના અવાજોમાં સમાચારો દબાઈ જતા હતા.