ડીએનએ (ભાગ ૮) Maheshkumar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

ડીએનએ (ભાગ ૮)

ગુજરાત વિદ્યાપીઠની બહાર પોલીસની ગાડી આવીને ઊભી રહી. તેમાંથી બે ઇન્સ્પેકટર અને સાત કોન્સ્ટેબલ ઊતરીને વિદ્યાપીઠના ગેટમાં દાખલ થઈને સ્નાનાગારના દરવાજા સુધી આવ્યા. દરવાજામાં ઉભા રહીને સામે જ પુલ દેખાતો હતો. બધાએ સાવધાન પોઝીશનમાં હાથ ટટ્ટાર કરીને શ્રેયાને “મેડમ” કહ્યું.

શ્રેયાએ કહ્યું, “અહીંયા તપાસ પતી ગઈ છે, ચાલો.” ત્રણેય જણા પગથિયાં ઊતરીને ગાડી તરફ ચાલવા લાગ્યા.

શ્રેયાએ ઘટના સમજાવતા કહેવા માંડ્યું, “મૈત્રી નામની એક છોકરી કાલે સાંજે અહીં આવી પછી પાછી ઘરે નથી પહોંચી. તે નેશનલ સ્વીમર છે. કેસ ખાસ છે. કમિશ્નર સરે કેસ આપણને તપાસ માટે ટ્રાન્સફર કર્યો છે.”

મનોજે પૂછ્યું, “પ્રોગ્રેસ શું છે?”

શ્રેયાએ મનોજની સામે જોયું. મનોજને લાગ્યું કે ખોટો સવાલ પૂછી લીધો. શ્રેયા તેની સિનીયર ઓફીસર હતી. તેણે તરત સોરી કહી દીધું.

શ્રેયાએ કહ્યું, “કંઈ વાંધો નહીં.” શ્રેયાની એ ખાસિયત હતી કે તેને તેના પદનું જરા પણ અભિમાન ન હતું. તેણે કેસની વિગત આપતાં ઉમેર્યું, “ઇન્સ્પેકટર પરેશ અને તેમની ટીમે કાલે રાત્રે તપાસ કરી હતી, પણ તેમને કંઈ પોઝીટીવ મળ્યું નથી. આપણે આપણી રીતે તપાસ કરવી પડશે.”

મનોજ અને રેશ્માએ “જી મેડમ” કહ્યું. શ્રેયાએ વાત આગળ ચલાવતાં પૂછ્યું, “ડોગ સ્ક્વોડ કેટલી વારમાં પહોંચશે?”

મનોજે ઘડિયાળ જોઇને કહ્યું, “મારા અંદાજ મુજબ થોડીવારમાં આવી જશે.”

શ્રેયાએ હુકમ આપતા કહ્યું, “એ લોકો આવે ત્યાં સુધી એક કામ કર મૈત્રીના કોલ ડીટેલ અને મેસેજ ડીટેલ મંગાવી લે. એનું લાસ્ટ લોકેશન કયું હતું તેની પણ માહિતી લઈ લે.”

“રેશ્મા, આ પૂજા યાદવનો નંબર છે એને કોલ લગાડી જો અને લાગે તો તેના ઘરનું અડ્રેસ લઈ લે. અને ન લાગે તો સ્નાનાગારના ઇન્ચાર્જ સીરાજભાઈ પાસેથી લઈ લે. તેના ઘરે જવું પડશે.” રેશ્માને કામ સોપતા શ્રેયાએ કહ્યું. “અને હા મૈત્રીના ઘરેથી એના થોડાક કપડાં મંગાવી લે.” શ્રેયાએ ઉમેર્યું.

ઇન્સ્પેક્ટર મનોજને સંબોધીને કહ્યું, “મીડિયામાં આપણો એક ફોન નંબર આપી દે અને કહી દે કે દરેક મીડિયા ચેનલ પર મૈત્રીના ફોટાની સાથે સાથે આ નંબર પણ બતાવે. જો કોઈને મૈત્રી વિશે કંઈપણ જાણકારી મળે તો તરત પોલીસને જાણ કરે.”

બંને જણા પોતાના કામે લાગી ગયા. શ્રેયા વિદ્યાપીઠની બાજુના રસ્તા ઉપર ચાલવા માંડી. જે રસ્તા પર રાત્રે સન્નાટો છવાઈ જતો, તેના પર અત્યારે હળવી ચહલપહલ હતી. શ્રેયા ચાલતી ચાલતી છેક મુખ્ય માર્ગ સુધી જઈ આવી.

