ડીએનએ (ભાગ ૧૮) Maheshkumar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 117

    ભાગવત રહસ્ય-૧૧૭   જગતમાં શિવજી જેવો કોઈ ઉદાર થયો નથી. અને થવ...

  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

શ્રેણી
શેયર કરો

ડીએનએ (ભાગ ૧૮)

જશવંતે શ્રેયાને ખુલાસો આપતા કહ્યું કે તેની માં રમીલાબેને મૈત્રીના ઘરે ઘણા વર્ષો સુધી કામ કર્યું હતું. અત્યારે પણ મારી માં ઘણીવાર એમના ઘરે જાય છે. જે દિવસે મૈત્રી ગુમ થઈ હતી એ દિવસે પણ માં તેમના ઘરે તેમને મળવા ગઈ હતી. મારી માંએ જ કહ્યું કે માં જયારે તેના ઘરે પહોંચી ત્યારે મૈત્રી કયાંક બહાર જઈ રહી હતી. આ સાંભળીને શ્રેયા અને મનોજે એકબીજા સામે જોયું, તેમને જશવંત પરની શંકા મજબુત થઈ. બંનેના મગજમાં એક જ વિચાર આવ્યો કે કદાચ માં અને દીકરો બંને તો મૈત્રીના મર્ડરમાં સામેલ નહીં હોય ને.

શ્રેયા ઘડીક જશવંતને ધારીને જોઈ રહી, જાણે તેની માનસિકતા સમજવાની કોશિશ કરી રહી હતી અને મગજમાં કોઈ યોજના ઘડી રહી હતી.

જશવંતને શ્રેયાનું આ રીતે જોવું ખટક્યું. તેણે પોતાના બચાવમાં કહ્યું કે જો તેમને વિશ્વાસ ન આવતો હોય તો તમે મારી ઓફિસમાં મારા બોસને પૂછી શકો છો કે હું એ દિવસે અમદાવાદમાં જ ન હતો. હું ઓફીસના કામથી જ મુંબઈ ગયો હતો.

શ્રેયાને હજી પણ જશવંત પર વિશ્વાસ આવતો ન હતો, પણ ડીએનએ સિવાય તેના પાસે બીજા કોઈ પુરાવા ન હતા એટલે તે તેને ગિરફ્તાર કરી શકવામાં અસમર્થ હતી. જો તે જશવંતને લોક અપમાં મૂકી દે અને મીડિયામાં જાણ થઈ જાય તો વાતનું વતેસર થઈ જાય. તેણે જશવંતને જવા દીધો.

જશવંતના તેની ઓફિસમાંથી નીકળતા જ મનોજે ફરિયાદ કરતાં શ્રેયાને કહ્યું, “મેડમ તમે એને જવા કેમ દીધો?”

શ્રેયા જવાબ આપતા બોલી, “ફક્ત ડીએનએના આધારે તેને એરેસ્ટ કરવો મુસીબત નોતરવા સમું છે.” થોડીવાર અટકીને તેણે ઉમેર્યું, “એક કામ કર. એના અને તેની માંના દરેક કોલ ટ્રેક કરાવ અને રેકોર્ડીંગ કરાવ. જોઈએ શું મળે છે? હું એની માંને મળી આવું છું.” મનોજ જી મેડમ કહી શ્રેયાની ઓફિસમાંથી બહાર નીકળી ગયો.

જશવંતના ઘરે સાદા વેશમાં પોલીસનો જાપ્તો ગોઠવાયો. પોલીસ દ્વારા તેનો અને તેની માંનો પીછો કરવામાં આવ્યો. તેમના ફોન પણ ટ્રેપ કરવામાં આવ્યા. તેમના વિષે નાનામાં નાની વિગતો એકઠી કરવામાં આવી. શ્રેયા પોતે જશવંતની માં રમીલાબેનને મળી આવી. પણ રમીલાબેને કહ્યું કે બહુ જ ડાહ્યી છોકરી હતી. તે દિવસે પણ મને મળી હતી. જયારે જયારે મળતી ત્યારે પૂછતી સારું જીવન જીવવા શું કરવું ને હું એને કહેતી કે લોકોની સેવા કરવી તો ભગવાન રાજી રહે. આટલું બોલતા બોલતા રમીલાબેન રડી પડ્યા.

બે મહિનાની મહેનત પછી પણ શ્રેયા અને તેની ટીમને જશવંત કે તેની માં વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નહીં. શ્રેયાએ તેમને શંકાના ઘેરામાંથી બાકાત કરી દીધા. શ્રેયા અને તેની ટીમ જ્યાં હતા ત્યાં આવીને પાછા ઉભા રહી ગયા.

