શ્યામાને ખ્યાલ આવી ગયો હતો કે માયા એટલી હદે નયનને ચાહતી હતી કે એ એને પામવા માટે એણે ખૂબ મહેનત પણ કરી હતી, નયનની બધી વાતોનું ધ્યાન રાખતી હતી, એમનો ઝગડો ક્યારે એના મનમાં પ્રેમ બનીને ઉભરી આવ્યો એની માયાને ખબર ન પડી, નયન એમનાં ઝઘડાને સાવ હળવો લઈને જતો રહેતો પરંતુ માયા એ ઝગડામાં એની સાથેની યાદો ભેગી કરતી હતી, એને ખબર હતી કે નયન થોડા દિવસમાં ન્યુઝીલેન્ડ પાછો જતો રહેવાનો હતો છતાંય એ ગમે તે બહાને એના સંપર્કમાં રહેતી હતી, શ્યામા અને શ્રેણિકના લગ્નની ચોરી હોય કે શ્યમાની વિદાય એ કોઈના કોઈ બાબતે એની જોડે વાત કરીને એને હેરાન કરતી અને એનું મગજ ખાતી, છેલ્લે તો નયનને પણ ક્યાંક એના માટે ક્યાંક ભીની લાગણી છવાઈ ગઈ હતી પરંતુ એ બહુ જ પ્રેક્તિકલ હતો, એને ખબર હતી કે માયા એનું ભવિષ્ય નથી, એને ન્યુઝીલેન્ડની સ્થાનિક છોકરી જ જોઈતી હતી જે એના બીઝનેસને સાંભળી શકે.
બીજી બાજુ માયા જે ભલે એના પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી પરંતુ એનું ભવિષ્ય એને સરકારી નોકરી કરીને દેશની સેવા કરવામાં જ હતું, એને બહાર દેશ જવાનું જરાય પસંદ નહોતું માટે એ નયનને એની લાગણી કહી ના શકી, જે ગામ જવું નહિ એ બાજુ જોવાની વાત જ ખોટી એમ માની એણે નયનને પોતાની વાત કહી નહિ અને શ્યામાના લગ્નના દિવસે એ નયનને પોતાના દિલની વાત કહેવા એની જોડે ગઈ પરંતુ એ વખતે એણે નયનને કોઈ છોકરી જોડે ફોન પર વાત કરતા સંભાળ્યો એને થોડી ઈર્ષ્યા પણ થઈ ને એના કારણે એને ગુસ્સો આવી ગયો અને એ પોતાના મનની વાત કહ્યા વગર પાછી ફરી ગઈ.
ન્યૂઝીલેન્ડ ગયા બાદ નયને એની ઓફિસની સેક્રેટરી સાથે લગ્ન કરી લીધા હતા, શરૂઆતમાં તો બધું સારું ચાલ્યું પરંતુ ધીમે ધીમે સેક્રેટરીના બધા રંગ દેખાવા માંડ્યા, એને નયનને પોતાની જાળમાં ફસાવીને એના પૈસા હડપવા કાવતરું રચીને લગ્ન કરી લીધા હતા, નયન પણ એની જાળમાં ફસાઈ ગયો, ગોરી ચામડી અને મીઠી બોલીના સંકજામાં એ એ એવો ફસાઈ ગયો હતો કે એ બધી રીતે બરબાદ થઈ ગયો, એનો જામેલો બિઝનેસ એ સેક્રેટરી પચાવી પડેલો, એનું ઘર પણ એને લઈ લીધું હતું, લગ્ન સંબધ પણ માત્ર કહેવા પૂરતો રહ્યો હતો છેલ્લે કંટાળીને નયને બધી વાત શ્રેણીક અને શ્યામાને કહી, એ બન્નેએ એના ચુંગાલમાંથી બચાવવા બધા પ્રયત્ન કર્યા અને છેલ્લે ડિવોર્સ અપાવ્યા અને એનાથી માંડ છુટકારો મળ્યો.
આ બધું ઘટી ગયો એમાં નયન ખૂબ બદલાઈ ગયો હતો, એ ઠરેલ રહી ગયો હતો, એને જીવનના પાઠ શીખી લીધા હતા, એનું બચપણું નેવે મૂકાઈ ગયું અને શાણપણ આવી ગયું હતું, જ્યાં ને ત્યાં ગમે તેમ બોલી નાખવું, ઝગડી પડવું એ બધું તો જાણે એની ડિક્ષનરીમાંથી ડિલીટ થઈ ગયું હતું, એ પહેલાં જેવો અળવીતરો નયન મટીને શ્રેણિકનો નવો બિઝનેસ પાર્ટનર બની ગયો હતો, એનો પોતાનો ધંધો તો ચોપટ થઈ ગયો હતો પરંતુ શ્રેણિકે એનો સાચા સમયે સાથ આપ્યો અને એનો બિઝનેસ પાર્ટનર બનાવીને પાક્કી દોસ્તી નિભાવી હતી.
માયાને આ બધી વાતની કોઈ જાણ નહોતી એને માત્ર એટલી ખબર હતી કે નયને એની સેક્રેટરી સાથે લગ્ન કરી લીધા હતા, એ વાતથી એનું દિલ સાવ તુટી ગયું હતું ,એને મનોમન એકલા રહેવાનો નિર્ણય લઈ લીધો હતો, એ શ્યામાને પણ કઈ જ કહી ના શકી, શ્યામા હવે ઇન્ડિયા આવી છે તે બંને વચ્ચે કઈ વાત થાય અને એના મનની વાતને વાચા મળે તો સારું!
પરંતુ શ્યામા અને શ્રેણિકના ફરી લગ્ન લેવાનો અવસર, ઘરમાં ફરી ધમાલ આ બધામાં બન્ને બહેનપણીઓને શાંતિથી વાત કરવાનો સમય ક્યાં? હવે તો પંદર દિવસમાં બધી તૈયારીઓ કરવાની એટલે માયાને એક આશા હતી એ પણ નિરાશામાં ફેરવાઈ ગઈ, એ શ્યામાની ખુશીમાં કોઈ ભંગ પાડવા નહોતી માંગતી માટે એણે સ્મિત સાથે જાણે મૌન ધારણ કરી લીધું હતું.
ક્રમશઃ