લગભગ વીસેક મિનીટ પછી ડોગ સ્ક્વોડ આવી ગઈ હતી. ગાડીમાંથી એક ઓફિસર ઊતરીને શ્રેયા પાસે આવી બોલ્યો, “જય હિંદ, મેડમ.” ઓફિસરે રાખોડી રંગની સફારી પહેરી હતી. વાળ યોગ્ય રીતે ઓળેલા હતા ને મૂછો વળ ચડાવેલી હતી.

શ્રેયાએ સામે જય હિંદ કહ્યું અને આદેશ આપતા કહ્યું, “ડોગને લઈ આવો.” એક લેડી કોન્સ્ટેબલ મૈત્રીના કપડાં લઈને આવી ગઈ હતી.

આવનાર ઓફિસર ગાડીમાંથી લેબ્રાડોર બ્રીડની એક કુતરી લઈને આવ્યો. કુતરીને એણે મૈત્રીના કપડાં સુંઘાડ્યા. આવતા જતા રાહદારીઓ આ જોઈને પોલીસ તપાસ જોવા ઉભા રહી ગયા હતા. શ્રેયાએ રેશ્મા અને મનોજને ઈશારો કર્યો. તેમણે રાહદારીઓને ત્યાંથી ખસેડવા માંડ્યા.

ઓફિસર કુતરીને કપડાં સુંઘાડી રહ્યો હતો અને બોલી રહ્યો હતો, “કમ ઓન એષા, કમ ઓન.” થોડીવારમાં એષાને સાબિતી મળી હોય એમ તે પહેલાં સ્નાનાગારના ગેટ તરફ આગળ વધી. ઓફિસરે એષાની દોરી પોતાના હાથમાં પકડી રાખી હતી. તે એષાની પાછળ તણાયો. એષા પહેલાં ચેન્જિંગ રૂમ તરફ ગઈ. ત્યાં એ મૈત્રીનું કબાટ સુંઘવા લાગી. કબાટથી સૂંઘતી સૂંઘતી એષા સ્નાનાગાર તરફ ચાલી. સ્નાનાગારમાં હાજર રહેલા બધા પોતાના કામ છોડીને આ તપાસ જોવા માટે ઊભા રહી ગયા હતા. તરવૈયાઓ પણ તરવાનું છોડી સ્થિર થઈ ગયા હતા. કેટલાક હજી પાણીમાં હતા. તે પણ ત્યાં જ સ્થિર થઈને આ તપાસ જોઈ રહ્યા હતા.

જ્યાં જ્યાં મૈત્રી ફરી હતી ત્યાં ત્યાં એષા સૂંઘતી સૂંઘતી ફરી રહી હતી. એષા થોડીવાર પુલની આજુબાજુ ફર્યા પછી ગેટ તરફ આગળ વધી. ગેટમાંથી બહાર નીકળી થોડીવાર પહેલાં શ્રેયા જે રસ્તા ઉપર ગઈ હતી તે રસ્તા તરફ એષા આગળ વધી. મૈત્રી દરરોજ એજ રસ્તે આવન જાવન કરતી હતી.

એષા રસ્તે ચાલતી ચાલતી છેક મૈત્રીના ઘર સુધી પહોંચી. તે ઘરમાં જવા જતી હતી પણ ઓફિસરે તેને ત્યાંથી પાછી વળવાનો કમાન્ડ આપ્યો અને તે પાછી વળી. ફરી તે વિદ્યાપીઠ તરફ જવાના રસ્તે પાછી ફરી. મૈત્રીની સોસાયટીમાં તમામ લોકો તપાસ જોવા માટે પોતાના કામ છોડીને બહાર આવી ગયા હતા. નિરામયભાઈ ઘરની આવ્યા. હેલી પણ તેમની સાથે સાથે બહાર આવી હતી. નિરામયભાઈએ પોલીસ ડોગને જોઈ. મૈત્રી યાદ આવતા તેમનું હૃદય દ્રવી ઉઠ્યું. કેટલાક પાડોશીઓએ તેમની સામે જોયું. તેમણે કોઈ ગુનો ન હતો કર્યો છતાં, તેઓ લોકોની નજરનો સામનો ન કરી શક્યા અને ઘરમાં પાછા વળી ગયા.

લોકો અંદરોઅંદર પંચાત કરવા લાગ્યા હતા. જેટલાં મોં એટલી અલગ અલગ વાતો હતી. બે જણા વાતો કરી રહ્યા હતા.

એકે કહ્યું, “મને તો લાગે છે કોકની સાથે લફડું હશે. ભાગી ગઈ હશે.”