શ્રેયા વિચારી રહી હતી કે ક્યાંથી પુરાવા મેળવવા, કેવી રીતે શોધવો હત્યારાને. ત્યાં મનોજે એક તરકીબ આપી. મનોજે શ્રેયાને કહ્યું કે જશવંતનો ડીએનએ મેચ થાય છે એનો મતલબ કે મર્ડર તેના જ ફેમિલીમાંથી કોઈએ કર્યું હોવું જોઈએ. શ્રેયાના મગજમાં ઝબકારો થયો અને સાથે સાથે પાતાને જાતને કમજોર પણ મહેસુસ કરી. તેના મગજમાં આ વિચાર કેમ નહીં આવ્યો.

શ્રેયા અને તેની ટીમ તરત જશવંતની ફેમિલીના તમામ સદસ્યો વિશે માહિતી એકઠી કરવામાં લાગી ગયા. શ્રેયાનો વિશ્વાસ દિવસે દિવસે મજબુત થતો જતો હતો કે તે હવે ગમે ત્યાંથી મૈત્રીના હત્યારાને શોધી કાઢશે તેવી તેની આશા જીવંત બની ગઈ. તેની મળી રહેલી સફળતા તેના અને તેની ટીમના ઉત્સાહમાં વધારો કરી રહી હતી.

મનોજ અને પ્રતાપ શ્રેયાની ઓફિસમાં બેઠા હતા. તેમણે જશવંતની ફેમિલીના તમામ સદસ્યોની માહિતી એકઠી કરી લીધી હતી અને થોડી ઘણી મુશ્કેલી પડી હતી પણ તમામના ડીએનએ પણ એકઠા કરી લીધા હતા.

મનોજે શ્રેયાને પોતે અને પ્રતાપે એકઠી કરેલી માહિતી આપતા ફાઈલમાં ઈશારો કરતાં કહ્યું, “ જશવંત તેના માં બાપનું એકનું એક સંતાન છે, પણ જશવંતના પિતાને નવ ભાઈ બહેનો છે. એમાં સાત ભાઈ અને બે બહેનો. જશવંતની એક ફોઈ મહેસાણા અને બીજી બહેન ખેડામાં રહે છે. તેની મોટી ફોઈ સીમાને બે દીકરીઓ જ છે અને નાની ફોઈ ભાવનાને એક દીકરી છે. તેમને એકપણ દીકરો નથી એટલે તેમની તપાસ કરવી નિરર્થક છે. એમણે અમે તપાસમાંથી બહાર કરી દીધા છે. રહી વાત તેના પપ્પાના સાત ભાઈઓની વાત. એ તમામમાં એના કાકા કાનાભાઈનો ડીએનએ નથી મળ્યો.

શ્રેયાએ આશ્ચર્યજનક નજરે મનોજ સામે જોયું. મનોજના બદલે પ્રતાપે રહસ્ય ખોલતા કહ્યું, “મેડમ કાનાને મરી ગયે દસ વર્ષ થઈ ગયા છે. તેના ફેમિલીને મળવાનું બાકી છે.”

શ્રેયાએ ટકોર કરતાં કહ્યું, “તો રાહ કોની જોવો છો? એનો અને એના ફેમિલીનો પણ ડીએનએ ઝડપથી લઈ આવો. આપણી એક નાનકડી ચૂક પણ આપણી આખી મહેનત પર પાણી ફેરવી નાંખશે. પહેલાં એમના ડીએનએ સેમ્પલ કલેક્ટ કરો પછી સાથે બધા ફેમિલીના સદસ્યોના ડીએનએના ડેટાનું પૃથ્થકરણ કરીએ છીએ. બે દિવસમાં આ કામ પુરૂ કરો.” મનોજે ફાઈલ બંધ કરી ને બંને કાનાભાઈના ઘર તરફ જવાના રવાના થયા.

કાનાભાઈના ઘરે પહોંચી તેમના પત્ની મંજુલાને મળી મનોજ અને પ્રતાપે તેને આખી ઘટનાથી વાકેફ કરી. મંજુલા સિત્તેર વર્ષ વિતાવી ચુકેલી જણાતી હતી. તેના મોં પર કરચલીઓ ઉભરવા માંડી હતી. તેણે ગામઠી રબારી કપડાં પહેર્યા હતા. ઠેકઠેકાણે છુંદણા દેખાતા હતા. પહેલાં તો મંજુલા પોલીસનું નામ સાંભળી ગભરાઈ ગઈ, પણ જયારે મૈત્રીના ખૂન વિષે અને તેમણે અને ટીમે કરેલી તપાસ વિષે મનોજે જણાવ્યું ને કહ્યું કે અમે તમારી મદદ માંગવા આવ્યા છીએ.