બીજાએ કહ્યું, “ના લા. બહુ સારી છોકરી હતી.”

પહેલાં એ કહ્યું, “હવે તું તો એવી રીતે કે’ છે જાણે તું એને બહુ સારી રીતે ઓળખતો હોય.”

બે મહિલાઓ વાતો કરી રહી હતી. એકે કહ્યું, “મને તો હજી વિશ્વાસ નથી આવતો કે મૈત્રી ગુમ થઈ ગઈ છે. બિચારા કુમુદબેન અને નિરામયભાઈ. બંને ભગવાનના માણસ છે.”

બીજી મહિલાએ ઉમેર્યું, “હા હો ગીતા. મૈત્રી પણ એટલી જ ભોળી છે. ભગવાન પણ સારા માણસો સાથે જ આવું શુ કામ કરતો હશે.”

પહેલી મહિલાએ જ્ઞાન પ્રકાશતા કહ્યું, “ગયા જન્મનું કંઈ બાકી હશે ભોગવવાનું.”

બે યુવાનો કંઈક અલગ જ વાત કરી રહ્યા હતા. એક બોલ્યો, “કેટલી જોરદાર લાગતી હતી નહીં.”

બીજાએ કહ્યું, “હા બે. ઘણીવાર મારા સપનામાં આઈ તી.” બંને હસવા લાગ્યા.

એષા એ જ રસ્તે ફરી પાછી સ્નાનાગારના ગેટ પાસે આવી ગઈ. તે ત્યાં કંઈક શોધતી હોય એમ આજુબાજુ સુંઘી રહી હતી. તે ફરી પાછી આવી હતી તે રસ્તે કે જ્યાં મૈત્રી રોજ આવન જાવન કરતી હતી તે તરફ વળી. રસ્તાની અધવચ્ચે જઈને તે ત્યાં રોકાઈ ગઈ. એષા થોડીવાર ત્યાં ગોળ ગોળ ફરી. માથું ઊંચું કર્યું. ઓફિસરના કપાળની રેખાઓ તંગ બની. શ્રેયા પણ સમજી ગઈ હોય તેમ તેણે એષાને દોરી રહેલા ઓફિસર સામે જોયું. બન્નેની નજર એક થઈ.

ઓફિસરે કહ્યું, “મેડમ છોકરી અહીંથી જ ગુમ થઈ છે.” શ્રેયા કંઈક શોધતી હોય એમ આજુબાજુ જોયું.

શ્રેયાએ રેશ્માને હુકમ કરતાં કહ્યું, “રેશ્મા, અહીં આજુબાજુના અરિયામાં જેટલાં પણ સીસીટીવી કેમેરા હોય તેની કાલ સાંજે પાંચ વાગ્યા પછીની ફૂટેજ ચેક કરાવ અને કંઈ પણ શંકાસ્પદ જણાય તો મને જાણ કર.

“મનોજ, કાલથી આ અરિયામાં એક્ટીવ તમામ ફોનની ડીટેલ મારે જોઈએ. આખા અમદાવાદના તમામ ફોનનું ટ્રેકિંગ ચાલુ કરાવ અને રજેરજની માહિતી મને આપ.” મનોજને સંબોધીને કહ્યું.

મનોજે અચકાતાં કહ્યું, “પણ મેડમ, આખા અમદાવાદમાં તો લાખો ફોન હશે... બધાનું ટ્રેકિંગ કરાવવું...”

શ્રેયાએ કડક અવાજે કહ્યું, “જેટલું કહ્યું એટલું કર.”

બંને જી મેડમ કહી નીકળી ગયા.

શ્રેયાએ રેશ્માને સાદ પાડ્યો, “રેશ્મા, ટ્રેનરનું સરનામું મળ્યું?”

રેશ્માએ કહ્યું, “જી મેડમ.”

શ્રેયાએ કહ્યું, “મને વ્હોટસ અપ કરી આપ.”

રેશ્મા જી મેડમ કહી નીકળી ગઈ.

ડોગ સ્ક્વોડ ઓફિસરે શ્રેયાને પૂછ્યું, “મેડમ. હું હવે જઈ શકું?”

શ્રેયાએ હંમ નો હુંકાર કરી થેંક યુ કહ્યું.

શ્રેયાના મોબાઈલમાં મેસેજ એલર્ટની ટોન વાગી. તેણે મેસેજ વાંચ્યો અને પોતાની ગાડી તરફ આગળ વધી. ગાડીમાં બેસી ડ્રાઈવરને કહ્યું, “રાણીપ લઈ લે.”