મૈત્રી સાથે એને કંઈ લેવાદેવા ન હતું છતાં મૈત્રીની હત્યા વિષે સાંભળી તેણે કહ્યું, “બાઈ માણસ કેટલું વેઠે સે સાયેબ. રખડતા નરાધમો પોતાનું જોર બાઈ માણસ પર કાઢે સે. બિચારી નેની છોડીઓનેય સોડતા નહીં. સાહેબ મુઆને જમીનમાંથી ખોદીને કાઢજો. આવા રખરતા રાક્સસો જીવહે ત્યોં હુદી બાઈઓનું જીવવું કાઠું સે. તમાર મારું જે કાંમ એ ક્યોં.”

પ્રતાપે તેની વાત સાંભળી મૂળ વાત પર આવતા પૂછ્યું, “તમારી પાસે તમારા પતિ કાનાભાઈનો કોઈ સમાન છે જે તમે સાચવી રાખ્યો હોય?”

મંજુલાએ યાદ કરતાં કહ્યું, “સાયેબ, ઈમન મરી જયે તો ખાસો ટેમ થ્યો. ઈમની એક પેટીમાં થોડો સાંમોંન પડ્યો સ, જોઈ જુઓ તમારા કૉય કાંમ આવ તો.”

મનોજ અને પ્રતાપ ટટ્ટાર થયા. એમની આંખમાં આશાનું એક કિરણ દેખાયું. બંનેએ એકબીજા સામે જોયું. મનોજે રાહ જોયા વિના મંજુલાને પૂછ્યું, “બતાવશો, ક્યાં છે એ પેટી?”

મંજુલાએ સામે પડેલી તિજોરી સામે ઈશારો કરતાં કહ્યું, “આ હાંમે પેલું કબાટ સ, એના પર પેલી પેટી દેખાય સ એ ઉતારો. મારાથી નહિ ઉતરે.”

પ્રતાપે કબાટની બાજુમાં પડેલા ટેબલ પર ચડી લોખંડની જૂની પેટી નીચે ઉતારી. પેટીને તાળું મારેલું ન હતું. પેટીમાં ઘણો બધો સમાન હતો પણ મનોજને ફક્ત કાનાભાઈના સામાનની જ જરૂર હતી. એણે મંજુલાબેનને પૂછ્યું, “આમાં કયો સામાન એમનો છે?”

મંજુલાબેને એક કપડામાં વીંટેલા કાગળો કાઢ્યા. એમાં પરબીડિયા અને બીજા અન્ય કાગળો ફેંદતા ફેંદતા મનોજની આંખો પહોળી થઈ. પરબીડિયું અને એક ટપાલ બતાવતા મંજુલાબેનને મનોજે કહ્યું, “આ અમે લઈ જઈએ છીએ.” મંજુલાબેને કહ્યું કે તમાર જે કાંમ આવ એ બધું લઈ જોં.

મનોજે જે પરબીડિયું અને ટપાલ લીધી હતી તે જૂની હતી પણ એના પર ટીકીટ લગાડેલી હતી. મનોજ સીધો ફોરેન્સિક વિભાગ ગયો અને તાકીદ કરી કે જેમ બને એમ જલ્દી આનો ડીએનએ રીપોર્ટ મોકલાવવો.

ત્રીજા દિવસે ડોકટરનો મનોજ પર કોલ આવ્યો અને ડોકટરે જે માહિતી આપી તે સાંભળીને મનોજના ચેહરા પર હાસ્ય રમતું થયું. તે કોલ કટ કરી સીધો શ્રેયાની ઓફિસે પહોંચ્યો. તેને શ્રેયા ક્યાંક બહાર જતી દેખાઈ.

મનોજે તરત બુમ પાડીને શ્રેયાને રોકતાં કહ્યું, “મેડમ એક ગુડ ન્યુઝ છે.” શ્રેયાના જવાબની રાહ જોયા વિના જ તેણે ઉમેર્યું, “મેડમ અમને કાનાભાઈના ઘરેથી જે પરબીડિયુ અને ટપાલ મળી હતી તેના પર કાનાભાઈએ પોતાના થુંકથી ચોંટાડેલી ટીકીટ પરથી જે ડીએનએ મળ્યો છે એ પરથી ડોક્ટરનું કહેવું છે કે કાનાભાઈનો ડીએનએ મૈત્રીના હત્યારાના ડીએનએ સાથે જશવંતના ફેમિલી ટ્રીમાં સૌથી વધુ મેચ થાય છે.” શ્રેયાના ચેહરા પર ઉત્સાહ અને ખુશીનું મોજું ફરી વળ્યું.

શ્રેયા બબડી, “એનો અર્થ કે...”